મમતાએ ફરીથી વિપક્ષી એકતા રચવાના પ્રયાસોમાં પંક્ચર પાડયું
- નાગરિકતા કાયદાના વિરોધ માટે રણનીતિ ઘડવા સોનિયા ગાંધીએ બોલાવેલી બેઠકમાં ભાગ લેવાનો મમતા બેનરજીનો ઇન્કાર
- પશ્ચિમ બંગાળમાં ભાજપ સામે લડવા માટે મમતા બેનરજીએ નાગરિકતા કાયદા અને એનઆરસીને મુખ્ય હથિયાર બનાવ્યા છે અને રાજ્યમાં ભાજપની વધી રહેલી તાકાત સામે પોતાની ગાદી બચાવવા માટે તેમણે એકલે હાથે લડયા વિના છૂટકો નથી
એક તરફ વિપક્ષી દળો નાગરિકતા કાયદાના મુદ્દે મોદી સરકારને ઘેરવાના પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનરજીએ અલગ જ સૂર આલાપ્યો છે. નાગરિકતા કાયદાના વિરોધને વધારે ઉગ્ર બનાવવા કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીએ ૧૩મી જાન્યુઆરીએ વિપક્ષી દળોની બેઠક બોલાવી છે પરંતુ મમતા બેનરજીએ આ બેઠકમાં ભાગ લેવાનો ઇન્કાર કરી દીધો છે.
સોનિયા ગાંધી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં એનસીપી પ્રમુખ શરદ પવાર, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, ડીએમકે પ્રમુખ એમ.કે. સ્ટાલિન સહિત વિપક્ષના કદાવર નેતાઓ ભાગ લેવાના છે. આ બેઠકમાં નાગરિકતા કાયદા તેમજ અન્ય મુદ્દે મોદી સરકારને ઘેરવા માટે રણનીતિ તૈયાર થવાની છે. નાગરિકતા કાયદામાં થયેલા સંશોધનના વિરોધમાં દેશભરમાં પ્રદર્શનો યોજાઇ રહ્યાં છે અને વિપક્ષી દળોને મોદી સરકાર પર પ્રહાર કરવાનો એક મોટો મુદ્દો મળી ગયો છે ત્યારે મમતા બેનરજીના વલણે વિપક્ષી એકતામાં તિરાડ પાડી દીધી છે.
મમતા બેનરજીએ બુધવારે બંગાળમાં વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાનો હવાલો આપીને કોંગ્રેસ અને ડાબેરી પક્ષો પર રાજ્યમાં ડર્ટી પોલિટિક્સ રમવાનો આરોપ મૂક્યો છે. મમતાએ વિપક્ષને બીજો ઝાટકો પણ આપ્યો છે. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીએ રાજ્યમાં નાગરિકતા કાયદો લાગુ ન કરવા માટે એક સર્વપક્ષીય પ્રસ્તાવ આગળ વધારવાનો નિર્ણય લીધો હતો પરંતુ પશ્ચિમ બંગાળની વિધાનસભાના સ્પીકર બીમન બેનરજીએ આ બિલને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો. સ્પીકરનું કહેવું છે કે રાજ્ય સરકારે પહેલેથી જ નાગરિકતા કાયદાનો વિરોધ કરવા સંદર્ભે નિર્ણય લઇ લીધો છે એવામાં આવા પ્રસ્તાવની કોઇ જરૂર નથી.
એવું જરાય નથી કે મમતા બેનરજી નાગરિકતા કાયદાને લઇને કૂણા પડયાં છે કારણ કે આ કાયદામાં થયેલા સંશોધન તેમજ એનઆરસીને લઇને તેમણે ઘણાં સમય પહેલાંથી કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ આકરું વલણ અખત્યાર કર્યું છે. મમતા બેનરજીએ કહ્યું છે કે તેઓ નાગરિકતા કાયદા, એનઆરસી અને એનપીઆર વિરુદ્ધની લડત ચાલુ રાખશે પરંતુ બંધ અને હિંસક પ્રદર્શનોનું સમર્થન નહીં કરે. હકીકતમાં મમતા બુધવારે ટ્રેડ યુનિયનોના બંધના એલાનના સમર્થન માટે કોંગ્રેસ અને ડાબેરીઓ પર નારાજ છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે જે લોકોનું કોઇ રાજકીય અસ્તિત્ત્વ રહ્યું નથી એવા લોકો બંધના રાજકારણથી રાજ્યની અર્થવ્યવસ્થાને બરબાદ કરવાના પ્રયાસ કરે છે અને તેમની સરકાર કોઇ પણ પ્રકારના બંધના વિરોધમાં છે.
આમ તો છેલ્લા ચાર મહિનાથી મમતા બેનરજીએ એનઆરસી તેમજ નાગરિકતા કાયદાને લઇને કેન્દ્ર સરકાર વિરુદ્ધ મોરચો માંડી દીધો છે. પરંતુ તેમના આ વિરોધને તેઓ એકલે હાથે જ અંજામ સુધી પહોંચાડવા માંગે છે. તેમણે નાગરિકતા કાયદામાં થયેલા સંશોધનના વિરોધમાં પાંચ કિલોમીટર લાંબી પદયાત્રા પણ યોજી. એ સાથે જ તેમણે શુક્રવારથી રાજ્યમાં તૃણમુલ કોંગ્રેસના નોનસ્ટોપ ધરણાની જાહેરાત પણ કરી દીધી છે. આમ તો મમતા બેનરજીને આ મુદ્દે વિપક્ષથી અલગ થવાનું બહાનું જ જોઇતું હતું અને ભારત બંધ દરમિયાન થયેલા હિંસાના બનાવોએ તેમને એ મોકો પૂરો પાડયો છે.
હકીકતમાં મમતા બેનરજીએ ભાજપ વિરુદ્ધ લડવા માટે પહેલા એનઆરસી અને હવે નાગરિકતા કાયદાને મુખ્ય હથિયાર બનાવ્યા છે. તો ભાજપ આ જ હથિયારો વડે મમતાને મ્હાત આપવા ધારે છે. આમ પણ પાડોશી બાંગ્લાદેશમાથી ગેરકાયદે ઘૂસણખોરી કરતા લોકો પ્રત્યે મમતા બેનરજીનું વલણ નરમ રહ્યું છે. મમતા બેનરજી કાયમ એનઆરસીનો વિરોધ કરતા આવ્યાં છે અને પશ્ચિમ બંગાળમાં એનઆરસી લાગુ ન કરવાનો નિર્ધાર વ્યક્ત કરી ચૂક્યાં છે. તેમના આ વલણને લઇને જ ભાજપ મમતા બેનરજી પર આરોપ મૂકે છે કે તેઓ બંગાળમાં અને ખાસ કરીને કોલકાતામાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને વસાવીને તેમની વોટબેંક મજબૂત કરવા માંગે છે પરંતુ આ ઘૂસણખોરો જ રાજ્ય અને દેશ માટે ખતરાસમાન છે. આ બાબતોએ રાજ્યના સ્થાનિકો અને ખાસ કરીને હિન્દુ મતદારોના મનમાં નકારાત્મક છાપ ઊભી કરી છે. ગરીબી અને બેરોજગારી સામે ઝઝૂમી રહેલા બંગાળમાં ભાજપે સત્તામાં આવે તો એનઆરસી લાગુ કરીને ગેરકાયદેસર ઘૂસણખોરોનો દેશનિકાલ કરવાનો વાયદો કર્યો છે.
આમ તો ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતથી જ બંને વચ્ચેની કડવાશ સતત વધતી રહી છે.
નોટબંધી અને જીએસટી જેવા મુદ્દાઓ પર મમતા બેનરજીનો જોરદાર વિરોધ અને પશ્ચિમ બંગાળમાં ભાજપના વધી રહેલા પ્રભાવે બંને પક્ષો વચ્ચેના વિવાદને વધારવામાં મોટી ભૂમિકા ભજવી. અનેક મુદ્દે મમતા બેનરજી વડાપ્રધાન મોદી અને અમિત શાહ ઉપર સતત હુમલા કરતા રહ્યાં છે. તો બીજી બાજુ વડાપ્રધાન અને અમિત શાહ પણ મમતા બેનરજી ઉપર લગાતાર હુમલા કરતા રહ્યાં છે.
ગયા વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણી દરમિયાન અને પરિણામો પછી પણ ભાજપ અને તૃણમુલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણો થઇ હતી. જોકે લોકસભાની ચૂંટણીમાં ભાજપે મમતા બેનરજી અને તેમની તૃણમુલ કોંગ્રેસને જોરદાર ઝાટકો આપ્યો. છેલ્લા ઘણાં વર્ષોથી પશ્ચિમ બંગાળમાં રાજકીય અસ્તિત્ત્વ માટે સંઘર્ષ કરી રહેલા ભાજપને વડાપ્રધાન મોદી અને અમિત શાહની જોડીના સહારે આખરે મમતા બેનરજીના ગઢમાં મોટું ગાબડું પાડવામાં સફળતા મળી. રાજ્યની ૪૨ લોકસભા બેઠકોમાંથી ભાજપે ૧૮ બેઠકો પર વિજય મેળવ્યો તો તૃણમુલ કોંગ્રેસની બેઠકો ૩૪થી ઘટીને ૨૨ થઇ ગઇ. એટલું જ નહીં, બંગાળમાં ભાજપના જનાધારમાં પણ જંગી વધારો થયો છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપની તરફેણમાં આવેલા પરિણામોએ મમતા બેનરજીની ચિંતામાં મોટો વધારો કરી દીધો છે. આવતા વર્ષે યોજાનારી બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં તેમના માટે ભાજપ ભારે ખતરાસમાન બની ગયું છે. હકીકતમાં ભાજપનું આગામી લક્ષ્યાંક હવે મમતા બેનરજીની ગાદી પર કબજો મેળવવાનું જ છે. આમ પણ પૂર્વોત્તરના રાજ્યોમાં ભાજપે છેલ્લા થોડા સમયથી જોરદાર સપાટો બોલાવ્યો છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપના ધમાકેદાર પ્રદર્શને બે વર્ષ બાદ યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસ માટે સૌથી મોટો ખતરો બનાવી દીધાં છે. આમ પણ અમિત શાહ અગાઉ કહી ચૂક્યાં છે કે લોકસભાની ચૂંટણી તો તેમના માટે સેમીફાઇનલ છે અને ફાઇનલ તો વિધાનસભાની ચૂંટણી જ છે. લોકસભાની ચૂંટણીમાં સાંપડેલી નિરાશા બાદ ૨૦૨૧ની લડાઇ મમતા બેનરજી માટે અસ્તિત્ત્વ ટકાવી રાખવાનો સંઘર્ષ સાબિત થવાની છે.
એક સમયે વડાપ્રધાન બનવાના સપના સેવી રહેલા મમતા બેનરજી માટે હવે પશ્ચિમ બંગાળની ગાદી સંભાળી રાખવા પ્રાથમિકતા બની ગઇ છે. અત્યારે તેઓ કોંગ્રેસ અને ડાબેરીઓ પર નાગરિકતા કાયદા અને એનઆરસીનો રાજકીય લાભ લેવાના આરોપ મૂકી રહ્યાં છે પરંતુ હકીકત એ છે કે આ મુદ્દાઓ પર વિપક્ષથી અલગ રહેવાનું તેમનું વલણ જ દર્શાવે છે કે તેઓ પણ આનો રાજકીય લાભ લેવા જ ધારે છે. આમ પણ પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ માટે ભાજપ જેટલા જ કટ્ટર શત્રુઓ કોંગ્રેસ અને ડાબેરીઓ છે. એવામાં નાગરિકતા કાયદા કે એનઆરસીના મુદ્દે તેઓ તેમની સાથે આવીને લોકોમાં ખોટો સંદેશ જાય એવું નથી ઇચ્છતા.
આ પહેલી વખત નથી કે મમતા બેનરજીએ વિપક્ષી એકતા રચવાના પ્રયાસોમાં પંક્ચર પાડયું હોય. ગયા વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા પણ વિપક્ષો જ્યારે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટક્કર આપવા માટે મહાગઠબંધન રચવા પ્રયાસો કરી રહ્યાં હતાં ત્યારે પણ મમતાએ જુદો જ માર્ગ લીધો હતો. એ વખતે તેઓ કોંગ્રેસના તત્કાલિન અધ્યક્ષ રાહુલ ગાંધી કે પછી શરદ પવાર અને માયાવતી સાથે આવીને પોતાનું કદ નાનું કરવા નહોતા ઇચ્છતાં કારણ કે ત્યારે તેમની મહત્ત્વાકાંક્ષા વડાપ્રધાનપદ પામવાની હતી.
હવે અત્યારે પણ જ્યારે નાગરિકતા કાયદા તેમજ એનઆરસી તેમજ એનપીઆરના વિરોધની નેતાગીરી સોનિયા ગાંધીએ ઉપાડી છે ત્યારે તેઓ વિપક્ષની સાથે જુનિયર ભાગીદાર તરીકે રહેવા માંગતા નથી.
વળી, મહારાષ્ટ્રમાં તાજેતરમાં ખેલાયેલા રાજકારણ બાદ શરદ પવારનું કદ પણ પહેલા કરતા વધી ગયું છે. એવામાં વિપક્ષની સાથે રહીને તેઓ સોનિયા ગાંધી કે શરદ પવાર કરતા નાના કદના નેતા બની રહે એવું તે ઇચ્છતા નથી.
મમતા બેનરજી વિશે કહેવાય છે કે તેઓ આજીવન ચળવળકર્તા રહ્યાં છે અને તેમની તમામ રણનીતિ તેમના આ ચળવળકર્તા તરીકેના રૂપને ઉભારવા માટે જ ઘડાતી હોય છે. ભૂતકાળ જોઇએ તો ૧૯૯૩માં રોયટર્સ માર્ચ કે પછી ૨૦૦૮માં સિંગૂર આંદોલન વખતે મમતા બેનરજીએ આક્રમક ચળવળકાર તરીકે જ રાજકારણમાં પોતાની ભૂમિકા પ્રસ્થાપિત કરી છે. ગયા વર્ષે કોલકાતાના તત્કાલિન પોલીસ કમિશનર રાજીવ કુમાર વિરુદ્ધની સીબીઆઇ તપાસના વિરોધમાં પણ ધરણા કર્યાં હતાં.
એ વખતે મમતાએ આહ્વાન કર્યું હતું કે તેઓ દેશને બચાવવા લડત લડી રહ્યાં છે અને એમાં તમામના સહયોગની અપેક્ષા છે ત્યારે તમામ વિપક્ષો તેમના પડખે ઊભા રહ્યાં હતાં.
જોકે બદલાયેલા પરિપ્રેક્ષ્યમાં મમતા બેનરજીએ ફરી વખત વિપક્ષની સાથે જવાનું મુનાસિબ નથી સમજ્યું અને મોદી સરકાર વિરુદ્ધની લડતને પોતાની રીતે જ લડવાનો નિર્ધાર કર્યો છે. તેમના આ પગલાનો બંગાળના રાજકારણમાં કેવો ફાયદો મળે છે એ તો ભવિષ્યમાં ખબર પડશે પરંતુ હાલ તો એટલું ચોક્કસ છે કે તેમના વલણથી વિપક્ષી એકતાને મોટો ફટકો જરૂર પડયો છે.