કરતારપુર કૉરિડોરઃ પાકિસ્તાનના બદઇરાદાઓથી સાવધ રહેવાની જરૂર
- શ્રી ગુરુ નાનક દેવજીના 550મા પ્રકાશ પર્વ નિમિત્તે બહુચર્ચિત કરતારપુર કૉરિડોર ખુલ્લો મૂકાશે
- શીખો માટે અતિ પવિત્ર સ્થળ હોવાના કારણે તેમની લાગણીનો ખ્યાલ રાખવો જરૂરી છે પરંતુ પાકિસ્તાન આ કૉરિડોરનો ઉપયોગ તેના નાપાક ઇરાદાઓને અંજામ આપવા ન કરે એ માટે સુરક્ષા એજન્સીઓએ સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી છે
પાકિસ્તાનના કરતારપુર ખાતે શ્રી ગુરુ નાનક દેવજીના ૫૫૦મા પ્રકાશ પર્વની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે અને ૯ નવેમ્બરે કરતારપુર કૉરિડોરનું ઉદ્ઘાટન થવાનું છે. ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનમાં ઇમરાન ખાન આ કૉરિડોરનું ઉદ્ઘાટન કરશે. જોકે ઉદ્ઘાટન પહેલાં જ પાકિસ્તાને જે નાટકો આદર્યાં છે એનાથી તેના ઇરાદાઓ પર શંકા જન્મે છે. એવી આશંકા વ્યક્ત થઇ રહી છે કે પાકિસ્તાન આ કૉરિડોરનો ઉપયોગ ભારતમાં આતંકવાદીઓ સપ્લાય કરવા માટે કરી શકે છે. આમ પણ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને છેલ્લા થોડા સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે જે રીતે નીચાજોણું થયું છે એ જોતાં તે કોઇ નવું અટકચાળું કરી શકે છે.
કરતારપુર શીખો માટે સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે. શીખોના પ્રથમ ગુરુ, ગુરુ નાનક દેવજીનું નિવાસસ્થાન કરતારપુર ખાતે હતું. ગુરુ નાનકે પોતાના જીવનના અઁતિમ ૧૭ વર્ષ પાંચ મહિના અને ૭ દિવસ અહીંયા પસાર કર્યાં હતાં. તેમનો પરિવાર પણ અહીંયા આવીને વસી ગયો હતો. તેમના માતાપિતાનો દેહાંત પણ અહીંયા જ થયો હતો. એ દૃષ્ટિએ કરતારપુર શીખો માટે ભારે મહત્ત્વ ધરાવે છે. બાદમાં તેમની યાદમાં અહીંયા એક ગુરુદ્વારા બનાવવામાં આવ્યું જે કરતારપુર સાહિબ તરીકે પ્રખ્યાત છે.
ભાગલા બાદ કેટલાંય ગુરુદ્વારા પાકિસ્તાનની સરહદમાં જતાં રહ્યાં હતાં. આવા ગુરુદ્વારામાં પંજા સાહિબ, નનકાના સાહિબ, ડેરા સાહિબ અને કરતારપુર સાહિબ મુખ્ય છે. આ ગુરુદ્વારાઓમાં ભારતીયોના જવા ઉપર પ્રતિબંધ લાગી ગયો હતો. જોકે હવે કૉરિડોર બનતા કરતારપુર સાહિબ જવા માટે સ્લીપ આપવામાં આવશે જેના ઉપર સાંજ સુધીમાં દર્શન કરીને પરત ફરવાનું રહેશે.
કરતારપુર ગુરુદ્વારા શીખોનું પહેલું ગુરુદ્વારા માનવામાં આવે છે જેનો પાયો ગુરુ નાનક દેવે નાખ્યો હતો. જોકે રાવી નદીના પુરમાં તે ક્ષતિગ્રસ્ત થઇ ગયું હતું. બાદમાં વર્તમાન ગુરુદ્વારા મહારાજા રણજિત સિંહે બંધાવ્યું હતું. એવું કહેવાય છે કે આ વિસ્તારના ગવર્નર દૂની ચંદે ગુરુ નાનક દેવે ૧૦૦ એકર જમીન દાનમાં આપી હતી. ગુરુ નાનક દેવે અહીંયા વસવાટ કરીને એક નાની ઇમારતનું નિર્માણ કરાવ્યું હતું. આ જ સ્થળે તેમણે જમીન ખેડી અને અનેક પાક પણ લણ્યાં. ૧૯૯૫માં પાકિસ્તાન સરકારે ગુરુદ્વારાના કેટલાંક ભાગોનું સમારકામ પણ કર્યું હતું.
શીખો માટે અતિ પવિત્ર સ્થળ હોવા છતાં સમસ્યા એ છે કે કરતારપુર ભારતીય સરહદથી ચાર કિલોમીટર દૂર પાકિસ્તાનના નરોવાલ જિલ્લામાં સ્થિત છે. લાંબા સમયથી માંગ થઇ રહી હતી કે શ્રદ્ધાળુઓ માટે એક કૉરિડોર બનાવવામાં આવે જેના દ્વારા કોઇ વિઝા કે ખાસ પરવાનગી વિના પણ દર્શન માટે ત્યાં જઇ શકાય. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીની લાહોર બસયાત્રા વખતે પણ આ યોજના માટે વિચારણા થઇ હતી.
અત્યાર સુધી કરતારપુર સાહિબના દર્શન ગુરદાસપુરના ડેરા બાબા નાનક ખાતેથી દૂરબીન દ્વારા જ થઇ શકતા હતાં. બંને સ્થળો વચ્ચે ચાર કિલોમીટરમાં જંગલ પથરાયેલું છે જ્યાં હાથીઘાસ ઉગી નીકળે છે. આ ઘાસ વખતોવખત પાકિસ્તાની સેના દ્વારા કાપી નાખવામાં આવે છે કે જેથી કરીને દૂરબીન વડે દર્શન કરવામાં કોઇ અંતરાય ન નડે. કૉરિડોર શરૂ થયા બાદ શ્રદ્ધાળુઓને સરહદની મર્યાદા નહીં નડે અને દૂરબીન વડે દર્શન કરવાના બદલે શ્રદ્ધાળુઓ સીધા ગુરુદ્વારા જઇને માથુ ટેકવી શકશે.
કરતારપુર કૉરિડોરના મામલે પાકિસ્તાન શરૂઆતથી જ જે રાજકારણ કરી રહ્યું છે એમાં જ તેની નાપાક મંશાનો ખ્યાલ આવી જાય છે. પોતાની ઉદાર છબિ દેખાડવા મથતા પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને ગયા જ અઠવાડિયે એવી જાહેરાત કરી હતી કે કરતારપુર આવવા માંગતા લોકોએ પાસપોર્ટ સાથે રાખવાની જરૂર નથી. પરંતુ પાકિસ્તાની સેનાએ શ્રદ્ધાળુઓ માટે પાસપોર્ટ સાથે રાખવો અનિવાર્ય હોવાનું જણાવીને ફરી વખત સાબિત કર્યું છે કે પાકિસ્તાનમાં વડાપ્રધાન કરતા પણ સેના જ સર્વોપરિ છે. જોકે ભારતના વિદેશ ખાતાએ તો અગાઉથી સ્પષ્ટતા કરી જ દીધી હતી કે તે શ્રદ્ધાળુઓ પાસે પાસપોર્ટ હોવાની શરત નહીં દૂર કરે.
હકીકત એ છે કે પાકિસ્તાન પોતાની સરહદમાં પ્રવેશતા ભારતીયો માટે નિયમોમાં ઢીલ મૂકવાના આડંબર હેઠળ આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડવાની યોજના બનાવી રહ્યું છે અને આ વાત ભારતીય ગુપ્તચર એજન્સીઓના ધ્યાનમાં આવી ગઇ છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે આ મામલે શરૂઆતથી જ સ્પષ્ટ વલણ દાખવતા કહ્યું છે કે પાકિસ્તાનની નિયત પર આંખો બંધ કરીને ભરોસો કરી શકાય એમ નથી.
તેમણે કરતારપુર કૉરિડોરના નિર્માણ સમયથી જ ચેતવણી આપી છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ એનો ઉપયોગ પંજાબમાં ફરી વખત આંતકવાદ વકરાવવા કરી શકે છે. એ સંજોગોમાં ભારતે અત્યંત સાવધ રહીને સુરક્ષાના મામલે જરાય કચાશ દાખવવાની જરૂર નથી.
પાકિસ્તાનના બદઇરાદાનો એ વાતે ખ્યાલ આવે છે કે કૉરિડોર ખુલવાના થોડા દિવસો પહેલાં જ તેણે એક વીડિયો જાહેર કર્યો જેમાં ખાલિસ્તાન અલગતાવાદી આંદોલનના બેનર અને માર્યા ગયેલા ત્રણ અલગતાવાદીઓની તસવીરો દર્શાવી છે. ચાર મિનિટના આ વીડિયોમાં કેટલાંક શીખ શ્રદ્ધાળુઓ પાકિસ્તાનમાં એક ગુરુદ્વારા તરફ જતાં દેખાઇ રહ્યાં હતાં અને પૃષ્ઠભૂમિમાં ખાલિસ્તાન ૨૦૨૦ લખેલું પોસ્ટર દેખાતું હતું.
એ સાથે જ પોસ્ટરમાં ખાલિસ્તાનવાદી નેતાઓ જરનૈલસિંહ ભિંડરાવાલે, મેજર જનરલ શાબેગ સિંહ અને અમરિકસિંહ ખાલસાને દર્શાવવામાં આવ્યાં હતાં. ભિંડરાવાલે દમદમી ટકસાલ નામના સંગઠનનો વડો હતો જેણે શીખો માટે અલગ દેશની માંગ કરતા આંદોલનને હિંસક સ્વરૂપ આપ્યું હતું તો મેજર જનરલ શાબેગ સિંહ ભારતીય સેનાના અધિકારી હતાં જે બાદમાં ભિંડરાવાલે સાથે જોડાઇ ગયા હતાં. એ જ રીતે અમરિકસિંહ ખાલસા પણ ખાલિસ્તાની આંદોલનનો નેતા હતો.
આટલું ઓછું હોય એમ પાકિસ્તાને હવે એવો દાવો પણ કર્યો છે કે ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન ભારતે આ ગુરુદ્વારા ઉપર બોમ્બ પણ વરસાવ્યા હતાં. મળતી જાણકારી મુજબ પાકિસ્તાને આ પવિત્ર સ્થળે એક શોકેસમાં એક બોમ્બ ડિસપ્લે કર્યો છે અને દાવો કર્યો છે કે ભારતીય વાયુસેનાએ ગુરુદ્વારા સાહિબ ઉપર આ બોમ્બ ફેંક્યો હતો પરંતુ આ બોમ્બ શ્રી ખૂ સાહિબ નામે ઓળખાતા પવિત્ર કુવામાં પડયો હતો. આમ ખાલિસ્તાનવાદીઓને આગળ ધર્યા બાદ પાકિસ્તાને એક ઓર જુઠ્ઠાણું ચલાવ્યું છે. જાણકારોના મતે પાકિસ્તાન દુનિયાભરમાં રહેલા શીખ સમુદાયના લોકોને ભારત વિરુદ્ધ ભડકાવવા ઇચ્છે છે એટલા માટે ભારતે સાવધાની રાખવાની જરૂર છે.
આમ પણ પાકિસ્તાન છેલ્લાં થોડા વર્ષોથી ખાલિસ્તાન આંદોલનને પાછું ભડકાવવા માટે મથી રહ્યું છે જેના કારણે ઘણાં લોકોએ તો આ યોજનાનો શરૂઆતથી જ વિરોધ કર્યો છે. બ્રિટન, કેનેડા, જર્મની અને અમેરિકા જેવા દેશોમાં ખાલિસ્તાનવાદી તત્ત્વોને પ્રોત્સાહન આપવાનું કામ પાકિસ્તાન છેલ્લાં બેત્રણ દાયકાથી કરી રહ્યું છે અને હાલમાં તેના આ પ્રયાસો વધારે તેજ બન્યાં છે. પોતાની નાપાક હરકતોને અંજામ આપવા માટે જ પાકિસ્તાને કરતારપુર કૉરિડોર મામલે ઉતાવળ કરી હોવાનું પણ જાણકારોનું માનવું છે.
વળી કરતારપુર કૉરિડોર પાકિસ્તાનની ખસ્તાહાલ અર્થવ્યવસ્થા માટે પણ નસીબવંતો પુરવાર થાય એમ છે. આમ પણ પાકિસ્તાનમાં આતંકવાદ બાદ જો કોઇ મુદ્દાની ચર્ચા થતી હોય તો તેના ખખડી ગયેલા અર્થતંત્રનો જ નંબર આવે છે. કરતારપુર કૉરિડોર શરૂ થવા માટે શીખોએ ભલે ૭૦ વર્ષ જેટલો લાંબો સમય રાહ જોઇ હોય પરંતુ પાકિસ્તાન માટે આ કૉરિડોર એક બિઝનેસ જ છે. આંતરરાષ્ટ્રીય દેવા હેઠળ દબાયેલા પાકિસ્તાન માટે આ કૉરિડોર તેની અર્થવ્યવસ્થા પુનર્જીવિત કરવા માટે જ છે. ભારતની માંગ છતાં પાકિસ્તાને કરતારપુર જવા માંગતા શ્રદ્ધાળુઓ પાસેથી ૨૦ ડોલરની એન્ટ્રી ફી વસુલવાનું નક્કી કર્યું છે.
કરતારપર કૉરિડોર ખાતેથી પાકિસ્તાને રોજિંદા પાંચ હજાર શ્રદ્ધાળુઓને દર્શન કરવા માટે જવાની પરવાનગી આપી છે મતલબ કે માત્ર એન્ટ્રી ફી દ્વારા જ પાકિસ્તાન રોજના ૭૧ લાખ કરતા વધારે રૂપિયા મેળવશે. દર મહિને આ રકમ ૨૧ કરોડ કરતા વધારે થવા જાય છે અને વર્ષેદહાડે ૨૫૭ કરોડ જેટલી રકમ પાકિસ્તાન એન્ટ્રી ફી દ્વારા જ મેળવશે.
ઉપરાંત શ્રદ્ધાળુઓના ધસારાના કારણે કરતારપુરની આસપાસ અન્ય ઉદ્યોગો વિકસવાની સંભાવના પણ છે. એટલું જ નહીં, આસપાસ વિસ્તારની જમીનના ભાવોમાં પણ ઉછાળો આવવો નક્કી છે. ખરેખર તો કરતારપુર કૉરિડોર જેવા પવિત્ર મુદ્દે પાકિસ્તાન પાસે સદ્ભાવ દેખાડીને બંને દેશો વચ્ચે વ્યાપેલા તણાવને ઓછો કરવાની તક હતી પરંતુ તેણે એ તક ગુમાવી દીધી છે. હાલ તો એ વાતે જ આશ્વાસન મેળવી શકાય એમ છે કે ભારતના શીખ સમુદાયના લોકો તેમના અતિ પવિત્રસ્થાને માથું ટેકવવા જઇ શકશે.