ચીનને પાઠ ભણાવવાનો એક માત્ર ઉપાય વૈશ્વિક બહિષ્કાર
- દુનિયા આખી કોરોના મહામારીના કારણે લાચાર છે ત્યારે ચીનનું અર્થતંત્ર ફરી ધમધમવા લાગ્યું
- શરૂઆતથી એવા દાવા થઇ રહ્યાં છે કે ચીને જ કોરોના વાઇરસ ફેલાવ્યો છે અને કદાચ એવું ન પણ હોય તો પણ કોરોના અંગેની સાચી જાણકારી છુપાવીને તેણે દુનિયાને ગેરમાર્ગે જરૂર દોરી છે અને ચીનના કારણે જ આખી દુનિયા અત્યારે ભયાનક મુસીબતનો સામનો કરી રહી છે
આજે આખી દુનિયામાં કોરોના મહામારીના કારણે રોજના હજારો લોકો સંક્રમણનો ભોગ બની રહ્યાં છે અને સેંકડો લોકોના મૃત્યુ નીપજી રહ્યાં છે ત્યારે ચીનમાં લગભગ બધું થાળે પડી ગયું છે. ચીનમાં જ આ ખતરનાક વાઇરસનો ઉદ્ભવ થયો હતો અને ત્યાંથી જ દુનિયાભરમાં પ્રસર્યો હતો. ચીનને જે વુહાન શહેરમાં આ વાઇરસનો જન્મ થયો હોવાનું કહેવાય છે ત્યાં પણ હવે ફેકટરીઓ અને ઓફિસો ધમધમવા લાગ્યા છે.
કોરોના વાઇરસના કારણે ચીનની અર્થવ્યવસ્થા પડી ભાંગવાની આગાહી જગતભરના વિશ્લેષકો કરતા હતાં પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે ચીનની અર્થવ્યવસ્થા તંદુરસ્ત જણાઇ રહી છે. ગત એપ્રિલ કરતા આ એપ્રિલમાં ચીનની નિકાસમાં ૩.૫ ટકાનો વધારો નોંધાયો છે.
આ સ્થિતિના કારણે હવે લોકોની આશંકા દૃઢ બની રહી છે કે કોરોના વાઇરસ ચીનની લેબમાં જ તૈયાર થયો હતો અને ચીને જ આ વાઇરસને દુનિયાભરમાં ફેલાવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તો આ વાત જાહેરમાં કહી રહ્યાં છે કે તેમની પાસે પુરાવા છે કે ચીનના કારણે જ કોરોના વાઇરસ દુનિયાભરમાં ફેલાયો છે.
ટ્રમ્પે તો એવો આક્ષેપ પણ કર્યો છે કે જ્યારે વુહાનમાં કોરોના વાઇરસ ફેલાવાનો શરૂ થયો ત્યારે ચીની નવું વર્ષ આવી રહ્યું હતું અને વુહાનના લોકો ફરવા માટે બહાર જવા માંગતા હતાં. ત્યારે ચીનની સરકારે વુહાનના લોકોને વિદેશોમાં જવાની પરવાનગી તો આપી દીધી પરંતુ ચીનના જ બીજા પ્રદેશોમાં જવાની મંજૂરી ન આપી. આમ કરીને ચીનની સરકારે કોરોનાને વિશ્વભરમાં ફેલાવવાનું કાવતરું તો નહોતું રચ્યું ને?
શરૂઆતમાં એવું જાણવા મળ્યું હતું કે કોરોના વાઇરસ વુહાનના એક એવા બજારમાંથી ફેલાયો હતો જ્યાં સી ફૂડની સાથે સાથે વન્ય પ્રાણીઓનું માંસ પણ વેચાતું હતું. આ બજારમાં ચામાચિડીયા પણ વેચાતા હતાં જેમાંથી આ વાઇરસનું સંક્રમણ હોવાનું જણાયું હતું. જોકે એ પછી પશ્ચિમી દેશોના મીડિયામાં એવા રિપોર્ટ આવવાના શરૂ થયાં કે કોવિડ-૧૯ નામનો રોગ ફેલાવતો આ કોવિ-૨ નામનો વાઇરસ વુહાન ઇન્સ્ટીટયૂટ ઓફ વાઇરોલોજીમાંથી લીક થયો.
આમ તો આ નવતર કોરોના વાઇરસ ફેલાવાનો શરૂ થયો ત્યારથી જ એટલે કે જાન્યુઆરી મહિનાથી જ સોશિયલ મીડિયાની વેબસાઇટ્સ પર એવી વાતો ચાલી રહી હતી કે ચીનની ખાનગી સૈન્ય પ્રયોગશાળામાં આ વાઇરસ બાયોલોજિકલ વેપન એટલે કે જૈવિક હથિયારના સ્વરૂપમાં બનાવવામાં આવ્યો હતો.
જોકે એ વખતે ઘણાં સંશોધકોએ આ જાણકારી ખોટું હોવાનું જણાવીને રિસર્ચ ટાંક્યા હતાં કે જેમાં આ વાઇરસ પ્રયોગશાળામાં માનવીએ બનાવેલો નહીં પરંતુ કુદરતી જણાતો હતો. આ વાત પર વિશ્વાસ કરવાનું કારણ એ પણ હતું કે વુહાનની પ્રયોગશાળા ગુપ્ત નથી. આ પ્રયોગશાળામાં થતા અનેક રિસર્ચ દુનિયાભરના સાયન્સ મેગેઝિનોમાં છપાતા રહેતા હોય છે. આ ઉપરાંત વુહાનની પ્રયોગશાળામાં થતા રિસર્ચમાં પશ્ચિમના દેશોના સંશોધકો પણ સામેલ થતાં હોય છે. પરંતુ વુહાનની એ લેબોરેટરીની જ એક સંશોધક પ્રોફેસર શી ઝેંગલીના દાવાના આધારે તો કોરોના વાઇરસ આ લેબમાંથી જ ફેલાયો હોવાની શંકા દૃઢ બની.
આ વૈજ્ઞાાનિકે ચામાચિડીયામાં મોજૂદ જુદાં જુદાં વાઇરસ વિશે પોતાની રિસર્ચ ફેબુ્રઆરીમાં જ પ્રકાશિત કરી હતી. શીના જણાવ્યા અનુસાર ચામાચિડીયાના સેમ્પલ લેવા માટે તેઓ ચીનના જુદાં જુદાં વિસ્તારોમાં ફર્યાં અને લગભગ ૨૮ જેટલી ગુફાઓમાં જઇને તેમણે ચામાચીડિયાના મળના સેમ્પલ એકઠા કર્યાં. બાદમાં એ સેમ્પલના આધારે ચામાચિડીયામાં જોવા મળતા વાઇરસોનો એક આખો આર્કાઇવ તૈયાર કરવામાં આવ્યો.
આ આર્કાઇવમાં નવતર કોરોના વાઇરસનો પણ ઉલ્લેખ હતો અને આ વાઇરસ હોર્સશૂ બૅટ નામની ચામાચિડીયાની પ્રજાતિમાં જોવા મળ્યો હતો. પ્રોફેસર શીના દાવા અનુસાર આ વાઇરસ વિશે જાણતા હોવાના કારણે જેવું કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાયું કે તરત તેમણે આ વાઇરસના જૈવિક માળખાને પ્રકાશિત કર્યું જેના આધારે કોરોનાની વેક્સિન બનાવવાની શરૂઆત થઇ શકી.
ચીન અત્યાર સુધી એવો ખુલાસો કરતું આવ્યું છે કે નવતર કોરોના વાઇરસ વુહાનના વૅટ માર્કેટમાંથી ફેલાયો પરંતુ પશ્ચિમના દેશોમાં એવી વાતો જોર પકડી રહી છે કે ચીનનો આ દાવો જ ખોટો છે. એક અહેવાલ મુજબ તો કોવિડ-૧૯ના સંક્રમણના શરૂઆતના ૪૧ કેસોમાંના ૧૩ જણા તો વુહાનના માંસ બજારમાં ગયા જ નહોતા.
એવી જાણકારી પણ સામે આવી રહી છે કે કોરોના વાઇરસનું સંક્રમણ ડિસેમ્બરમાં નહીં પરંતુ નવેમ્બર ૨૦૧૯માં ચાલું થઇ ગયું હતું. જો એવું હોય તો જ ચીનમાં એવા કેસો નોંધાયા હોય જે વુહાનના માંસ બજારમાં ગયા વગર જ કોરોના વાઇરસથી સંક્રમિત થઇ ગયા હોય.
એક રિપોર્ટ એવો પણ સામે આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વુહાન ઇન્સ્ટીટયૂટ ઓફ વાઇરોલોજીમાં કામ કરતી એક ઇન્ટર્ન દ્વારા કોરોના વાઇરસ ભૂલથી લીક થઇ ગયો હતો. આ રિપોર્ટ અનુસાર આ વાઇરસ લોકોમાં ફેલાયો એ પહેલા આ યુવતી સુરક્ષાના નિયમોનું પાલન ન કરવાના કારણે વાઇરસથી સંક્રમિત થઇ ગઇ હતી.
બાદમાં તેના સંપર્કમાં આવીને તેનો મિત્ર પણ કોરોના વાઇરસથી સંક્રમિત થયો એ એ પછી આ વાઇરસ વુહાનના માંસબજારમાં પહોંચ્યો. પરંતુ હવે દુનિયાભરના સંશોધકોની માન્યતા દૃઢ બની છે કે કોરોના વાઇરસ જૈવિક હથિયાર તરીકે જ વુહાનની લેબોરેટરીમાંથી લીક કરવામાં આવ્યો હતો અને એટલા માટે જ ચીન પાસે પહેલેથી આ વાઇરસની જૈવિક રચના મોજૂદ હતી.
જોકે ચીન પશ્ચિમી દેશોના રિપોર્ટોને નકારી કાઢે છે પરંતુ તે પોતે વાસ્તવિકતા છુપાવવામાં અને દુનિયાને છેતરવામાં લાગ્યું છે. ચીનની સરકાર ત્યાંના સંશોધકો કે વિદેશી સંશોધકો દ્વારા કોરોનાના ફેલાવા અંગે કરવામાં આવતા સંશોધનો પર પણ પ્રતિબંધ લગાવી દે છે. ચીનની સરકાર ઇચ્છે છે કે મીડિયા જ નહીં, પરંતુ વૈજ્ઞાનિકો પણ કોરોના વાઇરસની ઉત્પત્તિ અને પ્રસાર વિશે કોઇ શોધખોળ નકરે. ચીની સરકારે નવા સેન્સરશીપ નિયમો જાહેર કર્યા છે જે અનુસાર જે ચીની વૈજ્ઞાાનિક સાર્સ કોવિ-૨ના ઉદ્ગમ અને પ્રસાર અંગે પ્રસારિત કરવા માંગતું હોય તો તેણે પહેલા સરકારની મંજૂરી લેવી પડશે અને સરકારની મંજૂરી મળશે એ પછી જ એ રિપોર્ટ પ્રકાશિત કરી શકાશે.
હજુ તો દુનિયા એ વાતે પણ અચંબિત છે કે અનેક દેશો કોરોનાના સંક્રમણને ખાળી શક્યા નથી. પશ્ચિમના વિકસિત દેશો તો આધુનિક તબીબી સુવિધાઓ હોવા છતાં કોરોના વાઇરસના સંક્રમણ અને એનાથી થતા મૃત્યુ પર અંકુશ મેળવી શક્યા નથી તો પછી ચીને કેવી રીતે આટલી જલ્દી કોરોના પર કાબુ મેળવી લીધો? હકીકતમાં ચીન એટલું ધૂર્ત અને નિર્દય છે કે તે પોતાના હિતો સાધવા ગમે તે હદ સુધી જઇ શકે છે. દુનિયાના દેશો ચીનને જાણે છે એટલા માટે જ કોરોના વાઇરસના ફેલાવા માટે તેને જવાબદાર માની રહ્યાં છે.
ચીનની મથરાવટીને જોતાં એવા આક્ષેપ પણ થયા છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થા નબળી કરવા અને પોતાની અર્થવ્યવસ્થા મજબૂત કરવા માટે ચીને કોરોના વાઇરસના રૂપમાં જૈવિક હથિયારનો ઉપયોગ કર્યો છે. તાજેતરમાં જ ચીને દુનિયાના અનેક દેશોની કોરોના મહામારીના કારણે નબળી પડેલી અર્થવ્યવસ્થામાં ઘૂસ મારવાના પ્રયાસો પણ કર્યાં હતાં અને ચીનના આ પગલાને કારણે જ લોકોની શંકા દૃઢ બની કે કોઇ દેશની અર્થવ્યવસ્થા નબળી કરવા અને પછી તકનો લાભ લઇને એના પર કબજો જમાવવાનું શરૂ કરી દેવાનું ચીનનું કાવતરું તો નથી ને?
ચીને કદાચ જાણી જોઇને કોરોના વાઇરસ ન ફેલાવ્યો હોય પરંતુ કોરોના અંગેની સાચી જાણકારી છુપાવીને તેણે દુનિયાને ગેરમાર્ગે જરૂર દોરી છે. ચીનના કારણે જ આખી દુનિયા અત્યારે ભયાનક મુસીબતનો સામનો કરી રહી છે. એટલા માટે જ અમેરિકાસહિત અનેક દેશો સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી રહ્યાં છે.
જોકે ચીન આવી કોઇ તપાસને મંજૂરી આપે એવું લાગતું નથી. આંતરરાષ્ટ્રીય કાયદા બનાવતી અને એનું પાલન કરાવતી સંસ્થા સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ પણ ચીનનું કંઇ બગાડી શકે એમ નથી. ચીન પોતે યૂ.એન.ની સલામતિ સમિતિનું કાયમી સભ્ય છે અને તેની વિરુદ્ધના કોઇ પણ પ્રસ્તાવને તે વીટો વાપરીને ફગાવી દેશે.