વાવાઝોડા પાછળ કુદરતી નહીં કૃત્રિમ કરામત કારણભૂત છે?
- મહા વાવાઝોડાએ એ વાતનો સંકેત આપ્યો છે કે આવનારા સયમાં કુદરતી આફતની આગાહી વધારે અઘરી બનવાની છે
- વિવિધ સંશોધનોમાં બે વાત સાબિત થઈ છે, સમુદ્રનું વધતું તાપમાન અને હવાનું પ્રદૂષણ બન્ને દરિયામાં ઉદભવતા વાવાઝોડાંને વેગ આપે છે!
૧૯૬૫ પછી એવું પહેલી વખત બની રહ્યું છે કે જ્યારે અરબ સાગરમાં એક પછી એક વાવાઝોડા ઉદ્ભવી રહ્યાં છે. જુલાઈમાં વાયુ, સપ્ટેમ્બરમાં ક્યાર અને નવેમ્બરમાં મહા. આફતના સામાન્ય રીતે બે પ્રકાર છે, કુદરતી અને કૃત્રિમ. વાવાઝોડું એ કુદરતી આફત છે, પાણીની ટાંકી તૂટી પડે તો એ કૃત્રિમ આફત છે.
આ તફાવત સૌ કોઈના મનમાં સ્પષ્ટ હોવાનો. હવે જો કોઈ એમ કહે કે વાવાઝોડુ કુત્રિમ આફત છે તો પહેલી નજરે એવુ કહેનારને પાગલ જાહેર કરી દેવામાં આવે. અલબત્ત, વાવાઝોડુ કુદરતી આફત છે અને કુદરતી જ રહેશે. પરંતુ તેમાં કૃત્રિમતાનું મિશ્રણ થતું જાય છે. કોઈ મનુષ્ય વાવાઝોડું સર્જી ન શકે, પરંતુ દરિયામાં સર્જાતું વાવાઝોડું વધારે આક્રમક બને એવા સંજોગો તો ઉભા કરી જ શકે છે. ઈન ફેક્ટ એવા સંજોગો ઉભા કરી દીધા છે.
એ સંજોગો કઈ રીતે ઉભા થયા એ સમજતાં પહેલા મહા વાવાઝોડું અગાઉના બધા વાવાઝોડાથી કઈ રીતે અલગ પડયું એ પણ તપાસવા જેવુ છે. વાયુ અને ક્યાર વખતે હવામાન ખાતાએ લગભગ સ્પષ્ટ કહી શકાય એવી આગાહી કરી હતી. ક્યારે વાવાઝોડું, કઈ દિશામાં આગળ વધશે, ક્યા વિસ્તારમાં વરસી પડશે, ક્યાંથી પસાર થઈ જશે, ક્યારે નબળું પડશે? વગેરે વગેરે.. વાવાઝોડા વિશે આવી જાણકારી આપી શકાય એટલા માટે દુનિયામાં અનેક હવામાન સંસ્થાઓ સતત કામ કરી રહી છે. ભારતના કાંઠે ઓછા વાવાઝોડા આવે છે, એટલે આપણે તેનાથી ખાસ ટેવાયેલા નથી. અમેરિકાના કાંઠે દર વર્ષે સપ્ટેમ્બરમાં વાવાઝોડાનો હાહાકાર મચતો હોય છે. જાપાન સહિત ઘણા એવા દેશો છે, જેની નિયમિત મહેમાનગતી વાવાઝોડા માણતા રહે છે. પરંતુ મોટા ભાગના કિસ્સામાં વાવાઝોડાનો રસ્તો, ક્ષમતા, વગેરે અગાઉથી માપી શકાતુ હોય છે.
મહા વાવાઝોડાના કિસ્સામાં એવુ બન્યું છે કે દિવસમાં અનેક વખત તેનો રૂટ બદલાતો હતો. શરૂઆતમાં તો એ ગુજરાતના કાંઠેથી ઓમાન તરફ ફંટાવાનું હતું. એ પછી અચાનક બ્રેક મારી અને ગુજરાતના કાંઠા તરફ આગેકૂચ કરી. ત્યારે એ વાવાઝોડું ક્યાં આવશે એ આસાનીથી નક્કી થતું ન હતું. વાવાઝોડું સતત આક્રમક સ્વરૂપ ધારણ કરી રહ્યું હતું, એ વળી અલગ ચિંતાનો વિષય હતો. એ પછી એવી આગાહી આવી કે વાવાઝોડું કાંઠે પહોંચતા પહેલા નબળું પડી જશે, પણ વરસાદ બહુ વરસાવશે. એ પછી આ લખાય છે, ત્યારે સ્થિતિ વધુ એક વખત ફંટાઈ છે. વાવાઝોડું સમુદ્રમાં જ નબળું પડયું છે, વરસાદ પડી રહ્યો છે, પરંતુ વાવાઝોડાએ વળ મુકી દીધો છે અને ઢીલું પડી રહ્યું છે. આખી વાતનો સાર એટલો કે આવા વાવાઝોડાની સતત બદલાતી સ્થિતિ એ પણ મોટો પડકાર છે. જે રીતે કુદરતના ગોઠવાયેલા પર્યાવરણ ચક્રને નુકસાન કરવાની માનવીય પરંપરા આગળ વધી રહી છે એ જોતા ભવિષ્યમાં આવા વધારે વાવાઝોડં માટે તૈયાર રહેવું પડશે.
જે દેશોમાં વારંવાર વાવાઝોડા આવે છે, તેમાં અમેરિકાનો સમાવેશ થાય છે. અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસાએ વાવાઝોડા માટે આખો અલગ વિભાગ રાખ્યો છે. બીજી સંસ્થા અમેરિકાની 'નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફિઅરિક એડમિનિસ્ટ્રેશન (એનઓએએ-નોઆ)' છે, જે પણ દરિયાઈ સપાટી પર વૉચ રાખવાનું છે.
દુનિયાભરના હવામાન વિજ્ઞાાનીઓ પણ વિવિધ કુદરતી પરિબળોનો અભ્યાસ કરતાં રહે છે. એ અભ્યાસમાં વાવાઝોડાં વિશે એવુ તારણ નીકળ્યું છે કે વાવાઝોડા વધારે આક્રમક બને તેની પાછળ પર્યાવરણનું પતન જવાબદાર છે. અને પતન બેશક આપણે પૃથ્વીવાસીઓએ જ કર્યું છે.
વાવાઝોડાને શક્તિશાળી બનાવતું એક પરિબળ તાપમાનમાં વધારો છે. તાપમાનમાં વધારો હવે કોઈ અજાણ્યો વિષય નથી. તાપમાન વધે એટલે વાવાઝોડાં આવે એવુ નથી. સમુદ્રમાં નિયમિત રીતે વાવાઝોડાં પેદા થતા જ હોય છે અને આમ-તેમ ફરીને વિખરાઈ જતા હોય છે. આ વાવાઝોડા કાંઠા તરફ આગળ વધે છે, તેનું કારણ સમુદ્ર સપાટીનું વધી રહેલું તાપમાન છે. વાયુ વખતે જ સંશોધકોએ ચોંકાવનારી માહિતી રજૂ કરી હતી કે જ્યાં વાવાઝોડુ વાયુ પેદા થયુ ત્યાં દરિયાઈ સપાટીનું તાપમાન આસપાસ કરતાં ૩ ડીગ્રી સુધી વધારે હતું.
વાયુ વાવાઝોડા વખતે સંશોધકો એ વાતે સ્પષ્ટ થયા કે તાપમાન અવે વાવાઝોડાને સીધો સબંધ છે.ગરમ વાતાવરણમાં ભેજ વધારે વાર સચવાઈ રહે. એ ભેજ વાવાઝોડાને વધારે મોટું બનાવે અને જ્યારે કાંઠો આવે ત્યારે ત્યાં પ્રચંડ વેગ સાથે ત્રાટકવા ઉપરાંત મોટે પાયે વરસાદ પણ ખાબકે.
આઈઆઈટી ભુવનેશ્વરના પ્રોફેસર વી.વિનોજે નોંધ્યુ છે કે ભારત કાંઠાળો દેશ છે અને હવે દેશના લગભગ તમામ કાંઠા વિસ્તારે આવા વાવાઝોડાથી ટેવાવું પડશે. વાવાઝોડાનું આયુષ્ય લંબાવનારું બીજું પરિબળ હવા પ્રદૂષણ છે. હવા કુદરતની રચના છે, પણ હવા પ્રદૂષણ આપણી રચના છે. મહા પહેલા દેશમાં કોઈ મહા-પ્રશ્ન હોય તો એ દિલ્હી-ઉત્તર ભારત અને ગુજરાતના મોટા શહેરોનું કલુષિત થયેલું હવા પ્રદૂષણ હતું. પ્રદૂષિત હવા વાવાઝોડાને રોકી શકતી નથી, શુદ્ધ હવા રોકી શકે છે. વિજ્ઞાાનનો એ સાદો સિદ્ધાતં છે.
આપણું શરીર પ્રદૂષિત થતું જાય અને રોગપ્રતિકારક શક્તિ ઘટતી જાય, એવી જ સ્થિતિ કુદરતમાં પણ સર્જાય છે.
કુદરતી રીતે પેદા થતાં વાવાઝોડાંનું સામાન્ય રીતે કુદરતી રીતે જ શમન થઈ શકે. એ શમન કરવાનું કામ શક્તિશાળી દરિયાઈ પવનો કરે. રચાઈ રહેલા વાવાઝોડાનો ભેટો પવનો સાથે થાય તો એ ઘણી વખત વિખરાઈ જાય. પણ શક્તિશાળી પવનોને નબળા પાડવાનું કામ હવામાં રહેલું પ્રદૂષણ કરે છે.
વાવાઝોડું-ગરમી- હવામાં અશુદ્ધી એ બધું તો વર્ષોથી છેે. તો અત્યાર સુધી વાવાઝોડા કેમ આક્રમક ન બન્યાં? તેનું કારણ એ છે કે તાપમાન વૃદ્ધિની લિમિટ હવે પૂરી થઈ ગઈ છે. ભારતનો દરિયાકાંઠો એવો છે કે અહીં નિયમિત રીતે સમુદ્રી તોફાન ઉદ્ભવતા નથી. માટે તેનો વિગતવાર અભ્યાસ કરવો પણ અઘરો પડે. જ્યારે અમેરિકાના કાંઠે ત્રાટકતા એટલાન્ટિક ટ્રોપિકલ સ્ટોર્મનો અભ્યાસ થયો છે. એ પ્રમાણે ૧૯૮૨થી ૨૦૦૯ વચ્ચે ઉદ્ભવેલા એટલાન્ટિક હેરિકેન (સાયકલોનનું અમેરિકી નામ) વધારે શક્તિશાળી હતા. અગાઉ ૨-૩ કેટેગરી (ઓછા નુકસાનકારક) વાવાઝોડાં વધારે આવતા હતા. આ ગાળામાં ૪-૫ કેટેગરી (વધારે નુકસાનકારક) વાવાઝોડાં વધારે આવ્યા હતા. ૧૯૬૦થી ૧૯૮૦ સુધીના વાવાઝોડાં કરતા ૧૯૮૦ પછીના વાવાઝોડાં વધારે નુકસનકર્તાં જોવા મળ્યા છે.
મહાસાગર એટલાન્ટિકમાં ઉદ્ભવતા તોફાનમાંથી દરેક તોફાન કાંઠે ચક્રવાત સ્વરૂપે ત્રાટકે તેની સંખ્યા પણ વધી રહી છે.
જેમ કે ૧૯૬૬થી ૨૦૦૯ વચ્ચે દર વર્ષે સરેરાશ ૧૧ દરિયાઈ તોફાન પેદા થતાં હતા અને તેમાંથી સરેરાશ ૬ કાંઠે ત્રાટકતા હતા. હવેના વર્ષોમાં વાર્ષિક સ્ટોર્મની સંખ્યા ૧૧થી વધીને ૧૬ થઈ છે, કાંઠા સુધી પહોંચીને દબંગાઈ કરનારા વાવાઝોડાંની સંખ્યા ૬માંથી ૮ થઈ છે! ૧૯૫૦ પહેલા તો દરિયાઈ તોફાનની વાર્ષિક સરેરાશ સંખ્યા ૯ કરતાં પણ ઓછી હતી. અમેરિકાના ઈતિહાસનાં કેટલાક ઘાતક વાવાઝોડાં માઈકલ (૨૦૧૮), કેટરીના (૨૦૦૫), મારીયા (૨૦૧૭).. વગેરે છેલ્લા વર્ષોમાં જોવા મળ્યાં છે. સીધો હિસાબ છે કે વાવાઝોડાં વધતા તાપમાન સાથે પાવરફૂલ બની રહ્યાં છે.
જગવિખ્યાત સાયન્સ જર્નલ નેચરમાં પ્રગટ થયેલો અભ્યાસ અરબ સાગરના વાવાઝોડા પર પ્રકાશ પાડે છે. એ અભ્યાસ પ્રમાણે ૨૦૧૪ના વર્ષ પછી પોસ્ટ-મોન્સૂન (ચોમાસું પુરું થયે પ્રગટતાં) વાવાઝોડાની સંખ્યા વધી છે. વાવાઝોડાની સંખ્યામાં પણ પહેલા કરતા વધારો થયો છે.
એ પછી બીજો અભ્યાસ ૨૦૧૭માં થયો જેમાં એ વાતનો પૂરાવો મળ્યો કે આપણી વિકાસની દોટ સમુદ્રના પાણી સુધી પહોંચી ગઈ છે. એટલે એકલું મહા શા માટે દુનિયામાં ઉદ્ભવતા બીજા વાવાઝોડા પણ વધારે ઘાતક બની રહ્યા છે. પરંતુ એ વાવાઝોડા આપણને ખાસ અસર કરતાં નથી. આપણા કાંઠે આવે ત્યારે આપણા માટે મુશ્કેલી ઉભી થાય છે.
અરબ સાગરમાં વાવાઝોડાની સંખ્યા
અરબ સાગરમાં છેલ્લા કેટલાક દાયકામાં આવેલા વાવાઝોડાની સંખ્યા અહીં રજૂ કરી છે. તેના આધારે ખબર પડી આવે છે કે આ દાયકામાં સૌથી વધુ વાવાઝોડા આવ્યા છે.
સમયગાળા |
વાવાઝોડાની સંખ્યા |
૧૯૫૦-૬૦ |
૩ |
૧૯૬૦-૭૦ |
૬ |
૧૯૭૦-૮૦ |
૧૧ |
૧૯૮૦-૯૦ |
૨ |
૧૯૯૦-૨૦૦૦ |
૬ |
૨૦૦૦-૨૦૧૦ |
૫ |
૨૦૧૦-૨૦૧૯ |
૧૨ |