ચૂંટણી પહેલાં જ ટ્રમ્પે મોદી સરકારને મોટો ઝટકો આપ્યો
ટ્મ્પે જીએસપી યાદીમાંથી બાકાત કરવાની જાહેરાતના 60 દિવસ બાદ ભારતને મળતી છૂટછાટ બંધ થશે
મોદી સરકાર અમેરિકા સાથે ગાઢ બની રહેલાં સંબંધોને સફળ વિદેશ નીતિ ગણાવતી રહી છે પરંતુ ટ્રમ્પની આ જાહેરાત બંને દેશો વચ્ચેના સંબંધોમાં અવિશ્વાસનો માહોલ ઊભો કરી શકે છે અને સરકારની વિદેશ નીતિ સામે પણ સવાલ ખડા કરે છે
છેલ્લા થોડા વર્ષોથી ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો ગાઢ બની રહ્યાં છે ત્યારે વ્યાવસાયિક મોરચે અમેરિકાએ ભારતને મોટો ઝાટકો આપ્યો છે. અમેરિકાએ પોતાની જીએસપી સ્કીમમાં ફેરફાર કરતા ભારતને તેમાંથી બાકાત કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકાનો આ નિર્ણય ભારતની અર્થવ્યવસ્થા માટે મોટા ફટકાસમાન નીવડી શકે છે.
જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સીસ (જીએસપી) અમેરિકાનો વ્યાવસાયિક પ્રોગ્રામ છે જે વિકાસશીલ દેશોની આર્થિક વૃદ્ધિને ફાયદો પહોંચાડવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો. આ ટ્રેડ એક્ટ ૧૯૭૪ના કાયદા બાદ અમલમાં આવ્યો હતો. અમેરિકાએ ૧૨૯ દેશોને જીએસપી દરજ્જો આપ્યો છે.
આ વ્યવસ્થા અંતર્ગત આ દેશોની લગભગ ૪૮૦૦ પ્રોડક્ટ્સની અમેરિકામાં ડયૂટી ફ્રી એન્ટ્રી થઇ શકે છે. જીએસપીનો ઉદ્દેશ અમેરિકાનો અન્ય દેશો સાથે વેપાર વધારવાનો અને તેમાં વિવિધતા લાવીને સતત વિકાસને ઉત્તેજન આપવાનો છે. જીએસપી કાર્યક્રમ વિકાસશીલ દેશોના ઉત્પાદનોને વિશાળ બજાર પ્રદાન કરે છે જેનો આ દેશોને ફાયદો મળે છે.
જોકે એવું નથી કે જીએસપીના કારણે માત્ર બીજા દેશોને જ ફાયદો થાય છે. અન્ય દેશોની સાથે સાથે અમેરિકાને પણ આ ટ્રેડ એક્ટથી ફાયદો થાય છે. જીએસપી અમેરિકી કંપનીઓ માટે આયાતી માલના ખર્ચને ઓછો કરે છે જેના કારણે બજારમાં પ્રતિસ્પર્ધા વધે છે. ખાસ કરીને જીએસપી અમેરિકાના નાના વેપારીઓ માટે ઘણો મહત્ત્વનો છે કારણ કે ડયૂટી ફ્રી માલ લેવાના કારણે સૌથી વધારે લાભ તેમને જ થાય છે. ચીન દ્વારા અમેરિકાને થતી નિકાસ જીએસપીમાં સમાવેશ પામતી નથી.
પરંતુ જીએસપીનો દરજ્જો મળ્યો હોય એવા દેશોમાં ભારત અને બ્રાઝિલ એવા દેશો છે જેમની અર્થવ્યવસ્થા તેજીથી આગળ વધી રહી છે. એટલા માટે ટ્રમ્પ પ્રશાસન હવે ભારત અને બ્રાઝિલની વેપારી નીતિઓને પોતાના માટે પડકારસમાન ગણી રહ્યું છે. ભારત ઉપરાંત પાકિસ્તાન, શ્રીલંકા, થાઇલેન્ડ, નેપાળ, અફઘાનિસ્તાન, ભૂટાન, ફિલીપાઇન્સ અને ઇન્ડોનેશિયા જેવા દેશો પણ જીએસપીની યાદીમાં સામેલ છે.
શીત યુદ્ધના સમયમાં અમેરિકા અને ભારત વચ્ચે વ્યાપેલી કડવાશને પાછળ છોડીને છેલ્લા બે દાયકામાં બંને દેશો એકબીજાની ઘણાં નિકટ આવ્યાં છે. ખાસ કરીને એશિયામાં અને દુનિયામાં ચીનના વર્ચસ્વ પર લગામ કસવા માટે અમેરિકાને ભારત જેવા લોકશાહી દેશની જરૂર છે. એટલું જ નહીં, ભારતની સવા અબજ વસતીના રૂપમાં અમેરિકાને એક વિશાળ બજાર પણ દેખાય છે.
તો ભારતને અમેરિકાના ટેકનિકલ જ્ઞાાન અને વ્યૂહાત્મક સંશોધન ક્ષમતા અને મોટા બજારનો ફાયદો મળ્યો છે. જોકે બંને દેશોના વ્યાવસાયિક સંબંધોમાં તણાવ પણ રહ્યો છે. અમેરિકા ભૂતકાળમાં ભારતના આર્થિક સુધારાની ગતિ, વેપારનો માહોલ, બોદ્ધિક સંપદા અને પેટન્ટ નિયમોને લઇને સવાલ કરી ચૂક્યું છે. માત્ર જીએસપી જ નહીં, અમેરિકાએ અન્ય વેપારી પ્રતિબંધો મૂકવાની ધમકી પણ આપી છે.
ટ્મ્પની અગાઉના રાષ્ટ્રપતિઓએ ભારત સાથે વ્યૂહાત્મક ક્ષેત્રે વધી રહેલી ભાગીદારીને જોતાં વ્યાવસાયિક વિવાદોને અવગણ્યાં. પરંતુ ટ્રમ્પ તો 'અમેરિકા ફર્સ્ટદ અને 'બાય અમેરિકન, હાયર અમેરિકનદ મતલબ કે અમેરિકાનો જ સામાન ખરીદો અને અમેરિકનોને જ નોકરીએ રાખો જેવા વાયદા કરીને ચૂંટણી જીત્યાં છે. પોતાની ચૂંટણી સભાઓમાં ટ્રમ્પ અગાના રાષ્ટ્રપતિઓને અમેરિકા પર વધી રહેલા દેવા માટે જવાબદાર ઠરાવતા વ્યાવસાયિક ખોટને પૂરી કરવાને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો હતો. ગયા વર્ષે ટ્રમ્પે ચીન સાથે ટ્રેડ વૉર શરૂ કર્યું છે.
ટ્રમ્પનો તર્ક છે કે ચીનની નીતિઓના કારણે અમેરિકાને વ્યાવસાયિક નુકસાન જઇ રહ્યું છે. તેમણે ચીન ઉપર બૌદ્ધિક સંપત્તિની ચોરીનો આરોપ પણ મૂક્યો. એ સાથે જ તેમણે સ્ટીલની આયાત ઉપર ૨૫ ટકા અને એલ્યુમિનિયમની આયાત ઉપર ૧૦ ટકા ઇમ્પોર્ટ ડયૂટી લાગુ કરવાના આદેશ ઉપર હસ્તાક્ષર કરીને વૈશ્વિક વ્યાપાર યુદ્ધ શરૂ કરવાની દિશામાં ડગ માંડી દીધાં.
ચીન સાથેની અમેરિકાની પ્રતિસ્પર્ધા તો સમજાય એવી છે પરંતુ કેનેડા, મેક્સિકો, દક્ષિણ કોરિયા, યુરોપિયન યુનિયન અને જાપાન જેવા અમેરિકાના વર્ષો જૂની સહયોગીઓ પણ અમેરિકાએ આરંભેલા ટ્રેડ વૉરનો ભોગ બન્યાં છે. જાણકારોના મતે ટ્રમ્પ પ્રશાસન એવો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે કે અમેરિકા હવે પોતાના હિતોની વ્યાપક રીતે રક્ષા કરશે.
એવું નથી કે જૂની સમજૂતિઓથી અમેરિકાને મોટું નુકસાન થતું હતું પરંતુ જે રીતે દુનિયાભરમાં અમેરિકી કંપનીઓની ઘટી રહેલી માંગના કારણે અમેરિકા આર્થિક મંદીની છાયા હેઠળ આવી ગયું છે તેને ટ્રમ્પ પ્રશાસન આંતરરાષ્ટ્રીય કારણો સાથે જોડે છે અને ઇચ્છે છે કે અગાઉની મુક્ત વેપારની સમજૂતિઓમાં કેટલાંક પ્રતિબંધ મૂકવામાં આવે. અમેરિકા, કેનેડા અને મેક્સિકો વચ્ચે મુક્ત વેપાર ચાલતો આવ્યો છે અને અમેરિકા એમાં ઉદારતા દાખવતું રહ્યું છે પરંતુ હવે એમાં પણ ઓટ આવી છે.
આર્થિક વિશ્લેષકોનું માનવું છે કે ટ્રમ્પ એવું અનુભવી રહ્યાં છે કે દુનિયાભરના દેશોએ સારી એવી પ્રગતિ કરી લીધી છે અને હવે આ દેશો અમેરિકાના હિતોને અસર કરી રહ્યાં છે. ચીન સાથેનું અમેરિકાનું વેપારી યુદ્ધ આનું ઉદાહરણ છે. ચીન સાથે અમેરિકાની વેપારી સંધિ એ સમયથી હતી જ્યારે ચીન આટલી મોટી આર્થિક મહાસત્તા બન્યું નહોતું.
હવે ચીન મોટી આર્થિક તાકાત બની ગયું છે અને એટલા માટે અમેરિકા ઇચ્છે છે કે જે રીતે અમેરિકાએ ચીન માટે પોતાના દરવાજા ખોલ્યાં છે એ જ રીતે ચીન પણ અમેરિકી કંપનીઓ માટે દરવાજા ખોલી નાખે. પરંતુ ચીન એ માટે તૈયાર નથી અને પરિણામે ચીનનું નાક દબાવવા માટે જ અમેરિકાએ ચીની ઉત્પાદનો ઉપર જંગી ટેક્સ લાદ્યાં છે.
ભારત વિરુદ્ધ ટ્રમ્પની ફરિયાદોનું લિસ્ટ લાંબુ છે. ક્યારેક તેઓ હાર્લે ડેવિડસન મોટરસાઇકલની આયાત પર ભારતમાં લાગતા જંગી ટેક્સના મામલે સવાલ ઉઠાવે છે તો ક્યારેક ભારતને 'ટેરિફ કિંગદની ઉપમા આપે છે. થોડા સમય પહેલાં ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાની કંપનીઓ ઉપર ભારત ૧૦૦ ટકા ટેક્સ લગાવે છે અને ભારતીય કંપનીઓ અમેરિકામાં કોઇ પણ ટેક્સ વગર માલસામાન પહોંચાડે છે. હવે અમેરિકા પણ ભારતના ઉત્પાદનો ઉપર ટેક્સ લાગુ કરશે અને જો ભારતે આ ટેક્સથી બચવું હોય તો અમેરિકા સાથે વેપારી સમજૂતિ કરવી પડશે.
જીએસપી અંતર્ગત અમેરિકાએ ભારતથી આવતી ૩૭૦૦ પ્રોડક્ટ્સને કરમુક્ત જાહેર કરી છે. જેમાં મોટર પાર્ટ્સ, જ્વેલરી, ઇન્સ્યુલેટેડ કેબલ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. ટ્રમ્પની જાહેરાતના ૬૦ દિવસ બાદ ભારતને જીએસપી અંતર્ગત મળતી છૂટછાટ ખતમ થઇ જશે.
ભારતે કહ્યું છે કે હાલ તે કોઇ વળતી કાર્યવાહી નહીં કરે. એ સાથે જ અધિકારીઓનું કહેવું છે કે ભારતે જીએસપી અંતર્ગત આવતા માલસામાનમાંથી માત્ર ૧૭૮૪ પ્રોડક્ટ્સની નિકાસમાં જ આ છૂટનો લાભ લીધો છે અને ૨૦૧૭માં તેનું મૂલ્ય માત્ર ૧૯ કરોડ હતું.
ભારત અમેરિકાને ૪૮ અબજ ડોલરથી વધારે કિંમતના માલસામાનની નિકાસ કરે છે જ્યારે અમેરિકાની નિકાસ લગભગ ૨૫ અબજ ડોલરની છે. જે જોતાં અમેરિકાને લગભગ ૨૩ અબજ ડોલરનું વ્યાવસાયિક નુકસાન થાય છે. જે ચીન સાથેના વેપારમાં અમેરિકાને થતાં ૩૦૦ અબજ ડોલરના નુકસાન સામે નગણ્ય છે. ગયા વર્ષે અમેરિકાને કુલ વેપાર નુકસાન ૯૦૦ અબજ ડોલરનું થયું હતું જેની સરખામણીમાં ભારત સાથેના વેપારમાં અમેરિકાને થતું નુકસાન તો કશી વિસાતમાં જ નથી.
એ જ કારણ છે કે ટ્રમ્પના નિર્ણય પર ઘણાં જાણકારો સવાલ ઉઠાવી રહ્યાં છે. ભારતને જીએસપીમાંથી બાકાત કરવાનો ટ્રમ્પનો નિર્ણય તેમની અમેરિકા ફર્સ્ટ નીતિને લાગુ કરવાની દિશામાં એક ઓર પગલું છે. પરંતુ તેમનો આ નિર્ણય બંને દેશોના સંબંધો માટે નવી સમસ્યા ઊભી કરી શકે છે. અમેરિકાને એવો ડર પણ છે કે વ્યાવસાયિક સંબંધોની આ ખેંચતાણ બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક અને કૂટનૈતિક સંબંધોને પણ અસર ન કરે.
એવા સવાલ પણ ઉઠી રહ્યાં છે કે ભારતમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે એવા સમયે ટ્રમ્પની આ જાહેરાત કરવા પાછળ શું કારણ હોઇ શકે? અમેરિકામાંથી ભારતમાં નિકાસ થતા માલસામાનમાં પણ વૃદ્ધિ થઇ છે અને જટિલ મામલાઓને લઇને બંને દેશો વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે એ સંજોગોમાં આવો નિર્ણય લેવા પાછળ કયું કારણ છે એ ભલાભલા વિશ્લેષકોને પણ સમજાતું નથી.
એકંદરે જોતાં જીએસપીમાંથી બાકાત થવાથી ભારતની કુલ નિકાસને ખાસ અસર નહીં થાય પરંતુ નાના ઉદ્યોગોને માર પડી શકે છે જે લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકાર માટે મુંઝવણ બની શકે છે. એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા સાથે ગાઢ બની રહેલાં સંબંધોને સફળ વિદેશ નીતિ ગણાવે છે પરંતુ ટ્રમ્પની આ જાહેરાત બંને દેશો વચ્ચેના સંબંધોમાં અવિશ્વાસનો માહોલ ઊભો કરી શકે છે.