Get The App

વાઘ એકલો ફરવા ચાલ્યો, કેમ કે માણસ જંગલમાં 'ચરવા' ચાલ્યો!

- મહારાષ્ટ્રના ટીપેશ્વર અભયારણ્યના વાઘે 3 રાજ્યના 7 જિલ્લામાં 1300 કિલોમીટરની સફર કરી, જે ભારતની ધરતી પરનો વિક્રમ છે

Updated: Dec 8th, 2019

GS TEAM

Google News
Google News

- જ્યારથી મનુષ્યએ જંગલમાં પોતાનો સ્વાર્થ સાધવાની શરૂઆત કરી છે, ત્યારથી જંગલી પ્રાણીઓ આ રીતે ફરતાં થયા છે. ભવિષ્યમાં જંગલની નવી વ્યાખ્યા તૈયાર કરવી પડે તો નવાઈ નહીં

વાઘ એકલો ફરવા ચાલ્યો, કેમ કે માણસ જંગલમાં 'ચરવા' ચાલ્યો! 1 - image

મનુષ્ય સિવાયના તમામ સજીવોએ શિકાર માટે, ખોરાક માટે, આમથી તેેમ ભટકવું પડતું હોય છે. મનુષ્યએ કામ-ધંધાની મહેનત કરવી પડે તો જંગલી પ્રાણીઓએ સતત ફરતાં રહેવાની મહેનત કરવી પડે છે. એટલે સિંહ કે વાઘ કે દીપડા ફરતાં રહે તેની કોઈ નવાઈ નથી. પરંતુ નવાઈ પ્રેરક બે ઘટના છેલ્લા એક મહિનામાં જોવા મળી છે. એક તો ગીરના સિંહો ગીરની બહાર ચોટીલા સુધી પહોંચ્યા. બીજી ઘટના મહારાષ્ટ્રના ટીપેશ્વર અભયારણ્યમાં બની. એક વાઘે અભયારણ્યમાંથી નીકળીને ૧૩૦૦ કિલોમીટર લાંબી સફર કરી. કોઈ વાઘે આટલી લાંબી સફર કરી હોય એવો ભારતની ધરતી પરનો આ રેકોર્ડ છે.

વાઘ-સિંહ વગેરે બિલાડ કુળના પ્રાણી સામાન્ય રીતે સાંજે અંધારું થયા પછી શિકાર માટે નીકળતાં હોય છે. આખી રાત આમ-તેમ ભટકી સવાર સુધીમાં મળે એ શિકાર કરે. એ દરમિયાન ચાલવુ તો પડે જ. ચાલવાનુ પ્રમાણ જંગલ કેવુ છે, શિકારની ઉપલબ્ધી કેવી છે અને શિકાર માટેની વાઘની આવડત કેટલી છે, તેના પર આધારીત છે. જેમ કે કાન્હા નેશનલ પાર્કમાં વાઘની સંખ્યા મોટી છે, સામે જંગલ મોટું છે અને અન્ય પ્રાણીઓ પણ મોટી સંખ્યામાં છે. એટલે અહીંના વાઘ સરેરાશ એક રાતમાં ૧૬થી ૩૨ કિલોમીટર ચાલે છે. રશિયાનો સાઈબિરિયા પ્રાંત બરફથી આચ્છાદિત છે. ત્યાં શિકાર મેળવવાનું કામ જરા મુશ્કેલ છે. એટલે અહીંના સાઈબિરિયન વાઘે ક્યારેક ૫૦થી ૬૦ કિલોમીટરનું વૉકિંગ કરવું પડે છે.

આ આંકડા ધ્યાનમાં લઈએ તો વાઘે શિકાર માટે ૧૦થી લઈને ૬૦ કિલોમીટર સુધીની સફર કરવી પડે. પરંતુ એક વખત શિકાર થયા પછી અમુક દિવસ સુધી વળી શાંતિથી બેસી શકે. એટલે રોજ આટલું ચાલતા હોય એ જરૂરી નથી. બીજી તરફ વાઘની સરેરાશ ટેરેટરી એટલે કે પોતાના પ્રભાવનો વિસ્તાર ૬૦થી લઈને ૧૦૦ કિલોમીટર સુધીનો હોય છે. આ વિસ્તારમાં વાઘ ફરતો રહે તો એમાં કંઈ નવાઈ નથી. એ વિસ્તારની બહાર પણ જતા-તરા પગ મોકળો કરે એવુ ઘણી વખત બનતું હોય છે. વળી આ ટેરેટરીનો વિસ્તાર પણ સરેરાશ છે. ભારતમાં મોટે ભાગે વાઘ આટલા વિસ્તારથી સંતોષ માને છે. બાકી તો સાઈબિરિયન વાઘ ૪૦૦૦ કિલોમીટર સુધીનો વિસ્તાર પોતાના તાબામાં રાખતા હોય છે. 

મહારાષ્ટ્રના યમતવાલ જિલ્લામાં આવેલા ટીપેશ્વર અભયારણ્યના વાઘે આ બધા સરેરાશ આંકડાને બાજુ પર ખસેડી દીધા છે. હવે વાઘની ચાલ-ચલગતનો ફરીથી અભ્યાસ કરવો પડે  એવુ પરાક્રમ સી-૧ નામના આ ૩ વર્ષીય નર વાઘે કરી દેખાડયું છે. શિકાર માટે અથવા પોતાની માદા સાથી શોધવા કે પછી કોઈ અજાણ્યા કારણસર આ વાઘે ૧૩૦૦ કિલોમીટરની સફર કરી છે. એ સફર એક રાતમાં નથી કરી કે નથી સતત ૧૩૦૦ કિલોમીટરનું વૉકિંગ કર્યું. આ વાઘના ગળામાં રેડિયો કોલર પહેરાવેલું હોવાથી એ વાઘની તમામ મૂવમેન્ટ પર જંગલખાતુ ધ્યાન રાખી શક્યું છે.

ટ્રેકિંગ કોલર કે પછી રેડિયો કોલર નામે ઓળખાતું આ સાધન વિવિધ પ્રાણીઓના અભ્યાસ માટે બહુ કામનું છે. માણસો જંગલના ગમે તેટલા જાણકાર હોય તો પણ સતત વન્યજીવની પાછળ રહી ન શકે. બીજી તરફ પ્રાણીઓના અભ્યાસ માટે સતત તેનું પગેરું રાખવું પણ જરૂરી હોય છે. એ વખતે ટ્રેકિંગ કોલર કામ લાગે છે. વન્યજીવ સંશોધકો ક્રિસ વિલિયમ્સ અને ટેરી વિલયમ્સે સાથે મળીને થોડા વર્ષો પહેલા આ જીપીએસ ફીટ થયેલું ટ્રેકર વિકસાવ્યું પછીથી વન્યજીવો પર નજર રાખવું બહુ સરળ થયું છે. એટલે જ ગીરની બહાર નીકળેલા ચોટીલાના સિંહોને પણ કોલર પહેરાવી દેવાયા છે. આ ટ્રેકર ગળામાં ફીટ થતાં હોવાથી તેને કોલર નામ આપી દેવાયું છે.

ટીપેશ્વરના વાઘના ગળામાં ટ્રેકર હતું જ. એ ટ્રેકરના આધારે ખબર પડી કે મહારાષ્ટ્રથી ચાલવાનું શરૂ કર્યા પછી વાઘે પડોશી રાજ્ય તેલંગાણામાં લટાર મારી હતી. વળી ફરતો ફરતો મહારાષ્ટ્રમાં આવી પહોંચ્યો હતો. આ દરમિયાન વાઘે ૩ રાજ્યોની સફર કરી, ૭ જિલ્લામાંથી પસાર થયો અને પાંચ મહિનાની વૉક દરમિયાન કુલ ૧૩૦૦ કિલોમીટરનું અંતર કાપ્યું. જંગલમાં વાઘ ૧૩૦૦ કિલોમીટરનુ અંતર કાપે તો બહુ નવાઈ ન લાગે. પરંતુ વાઘના પ્રવાસ દરમિયાન અનેક ગામ, રોડ-રસ્તા, નદી-નાળા, શહેરી અને ગ્રામ્ય વિસ્તારો.. વગેરે આવ્યા. 

બે-પાંચ દિવસ હોય તો ઠીક છે, પણ વાઘ પાંચ મહિના સુધી ફરતો રહ્યો અને તેનો કાળા માથાના મનુષ્ય સાથે સંઘર્ષ ન થયો? નવાઈની વાત એક એ છે. બીજી નવાઈ એ વાતની કે વાઘ બહાર ફરતો રહ્યો પણ બહુ ઓછા લોકોને દેખાયો. એ પછી વાઘની સફર અટકી નથી. પરંતુ અત્યાર સુધીમાં જે અંતર કાપ્યું એ વિક્રમ સર્જક છે. આ પહેલા પણ અમુક વાઘે શિકાર માટે પાંચસો-સાતસો કિલોમીટરની સફર કર્યાના કિસ્સા તાજેતરના વર્ષોમાં નોંધાયા છે. પરંતુ કિસ્સા વધી રહ્યા છે, તેનો મતલબ સંશોધકો એવો કરી રહ્યાં છે કેે વાઘ પોતાની આદતમાં થોડો-ઘણો ફેરફાર કરી રહ્યાં છે. આ વાઘ સાવ મનુષ્યની નજરથી કે સંઘર્ષથી દૂર રહ્યો એવુ નથી. અમુક લોકોએ તેને ગામની ભાગોળે જોયો હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ અજાણતા વાઘ સાથે ભેટો થઈ જતાં વાઘે જરા-તરા ઈજા પહોંચાડી હોય એવા એકાદ-બે કિસ્સા નોંધાયા છે. પરંતુ વાઘ મનુષ્યનો શિકાર કરવા નીકળ્યો હોય એવુ બન્યું નથી. બાકી વાઘ માટે માનવભક્ષી બનવાનું કામ ઘણુ સહેલું છે અને નિયમિત રીતે વાઘ માનવભક્ષી બન્યાના કિસ્સા બહાર આવતા પણ રહે છે.

જંગલી પ્રાણીઓ એકથી વધુ કારણથી જંગલની બહાર નીકળતા હોય છે. આપણી સામે તાજુું ઉદાહરણ ગીરના સિંહોનું છે. ચોટીલા સુધી સિંહોને કેમ લાંબું થવું પડયું? કેમ કે ગીરનો વિસ્તાર સિંહોની વસતીની સામે બહુ નાનો છે. એટલે આજે બે સિંહ બહાર નીકળ્યા તો આવતી કાલે બાર નીકળશે એમાં કોઈ નવાઈ નથી. ગીરના સિંહોના કિસ્સામાં સ્થળાંતરનું કારણ લગભગ સ્પષ્ટ છે. દિલ્હીમાં નિયમિત રીતે વાનરોનો ત્રાસ જોવા મળે છે. સંસદ આસપાસ તો વાનરો ભગાડવા માટે ખાસ ફોજ રાખવી પડે છે. આ વાનરો મનુષ્ય વિસ્તારમાં ઘુસી ગયા હોવાનું દિલ્હીવાસીઓને લાગે છે. પણ એ વખતે એ વાત ભૂલી જવામાં આવે છે કે આજે વાનરો ફરે છે, એ વિસ્તાર હજુ થોડા વર્ષો પહેલા સુધી જંગલ-વગડો હતો. વાંદરા ત્યાં જ રહે છે, મનુષ્યનું અતીક્રમણ વધ્યું છે!

સૌરાષ્ટ્રમાં વિસાવદર-બગસરા પાસે એક દીપડો મનુષ્યભક્ષી બન્યાની શંકા છે. નાના-મોટા ડઝનેક મનુષ્યો દીપડાની હડફેટે ચડયા છે. એક જ શા માટે અનેક દીપડાઓ ક્યારનો પોતાનો વિસ્તાર મુકીને જ્યાં શિકાર મળે ત્યાં પહોંચતા અટકાતા નથી. પછી એ કોઈનું ઘર હોય, શહેરનો રસ્તો હોય કે ગાંધીનગરનું સચિવાલય હોય. ટીપેશ્વરનો વાઘ એ સિરિઝનું લેટેસ્ટ ઉદાહરણ છે અને જે પ્રકારે જંગલમાં મનુષ્યની દખલગીરી વધતી જાય છે એ જોતા આગામી દિવસોમાં ઉદાહરણની સંખ્યા વધશે એ નક્કી વાત છે.

ટીપેશ્વરનો વાઘ આગળ વધતો મહારાષ્ટ્રના જ ધ્યાનગંગા અભયારણ્યમાં પહોંચ્યો છે. આ વાઘ શિકાર માટે આવ્યો, વાઘણ શોધવા આવ્યો, પોતાનો વિસ્તાર વધારી શક્તિ પ્રદર્શન કરવા આવ્યો કે બીજા કોઈ કારણે આવ્યો.. એ શોધવાના કામે વાઘ વિદ્વાનો લાગી પડયા છે. ટીપેશ્વરના વાઘને ફેબુ્રઆરીમાં રેડિયો કોલર પહેરાવાયું હતું. ગળામાં એ લટકાવ્યા પછી ક્યાં કેવી સફર કરી તેની નોંધ થઈ છે. એ પહેલાની આવી સફર કરી હોય તો એ હિસાબ અલગ ગણવો પડે. વળી વાઘે ફેબુ્રઆરીથી જૂન સુધી પોતાના વિસ્તારમાં જ સફર કરી હતી. જૂનમાં એ પહેલી વખત ટીપેશ્વરની હદ બહાર નીકળ્યો અને પછી હજુ સુધી પરત ફર્યો નથી. ટીપેશ્વર સેન્ચુરી નાનકડો વિસ્તાર છે અને ત્યાં દસેક વાઘ છે. એટલે સી-૧ વાઘે પોતાનો નવો વિસ્તાર શોધવા કૂચ આદરી હોય એવુ બની શકે. 

વાઘ કે સિંહ કે દીપડા કે અન્ય કોઈ પણ પ્રાણી પોતાની પેઢીઓથી ચાલી આવતી આદત બદલીને મનુષ્યોની બહુમતી ધરાવતા વિસ્તારમાં આવે નહીં. પરંતુ છેલ્લા બે-ત્રણ દાયકાથી જંગલ અને પર્યાવરણ સાથેની મનુષ્યોની દખલ વધતી જાય છે. જ્યારથી મનુષ્યએ જંગલમાં પોતાનો સ્વાર્થ સાધવાની શરૂઆત કરી છે, ત્યારથી જંગલી પ્રાણીઓ આ રીતે ફરતાં થયા છે. ભવિષ્યમાં જંગલની નવી વ્યાખ્યા તૈયાર કરવી પડે તો નવાઈ નહીં.

Tags :