તાલિબાનના આક્રમક વલણ બાદ અમેરિકા સાથેની શાંતિ સમજૂતી જોખમમાં
- અમેરિકા સાથે શાંતિ સમજૂતી થયાના અઠવાડિયાની અંદર જ તાલિબાને અફઘાન સેના પર હુમલા કર્યાં
- અમેરિકા અને તાલિબાન વચ્ચે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી સમજૂતિ થયા બાદ એવી આશંકા વ્યક્ત થઇ રહી હતી કે આ સંધિ બાદ તાલિબાનના વલણમાં બદલાવ આવશે કે નહીં પરંતુ તાલિબાનના હુમલા બાદ સ્પષ્ટ બન્યું છે કે દુનિયાની મહાશક્તિ સાથે થયેલી સમજૂતિ પણ તાલિબાનની જિદ સામે વિસાતમાં નથી
અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ સમજૂતિ થયાને એક અઠવાડિયું પણ પુરું નથી થયું અને તાલિબાને અફઘાન સેના અને પોલીસ પર હુમલા શરૂ કરી દીધાં છે. ગયા શનિવારે અમેરિકા અને તાલિબાન વચ્ચે કતારમાં શાંતિ સમજૂતિ થઇ હતી. જોકે એ પછી સોમવારે જ તાલિબાને જાહેરાત કરી દીધી હતી કે તે આંશિક યુદ્ધવિરામ ખતમ કરીને અફઘાન સુરક્ષા દળો વિરુદ્ધ પોતાનું અભિયાન ફરી શરૂ કરશે. શાંતિ સમજૂતિના એક અઠવાડિયા પહેલા યુદ્ધવિરામ માટે તાલિબાને સહમતિ દર્શાવી હતી.
આમ તો અમેરિકા અને તાલિબાન વચ્ચે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી સમજૂતિ થયા બાદ એવી આશંકા વ્યક્ત થઇ રહી હતી કે આ સંધિ બાદ તાલિબાનના વલણમાં બદલાવ આવશે કે નહીં તેમજ અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવાની દિશામાં કોઇ સકારાત્મક સ્થિતિ ઉદ્ભવશે કે નહીં? જોકે માત્ર એક અઠવાડિયાની અંદર જ તાલિબાનનું જે વલણ સામે આવ્યું છે એનાથી સ્પષ્ટ બન્યું છે કે દુનિયાની મહાશક્તિ સાથે થયેલી સમજૂતિનું મહત્ત્વ પણ તાલિબાનની નજરમાં શૂન્ય છે. તાલિબાને અફઘાનિસ્તાનની સેના પર એકાદબે નહીં પરંતુ કુલ સોળ પ્રાંતોમાં ૩૩ હુમલા કર્યાં જેમાં સામાન્ય નાગરિકો સહિત ઓછામાં ઓછા ૨૧ જણાના મૃત્યુ નીપજ્યાં અને બીજા અનેક ઇજાગ્રસ્ત થઇ ગયાં.
તાલિબાનના હુમલા બાદ અમેરિકાએ પણ તાલિબાન ઉપર હવાઇ હુમલો કર્યો. અમેરિકા અને તાલિબાન વચ્ચેના આ વર્તમાન વિવાદ બાદ અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકો પાછા બોલાવવાનું ટ્રમ્પનું અભિયાન ફરી પાછું જોખમમાં મૂકાઇ શકે છે. હકીકતમાં અમેરિકા અને તાલિબાન વચ્ચે છેલ્લા ઘણાં સમયથી સમાધાન કરવા માટે મંત્રણાઓના દોર ચાલી રહ્યાં હતાં અને એ દરમિયાન અનેક વખત તાલિબાને અમેરિકન સૈનિકો તેમજ અફઘાન સેના પર હુમલા પણ કર્યાં હતાં. જેના કારણે એક કરતા વધારે વખત બંને પક્ષો વચ્ચેની શાંતિ મંત્રણા પાટા પરથી ઉતરી ગઇ હતી.
હકીકતમાં અમેરિકા ઘણાં સમયથી અફઘાનિસ્તાનમાં શાંતિ સમજૂતિ કરવા માટે પ્રયાસરત હતું કે જેથી અમેરિકી સૈનિકોને વહેલી તકે વતન પાછા લાવી શકાય. વર્ષો સુધી અફઘાનિસ્તાનની સરકાર અને તાલિબાન વચ્ચે વાર્તાલાપ ઉપર જોર આપ્યા બાદ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાએ ઝાલમાય ખલિલઝાદની અફઘાન દૂત તરીકે નિમણૂક કરી હતી. નિમણૂકના તુરંત બાદ તેમણે તાલિબાન સાથે વાતચીત શરૂ કરી દીધી.
તાલિબાન અફઘાનિસ્તાનની સરકારને અમેરિકાના હાથની કઠપૂતળી ગણાવતા હતાં અને એટલા માટે જ તેઓ અફઘાન સરકાર સાથે કોઇ મંત્રણા કરતા નહોતાં. અફઘાનિસ્તાનના યુદ્ધથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કંટાળી ગયા હતાં અને ઉનાળા સુધીમાં ત્યાંના અડધોઅડધ અમેરિકી સૈનિકોને પાછા બોલાવવા ઇચ્છતાં હતાં એ સંજોગોમાં ખલિલઝાદનું શાંતિ મિશન તાકીદનું થઇ પડયું હતું.
પરંતુ એક બાજુ અમેરિકા સાથે શાંતિવાર્તા કરી રહેલું તાલિબાને બીજી બાજુ અફઘાનિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટો પણ ચાલુ રાખ્યાં જેના કારણે મંત્રણાનો ઉકેલ આવવામાં વિલંબ થતો રહ્યો. અમેરિકાનું મિશન હતું કે અફઘાનિસ્તાનમાં થઇ રહેલી હિંસાનો અંત આવે અને વાતચીત દ્વારા યુદ્ધવિરામનો માર્ગ તૈયાર થઇ શકે. હકીકતમાં તાલિબાન અફઘાનિસ્તાનમાં કડક ઇસ્લામિક કાયદા લાગુ કરવા ધારે છે. એ સાથે જ અફઘાનિસ્તાનને બેઠું કરવાના પ્રયાસો કરી રહેલા અમેરિકા સામે પણ તાલિબાન આક્રમક પ્રચાર કરતું રહ્યું છે.
અફઘાનિસ્તાન દાયકાઓથી મહાસત્તાઓની સ્વાર્થી રાજરમતોનો અતિશય ખરાબ રીતે ભોગ બનેલું રાષ્ટ્ર છે. અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચેના શીત યુદ્ધ દરમિયાન સોવિયેત સેનાએ અફઘાનિસ્તાનમાં પગપેસારો કર્યો એ સાથે જ અફઘાનિસ્તાનની માઠી દશાની શરૂઆત થઇ હતી.
એ સમયે સોવિયેત સંઘને ખાળવા માટે અમેરિકાએ જ અફઘાનિસ્તાનની ધરતી ઉપર આતંકી સંગઠનો ઊભા કરવામાં મદદ કરી હતી. સોવિયેત સંઘના વિઘટન બાદ રશિયન સેના અફઘાનિસ્તાનમાંથી હટી કે તરત જ તાલિબાને કબજો જમાવવાની શરૂઆત કરી દીધી હતી.
વર્ષોથી માઠી દશામાં રહેલા અફઘાનિસ્તાનના લોકોને આશા હતી કે રશિયન સેના દૂર થયા બાદ તેમના દેશમાં શાંતિ સ્થપાશે અને તાલિબાન તેમને સુદૃઢ શાસન સ્થાપશે. પરંતુ તાલિબાને તો કડક ઇસ્લામિક કાયદા લાગુ કરવાના નામે પ્રજા ઉપર કેર વર્તાવવાનો શરૂ કર્યો. તાલિબાને અફઘાનિસ્તાન ઉપર ૧૯૯૬થી ૨૦૦૧ સુધી શરિયા કાનૂનના આધારે શાસન કર્યું હતું.
આ સમય દરમિયાન જ અમેરિકા ઉપર ૯/૧૧ હુમલો થયો હતો અને હુમલાનો માસ્ટર માઇન્ડ ઓસામા બિન લાદેન પણ અફઘાનિસ્તાનમાં જ રહેતો હતો. ઓસામા બિન લાદેનનો ખાત્મો બોલાવવાના નિર્ધાર સાથે અમેરિકી સેના અફઘાનિસ્તાનમાં ઉતરી આવી. એ વાતને આજે વર્ષો થયા છતાં હજુ આજે પણ અમેરિકા અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકો પાછા બોલાવી શક્યું નથી.
સમજૂતિ અંતર્ગત તાલિબાને અલ કાયદા સાથે સંબંધો ખતમ કરવાના છે. એ સાથે યુદ્ધવિરામ જાહેર કરીને અફઘાનિસ્તાનની સરકાર સાથે પણ મંત્રણા કરવાની શરત છે. અમેરિકાના રક્ષા મંત્રી માર્ક એસ્પરે કહ્યું હતું કે તાલિબાન સાથેની શાંતિ સમજૂતિ અફઘાનિસ્તાનમાં યુદ્ધ સમાપ્તિ માટે રાજકીય સમાધાનનું પહેલું પગલું છે. પરંતુ સમજૂતિના ત્રણ દિવસ બાદ જ તાલિબાને જે રીતે આતંક મચાવવાનું શરૂ કરી દીધું છે એ જોતાં તો અમેરિકાની શાંતિની અપેક્ષા ઉપર પાણી ફરી વળ્યું હોવાનું પ્રતીત થાય છે. હકીકતમાં તો અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં તાલિબાનની જે રીતે ગતિવિધિઓ ચાલી રહી હતી એ જોતાં તો તેના પર લગામ કસવી મુશ્કેલ હતી.
ખુદ તાલિબાનનું કહેવું છે કે તેના પોતાના જૂથો ઉપરાંત અન્ય સંગઠનોની ગતિવિધિ ઉપર તેના કેન્દ્રિય સ્તરનું કોઇ નિયંત્રણ નથી. કદાચ હવે અમેરિકાના ખ્યાલમાં આવ્યું હશે કે તાલિબાન સાથે કોઇ પણ પ્રકારની સમજૂતિ કરીને તેનો અમલ કરવો કેટલો મુશ્કેલ છે. શાંતિ સમજૂતિ અંતર્ગત અમેરિકાની ૧૪ મહિનામાં અફઘાનિસ્તાનમાંથી પોતાના તમામ સૈનિકો પાછા બોલાવી લેવાની ગણતરી છે પરંતુ તાલિબાનના આક્રમક વલણને જોતાં એ શક્ય નથી લાગતું.
અફઘાનિસ્તાનના લોકો હજુ પણ તાલિબાનના ક્રૂર શાસનને ભૂલ્યાં નથી. જોકે તાલિબાન હવે સમાધાનકારી વલણ અપનાવી રહ્યું છે અને તેણે લોકોને ભૂતકાળ ભૂલવાની અપીલ કરી છે. તાલિબાન લશ્કરી દૃષ્ટિએ બળવાન હોવાનું તો જણાઇ રહ્યું છે પરંતુ તેનામાં સરકાર પાડવાની ક્ષમતા છે કે નહીં એ હજુ સ્પષ્ટ નથી. બીજી બાજુ અફઘાનિસ્તાનની વર્તમાન સરકાર પ્રત્યે પશ્ચિમી દેશોની નારાજગી વધી રહી છે. લોકો જાહેર સેવાઓ ખસ્તાહાલ હોવાની, અસુરક્ષાની અને લાંચખોરીની ફરિયાદો કરી રહ્યાં છે. લોકોના મનમાં ડર છે કે અમેરિકા સંધિ કરીને પાછું હટી જશે કે તરત જ શાંતિની સંધિને તોડી નાખવામાં આવશે અને ફરી વખત ગૃહયુદ્ધ ચાલુ થઇ જશે.
અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટનો પેસારો પણ વધ્યો છે અને અફઘાનિસ્તાન સરકાર અને તાલિબાન વચ્ચેના સંઘર્ષ વચ્ચે પણ પોતાનું અસ્તિત્ત્વ જાળવી રાખ્યું છે. ભવિષ્યમાં કદાચ એવું પણ બને કે અમેરિકા અને તાલિબાન વચ્ચે સમજૂતિ બાદ ઇસ્લામિક સ્ટેટ તાલિબાનના અસંતુષ્ટોને પોતાના જૂથમાં સામેલ કરવા હિલચાલ કરે.