Get The App

વનવાસીઓને જંગલોમાંથી કાઢવા તેમને મૂળિયામાંથી ખેંચી કાઢવા સમાન

વનોમાંથી નિષ્કાસન અટકાવવા આદિવાસીઓ અને વનવાસીઓએ ભારત બંધનું આહ્વાન કર્યું

Updated: Mar 6th, 2019

GS TEAM

Google News
Google News
વનવાસીઓને જંગલોમાંથી કાઢવા તેમને મૂળિયામાંથી ખેંચી કાઢવા સમાન 1 - image



અગાઉ સુપ્રીમ કોર્ટે આદિવાસીઓના નિષ્કાસનના પોતાના જ આદેશ પર સ્ટે મૂકીને તેમને કામચલાઉ રાહત આપી પરંતુ હકીકત એ છે કે સરકાર આદિવાસીઓ અને વનવાસીઓના અધિકારોનું રક્ષણ કરવામાં નિષ્ફળ નીવડી છે

જમીનના હક માટે આદિવાસીઓ અને વનવાસીઓએ ભારત બંધનું આહ્વાન કર્યું હતું. સુપ્રીમ કોર્ટે ગત ૧૩ ફેબુ્રઆરીના દિવસે ૨૧ રાજ્યોના ૧૧.૮ લાખ વનવાસીઓ અને આદિવાસીઓને જંગલમાંથી નિષ્કાસિત કરવાનો આદેશ આપ્યો હતો.

જોકે બાદમાં કોર્ટે એ ચુકાદા પર સ્ટે મૂક્યો. સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળવા છતાં આદિવાસીઓએ ભારત બંધ બોલાવ્યું હતું. તેમનું કહેવું છે કે સ્ટે તો કામચલાઉ રાહત છે જ્યારે વન અધિકાર કાયદા અંતર્ગત તેમને ગમે ત્યારે તેમની ભૂમિ પરથી કાઢી મૂકવામાં આવી શકે છે. આદિવાસી સમૂહોની માંગ છે કે તેમના અધિકારોના રક્ષણ માટે કેન્દ્ર સરકાર વટહુકમ લાવે. 

વનવાસીઓને જંગલની જમીન ખાલી કરવાના પોતાના જ આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકીને આદિવાસી સમાજને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટના સ્ટેથી લગભગ ૧૨ લાખ આદિવાસીઓ પોતાની ભૂમિથી જુદાં થતાં રહી ગયાં છે. સુપ્રીમ કોર્ટની જ એક બેન્ચે લગભગ ૧૧.૮ લાખ વનવાસીઓના વનભૂમિ પરના દાવાને ફગાવી દેતા ૨૧ રાજ્યોને આદેશ આપ્યો હતો કે તેમને જંગલમાંથી કાઢી મૂકવામાં આવે. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ વિપક્ષી દળોએ સરકાર પર અદાલતમાં આદિવાસીઓનો પક્ષ યોગ્ય રીતે રજૂ ન કરવા બદલ પસ્તાળ પાડી હતી. 

એ સંજોગોમાં કેન્દ્રની મોદી સરકાર પર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સ્ટે મૂકવા માટેનું દબાણ આવી ગયું હતું. સુપ્રીમ કોર્ટે તો સરકારની રજૂઆત ધ્યાનમાં રાખીને પોતાના જ ચુકાદા પર સ્ટે મૂકી દીધો પરંતુ મામલાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલને કહ્યું કે સરકાર આદેશ સાથે જોડાયેલા પાસાઓ હવે શા માટે રજૂ કરી રહી છે? કોર્ટે સવાલ કર્યો કે સરકારે ત્યારે રજૂઆત કેમ ન કરી જ્યારે તે ચુકાદો સંભળાવી રહી હતી? એ સાથે જ કોર્ટે સ્ટે લગાવતા અણીયાળો સવાલ કર્યો કે સરકાર આ મામલે અત્યાર સુધી સૂતી કેમ રહી?

હકીકતમાં સુપ્રીમ કોર્ટે ગત ૧૩મી ફેબુ્રઆરીએ અનુસૂચિત વનવાસી જનજાતિઓ તેમજ અન્ય પારંપરિક વનવાસીઓના જંગલમાં રહેવાના અધિકારને ફગાવી દઇને રાજ્ય સરકારોને તેમને ૧૨ જુલાઇ સુધીમાં જંગલોમાંથી દૂર કરવાનો ચુકાદો આપ્યો ત્યારે કેન્દ્ર સરકારના વકીલ ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ (FRA)  એટલે કે વન અધિકાર કાયદા પર પોતાનો પક્ષ રજૂ કરવા માટે કોર્ટમાં હાજર જ ન થયા.

એ અગાઉની આ મામલાની ચાર સુનાવણીઓમાં મોદી સરકારના વકીલે એફઆરએના પક્ષમાં કોઇ જ રજૂઆત ન કરી. એટલા માટે જ સુનાવણીના દિવસે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આરોપ મૂક્યો કે તે આ મામલે મૂક દર્શક બની રહી. 

સરકારે કોર્ટમાં દલીલ કરી કે વનવાસીઓના અધિકાર સંબંધી કાયદાના બરાબર ન સમજી શકવાના કારણે લાખો ગરીબ લોકો પર નિષ્કાસનનો ખતરો ઊભો થયો છે. મતલબ કે જે કાયદો જંગલોમાં સદીઓથી વસતા આદિવાસીએ અને ગેરઆદિવાસીઓના હિત માટે બનાવવામાં આવ્યો એ જ કાયદો તેમના માટે આફતરૂપ સાબિત થયો.

એમાં કાયદાની કેટલીક વિસંગતતા પણ જવાબદાર છે પરંતુ સૌથી વધારે જવાબદાર સ્થાનિક પ્રશાસન છે જે વનવાસીઓ પ્રત્યે માનવતાભર્યું વલણ ન દાખવી શક્યું. અનેક સામાજિક સંગઠનો વિરોધમાં આવી જતાં સરકારે ઉતાવળમાં વનવાસીઓના પક્ષમાં ઊભા રહેવાની ફરજ પડી. 

જોકે મોટી સમસ્યા આદિવાસીઓને નહીં પરંતુ જંગલોમાં રહેતા બિનઆદિવાસી લોકોને છે. યૂપીએ સરકારે 'શિડયુલ્ડ ટ્રાઇબ્સ એન્ડ ટ્રેડિશનલ ફોરેસ્ટ ડ્વેલર્સ (રિકોગ્નિશન ઓફ ફોરેસ્ટ રાઇટ્સ) એક્ટ, ૨૦૦૮દ દ્વારા જંગલોમાં સદીઓથી વસતી જનજાતિઓ અને બિનઆદિવાસી સમુદાયોના જંગલ પરના અધિકાર સુનિશ્ચિત કરતા તેમની આજીવિકા માટે જરૂરી જોગવાઇ કરી.

આ કાયદા અંતર્ગત ૧૩ ડિસેમ્બર, ૨૦૦૫થી પહેલા વનભૂમિ પર વસતા અનુસૂચિત જનજાતિના તમામ સમુદાયોને વનોમાં રહેવા અને આજીવિકા મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો. પરંતુ બીજી બાજુ અન્ય પરંપરાગત વનનિવાસીઓ માટે ત્રણ પેઢીથી ત્યાં રહેવાનો પુરાવો રજૂ કરવાનો અનિવાર્ય કરી દેવામાં આવ્યો. 

પુરાવો રજૂ કરવા માટે જે પ્રક્રિયા બનાવવામાં આવી એ એટલી જટિલ હતી કે અનેક સમુદાય આવા પુરાવા રજૂ નથી કરી શકતા. અનેક લોકોને તો આ કાયદા અંગે પણ કોઇ જાણકારી નથી. વનોમાં કુદરતના ખોળે વસતા લોકો પાસે તેમની વર્તમાન પેઢીના વસવાટનો પુરાવો ન હોય ત્યાં અગાઉની ત્રણ પેઢીના વસવાટના પુરાવા ક્યાંથી મેળવે? એવામાં આ લોકો માટે વસવાટના પુરાવાના સરકારી કાગળિયા મેળવવા લોઢાના ચણા ચાવવા સમાન નીવડે છે.

આદિવાસીઓના દાવાની તપાસ જિલ્લા કલેક્ટરનની અધ્યક્ષતા હેઠળની સમિતિ અને વનવિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. આમાંના મોટા ભાગના દાવા ફગાવી દેવામાં આવે છે કારણ કે આદિવાસીઓ પાસે જમીનના કોઇ દસ્તાવેજ નથી હોતાં. 

આદિવાસીઓના ભલા માટે બનાવવામાં આવેલો કાયદો જ તેમનો દુશ્મન બન્યો છે. અંગ્રેજોના જમાનાના કાયદાનું સ્થાન લેવા નવો કાયદો બનાવવામાં આવ્યો ત્યારે પણ વન્યજીવન સંગઠનોએ તેનો ભારે વિરોધ કર્યો હતો કે દેશના જંગલોનો જ નાશ થઇ જશે. જોકે વાસ્તવિકતા એ છે કે વનોમાં વસતા આદિવાસીઓ વનોનું રક્ષણ પણ કરતા હોય છે.

ખરેખર તો જંગલોના આ પરંપરાગત નિવાસીઓથી વધારે સારી દેખભાળ સભ્ય સમાજના લોકો ન કરી શકે એ સ્વાભાવિક છે. હકીકત એ છે કે દેશના ૮.૦૮ ટકા આદિવાસીઓ સાથે ઐતિહાસિક રીતે અન્યાય થયો છે. છેક બ્રિટીશ કાળમાં ૧૭૯૩થી આદિવાસીઓને વનોમાંથી નિષ્કાસનનો સામનો કરવો પડયો છે. ક્યારેક તેમને વન્યજીવો માટે અભ્યારણ્યો કે નેશનલ પાર્ક બનાવવા માટે કાઢી મૂકવામાં આવ્યાં. 

ઉદારીકરણની નીતિ અપનાવ્યા પછી જળ, જંગલ અને જમીન પર ઉદ્યોગો જમાવવા માટે કબજો લેવાની શરૂઆત થઇ. ખાણ કંપનીઓ અને અન્ય કોર્પોરેટ સેકટરોએ દેશના સંસાધનોની ઉઘાડી લૂંટ મચાવી. ગેરકાયદેસર ખાણકામ અને વન માફિયાઓએ માઝા મૂકી. આદિવાસીઓને તેમના મૂળમાંથી ઉખાડવાની શરૂઆત થઇ.

જંગલોના કોન્ટ્રાક્ટરો અને સરકારી અધિકારીઓ કાયદાની આડ લઇને આદિવાસીઓનું દમન કરવા લાગ્યાં. અધૂરામાં પૂરું, પર્યાવરણવાદીઓના અભિયાનો દ્વારા પણ વનવાસીઓને જ વેઠવાનો વારો આવ્યો. જંગલોમાં વન્ય પ્રાણીઓ માટે સંરક્ષિત સ્થાનો ઊભા કરવામાં આવ્યાં, નેશનલ પાર્ક, અભયારણ્યો બનાવવામાં આવ્યાં પરંતુ વનવાસી એવા માનવીઓના ઠેકાણાં જ ઉજાડી નાખવામાં આવ્યાં. 

કાયદો બન્યા પછી જંગલોમાં રહેવાની દાવેદારી નોંધાવનારા લોકોની ઓળખની પ્રક્રિયા શરૂ થઇ. ગયા વર્ષના નવેમ્બર સુધીમાં ૪૨ લાખથી વધારે લોકોએ વનોમાં રહેવા માટે દાવેદારી નોંધાવી. આ દાવાઓની સમીક્ષા કરવામાં આવી અને ૧૯ લાખ લોકોની દાવેદારી તો સીધેસીધી ફગાવી દેવામાં આવી.

લગભગ એટલાં જ લોકોની દાવેદારી કાનૂની ગણવામાં આવી. બાકીના લોકોની દાવેદારીના મામલા પેન્ડીંગ રહ્યાં. જે લોકોના વનમાં રહેવાના અધિકારને ફગાવી દેવામાં આવ્યો હતો એ લોકોએ અદાલતની શરણ લીધી પરંતુ અદાલતો તો પુરાવા વિના કોઇ દાવો સ્વીકારે નહીં એટલા માટે તેમના દાવા કોર્ટે પણ ફગાવી દીધાં. 

હવે તો વન અધિકાર કાયદાને જ ઘણાં સંગઠનોએ કોર્ટમાં પડકાર્યો છે. હકીકતમાં આ મામલો રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર માટે ભારે પરેશાની ખડી કરનારો બની રહ્યો છે. એ હકીકત છે કે આપણા વનો માત્ર સંરશ્રિત વન જ નથી પરંતુ તેમાં વસતીનો મોટો હિસ્સો વસે છે. એ પણ સ્વીકારવું રહ્યું કે આપણા જંગલોમાં મનુષ્યોની વસતીગીચતા વધારે છે.

પરંતુ તેમને એકાએક જંગલોમાંથી નિષ્કાસિત કરવાથી નવી સમસ્યાઓ ઊભી થશે. જંગલોમાં વસતા આદિવાસીઓ માટે જંગલ તેમનું ઘર જ નહીં, પરંતુ જીવનનિર્વાહ કરવાનું માધ્યમ પણ છે. પ્રકૃતિના ખોળે વસતા લોકોને તેમના મૂળિયામાંથી જ ઉખાડી ફેંકવા એ માનવતાની પણ વિરુદ્ધ છે. 

માનવતાની સાથે સાથે વનોના સંરક્ષણ માટે પણ વનવાસીઓની વનોમાં હાજરી આવશ્યક છે. કારણ કે વનોના આ પરંપરાગત નિવાસીઓ જ વનોનું સંરક્ષણ કરવામાં સમર્થ છે. એટલા માટે વનવાસીઓ પોતાની મૂળ ભૂમિમાં વસવાટ કરી શકે એ માટે કાયદામાં પણ યોગ્ય ફેરફાર કરવા જોઇએ. 

Tags :