Get The App

RCEP સમજૂતિથી દૂર રહેવાનો ભારતનો ડહાપણભર્યો નિર્ણય

- બેંગકોક ખાતે યોજાયેલી રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ બેઠકમાં સમજૂતિમાં જોડાવાનું ભારતે છેલ્લી ઘડીએ ટાળ્યું

Updated: Nov 6th, 2019

GS TEAM

Google News
Google News

- આ સમજૂતિમાં જો ભારતે સામેલ થવાનો નિર્ણય લીધો હોત તો ભારતના બજારોમાં ચીની માલસામાનનું ઘોડાપૂર આવ્યું હોત જેના કારણે સ્થાનિક વેપારધંધા ઉપરાંત ખેતીવાડી અને ડેરીઉદ્યોગને પણ વ્યાપક નુકસાન જવાની ભીતિ હતી

RCEP સમજૂતિથી દૂર રહેવાનો ભારતનો ડહાપણભર્યો નિર્ણય 1 - image

એશિયા પેસિફિક ક્ષેત્રની સૌથી મોટી વ્યાપારી સમજૂતિ ગણાતી રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ એટલે કે RCEPમાંથી ભારતે હાલ દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. થાઇલેન્ડની રાજધાની બેંગકોક ખાતે યોજાયેલી RCEPની ત્રીજી વાર્ષિક બેઠકમાં ભાગ લેવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ વાત કરતા કહ્યું કે સમજૂતિમાં ભારતના હિતોનું ધ્યાન રાખવામાં આવ્યું નથી એ સંજોગોમાં તેમનો અંતરાત્મા એમાં સામેલ થવાની પરવાનગી આપતો નથી.

રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ (RCEP) ૧૬ દેશો વચ્ચેની પ્રસ્તાવિત મુક્ત વેપાર સમજૂતિ છે જેના દ્વારા આ દેશો વચ્ચેના વેપારને સરળ બનાવવાની નેમ છે. આ સમજૂતિ હેઠળ જોડાયેલા દેશોના પરસ્પરના વેપારમાં ટેક્સમાં છૂટ ઉપરાંત બીજી અનેક આર્થિક છૂટ આપવાની જોગવાઇ છે. આ ૧૬ દેશોમાં ૧૦ આસિયાન સમૂહના દેશો છે જેમાં બુ્રનેઇ, મ્યાંમાર, કંબોડિયા, વિયતનામ, લાઓસ, મલેશિયા, ઇન્ડોનેશિયા, ફિલીપાઇન્સ, સિંગાપોર અને થાઇલેન્ડ સામેલ છે. અન્ય છ દેશો ભારત, ચીન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, જાપાન અને દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે જેમની આસિયાન દેશો સાથે મુક્ત વેપારની સમજૂતિ છે. મુક્ત વેપાર સમજૂતિનો અર્થ એ છે કે બે અથવા બે કરતા વધારે દેશો વચ્ચે એવી સંઘિ કરવી જેના દ્વારા આયાત અને નિકાસમાં સુગમતા વધારી શકાય. આવી સમજૂતિમાં સામેલ થયેલા દેશો ટેક્સ ઘટાડે છે અને વેપાર માટે અનુકૂળ માહોલ તૈયાર કરે છે.

આ સમજૂતિમાં સામેલ દેશો વચ્ચેના વેપારમાં ૯૦ ટકા સુધીના માલસામાન પર ટેરિફ ઘટાડવાની અથવા તો ખતમ કરવાની જોગવાઇ સામેલ હતી. જોકે ચીનના મામલે ભારતે ૮૦ ટકા માલસામાન પર ટેરિફ ખતમ કરવાની માંગ કરી હતી. ખાસ એટલા માટે કે ભારતનો ચીન સહિતના આ દેશોમાંથી નિકાસ પહેલેથી ઘણી વધારે છે અને નિકાસ પ્રમાણમાં ઘણી ઓછી છે. એવામાં એવી આશંકા છે કે આ ડીલ પર હસ્તાક્ષર કર્યા બાદ ચીનમાંથી આયાત ઘણી વધી જાય એમ હતી. જેના કારણે ભારતના હિતોની રક્ષા કરવી શક્ય નહોતી. નાણાકીય વર્ષ ૨૦૧૯ દરમિયાન ભારતના આરસીઇપી દેશો સાથેની વેપાર ખાધ ૧૦૫ અબજ ડોલર જેટલી છે. જેમાં ૫૪ અબજ ડોલર જેટલી વેપાર ખાધ તો એકલા ચીન સાથે જ છે. 

કોઇ દેશની નિકાસ કરતા આયાત વધારે હોય એ સ્થિતિને વેપાર ખાધ કહેવાય છે. આરસીઇપી અંતર્ગત આવતા ૧૬ દેશોમાંથી ૧૧ દેશો સાથે ભારત વેપાર ખાધની સ્થિતિમાં છે. મતલબ કે ભારત આ દેશોને પોતાના ઉત્પાદનો વેચવા કરતા ખરીદે છે વધારે. આમાં સૌથી મોટી વેપાર ખાધ ચીન સાથે છે. વર્ષ ૨૦૧૪માં મોદી સરકાર પહેલી વખત સત્તામાં આવી ત્યારે ભારતના ચીન સાથેના વેપારમાં ૨૬૦૦ અબજ રૂપિયાની ખાધ હતી જે વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન વધીને ૩૭૦૦ અબજ રૂપિયા થઇ ગઇ છે. 

બીજી બાજુ આ સમજૂતિનો ભારતમાં રાજકીય વિરોધ પણ થઇ રહ્યો હતો. ભારતીય ઉત્પાદકોને ડર હતો કે ડેરી અને અન્ય ઉત્પાદનો ઉપરના ટેરિફમાં ઘટાડો થવાથી સસ્તા ચીની માલસામાનનો ભારતમાં આવવાનો માર્ગ ખૂલી જશે. જેના કારણે ભારતના કૃષિ અને ડેરી ઉદ્યોગ પર મોટું જોખમ સર્જાઇ શકે એમ હતું. મુક્ત વેપારનો વિરોધ કરતા લોકોનું કહેવું છે કે ટેરિફમાં આવો ફેરફાર થયો તો સુસ્ત આર્થિક વૃદ્ધિ વચ્ચે દેશના ઉદ્યોગો અને ખેતીવાડી પંગુ બની જશે. બીજી બાજુ મુક્ત વેપારની નીતિનું સમર્થન કરતા લોકોનું કહેવું છે કે ભારતીય કૃષિને વેપાર ક્ષેત્રમાં સામેલ કરવાના સારા પરિણામો મળશે. 

કૃષિ અને ડેરી ઉત્પાદનો ઉપરાંત ભારતીય બજારોમાં સસ્તા ચીની મોબાઇલ ફોન, સ્ટીલ, એન્જિનિયરિંગનો માલસામાન અને રમકડાંની ભરમાર થવાની શક્યતા પણ હતી તો મુક્ત વેપારની તરફેણ કરતા લોકોનું કહેવું હતું કે આ સમજૂતિના કારણે ભારતીય ઉદ્યોગની વૈશ્વિક સપ્લાયની ચેન સુધીની પહોંચ સરળ બની જશે અને લોકો સરળતાથી એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રોનિક માલસામાન પ્રાપ્ત કરી શકશે. તેમનું કહેવું હતું કે વિદેશી બજારો સુધી પહોંચ વધવાના કારણે આર્થિક મંદીની અસરો ખાળવામાં મદદ મળી રહેશે.

આરસીઇપીમાં જોડાવા તૈયાર ૧૬ દેશોમાં દુનિયાની લગભગ ૪૫ ટકા વસતી વસવાટ કરે છે. દુનિયાની કુલ નિકાસનો ચોથા ભાગનો હિસ્સો આ દેશો ધરાવે છે. વૈશ્વિક જીડીપીનો ૩૦ ટકા હિસ્સો આ ૧૬ દેશોમાંથી આવે છે. આ આંકડાઓને જોતાં જો આ સમજૂતિ થઇ હોત તો એ દુનિયાની સૌથી મોટી વ્યવાસાયિક સમજૂતિ ગણાત. અત્યાર સુધી આ સમજૂતિની ૨૫ જોગવાઇઓમાંથી ૨૧ ઉપર સહમતિ સધાઇ ચૂકી છે. જોકે રોકાણ, ઇ-કૉમર્સ, ઉત્પાદનો બનવા માટે જગ્યા અને વ્યાવસાયિક ઉપચાર ઉપર સહમતિ સધાવાની બાકી છે.

આરસીઇપીમાં સામેલ ક્ષેત્રોમાં રહેલી ભારતીય કંપનીઓને પોતાના ઉત્પાદનો અને સેવા માટે મોટું બજાર મળી રહેવાની સંભાવના હતી. આ સમજૂતિ બાદ સ્થાનિક બજારમાં રહેલી મોટી કંપનીઓ અને સેવા આપનારી કંપનીઓને પણ નિકાસ માટે મોટું બજાર મળી શકે એમ હતું. એ સાથે જ ભારતમાં આ દેશોમાંથી આયાત થતી ચીજવસ્તુઓ ઉપર ટેક્સ ઘટવાના કારણે ગ્રાહકોને ઓછી કિંમતે માલસામાન ઉપલબ્ધ બનતો થયો હોત. 

ભારતનો આ સમજૂતિ માટે વિરોધ કરવાનું અન્ય કારણ એ હતું કે અન્ય દેશો ૨૦૧૪ના આધાર વર્ષને બદલવા માટે રાજી નહોતાં. આયાતમાં અનિયંત્રિત વૃદ્ધિને રોકવા માટે સંરક્ષણની કોઇ જોગવાઇ પણ નથી. જેના કારણે ઘરેલુ હિતોને નુકસાન પહોંચે એમ છે. છેલ્લા થોડા વર્ષોથી ભારત મેક ઇન ઇન્ડિયા અભિયાનને આગળ ધપાવવા પ્રયાસરત છે પરંતુ સમજૂતિના કારણે એ અભિયાનને પણ અવળી અસર થવાની સંભાવના હતી.

ભારતે એને લઇને પોતાની ચિંતાઓ અગાઉથી જણાવી દીધી હતી પરંતુ ચર્ચા દરમિયાન એનું નિરાકરણ નીકળી શક્યું નહીં. એટલા માટે જ વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે હાલ સમજૂતિનું જે સ્વરૂપ છે એ આરસીઇપીના સર્વસંમત સિદ્ધાંતો અને મૂળ ભાવના સાથે મેળ ખાતા નથી.  આ સમજૂતિના કારણે ભારત સહિતના દેશોમાં ચીની માલસામાનનું ઘોડાપૂર આવવાની સંભાવના છે. આ જોખમને દરેક દેશો સારી પેઠે સમજી રહ્યાં છે પરંતુ આગળ વધીને એનો વિરોધ કરવાની હિંમત માત્ર ભારતે જ બતાવી. નવેમ્બર ૨૦૧૨માં આ સમજૂતિ પર ચર્ચા શરૂ થઇ હતી અને છેલ્લા સાત વર્ષથી એના ઉપર સહમતિ બનાવવાના પ્રયાસો થઇ રહ્યાં હતાં.

જોકે છેલ્લા થોડા મહિનાથી અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડ વોર ગરમાવાના કારણે ચીન આ સમજૂતિ વહેલી સધાય એ માટે પ્રયાસરત હતું. આમ પણ ચીનને પોતાના વિકરાળ ઉત્પાદનને ખપાવવા માટે મોટા બજારોની જરૂર છે જોકે ભારતની ચીન સાથેની સમસ્યાઓ ઉકેલાવી પણ એટલી જ જરૂરી હતી.  આમ પણ જો આ પાડોશી દેશોમાંથી બેરોકટોક માલસામાન ભારતમાં આવવા લાગે તો આપણા સ્થાનિક ઉદ્યોગધંધા જ નહીં, પરંતુ ખેતીવાડી અને ડેરીઉદ્યોગને પણ વ્યાપક સમસ્યા સર્જાવાનો ભય છે.

જો એવું બને તો દેશના કરોડો લોકોનો જીવનનિર્વાહ પણ મુસીબતમાં આવી જાય. એ જ કારણ છે કે જુદાં જુદાં સ્તરે આ સમજૂતિનો વિરોધ થઇ રહ્યો છે. કોઇ પણ લોકશાહી સરકાર જનભાવનાની અવગણના કરી ખે નહીં. સ્વાભાવિક રીતે જ ભારતે બેંગકોક બેઠક દરમિયાન સર્જવામાં આવી રહેલા દબાણને વશ ન થઇને પોતાની સમસ્યાઓને ઉકેલવા પર જોર આપ્યું. 

એવી અનેક ચીજવસ્તુઓ છે જેના પરનું ટેરિફ ઘટાડવા ભારત રાજી નથી. ભારતનું આ વલણ ચીન અને મલેશિયા જેવા દેશોને પસંદ ન પડયું. કેટલાંક દેશોએ ભારતના વલણની ટીકા પણ કરી. પરંતુ આ મંચ સાથે જોડાયેલા મોટા ભાગના દેશો ભારત જેવી એશિયાની ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા અને વિશાળ બજારને અવગણીને આગળ વધવામાં કોઇ ફાયદો જોતાં નથી.

Tags :