સેનાએ પુષ્પો વેરવાને બદલે પાક. આતંકીઓ પર બોમ્બવર્ષા કરવાની જરૂર છે
- જવાનોના બલિદાનનો બદલો લેવાનો હવે સમય પાકી ગયો છે
- મુઠ્ઠીભર આતંકવાદીઓ આખા દેશને બાનમાં લે તે કેવી રીતે સહન કરી શકાય ? ઇંટનો જવાબ પથ્થરથી આપો. બેરહેમીઓ પર દયા ન હોય !!
દુનિયાભરમાં ફેલાયેલી કોરોના મહામારી મધ્યે પણ પાકિસ્તાન પોતાના આતંકવાદી એજન્ડાને પાર પાડવામાં લાગ્યું છે. છેલ્લા થોડા મહિનાથી કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે જે ચિંતાજનક છે. ગયા રવિવારે ભારતીય સેનાની ત્રણેય પાંખ કોરોના વૉરિયર્સ પર પુષ્પવર્ષા કરી રહી હતી ત્યારે કાશ્મીરના કૂપવાડા જિલ્લામાં હંદવાડા ખાતે આતંકવાદીઓ પોતાના કાવતરાને અંજામ આપવામાં લાગ્યા હતાં.
કાશ્મીરમાં મુઠ્ઠીભર આતંકવાદીઓ આખા દેશને બાનમાં લઈ રહ્યા છે અને કાશ્મીરમાં અશાંતિ સર્જી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર સરકારે સેંકડોની સંખ્યામાં સૈનિકોનો ખડકલો કર્યો છે ત્યારે આ મુઠ્ઠીભર આતંકીઓ દેશને બાનમાં લે તે કેવી રીતે ચલાવી લેવાય ? સૈન્યએ ઇંટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ. બેરહેમ આતંકીઓ પર દયા ન હોય !!
હંદવાડામાં આતંકવાદીઓએ ગ્રામવાસીઓને બંદી બનાવી લીધા જેમને છોડાવવા ભારતીય સેનાએ આદરેલા સંઘર્ષમાં એક કર્નલ અને એક મેજર સહિત સેનાના પાંચ જવાન શહીદ થઇ ગયાં. જોકે આ જવાનોએ પોતાના જીવ દાવ પર લગાવીને તમામ બંદીઓને છોડાવી લીધાં. લગભગ ૧૭ કલાક ચાલેલી આ અથડામણમાં લશ્કર-એ-તોઇબાના શીર્ષ કમાન્ડર સહિત બે આતંકવાદીઓ પણ ઠાર મારવામાં આવ્યાં. હજુ તો આ બનાવમાં જીવ ગુમાવેલા જવાનોના પરિવારજનોના આંસુ અટક્યા પણ નહોતા ત્યાં સોમવારની સાંજે હંદવાડા ખાતે જ આતંકવાદીઓએ સીઆરપીએફના કાફલા પર ઘાત લગાવીને હુમલો કર્યો જેમાં ત્રણ જવાનો શહીદ થઇ ગયા. ગઇ કાલે પણ બડગામ ખાતે આતંકવાદીઓએ સીઆરપીએફની ટુકડી પર હુમલો કર્યો જેમાં એક જવાન ઇજાગ્રસ્ત થઇ ગયો.
થોડા સમય પહેલા ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ હતાં કે આતંકવાદી સંગઠનો હિઝબુલ મુઝાહિદ્દીન અને લશ્કર-એ-તોઇબાના ૩૦૦ જેટલા આતંકવાદીઓ ઘૂસણખોરી કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ અને પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પાસે ૧૬ લૉન્ચપેડ સક્રિય કર્યા છે. એમાંના કેટલાક નૌશેરા અને ચમ્બની દુર્ગમ પહાડી વિસ્તારોમાં છે. આતંકવાદીઓ આ વિસ્તારમાં થઇને કાશ્મીરના ગુલમર્ગમાં આસાનીથી પ્રવેશી શકે છે. નિયંત્રણ રેખા પર સંઘર્ષ અને અથડામણની સ્થિતિમાં સૈનિકોને મૃતદેહોને અત્યંત સાવધાનીપૂર્વક હેન્ડલ કરવાની તાકીદ કરવામાં આવી છે કારણ કે તેઓ કોરોના વાઇરસથી સંક્રમિત હોઇ શકે છે.
છેલ્લા એક મહિનાથી પાકિસ્તાની સેના સરહદ પર અનેક વખત યુદ્ધવિરામનો ભંગ કરીને ફાયરિંગ કરી ચૂકી છે. પાકિસ્તાનના અમાનવીય કૃત્યનો એ વાતે પરિચય મળે છે કે ભારત કોરોનાગ્રસ્ત દેશોમાં દવાઓ મોકલી રહ્યું છે ત્યારે પાકિસ્તાન આતંકવાદને સપ્લાય કરવામાં રોકાયેલું છે. કદાચ પાકિસ્તાન એવા ભ્રમમાં લાગે છે કે ભારત કોરોના સામે લડાઇ લડવામાં વ્યસ્ત છે અને પોતાની સરહદોની સુરક્ષા કરવાના મામલે બેધ્યાન હશે. પરંતુ એ પાકિસ્તાનનો ભ્રમ છે અને ભારતીય સેના સંપૂર્ણ ચોકસાઇ સાથે સરહદોની સુરક્ષામાં તૈનાત છે.
છેલ્લા એક મહિનામાં સુરક્ષા દળોએ ૨૫ કરતા વધારે આતંકવાદીઓને જુદી જુદી અથડામણોમાં ઠાર માર્યા છે. ઘૂસણખોરી અને અથડામણની વધી રહેલી ઘટનાઓને જોતાં પાકિસ્તાનની અકળામણ અને ભારત પ્રત્યેની નફરતનો ખ્યાલ આવે છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ દૂર કર્યા બાદ કાગારોળ મચાવી રહેલા પાકિસ્તાને ભારે કાગારોળ મચાવી પરંતુ ચોમેરથી નિષ્ફળતા સાંપડયા બાદ તે ભારતમાં આતંકવાદી હુમલાઓ કરાવવાના કાવતરા કરી રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાને કાશ્મીર મુદ્દે પોતાની તમામ તાકાત લગાવી દેવાના દાવા કર્યા હતાં અને અણુયુદ્ધ સુદ્ધાંની ધમકી પણ આપી હતી.
જોકે લશ્કરી તાકાતમાં ભારત સામે જરાય ટકી શકે એમ ન હોવાના કારણે પાકિસ્તાન ભારતમાં આતંકવાદ ફેલાવવાના કારસા રચી રહ્યું છે. થોડા સમય અગાઉ પણ ઇન્પુટ્સ હતાં કે ચારે તરફથી નિરાશા સાંપડયા બાદ પાકિસ્તાન સરહદપારથી આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવામાં લાગી ગયું છે. આતંકવાદી સંગઠનો કાશ્મીરના લોકોને બંદી બનાવીને તેમને આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોરજબરજસ્તી સામેલ કરવા માટે અને સેના અંગે જાણકારી આપવા માટે દબાણ કરી રહ્યાં છે. આતંકવાદી સંગઠનો કાશ્મીરના યુવાનોને ભરતી કરવા માટે પ્રયાસો કરી રહ્યાં છે એવામાં સેના અને સુરક્ષા દળો માટે પહેલા કરતા પણ કઠિન સમય આવ્યો છે.
ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેત ૩૭૦ દૂર કર્યા બાદ એવી અપેક્ષા હતી કે કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ નબળી પડશે. કાશ્મીરમાં વ્યાપક સ્તરે સેના અને સુરક્ષા દળોની તૈનાતી વધારવામાં આવી છે જેના કારણે આતંકવાદીઓને પોતાના મનસૂબાઓને અઁજામ આપવામાં મુશ્કેલી પડી રહી છે. જોકે જ્યારથી સરકારે કાશ્મીરમાં પ્રતિબંધોમાં છૂટછાટ આપવાની શરૂ કરી ત્યારથી આતંકવાદીઓએ ફરી પાછું માથું ઉચક્યું છે. કાશ્મીરમાં મોટી સમસ્યા એ છે કે આતંકવાદી સંગઠનોએ અનેક ગામડાઓમાં પોતાના મૂળ જમાવી લીધાં છે.
કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય થવા લાગે કે આતંકવાદી હુમલા દ્વારા સ્થાનિક લોકોને ખાસ સંદેશ આપવાના પ્રયાસ થાય છે. સ્પષ્ટ છે કે આતંકવાદીઓ કાશ્મીરમાં અશાંતિ અને અરાજકતાનો માહોલ કાયમ બનાવી રાખવા માંગે છે કે જેથી કરીને લોકોમાં ભ્રમ બનેલો રહે. આ માટે સરહદપારના આતંકવાદી સંગઠનો તરફથી મદદ મળતી રહે છે. પાકિસ્તાનસ્થિત આતંકવાદી ઠેકાણાઓ દ્વારા આતંકવાદી ગતિવિધિઓનું સંચાલન થતું રહે છે. પાકિસ્તાનને તેની જમીન પરથી કામ કરતા આતંકવાદી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવાની વારંવારની માંગ છતાં કોઇ નક્કર પગલાં લેવાતા નથી. ખરેખર તો આતંકવાદીઓ ઇચ્છતા જ નથી કે કાશ્મીરના લોકો સમાજની મુખ્ય વિચારધારામાં સામેલ થાય. કાશ્મીરના યુવાનોને ભટકાવીને આતંકવાદના માર્ગે ધકેલી દેવા એ જ તેમનો એજેન્ડા છે.
આતંકવાદીઓ ગ્રામજનોને ડરાવી ધમકાવીને માહિતી કઢાવે છે અને સેના પર હુમલા કરે છે. છેલ્લા થોડા સમયથી કાશ્મીરમાં જે આતંકવાદી હુમલા થયા છે એ મોટે ભાગે ગ્રામ્ય વિસ્તારો અને જંગલોમાંથી જ પાર પાડવામાં આવ્યાં છે. કાશ્મીરની ભૌગોલિક રચના પણ જટિલ છે. હંદવાડા પણ ગ્રામ્ય વિસ્તાર છે. રવિવારે પુલવામાના એક ગામમાં પણ સર્ચ ઓપરેશન દરમિયાન થયેલી અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતાં. હકીકતમાં સેના અને સુરક્ષા દળોના સર્ચ ઓપરેશનથી આતંકવાદી સંગઠનો પરેશાન છે. અને એટલા માટે હતાશાના માર્યા તેઓ સુરક્ષા દળો પર હુમલા કરી રહ્યાં છે.
અગાઉ ૧૮ એપ્રિલે બારામૂલ્લા જિલ્લાના સોપોરમાં આતંકવાદી હુમલામાં સીઆરપીએફના ત્રણ જવાનો શહીદ થયા હતાં. એ જ દિવસે શોપિયાંમાં સેનાએ અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતાં. અગાઉ પુલવામા ખાતે થયેલા આતંકવાદી હુમલામાં એક જવાન ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. જાણકારોના મતે ઉનાળો આવતા સરહદ પરનો બરફ પીગળી રહ્યો છે અને શિયાળામાં બરફવર્ષાના કારણે સરહદ પરની ફેન્સિંગને પણ નુકસાન થયું છે એવામાં આતંકવાદીઓ આ મોકાનો ફાયદો ઉઠાવીને ભારતમાં ઘૂસણખોરી કરવા મથી રહ્યાં છે.
પાકિસ્તાની સેના અને આઇએસઆઇની છત્રછાયા હેઠળ પાકિસ્તાનમાં અનેક આતંકવાદી કેમ્પો ચાલી રહ્યાં છે. ભારતને નબળું પાડવા માટે પાકિસ્તાની સેના આતંકવાદીઓને ચાર હાથે મદદ કરે છે. આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડવા માટે કાયમ પ્રયાસો કર્યા કરે છે. દગાબાજી માટે જાણીતી પાકિસ્તાની સેના સરહદ પર છાશવારે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને ભારતના જાબાંઝ જવાનોના જીવ લે છે. ટેરરિસ્તાનની ઉપમા મેળવી ચૂકેલું પાકિસ્તાન એવી તમામ નાપાક હરકતો કરે છે જે ભારતને નુકસાન પહોંચાડે.
અત્યાર સુધી પાકિસ્તાન અમેરિકાની ખૈરાત પર નભતું હતું પરંતુ હવે પાકિસ્તાનની ગરજ ન રહી હોવાથી અમેરિકાએ તેને પડતું મૂક્યું છે. આઝાદી મળ્યા પછી ભારતે આજે દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી છે. દુનિયાની આર્થિક, લશ્કરી અને ટેકનોલોજીકલ મહાસત્તાઓમાં ભારત ગણાવા લાગ્યું છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતે જગતને વિશાળ બુદ્ધિધન પૂરું પાડયું છે. દુનિયાભરના લોકો ભારત સામે ભારે અહોભાવની નજરે જોતા હોય છે જ્યારે પાકિસ્તાન માત્ર આતંકવાદની ફેકટરી તરીકે કુખ્યાત થવા સિવાય કશું પામી શક્યું નથી.