છેવટે માયાવતી-અખિલેશના સગવડિયા જોડાણનો અંત આવ્યો
બસપા સુપ્રીમો માયાવતી બાદ બાદ સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ એકલા હાથે પેટાચૂંટણી લડવાની જાહેરાત કરી
માયાવતીએ પેટાચૂંટણી લડવાની જાહેરાત કરીને માત્ર અખિલેશ યાદવને જ નહીં, રાજકીય પંડિતોને પણ આંચકો આપ્યો છે કારણ કે બહુજન સમાજ પાર્ટી કદી પેટાચૂંટણીમાં ભાગ નથી લેતી પરંતુ હવે માયાવતી એ પરંપરા તોડીને પોતાની તાકાત અજમાવવા માંગે છે
લોકસભાની ચૂંટણીમાં ભાજપના હાથે કારમો પરાજય પામ્યા બાદ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચેના જોડાણ સામે પ્રશ્નાર્થ લાગી ગયો હતો. એવા સમાચાર આવી રહ્યાં હતાં કે ચૂંટણી બાદ બંને પક્ષોના માર્ગ જુદાં થઇ શકે છે. જોકે જે ઉમળકાથી માયાવતી અને અખિલેશ યાદવે હાથ મિલાવ્યા હતાં એ જોતાં તો એવું લાગી રહ્યું હતું કે તેમના સાથને હાર અસર નહીં કરે. પરંતુ લોકોની અટકળો ખોટી પડી અને માયાવતીએ ફરી વખત પોતાનો અસલી રંગ દેખાડતા વિધાનસભાની પેટાચૂંટણી એકલે હાથે લડવાની જાહેરાત કરીને જોડાણ તૂટી રહ્યું હોવાનો અણસાર આપ્યો.
હકીકતમાં તો માયાવતીએ પેટાચૂંટણી લડવાની જાહેરાત કરીને જ સમાજવાદી પાર્ટી તો ઠીક, રાજકીય પંડિતોને પણ મોટો આંચકો આપ્યો. કારણ એ કે બહુજન સમાજ પાર્ટી કદી પેટાચૂંટણીમાં ભાગ નથી લેતી. હવે માયાવતીએ પહેલી વખત જાહેરાત કરી છે કે તેઓ પેટાચૂંટણી લડશે અને એ પણ એકલે હાથે.
એવું બને કે પેટાચૂંટણીમાં ઝંપલાવીને તેઓ પોતાની તાકાત અજમાવવા માંગે છે. સમાજવાદી પાર્ટી સાથેના જોડાણ અંગે માયાવતીનું કહેવું છે કે અખિલેશ યાદવ તેમની પાર્ટીના વોટ બહુજન સમાજ પાર્ટીને ટ્રાન્સફર ન કરાવી શક્યાં જેનું તેમને મોટું નુકસાન થયું.
માયાવતીની ફરિયાદ છે કે તેમને યાદવોના વોટ ટ્રાન્સફર ન થયાં પરંતુ ચૂંટણીના પરિણામ જોઇએ તો ખ્યાલ આવે છે કે બહુજન સમાજ પાર્ટીની બેઠકો વધી છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં માયાવતીની પાર્ટીને એક પણ બેઠક નહોતી મળી જ્યારે આ વખતની ચૂંટણીમાં ૧૦ બેઠકો મળી છે. બીજી બાજુ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીની બેઠકો પાંચની પાંચ રહી છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશની કુલ ૮૦ બેઠકોમાંથી પાંચ બેઠકો સમાજવાદી પાર્ટીને મળી હતી.
એ પછી ગોરખપુર અને ફુલપુર બેઠકો પર થયેલી પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ વિજય મેળવીને પોતાની બેઠકોની સંખ્યા સાતે પહોંચાડી હતી. આનો અર્થ તો એવો કરી શકાય કે સમાજવાદી પાર્ટીના વોટ બહુજન સમાજ પાર્ટીને ટ્રાન્સફર થયા પરંતુ બહુજન સમાજ પાર્ટીના વોટ સમાજવાદી પાર્ટીને ટ્રાન્સફર ન થયા. પરંતુ માયાવતીનો દાવો સાવ ઉલટ છે કે અખિલેશ યાદવ વોટ ટ્રાન્સફર ન કરાવી શક્યા એટલા માટે તેઓ ગઠબંધનથી અલગ થાય છે.
બીજી બાજુ સમાજવાદી પાર્ટીને બેવડું નુકસાન થયું. પહેલું તો એ કે સપા-બસપા ગઠબંધનના નેતા તરીકે માયાવતીનું નામ આગળ રહ્યું અને અખિલેશ યાદવે તેમના જૂનિયર બનવાનું સ્વીકાર્યું. અખિલેશ યાદવે તો બીજા નંબરના નેતા બનવાનું સ્વીકારી લીધું પરંતુ સમાજવાદી પાર્ટીના કાર્યકરોને તેમની જ ધૂર વિરોધી એવી બહુજન સમાજ પાર્ટી સામે નંબર ટૂ રહેવાનું અનુકૂળ ન આવ્યું.
બીજું નુકસાન એ થયું કે સમાજવાદી પાર્ટી માત્ર ૩૬ બેઠકો પર ચૂંટણી લડી. મતલબ કે ઉત્તરપ્રદેશની અડધા કરતાયે વધારે બેઠકો તો સમાજવાદી પાર્ટીએ ચૂંટણી લડયા વિના જ ગુમાવી. સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ યાદવને પણ બંનેમાંથી એકેય બાબત પસંદ નહોતી આવી.
ઉત્તરપ્રદેશના રાજકારણમાં એકબીજાના કટ્ટર વિરોધી ગણાતા સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ જ્યારે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે લડવા માટે હાથ મિલાવ્યાં ત્યારે એવા કયાસ હતાં કે આ ગઠબંધન ઉત્તરપ્રદેશમાં ભાજપને મોટું નુકસાન પહોંચાડશે. પરંતુ નુકસાન પહોંચાડવાની વાત તો દૂર સપા-બસપા ભેગા મળીને ભાજપને ટક્કર પણ ન આપી શક્યાં.
ખરેખર તો અખિલેશ યાદવ અને માયાવતીએ જોડાણ કર્યું ત્યારે ભલભલા રાજકીય પંડિતો પણ અચંબો પામી ગયા હતાં કારણ કે વર્ષોથી એકબીજા સામે તલવાર ઉગામી રહેલા શત્રુઓ સાથે આવ્યાં હતાં. માયાવતી અને અખિલેશને સાથે લાવવા માટે કારણભૂત બન્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી.
સમાન શત્રુ હોવાના નાતે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ હાથ મિલાવ્યા ત્યારે એવું લાગતું હતું કે બંને પક્ષોનું સોશિયલ એન્જિનિયરિંગ ભાજપને મોટો ફટકો પહોંચાડશે. પરંતુ થયું સાવ ઉલટું. પ્રચંડ મોદી લહેરમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને જ અસ્તિત્ત્વ ટકાવવાના ફાંફાં પડી ગયાં.
હકીકતમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી એ અપેક્ષામાં સાથે આવ્યા હતાં કે તેમને પછાત સમુદાયો ઉપરાંત દલિતોના મત મળી જશે અને લટકામાં લઘુમતિ એટલે કે મુસ્લિમોના મત પણ મળી જશે અને જો આ તમામ સમુદાયોના મત એક થઇ જાય તો સમગ્ર રાજ્યમાં રાજકીય સમીકરણ એ હદે બદલાઇ જશે કે ભાજપ ક્યાંય મુકાબલામાં જ નહીં રહે.
વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી અને ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના આંકડા પણ આ જ વાત કહેતા હતાં. ગયા વર્ષે ગોરખપુર, ફૂલપુર અને કૈરાના લોકસભાની બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં પણ આ સપા-બસપાનું સમીકરણ બરાબર બેસી ગયું હતું. પરંતુ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં જાતિઓનું આ સમીકરણ બેઠકોમાં રૂપાંતરિત ન થઇ શક્યું.
ગયા વર્ષે પેટાચૂંટણીમાં મળેલી સફળતા બાદ અખિલેશ યાદવ અને માયાવતીએ રાજકીય જોડાણ ચાલુ રાખવાનું નક્કી કર્યું અને ગઠબંધનની રચના કરી.
બંને પાર્ટીઓની સંયુક્ત સભાઓ યોજાઇ અને મતદારોને એવો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે છેલ્લા પચ્ચીસ વર્ષની રાજકીય અને વ્યક્તિગત દુશ્મની ખતમ થઇ ગઇ છે. પરંતુ મતદારો સુધી તેમનો સંદેશ પહોંચી શક્યો નહીં અથવા તો મતદારોએ તેમના જોડાણને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો. માયાવતી વિશે તો એવું કહેવાતું હતું કે તેઓ ધારે ત્યાં તેમની વોટબેંક ટ્રાન્સફર કરી શકે છે પરંતુ આ ચૂંટણીમાં એવું ન થઇ શક્યું.
હવે માયાવતીને ગઠબંધનનો કોઇ ફાયદો દેખાતો નથી એટલા માટે તેઓ તેમની જૂની ફોર્મ્યૂલા તરફ પાછા ફરશે. મતલબ કે માયાવતી ફરી વખત યાદવ અને પછાત જાતિના વોટને ભૂલીને દલિત, મુસ્લિમ અને બ્રાહ્મણ મતોને જોડવાના પ્રયાસ કરશે. માયાવતીએ તેમની જીતનો શ્રેય મુસ્લિમ મતદારોને આપીને એની શરૂઆત પણ કરી દીધી છે.
માયાવતીએ અખિલેશ યાદવ તરફ તો સીધો હુમલો કર્યો નથી પરંતુ તેમણે એવું જરૂર કહ્યું છે કે અખિલેશ યાદવ તેમના પત્ની ડિમ્પલ યાદવને પણ ચૂંટણી ન જીતાડી શક્યાં. જોકે માયાવતીએ એટલું જરૂર કહ્યું છે કે ભલે જોડાણનો અંત આવે પરંતુ અખિલેશ સાથેનો સંબંધ જળવાઇ રહેશે.
એક સમયે ગઠબંધનના જોરે વડાપ્રધાન બનવાના સપના સેવનાર માયાવતીએ ગઠબંધનની ગાંઠ જ ખોલી નાખી છે. જાણવા મળ્યા મુજબ માયાવતીએ તેમની પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને માત્ર પેટાચૂંટણી જ નહીં, પરંતુ ઉત્તરપ્રદેશની આગામી વિધાનસભાની તમામ ૪૦૩ બેઠકો પર એકલે હાથે ચૂંટણી લડવાની તૈયારી કરવાની સૂચના આપી છે. તેમણે અત્યારથી તેમની પાર્ટીના કાર્યકરોને જોરદાર મહેનત કરીને વિધાનસભાની ચૂંટણીમાં સારા પરિણામો લાવવાનું કહ્યું છે.
આમ પણ જો લોકસભાની ચૂંટણી બાદ ગઠબંધન ચાલુ રાખ્યું હોત તો વિધાનસભાની ચૂંટણી વખતે મુખ્યમંત્રીપદને લઇને બંને પક્ષો વચ્ચે વિખવાદ થવાની શક્યતા હતી. લોકસભાની ચૂંટણીમાં જૂનિયર બનવાનું સ્વીકારનાર અખિલેશ યાદવ માયાવતી માટે મુખ્યમંત્રીપદનું બલિદાન આપે એ વાતે પણ તેમના મનમાં શંકા હતી.
માયાવતીની જાહેરાત બાદ અખિલેશ યાદવે પણ કહ્યું છે કે તેઓ પણ એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારી કરશે. આમ પણ માયાવતીએ સાથ છોડયા બાદ અખિલેશ યાદવ સમક્ષ બીજો કોઇ માર્ગ પણ બચ્યો નથી. આમ પણ માયાવતી સાથે જોડાણ કરતી વખતે અખિલેશ યાદવે બેઠકોની વહેંચણીમાં પણ સમાધાન કર્યું હતું. ખરેખર તો સપા-બસપા જોડાણ થયા બાદ એવું લાગી રહ્યું હતું કે અખિલેશ યાદવે માયાવતી સામે જાણે આત્મસમર્પણ કરી દીધું છે.
ખરેખર તો અખિલેશ યાદવ કરતા માયાવતીને ગઠબંધનની જરૂર વધારે હતી એટલા માટે દબાણમાં પણ તેમણે હોવું જોઇતું હતું પરંતુ બન્યું એથી ઉલટુ. બહજુન સમાજ પાર્ટીને વધારે બેઠકો તો મળી ઉપરાંત સમાજવાદી પાર્ટીની સરખામણીમાં આસાન બેઠકો પણ મળી. હકીકતમાં ભાજપને સત્તામાંથી દૂર કરવા માટે અખિલેશ યાદવે માયાવતી સામે જે હદે નમતું જોખ્યું પરંતુ ભાજપનું કદ સીમિત કરવા જતાં પોતે જ કદ પ્રમાણે વેતરાઇ ગયા.
હવે લોકસભાની ચૂંટણી બાદ અખિલેશ યાદવને જ્ઞાાન લાદ્યું છે અને માયાવતીનો તકસાધુ ચહેરો સામે આવ્યો છે. ભલે બંને પાર્ટીઓએ અલગ અલગ ચૂંટણી લડવાનું નક્કી કર્યું હોય પરંતુ જે રીતે પાર્ટીઓના કાર્યકરોને એક સાથે આવવામાં તકલીફ પડી હતી એ જ રીતે હવે ફરી વખત પોતાના મતદારોને પોતપોતાની પાર્ટી સાથે જોડવામાં મુશ્કેલી પડશે. જોકે રાજકારણમાં તો તકવાદી જોડાણો અને વિચ્છેદો સામાન્ય બાબત છે. હવે જોવું રહ્યું કે સાથે રહીને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આંધીનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યાં તો હવે એકલા રહીને કેટલું ઉકાળી શકે છે?