જી-7 બેઠકઃ ભારતને વૈશ્વિક ફલક પર ચમકવાનો સુવર્ણ અવસર
- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જી-7 સંમેલનમાં ભાગ લેવા ખાસ આમંત્રણ આપ્યું
- કદાવર દેશોના સમૂહમાં આમંત્રણ મળવું એ સન્માનની બાબત ગણાય છે અને છેલ્લા થોડા વર્ષોથી આંતરરાષ્ટ્રીય મામલાઓમાં ભારતનું કદ વધી રહ્યું છે એટલું જ નહીં, કોરોના જેવી મહામારીનો સામનો કરવા માટે ભારત જેવા વિશાળ દેશનો અનુભવ પણ જરૂરી છે
ચીન સાથે વધી રહેલી તનાતની વચ્ચે અમેરિકાએ ભારતને જી-૭ શિખર બેઠક માટે આમંત્રણ આપ્યું છે. આ આમંત્રણ વૈશ્વિક ફલક પર ભારતના વધી રહેલા કદનું પ્રતિક છે. મહત્ત્વના અને કદાવર દેશોના સંમેલનોમાં આમંત્રણ મળવું એ સન્માન ગણાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલું આમંત્રણ સન્માનની સાથે સાથે એક જવાબદારી પણ છે. દુનિયાનું નેતૃત્ત્વ કરવા માટે નૈતિક ક્ષમતાનું પ્રદર્શન કરવાની આ જવાબદારી ભારતે નિભાવવાની છે.
જી-૭ દુનિયાના સાત સૌથી શક્તિશાળી દેશોનો સમૂહ છે. ૧૯૭૫ના આર્થિક સંકટ બાદ દુનિયાની છ મહાસત્તાઓએ એક સાથે આવવાનો નિર્ણય લીધો. આ છ દેશોમાં અમેરિકા, જર્મની, ફ્રાન્સ, ઇટાલી, જાપાન અને બ્રિટનનો સમાવેશ થતો હતો. એક વર્ષ બાદ આ સમુહમાં કેનેડા પણ ઉમેરાયું અને એ રીતે જી-૭ની શરૂઆત થઇ.
નેવુંના દાયકામાં સોવિયેત સંઘનું પતન થયા બાદ આ સમૂહમાં રશિયાનો સમાવેશ કરવા માટેના પ્રયાસો થવા લાગ્યાં. છેવટે ૧૯૯૮માં રશિયા પણ આ સમૂહમાં જોડાઇ ગયું અને જી-૭ સમૂહ જી-૮ બની ગયો. ૨૦૧૪માં ક્રીમિયા સંકટ બાદ રશિયાની જી-૮ સંગઠનમાંથી હકાલપટ્ટી કરવામાં આવી અને એ સંગઠન ફરી પાછું જી-૭ બની ગયું.
હાલ જી-૭ સમૂહમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને કેનેડા સામેલ છે. આ ઔદ્યોગિક ગુ્રપને ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયાની મહાશક્તિઓના સમૂહના રૂપમાં જોવામાં આવે છે. ગુ્રપ ઓફ સેવનને કમ્યૂનિટી ઓફ વેલ્યૂઝ એટલે કે મૂલ્યોનો આદર કરતો સમૂહ પણ કહેવામાં આવે છે. સ્વતંત્રતા, માનવાધિકારોની રક્ષા, લોકશાહી અને કાયદાનું શાસન અને સમૃદ્ધિ તેમજ સતત વિકાસ જી-૭ના મુખ્ય સિદ્ધાંત છે.
જી-૬ દેશોના મંત્રીઓ અને અધિકારીઓ પરસ્પરના હિતોના મામલે ચર્ચા કરવા દર વર્ષે મળે છે. દરેક સભ્ય દેશ વારાફરતી આ સમૂહની અધ્યક્ષતા કરે છે અને બે દિવસીય વાર્ષિક શિખર સંમેલનની યજમાની કરે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જી-૭ સંમેલનમાં ભાગ લેવા બોલાવ્યાં છે એની પાછળનું મુખ્ય કારણ ટ્રમ્પ અને મોદી વચ્ચેની મિત્રતા કરતાયે આંતરરાષ્ટ્રીય મામલાઓમાં ભારતનું વધી રહેલું મહત્ત્વ છે. ભારતનું કદ, વસતી અને વધી રહેલી તાકાતે મળીને ભારતનું મહત્ત્વ વધાર્યું છે. ખાસ કરીને કોરોના મહામારીના યુગમાં અમેરિકાને ભારતનો સાથ મળવો અત્યંત આવશ્યક છે. આ સમયે ભારતે પોતાના લોકોને બચાવીને દુનિયાને સુરક્ષિત રાખવાની જવાબદારીની સાથે સાથે કોરોનાની સારવાર માટે અન્ય દેશોને મદદ પણ કરવાની છે.
ભારત દવાઓના વિકાસથી લઇને ટેસ્ટિંગ માટેની કીટ બનાવવામાં યોગદાન આપી રહ્યું છે. કોરોના જેવી મહામારીનો સામનો કરવા માટે ભારત જેવા વિશાળ દેશનો અનુભવ જરૂરી છે. એટલા માટે જ આ વર્ષની જી-૭ બેઠકમાં ભારતને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.
છેલ્લા થોડા વર્ષોથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ગાઢ બની રહ્યાં છે.
બે વર્ષ પહેલાં જ અમેરિકાએ સેનેટમાં ખાસ બિલ પસાર કરીને ભારતને નાટો સમકક્ષ દરજ્જો આપ્યો હતો. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન જે ટૂંકમાં નાટો તરીકે ઓળખાય છે એ પશ્ચિમી દેશોનું સૌથી શક્તિશાળી સંગઠન છે. નાટોમાં ઉત્તર અમેરિકા અને યુરોપના દેશો સામેલ છે જેમાં અમેરિકા, જર્મની, બ્રિટન અને ફ્રાન્સ જેવા શક્તિશાળી અને પરમાણુસંપન્ન દેશોનો સમાવેશ થાય છે. એક જોતાં ૨૯ સભ્ય દેશો ધરાવતું નાટો દુનિયાનું સૌથી મોટું લશ્કરી સંગઠન છે. આ દેશો જરૂર પડયે એકબીજાને લશ્કરી સહયોગ કરવા માટે બંધાયેલા છે.
વર્ષ ૨૦૧૬માં અમેરિકાએ ભારતને પોતાનું મોટું વ્યૂહાત્મક ભાગીદાર બનાવ્યું હતું. ભારતને નાટો સમકક્ષ દરજ્જો મળ્યા બાદ ભારત અમેરિકા પાસેથી હથિયારો અને ટેકનોલોજી ખરીદી શકે છે. ભારતને અમેરિકા પાસેથી અતિસંવેદનશીલ લશ્કરી સામગ્રી ઉપલબ્ધ બની છે. હકીકતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન દુનિયાભરમાં ભારતની શાખ અને વિશ્વસનિયતા વધી છે. છેલ્લા થોડા વર્ષોથી ભારતનો દબદબો સતત વધી રહ્યો છે અને ભારત વૈશ્વિક તાકાત બનીને ઉપસ્યું છે. વડાપ્રધાન મોદીના નેતૃત્ત્વમાં ભારતને એક પછી એક અનેક વ્યૂહાત્મક સફળતા પ્રાપ્ત થઇ છે.
એ તો સ્પષ્ટ છે કે એશિયામાં અમેરિકા નવા દોસ્તને શોધી રહ્યું છે. મનમોહનસિંહના શાસનકાળમાં ભારતે અમેરિકા સાથે પરમાણુ કરાર કર્યો ત્યારથી બંને દેશો વચ્ચે મધુર સંબંધો રચાવાની શરૂઆત થઇ ગઇ હતી. ભારતને પોતાનું વ્યૂહાત્મક ભાગીદાર બનાવવાના અમેરિકાના પ્રયાસો ઓબામાના કાર્યકાળ દરમિયાન જ શરૂ થઇ ગયા હતાં. એ વખતે તત્કાલિન વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટન વારંવાર દાવો કરતા હતાં કે ભારત સાથે થયેલો પરમાણુ કરાર વ્યૂહાત્મક સંધિની દિશામાં મહત્ત્વનું પગલું છે.
ઓબામાકાળમાં શરૂ થયેલા અમેરિકા અને ભારતના મૈત્રીપૂર્ણ સંબંધોને તેઓ આગળ ધપાવી રહ્યાં છે એટલું જ નહીં વધારે ને વધારે ગાઢ પણ બનાવી રહ્યાં છે. અમેરિકાની નવી સુરક્ષા નીતિમાં ટ્રમ્પે હિન્દ મહાસાગર અને પેસિફિક ક્ષેત્રમાં ભારતના નેતૃત્ત્વની ભૂમિકાનું સમર્થન પણ કરી ચૂક્યાં છે.
વર્તમાન સમયમાં ચીન ભારે તેજીથી દુનિયાભરમાં પોતાના પગ જમાવી રહ્યું છે જેના કારણે અમેરિકાના સુપર પાવરના હોદ્દા સામે જોખમ ઊભું થયું છે. ખાસ કરીને એશિયાના જુદાં જુદાં દેશોમાં ચીન જે રીતે રોકાણ કરીને પગપેસારો કરી રહ્યું છે તેના કારણે અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે. એટલા માટે જ ચીનને એશિયામાં ઘેરવા માટે અમેરિકાએ ભારતનો સાથ લેવાનું મુનાસિબ સમજ્યું છે.
હિન્દ મહાસાગર અને પેસિફિક મહાસાગર ક્ષેત્રોમાં ચીનનો વધી રહેલો પ્રભાવ રોકવા અમેરિકાએ પણ હામ ભીડી છે. આ ક્ષેત્રને તે એશિયા-પેસિફિક કહેવાના બદલે ઇન્ડો-પેસિફિક નામે સંબોધે છે અને ચીનને એ જરાય પસંદ નથી કે આ વ્યૂહાત્મક ક્ષેત્રને ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર તરીકે ઓળખાવવામાં આવે. કારણ કે આ નામના કારણે આ ક્ષેત્રમાં ભારતનું મહત્ત્વના દેશ તરીકે ઉપસી આવે છે.
છેલ્લા કેટલાક સમયથી ભારત ચીનની વિસ્તારવાદી નીતિઓનો વિરોધ કરી રહ્યું છે એ જોતાં એશિયાના અન્ય દેશોમાં પણ એવું ચિત્ર ઊભું થયું છે કે ચીનને પડકારવા માત્ર ભારત જ સક્ષમ છે. આ કારણે ચીનની દાદાગીરીને પડકારવા અમેરિકા ઉપરાંત વિયેતનામ, ઇન્ડોનેશિયા, સિંગાપુર અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો પણ ભારતને એક મજબૂત સાથીના રૂપમાં જોઇ રહ્યાં છે. છેલ્લા થોડા વર્ષો દરમિયાન ભારતે જે રીતે કૂનેહપૂર્વક વર્તીને ચીનનો કટિબદ્ધતાપૂર્વક સામનો કર્યો છે એનાથી સમગ્ર વૈશ્વિક સમુદાય પ્રભાવિત છે.
એ વાત નિર્વિવાદ છે કે અમેરિકા દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ છે અને એ કારણે જ તેની તમામ ગતિવિધિઓ પર દુનિયાની નજર રહેતી હોય છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ સોવિયેત સંઘ સાથે શરૂ થયેલા શીત યુદ્ધના સમય દરમિયાન અમેરિકાએ અનેક દેશોને પોતાના સહયોગી બનાવ્યાં હતાં.
એ વખતે ભારત તેના કટ્ટર શત્રુ સોવિયેત સંઘનું મિત્ર બની રહ્યું હતું. જોકે સોવિયેત સંઘના પતન અને શીત યુદ્ધની સમાપ્તિ બાદ વૈશ્વિક સમીકરણો બદલાયા છે. પોતાને ટક્કર આપે તેવા શત્રુની ગેરહાજરીમાં અમેરિકાએ વૈશ્વિક શક્તિ સંતુલનને મનફાવે એમ અસર કરી છે.
શીત યુદ્ધની સમાપ્તિ બાદ નવેસરથી સહયોગીઓ બનાવ્યા અને તાબે ન થનાર કે સામે પડનાર દેશોને તબાહ કર્યા. અમેરિકાની કાયમની કોશિશ રહી છે કે દુનિયા તેના ઇશારે ચાલે.
જોકે અમેરિકા સાથે સહયોગ વધાર્યા બાદ પણ ભારતે પોતાની આગવી નીતિઓ જાળવી રાખી છે. ભારતને હથિયારો અને સંરક્ષણ ટેકનોલોજી પૂરી પાડતા મુખ્ય દેશોમાં રશિયા સામેલ છે. ભારતની અનેક સુરક્ષા સિસ્ટમ રશિયા પાસેથી ખરીદવામાં આવી છે. ભૂતકાળમાં અમેરિકા ભારતને રશિયા પાસેથી શસ્ત્રો ખરીદતા અટકાવવા માટે પ્રયાસ કરી ચૂક્યું છે પરંતુ ભારતે અમેરિકાના દબાણને વશ થયું નથી. હકીકતમાં ભારતે અમેરિકાને સ્પષ્ટ કહી દીધું છે તેના માટે પોતાના હિતો સર્વોપરી રહેશે.
છેલ્લા થોડા વર્ષોથી ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર અનેક વખત પોતાનું મહત્ત્વ સાબિત કર્યું છે. પર્યાવરણની રક્ષાના ક્ષેત્રમાં પણ તે વૈશ્વિક સ્તરે નેતૃત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. હવે તેને જી-૭ સાથે જવાની એક અનેરી તક મળી છે અને આ વખતે ચીન ભારતની રાહમાં રોડાં નાખી શકે એમ નથી. એક જોતાં તો જી-૭ શિખર સંમેલ ભારત માટે વિશ્વ મંચ પર ચમકવાનો અવસર છે અને ભારતે આ તક ગુમાવવા જેવી નથી.