નિર્ભયાના દોષિતોને વહેલી તકે ફાંસીની સજા મળવાની આશા જન્મી
- દિલ્હી હાઇકોર્ટે નિર્ભયાના ચારેય દોષિતોને તમામ કાનૂની વિકલ્પો એક અઠવાડિયાની અંદર અજમાવી લેવાની તાકીદ કરી
- નિર્ભયાના દોષિતોને ફાંસીની સજા ફરમાવવામાં આવી ચૂકી છે પરંતુ કાયદાકીય પ્રક્રિયાનો લાભ લઇને તેઓ વારાફરતી જુદી જુદી અપીલો કરીને ફાંસીની સજાને પાછી ઠેલી રહ્યાં છે
દિલ્હીના નિર્ભયાકાંડના ચારેય દોષિતોને અલગ અલગ ફાંસીની સજા આપવાની કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટમાં કરેલી અપીલને કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટનું કહેવું છે કે ચારેય દોષિતોને અલગ અલગ ડેથ વોરંટ જારી ન કરી શકાય. જોકે અદાલતે એવી તાકીદ પણ કરી છે કે ચારેય દોષિતો પોતાના તમામ કાનૂની વિકલ્પો એક અઠવાડિયાની અંદર કરી લે અને એ પછી ડેથ વોરંટની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવે.
નિર્ભયાકાંડના ચારેય દોષિતોને ફાંસીની સજા થઇ ચૂકી છે પરંતુ તેઓ વારાફરતી કાનૂની વિકલ્પો અજમાવીને સજા પાછી ઠેલી રહ્યાં છે. નીચલી કોર્ટે ૧૭ જાન્યુઆરીએ ચારેય દોષિતોને પહેલી ફેબુ્રઆરીએ ફાંસીની સજાનું વોરંટ જારી કર્યું હતું પરંતુ એક દોષિતે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી દાખલ કરી જેના કારણે કોર્ટે ડેથ વોરંટ સ્થગિત કરવું પડયું. અગાઉ પણ ૭ જાન્યુઆરીએ કોર્ટે ફાંસીની તારીખ ૨૨ જાન્યુઆરી નક્કી કરી હતી પરંતુ એ વખતે પણ એક દોષિતની દયાયાચિકાના કારણે ડેથ વોરંટ સ્થગિત કરવું પડયું હતું.
જઘન્યતાની ચરમસીમા જેવા ૨૦૧૨ના નિર્ભયા કાંડે આખા દેશને હચમચાવી નાખ્યો હતો. આ હિચકારા કૃત્યના વિરોધમાં દેશભરમાં ભારે આક્રોશ ફેલાયો હતો.
આક્રોશ એટલો જલદ હતો કે લોકો છેક રાષ્ટ્રપતિભવન સુધી પહોંચી ગયા હતાં. એ સમયે જાણે કે એક સામાજિક ક્રાંતિ શરૂ થઇ હતી અને દેશના યુવાનોએ એ આંદોલનમાં જોશભેર ભાગ લીધો હતો. નિર્ભયાના ન્યાયની લડત સમાજના તમામ શોષિત વર્ગોના ન્યાયની લડાઇ બની ગઇ હતી. પહેલી વખત સ્ત્રી સાથે થતો અત્યાચાર રાજકારણના કેન્દ્રમાં પણ આવી ગયો હતો.
નિર્ભયાના કેસ બાદ બળાત્કાર અંગે કાયદા સખત બનાવવામાં આવ્યાં. દેશ એ સમયે પણ બળાત્કારના દોષિતોને તાત્કાલિક ફાંસીએ લટકાવી દેવાની માગણી કરી રહ્યો હતો અને આજે સાત વર્ષ પછી પણ એ જ માંગ કરી રહ્યો છે પરંતુ કાયદાકીય વ્યવસ્થા અને ન્યાયપ્રક્રિયાની ખામી એવું થવા નથી દેતાં.
સાત વર્ષ લાંબી ચાલેલી કાનૂની પ્રક્રિયા બાદ પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા બળાત્કાર કાંડના દોષિતોને બાવીસ જાન્યુઆરીએ સવારે સાત વાગ્યે ફાંસીએ લટકાવી દેવાનો હુકમ આપ્યો. એ પછી આ તારીખ લંબાવીને એક ફેબુ્રઆરી કરવામાં આવી. દેશની દરેક વ્યક્તિ નિર્ભયાના દોષિતોને ફાંસીએ લટકાવવાની રાહ જોઇ રહી છે પરંતુ મામલો કાનૂની દાવપેચમાં એટલો ગુંચવી નાખવામાં આવ્યો છે કે દોષિતોની ફાંસી બે વખત ટળી ચૂકી છે.
સાત વર્ષ પહેલા નિર્ભયાના બળાત્કાર વખતે દેશભરમાં આક્રોશ ઉઠયો હતો પરંતુ એ પછી પણ એકેય વર્ષ એવું વીત્યું નથી કે દેશમાં આવા જઘન્ય અપરાધો ન થયા હોય અને લોકો પણ અનેક વખત ગુનેગારોને આકરી સજાની માંગ સાથે સડકો પર ઉતરી આવ્યાં છે.
જોકે એકાદબે અઠવાડિયા ન્યાય માટે પોકાર કરીને લોકો ખામોશ થઇ જાય છે. પોલીસની કાર્યવાહી પોતાની ગતિએ ચાલ્યા કરે છે અને સરકાર પણ લોકોનો રોષ ઠંડો પડવાની રાહ જોતી રહે છે. આવા મામલા વર્ષોવર્ષ કોર્ટોમાં ચાલતા રહે છે અને કાળક્રમે ઇતિહાસ બની જાય છે. ૨૦૧૨ પહેલા અને પછી પણ આવા અનેક મામલા નોંધાયા છે પરંતુ હજુ સુધી કોઇ આરોપીને ફાંસી થઇ નથી.
હૈદરાબાદ ગેંગરેપનો મામલો સંસદમાં ઊઠયો અને તમામે એક અવાજે આ ઘટનાને વખોડી કાઢી. સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ જયા બચ્ચને તો ત્યાં સુધી કહ્યું કે જે લોકોએ આવું જઘન્ય કૃત્ય આચર્યું તેમનું જાહેરમાં લિંચિંગ કરી નાખવું જોઇએ. જયા બચ્ચને તો એન્કાઉન્ટર બાદ પણ સંતોષ વ્યક્ત કરતા કહ્યું છે કે મોડા મોડા પણ યોગ્ય કામગીરી બજાવી. ઘણાં લોકોએ જયા બચ્ચનની ટીકા કરી પરંતુ તેમના મનમાં જે આક્રોશ પેદા થયો એ કોઇ પણ સ્ત્રી અને ખાસ તો માતાના મનમાં જાગ્યા વગર ન રહે. હૈદરાબાદની પીડિતા દિશાની માતા પણ માંગ કરી રહી હતી કે તેની બેટીના હત્યારાઓને એ જ રીતે સળગાવીને મારી નાખવામાં આવે જે રીતે તેની પુત્રીને મારી નાખવામાં આવી હતી.
માસૂમ બાળકીઓની પીંખાયેલી અને બળેલી લાશો જોઇને કોઇને પણ આવા શયતાનનું લિંચિંગ કરી નાખવાનું મન થાય. દિલ્હી ખાતે નિર્ભયા પર બળાત્કાર અને એ પછી જે પાશવી અત્યાચાર ગુજારવામાં આવ્યો એ તો સાંભળતા જ કમકમાટી ઉપજે છે. એ પછી પણ આ સિલસિલો ન અટક્યો. વર્ષ ૨૦૧૩માં મુંબઇની બંધ શક્તિ મિલમાં એક જર્નાલિસ્ટ પર જઘન્ય ગેંગરેપ થયો. એ પછી તો અવાવરું બની ચૂકેલી શક્તિ મિલમાં બળાત્કારના અનેક મામલા સામે આવ્યાં. ૨૦૧૪માં ઉત્તરપ્રદેશના બદાયૂંમાં બે બહેનોનો ગેંગરેપ કરીને તેમને વૃક્ષ પર લટકાવીને મારી નાખવામાં આવી.
એ જ વર્ષે બેંગ્લોરમાં ૬ વર્ષની બાળકીનો તેના જ સ્કૂલ ટીચરે બળાત્કાર કર્યાનો મામલો સામે આવ્યો. ૨૦૧૬માં હરિયાણામાં જાટ આંદોલન વખતે એક યુવતી પર ગેંગરેપ થયો. હરિયાણાના જ રોહતકમાં ૨૦૧૭માં નિર્ભયાની જેમ જ એક યુવતી પર ગેંગરેપ કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી અને તેના શરીરને પણ ક્ષતવિક્ષત કરી નાખવામાં આવ્યું. ૨૦૧૮માં કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળકીની ગેંગરેપ બાદ નિર્દય હત્યા કરી દેવામાં આવી.
ઉન્નાવમાં તો યુવતી પર બળાત્કારના આરોપમાં એક નેતાની સંડોવણી બહાર આવી. રેવાડીમાં રાષ્ટ્રપતિ પુરસ્કાર પામેલી વિદ્યાર્થીની સાથે ગેંગરેપ થયો. ૨૦૧૯માં અઢી વર્ષની કોમળ બાળકીનો બળાત્કાર અને હત્યા કરવામાં આવી. હજુ તો હૈદરાબાદના મામલાના પડઘા શમ્યા નહોતા ત્યાં ઉન્નાવમાં એક બળાત્કાર પીડિતાને આરોપીઓએ જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો. આ યુવતી હજુ પણ દિલ્હીની હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે.
આ યાદી તો હજુ ઘણી લાંબી થાય એમ છે અને આ તો એવા જ કેટલાક કિસ્સા છે જે છાપે ચડીને ચર્ચાનું કારણ બન્યા હોય અને લોકોએ કેન્ડલ માર્ચ કાઢીને મૂક આક્રોશ વ્યક્ત કર્યો હોય. બાકી તો દેશમાં દર ૧૫ મિનિટે એક બળાત્કાર થાય છે. બળાત્કારની ૧૦ ઘટનાઓમાંથી ૪ ઘટનાઓમાં બળાત્કારનો ભોગ માસૂમ બાળકીઓ બનતી હોય છે. આ આંકડા તો માત્ર પોલીસ ચોપડે નોંધાયેલા બનાવો છે, બાકી તો અનેક મામલા પોલીસ સુધી પહોંચતા પણ નથી. વર્ષોવર્ષ સુધી કોર્ટોમાં કેસો ચાલે છે. માત્ર ૨૫ ટકા આરોપીઓને સજા થાય છે અને બાકીને છૂટથી હરેફરે છે. આવા છૂટી ગયેલાઓમાંના કેટલાય ફરીથી દુષ્કૃત્યો આચરે છે કે પીડિતાને જીવ લેવા સુધી રંજાડે છે.
આજે સાત વર્ષ પછી પણ નિર્ભયાના ન્યાય મળે એ જરૂરી છે. કહેવાય છે કે ન્યાયમાં થતો વિલંબ એ પણ અન્યાય જ ગણાય. ન્યાય મેળવવો માનવીનો મૂળભૂત અધિકાર છે.
ન્યાય અપાવવો સરકારનું પરમ કર્તવ્ય છે. ન્યાય માંગવો એ કોઇ નાગરિક દ્વારા માગવામાં આવતી દયાની ભીખ નથી. જે સમાજમાં લોકોને ન્યાય ન મળે એ સમાજમાં સ્વતંત્રતા અને સ્વાધીનતા જેવા સિદ્ધાંતોની ચર્ચા કરવાનો કોઇ અર્થ નથી. દોષિતોની ફાંસી પર સ્ટે મૂકવાના વિરોધમાં કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી. કેન્દ્ર સરકારની દલીલ હતી કે દોષિતો કાયદા સાથે રમત રમી રહ્યાં છે અને ફાંસીની તારીખ નજીક આવતા કોઇ ને કોઇ યાચિકા દાખલ કરીને સજા ટાળી દેવડાવે છે. બીજી બાજુ દોષિતોના વકીલોની દલીલ છે કે દોષિતોને અંતિમ શ્વાસ સુધી પોતાના અધિકારોનો ઉપયોગ કરવાનો હક છે.
આ છૂટ તેમને બંધારણ અંતર્ગત જ મળી છે. જેલના નિયમો અનુસાર એક જ અપરાધમાં સામેલ દોષિતોને એક સાથે સજા આપવાની જોગવાઇ છે અને દોષિતોના વકીલો આ જ જોગવાઇનો છટકબારી તરીકે ઉપયોગ કરે છે. બંને પક્ષોના પોતપોતાના તર્ક અને દલીલો છે પરંતુ જો આવું જ ચાલતું રહ્યું તો આ પ્રકારના કેસોનો કદી નિવેડો જ નહીં આવે. ન્યાયની દેવીની આંખે કાળી પટ્ટી બાંધવામાં આવી છે અને આપણી ન્યાયપાલિકા બંધારણથી બંધાયેલી છે. જોકે દોષિતોને સમયસર સજા ન થાય તો સમાજમાં અલગ પ્રકારનો અસંતોષ પણ પેદા થઇ શકે છે.
થોડા સમય પહેલાં જ હૈદરાબાદમાં રેપ પીડિતા ડોક્ટર દિશાના બળાત્કારના ચારેય આરોપીઓનું પોલીસે ઘટનાસ્થળે લઇ જઇને એન્કાઉન્ટર કરી નાખ્યું હતું. એ સમયે લોકોમાં ભારે ખુશી અને સંતોષ વ્યાપેલો જોવા મળ્યા હતાં. બળાત્કાર અને હત્યા બાદ કોર્ટમાં કેસ ચાલ્યા વગર કરવામાં આવેલી આ કાર્યવાહી લોકોને સારી લાગી હતી કે નિર્ભયાના કેસમાં જે થઇ શક્યું નહોતું તે પોલીસે કરી બતાવ્યું. લોકોની દલીલ હતી કે ન્યાય વ્યવસ્થા નિષ્ફળ રહી અને એટલા માટે પોલીસે એન્કાઉન્ટર કરવાનો વારો આવ્યો.
એટલું તો ચોક્કસ છે કે નિર્ભયાના દોષિતોને એક દિવસ તો સજા મળવાની જ છે અને હવે જ્યારે કોર્ટે નિર્ભયાના દોષિતોને એક અઠવાડિયાની અંદર જ તમામ કાનૂની વિકલ્પો અજમાવવાની તાકીદ કરી છે ત્યારે દોષિતોને વહેલી તકે ફાંસીની સજા મળવાની આશા જન્મી છે.