ટેકનોલોજીના સહારે આધુનિક ભારતના નિર્માણનું સપનું
- બજેટમાં સરકારે આગામી પાંચ વર્ષમાં ક્વૉન્ટમ એપ્લિકેશન પર આઠ હજાર કરોડ રૂપિયા ખર્ચવાની જાહેરાત કરી
જાણકારોના મતે રોજગાર પ્રત્યે સરકારનો દ્રષ્ટિકોણ યોગ્ય છે કારણ કે રોબોટિક્સ, ક્વૉન્ટમ ટેકનોલોજી, મશીન લર્નિંગ, મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી એવા ક્ષેત્રો છે જેમાં આવનારા વર્ષોમાં રોજગાર ઊભો થશે
આ વખતના બજેટમાં મોદી સરકારે ટેકનોલોજી પર ખાસું જોર આપ્યું છે. બજેટમાં દુનિયામાં વિકસી રહેલી ટેકનોલોજી દરેક સ્તરે અપનાવવામાં સક્ષમ હોય એવા આધુનિક ભારતના નિર્માણનું સ્વપ્ન છે. ટેકનોલોજીની મદદ વડે જ આવનારા સમયમાં દેશને નવી દિશા આપી શકાશે. એ દૃષ્ટિએ બજેટ આધુનિક ભારતની દિશામાં મહત્ત્વનું પગલું છે.
આજે વિજ્ઞાાન અને ટેકનોલોજીના આશરે અનેક દેશોએ અભૂતપૂર્વ પ્રગતિ કરી છે અને એ દેશોના નાગરિકોના જીવન સુખસાહ્યબીભર્યા અને સરળ બન્યાં છે. ભારતમાં પણ જુદાં જુદાં સ્તરોએ નવી ટેકનોલોજી અપનાવવાની શરૂઆત થઇ ચૂકી છે પરંતુ હજુ પણ વિજ્ઞાાન અને ટેકનોલોજીના ક્ષેત્રે ઘણું કરવાનું બાકી છે. આ વર્ષના બજેટમાં એટલા માટે ટેકનોલોજી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમને આ સંબંધે ઘણી મોટી જાહેરાતો કરી છે. બજેટમાં સરકારે ક્વૉન્ટમ ટેકનોલોજી અને એપ્લિકેશન પર રાષ્ટ્રીય મિશનની જાહેરાત કરી છે. આગામી પાંચ વર્ષમાં ક્વૉન્ટમ એપ્લિકેશન પર આઠ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવાની મહત્ત્વાકાંક્ષી યોજના છે.
નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં કહ્યું કે ક્વૉન્ટમ ટેકનોલોજીની ક્ષિતિજો વિસ્તૃત છે. તેમણે દાવો કર્યો કે ભારત ત્રીજો સૌથી મોટો દેશ બનશે જે ક્વૉન્ટમ ટેકનોલોજીનો વિશાળ પાયે ઉપયોગ કરતો હોય. ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી ખાતાએ ૨૭ સંભવિત ક્ષેત્રોમાં સંયુક્ત અભિયાન માટે ઇઝરાયેલ સાથે એક સમજૂતિ કરી છે જેમાં ક્વૉન્ટમ ટેકનોલોજી સામેલ છે. ક્વૉન્ટમ ટેકનોલોજી આધુનિક વિજ્ઞાાનની એવી શાખા છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરતા પણ આગળ છે. ટેકનોલોજીની દુનિયામાં લાંબા સમયથી ક્વૉન્ટમ કમ્પ્યુટિંગ પર કામ ચાલી રહ્યું છે.
ટેકનોલોજીના માંધાતાઓનું માનવું છે કે ક્વૉન્ટમ ફિઝિક્સ પર કામ કરતી આ કમ્પ્યુટિંગ સિસ્ટમમાં અપાર સંભાવનાઓ રહેલી છે. આખી દુનિયાના વૈજ્ઞાાનિકો આજે ક્વૉન્ટમ ટેકનોલોજીને કમ્પ્યુટરમાં પ્રયોગમાં લેવા માટે સંશોધનો કરી રહ્યાં છે. રિસર્ચ માટે પણ આ ફિલ્ડમાં ઘણો અવકાશ છે. જો ક્વૉન્ટમ કમ્પ્યુટર તૈયાર થઇ જાય તો તે વર્તમાન સમયના સૌથી શક્તિશાળી સુપર કમ્પ્યુટર કરતા પણ વધારે ઝડપી હશે. ક્વૉન્ટમ કમ્પ્યુટિંગની મદદ વડે ડેટા અને ઇન્ફોર્મેશનનું સાવ ઓછા સમયમાં પ્રોસેસિંગ થઇ શકે છે. જેના કારણે કમ્પ્યુટિંગ સાથે જોડાયેલી દરેક કામગીરી વીજળીવેગે કરવી શક્ય બનશે.
આજના કમ્પ્યુટર જે સ્પીડે ડેટાપ્રોસેસ કરી શકે છે એના કરતા અનેકગણી ઝડપે ક્વૉન્ટમ કમ્પ્યુટર કામ કરી શકશે. આધુનિક પ્રોસેસરની મદદ વડે નવી દવાઓની શોધથી લઇને મેનેજમેન્ટ, રેલવે, એજ્યુકેશન અને ટ્રાન્સપોર્ટના ક્ષેત્રમાં નવી ક્રાંતિ આવી શકે છે. ગયા વર્ષે દિગ્ગજ ટેક કંપની ગૂગલે જાણકારી આપી હતી કે તેણે ક્વૉન્ટમ કમ્પ્યુટિંગ રિસર્ચ સાથે જોડાયેલું એક એક્સપિરિમેન્ટલ ક્વૉન્ટમ પ્રોસેસર વિકસાવવામાં સફળતા મેળવી છે. આ પ્રોસેસરની મદદ વડે સુપર કમ્પ્યુટર વડે ગણતરી કરવામાં પણ હજારો વર્ષો નીકળી જાય એવી ગણતરી કેટલીક મિનિટોમાં થઇ શકે છે.
થોડા વખત પહેલા ગૂગલના લીક થયેલા રિસર્ચ પેપરમાં જણાવવામાં આવ્યું હતું કે જે ગણતરી દુનિયાનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર ૧૮ હજાર વર્ષમાં કરી શકે છે એ જ ગણતરી ગૂગલનું નવું પ્રોસેસર માત્ર ૩૦ મિનિટ અને ૨૦ સેકન્ડમાં કરી શકે છે. આના આધારે જ ખ્યાલ આવે છે કે ક્વૉન્ટમ કમ્પ્યુટર કેવી ક્રાંતિ સર્જી શકે એમ છે. જો સરકારની યોજના બરાબર ચાલી તો ક્વૉન્ટમ ટેકનોલોજીના ક્ષેત્રે જ ભવિષ્યમાં અનેક નોકરીઓનું સર્જન થઇ શકે એમ છે. સરકારે દેશભરમાં ડેટા સેન્ટર પાર્ક બનાવવાનો નિર્ણય કર્યો છે. આંગણવાડીથી લઇે પોલિસ સ્ટેશન અને તમામ કાર્યાલયોને ડિજિટલ નેટવર્ક દ્વારા જોડવામાં આવશે. એક લાખ ગ્રામ પંચાયતોને પણ હાઇસ્પીડ બ્રોડબેન્ડથી જોડવાની યોજના છે. જો આ યોજના સફળ બની તો ગ્રામ્ય ભારતનું ડિજિટલાઇઝેશન થઇ શકશે. ખાસ કરીને ગામડાના યુવાનોને ઘણો લાભ થશે. સરકારનું લક્ષ્ય છે કે ખેડૂતો પણ ખેતીના પરંપરાગત રીતોમાંથી બહાર આવીને કૃષિમાં આધુનિક ટેકનિકનો ઉપયોગ કરે.
બજેટમાં કુસુમ યોજના ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના દ્વારા ખેડૂતોને તેમની જમીનમાં સૌરઉર્જા ઉપકરણ અને પંપ લગાવીને સિંચાઇ કરવામાં સુવિધા મળશે. આ યોજનામાં ખેડૂતો તેમની જમીન પર સોલર પેનલ લગાવીને તેના દ્વારા ઉત્પન્ન થતી વીજળી ખેતીવાડીના ઉપયોગમાં લઇ શકશે.
આ રીતે જો ખેડૂતો જાતે જ વીજળી ઉત્પન્ન કરવા લાગે તો ગામડાઓમાં વીજળીની આપૂર્તિમાં થતી સમસ્યા દૂર થશે. ઉદ્યોગ અને વેપારના વિકાસ માટે ઓનલાઇન ખેતીવાડી બજાર ઇ-નામ અને સરકારી ખરીદ પોર્ટલ જેમ માટે ૨૭,૩૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
દેશમાં અત્યારે સૌથી વધારે યુવાન વસતી છે જે રોજગારની શોધમાં છે. સરકારે સ્કિલ ડેવલપમેન્ટ માટે બજેટમાં ૩ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે. દેશમાં શિક્ષકો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ અને કેરગીવર માટે વિદેશી માંગને પૂરી કરવા માટે પ્રયાસ કરવામાં આવશે. સરકારે સ્વીકાર્યું છે કે દેશમાં યુવાનોમાં કૌશલ્યની કમી છે.
પશ્ચિમી દેશોની ઉદાર અર્થવ્યવસ્થા નોકરી સર્જનના મામલે ઉદાહરણરૂપ છે. આ દેશોમાં નોકરી માત્ર સરકારી ઓફિસોમાં જ નહીં પરંતુ નાગરિક સુવિધાઓમાં પણ મળતી હોય છે. વિદેશોમાં નોકરી આપતા આવા સંસ્થાનોમાં સ્પોર્ટ્સ સેન્ટર, થિયેટર, કોન્સર્ટ હોલ, રેસ્ટોરાં કે પછી પર્યટન ઉદ્યોગમાં પણ રોજગારીની તકો ઊભી થાય છે. આપણા દેશમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, હોસ્પિટાલિટી, પ્રવાસન જેવા ક્ષેત્રો ઉપર યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું નથી. ખાસ ધ્યાન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર પર આપવાની જરૂર છે. સરકારે રોજગાર સર્જનમાં પશ્ચિમી દેશોના મોડેલને અનુસરવું પડશે.
અનેક રિપોર્ટ અનુસાર શૈક્ષણિક અને ટ્રેનિંગની ગુણવત્તામાં મોટા સુધારો કરવાની જરૂર છે. નિષ્ણાંતોના મતે ઉચ્ચ શિક્ષણ મેળવેલા વિદ્યાર્થીઓને રોજગાર ન મળે એ ગંભીર સમસ્યા છે. હકીકતમાં લાખો યુવાનો બેરોજગાર રહેવા પાછળ સરકારની ઉદાસિનતા મોટા પાયે જવાબદાર રહી છે. દેશમાં દર વર્ષે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ડિગ્રીઓ લઇને બહાર આવે છે પરંતુ આટલી મોટી સંખ્યામાં બહાર આવતા વિદ્યાર્થીઓ માટે સરકાર પાસે કોઇ પ્લાનિંગ જ નથી. ઘણાં વિદ્યાર્થીઓ તો આશાસ્પદ ભવિષ્ય ન જણાતા અધવચ્ચે જ અભ્યાસ છોડી દેતા હોય છે.
જોકે જાણકારોના મતે રોજગાર પ્રત્યે સરકારનો દૃષ્ટિકોણ યોગ્ય છે કારણ કે રોબોટિક્સ, ક્વૉન્ટમ ટેકનોલોજી, મશીન લર્નિંગ, મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી એવા ક્ષેત્રો છે જેમાં આવનારા વર્ષોમાં રોજગાર ઊભો થશે. જોકે નીતિની જાહેરાત થતા જ રોજગાર ઊભા ન થાય એ સ્વાભાવિક છે. આ લાંબો સમય ચાલનારી પ્રક્રિયા છે અને સરકારે લાંબા સમય સુધી પોતાનું ફોકસ નક્કી રાખવું પડશે. એ સાથે જ સરકારે એ પણ જોવું પડશે કે કયા ક્ષેત્રમાં નોકરીઓનું સર્જન થઇ શકે એમ છે અને કેવી રીતે સ્કિલ ડેવલપમેન્ટ થઇ શકે એમ છે. એ પણ જોવું પડશે કે જે શિક્ષણ આપવામાં આવે એ નોકરી પ્રાપ્ત કરવા કે કૌશલ્ય વિકાસ માટે મહત્ત્વનું હોય.