Get The App

GSTની માયાજાળમાં પ્રજા જ નહીં સરકાર પણ ગુંચવાઇ ગઇ

- જીએસટી કાઉન્સિલે રાજ્ય સરકારોને જીએસટીના બાકી નીકળતા વળતર ચૂકવવામાં હાથ ઊંચા કરી દીધાં

Updated: Dec 6th, 2019

GS TEAM

Google News
Google News

- ટેક્સ દ્વારા થતી આવકમાં ઘટાડાને લઇને કાઉન્સિલે રાજ્ય સરકારો પાસે જીએસટીમાં સામેલ જીવનજરૂરી વસ્તુઓ અંગે સૂચનો માંગ્યા છે અને આગામી બેઠકમાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ઉપર પણ જીએસટી લાદવામાં આવે એવી શક્યતા છે

GSTની માયાજાળમાં પ્રજા જ નહીં સરકાર પણ ગુંચવાઇ ગઇ 1 - image

મોદી સરકારના પહેલા કાર્યકાળ દરમિયાન અમલમાં મૂકવામાં આવેલા જીએસટીને લઇને બહુ મોટા સપના દેખાડવામાં આવ્યાં હતાં. મોદી સરકારે દાવો કર્યો હતો કે જીએસટી અમલમાં આવ્યા બાદ દેશની અર્થવ્યવસ્થા વધારે મજબૂત બનશે. પરંતુ હવે રેવન્યૂ સાથે જોડાયેલી સમસ્યાઓ વધતા કેન્દ્રની મોદી સરકારે પહેલી વખત ટેક્સ વસૂલી પર દબાણ વધ્યું હોવાનું સ્વીકાર્યું છે. જીએસટીને લઇને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે ગજગ્રાહ વધી રહ્યો છે. એવામાં કેન્દ્ર સરકારે રાજ્યોને થતી મહેસુલી આવકમાં થઇ રહેલા નુકસાનની ભરપાઇ કરવામાં સમર્થ ન હોવાનું જાહેર કર્યું છે. 

રાજ્ય સરકારોએ જીએસટી કાઉન્સિલને લખ્યું છે કે છેલ્લા કેટલાંક મહિનામાં જીએસટી અને કમ્પેન્સેશન સેસ ક્લેક્શન ચિંતાનો વિષય બની ગયા છે. એવામાં જીએસટી કાઉન્સિલનું વલણ હાથ ઊંચા કરી દેવા સમાન છે. ગયા મહિના પાંચ વિપક્ષ શાસિત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો કેરળ, રાજસ્થાન, દિલ્હી, પંજાબ અને પશ્ચિમ બંગાળે આ વિષય પર પત્ર લખીને પોતાની ચિંતાઓ જાહેર કરી હતી. પંજાબના નાણામંત્રીએ તો પહેલેથી જ કહી દીધું છે કે જો તેમના રાજ્યને જીએસટીનો હિસ્સો મળવામાં વિલંબ થયો તો રાજ્ય સરકારના કર્મચારીઓને વેતન ચૂકવવું પણ મુશ્કેલ બની જશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં જીએસટીની આવકમાં કમીના કારણે કેન્દ્ર સરકાર તરફથી ચૂકવનારા વળતરમાં પહેલેથી જ વિલંબ થઇ ચૂક્યો છે. કેરળના નાણામંત્રીએ તો જીએસટીના હિસ્સાની ચૂકવણીના વિલંબના મામલે સુપ્રીમ કોર્ટમાં જવાની ચીમકી પણ આપી છે.

જીએસટી એક્ટ અંતર્ગત રાજ્યોને ૧૪ ટકાથી ઓછા ગ્રોથ નીચેની કોઇ પણ પ્રકારની મહેસુલી આવકમાં ઘટાડાની સ્થિતિમાં કેન્દ્ર તરફથી નિશ્ચિત વળતર મળવાની જોગવાઇ છે. આના માટે બેઝ યર ૨૦૧૫-૧૬ ગણવામાં આવ્યું છે અને એની ડેડલાઇન ૨૦૨૨ સુધી છે. કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારોને જીએસટી કમ્પેન્સેશન દર બે મહિને ચૂકવવામાં આવે છે. કેન્દ્ર સરકારે કમ્પેન્સેશન સેસ તરીકે એપ્રિલ મહિનામાં ૬૪,૫૨૮ કરોડ રૂપિયા ફાળવ્યાં હતાં જેમાં એપ્રિલથી જુલાઇના સમયગાળામાં રાજ્યોને ૪૫,૭૪૪ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યાં છે. હવે રાજ્યોને ઓગસ્ટ અને સપ્ટેમ્બરનો હપ્તો મળ્યો નથી એટલા માટે કેન્દ્ર સરકારના ખજાનામાં હજુ પણ ૧૮,૭૮૪ કરોડ રૂપિયા પડયાં છે. અધિકારીઓનું કહેવું છે કે ટેક્સ વસુલીમાં કમીની આશંકાઓ અને એના કારણે સરકારની ફિસ્કલ ડેફિસિટ અર્થાત્ રાજકોષિય ખોટ પર પડનારી અસરોને ધ્યાનમાં રાખીને રાજ્યોને મળતું વળતર અટકાવવામાં આવ્યું છે. 

હવે જીએસટી કાઉન્લિલે રાજ્યો પાસે મહેસુલી આવક વધારવાના સૂચનો માંગ્યાં છે. કાઉન્સિલે કહ્યું છે કે જીએસટી છૂટના વ્યાપમાં આવતી ચીજવસ્તુઓ તેમજ જે વસ્તુઓ પર જીએસટી વસૂલવામાં આવે છે તે વિશે તેમજ કમ્પેન્સેશન સેસ પર પુનર્વિચાર સાથે જોડાયેલા સૂચનો રજૂ કરવામાં આવે. એ સાથે જ ટેક્સ વધારવાના ઉપાય પણ સુઝાડવામાં આવે. કેન્દ્રએ આ સૂચનો માટે રાજ્યોને ૬ ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે. કાઉન્સિલની ૧૮મી ડિસેમ્બરે યોજાનારી બેઠકમાં જીએસટીની સમીક્ષા કરવામાં આવશે અને ઇન્વર્ટેડ ડયૂટીક્ટ્રક્ચર અને કમ્પ્લાયન્સના નવા ઉપાયો અંગે વિચારણા કરવામાં આવશે.

સંસદના સેન્ટ્રલ હોલમાં ૨૦૧૭ની ૩૦ જૂને મધ્યરાત્રિએ 'એક દેશ, એક કરદના સૂત્ર સાથે જીએસટી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી ત્યારે સરકારના ઘણા નેતાઓએ તેને બીજી આઝાદી ગણાવી હતી. બેશક આઝાદી બાદ દેશની અર્થવ્યવસ્થામાં કરવામાં આવેલું આ સૌથી મોટું પરિવર્તન હતું પરંતુ જીએસટીને લઇને સરકાર તરફથી જે મોહક તસવીર રજૂ કરવામાં આવી હતી એ તસવીર થોડા જ સમયમાં બેરંગ થઇ ગઇ. દસ વર્ષ લાંબી ચર્ચા વિચારણાના અંતે લાગુ કરવામાં આવેલા જીએસટી શરૂઆતથી જ પ્રક્રિયાગત અને ટેકનિકલ જંજાળમાં ગુચવાયેલો છે.

જીએસટી લાગુ કરવાના મૂળ બે ઉદ્દેશ હતાં, એક તો દેશમાં એક સમાન કરવ્યવસ્થા લાગુ કરવી અને બીજું કર વ્યવસ્થાનું સરળીકરણ કરવું જેનાથી વેપાર કરવો આસાન રહે. ખાસ તો અસંગઠિત ક્ષેત્રનો મોટો હિસ્સો ટેક્સ હેઠળ આવે જેનો લાભ દેશની અર્થવ્યવસ્થાને મળે. પરંતુ હાલ તો આ તમામ મોરચે પરિસ્થિતિ ડામાડોળ છે. દેશનો મોટો હિસ્સો અસંગઠિત ક્ષેત્ર અને છૂટક રોજગારનો છે. દેશના ૧૦માંથી ૯ મજૂરો નાની કંપનીઓ અને ઉદ્યોગોમાં કામ કરે છે. આ અસંગઠિત ક્ષેત્રને પહેલો ફટકો નોટબંધીના કારણે પડયો કારણ કે આવા ઉદ્યોગોનું અસ્તિત્ત્વ જ રોકડ રકમ પર ટકેલું છે. નોટબંધી અને જીએસટીને સરકાર દ્વારા લોકોના ભલા માટે લેવામાં આવેલાં પગલાં ગણવામાં આવે તો પણ તે જે રીતે ઉતાવળમાં લાગુ કરવામાં આવ્યાં તેના કારણે તેમનો ઉદ્દેશ જ માર્યો ગયો. આ પગલાના કારણે નાના ઉદ્યોગો અને રોજગારીને બહુ મોટું નુકસાન થયું. 

હકીકતમાં જીએસટીનું માળખું જ એટલું ગુંચવણભર્યું છે કે નાના વેપારીઓ અને દુકાનદારો તો તે સમજી શકતા જ નથી. મોટા વેપારીઓને તો સીએની મદદ દ્વારા કામકાજ ચાલી જાય છે. દેશનો ૭૦ ટકા કારોબાર કાચા બિલ અને કોઇ પણ પ્રકારના પેપરવર્ક વગર ચાલતો હોય તો વેપારીઓની સમજમાં જીએસટી ન જ આવે એ સ્વાભાવિક છે. વેપારીઓમાં જે અસંતોષ અને વ્યાપારમાં જે નુકસાન જઇ રહ્યું છે એ જીએસટીના કારણે નહીં પરંતુ તેને લાગુ કરવાના પ્રકારને લીધે છે. ઉતાવળે જીએસટી લાગુ કરવાના બદલે પહેલા દેશના લોકોને અને વેપારીઓને તેના વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હોત તો કદાચ આટલી મોટી સમસ્યા ઊભી ન થઇ હોત. ઉદાહરણ તરીકે મલેશિયામાં ૨૦૧૫માં જીએસટી લાગુ કરવામાં આવ્યો તે પહેલાં સરકારે દોઢ વર્ષ સુધી વેપારીઓ વચ્ચે પ્રચાર અને પ્રસાર કર્યો. જમીની સ્તર પર પૂરી તૈયારીઓ સાથે જીએસટી લાગુ કર્યા બાદ પણ ઘણાં મહિના સુધી ત્યાંના નાના અને મધ્યમ કદના વેપારીઓમાં અસમંજસની સ્થિતિ બની રહી હતી. 

હવે તો જીએસટીમાં પણ ગોટાળા સામે આવવા લાગ્યાં છે. થોડા દિવસ પહેલાં જ ચેન્નાઇમાં લગભગ ૪૪૦ કરોડ રૂપિયાના સામાનની વાસ્તવિક આપૂર્તિ વગર નકલી ચલાન જારી કરવાના રેકેટના લગભગ ૭૯ કરોડ રૂપિયા બનાવટી ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ઉપયોગ કર્યાનો ખુલાસો થયો છે. આ તમામ કામગીરી બનાવટી યુનિટ ઊભું કરીને કરવામાં આવી. આ ગોરખધંધામાં કેટલીક પ્રાઇવેટ બેંકો પણ સામેલ છે. જટિલ જીએસટી જટિલ લેવડદેવડમાં ગુંચવાઇ ગયો છે. બનાવટી કંપનીઓ દ્વારા જીએસટીમાં ચોરીના મામલા સામે આવી રહ્યાં છે. અર્થવ્યવસ્થાની ગતિ પહેલેથી મંદ છે. જીડીપી ઘટીને ૪.૫ ટકાએ પહોંચી ગયો છે. એવામાં મહેસુલી આવકમાં ઘટાડો અર્થવ્યવસ્થા માટે સારો સંકેત નથી. 

એવું નથી કે સરકારને જીએસટી દ્વારા ઊભી થનારી મુશ્કેલીઓનો અંદાજ નહોતો, પરંતુ સત્તાના મદમાં રાચતી સરકારે તેને લાગુ કરવામાં ઉતાવળ કરીને મુશ્કેલીઓમાં અનેક ગણો વધારો કરી દીધો. હજુ પણ જીએસટી કાઉન્સિલ સમક્ષ સમસ્યાઓનો જે ઢગલો પડયો છે તેના કારણે આગામી દિવસોમાં જીએસટીમાં સુધારાવધારા થયા કરશે. એવું લાગે છે કે રોલબેક કરવામાં જીએસટી નવી જ ઊંચાઇઓ સર કરશે. જોકે નવી વ્યવસ્થા લાગુ કરી છે એટલે જેમ જેમ સમસ્યાઓ આવતી જશે એમ એમ સુધારા થયા કરશે. 

ખરું જોતા ભારત જેવા પ્રચંડ વસતી ધરાવતા દેશમાં જીએસટી લાગુ કરવો અત્યંત મુશ્કેલ બાબત છે. આમ તો દુનિયાભરના આશરે ૧૪૦ દેશોમાં જીએસટી લાગુ છે પરંતુ ઘણાં ખરા દેશોમાં ભારત જેટલી જનસંખ્યા નથી અથવા તો એ દેશો વિકસિત છે. બીજું કોંગ્રેસ કે અન્ય વિપક્ષોની એક જ ટેક્સ રાખવાની દલીલ પણ ભારત માટે વાજબી નથી કારણ કે અહીંયા વસતીના જ જુદાં જુદાં સ્લેબ છે. યુરોપના દેશોની વાત કરીએ તો ત્યાંના લોકો ખૂબ અમીર કે પછી સાવ ગરીબ નથી. ભારતમાં દૂધ ઉપર અને મર્સિડિઝ કાર ઉપર એક સમાન ટેક્સ લાગે એ વાત જ હાસ્યાસ્પદ લાગે છે.  નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું છે કે જીએસટીના માળખાને સરળ બનાવવા અંગે વિચારણા ચાલી રહી છે. 

જોકે ઘટતી આવકને જોતાં આગામી બેઠકમાં ઝીરો સ્લેબવાળી ચીજવસ્તુઓ પર સમીક્ષા થવાની છે. મતલબ કે હવે ખાવાપીવાની સામાન અને દૂધ ઉપર પણ જીએસટી લાગુ કરી શકે છે. જો એવું થયું તો મોંઘવારીનો માર ઝીલી રહેલી પ્રજા પર બોજો વધશે એમાં બેમત નથી.

Tags :