Get The App

ભાજપ-શિવસેના વચ્ચેની ખેંચતાણ અટકવાનું નામ નથી લેતી!

- સરકાર રચવાની અનિશ્ચિતતાઓ વચ્ચે ફડણવીસે અમિત શાહ સાથે તો શરદ પવારે સોનિયા ગાંધી સાથે મુલાકાત યોજી

Updated: Nov 5th, 2019

GS TEAM

Google News
Google News

- શિવસેનાના એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવામાં મુખ્ય સમસ્યા વિચારધારાની પણ છે કારણ કે શિવસેના રહી હિન્દુવાદી પાર્ટી જ્યારે કોંગ્રેસ અને એનસીપી સેક્યુલર પાર્ટીઓ છે, મતલબ કે જો તેઓ જોડાણ કરીને સરકાર બનાવે તો તેમની જ વિચારધારાઓ ટકરાય એમ છે

ભાજપ-શિવસેના વચ્ચેની ખેંચતાણ અટકવાનું નામ નથી લેતી! 1 - image

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યાને બે અઠવાડિયા થવા આવ્યા તેમ છતાં હજુ નવી સરકાર રચાઇ શકી નથી. ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાની યૂતિએ બહુમતિ કરતા પણ વધારે બેઠકો મેળવી હોવા છતાં શિવસેનાની શરતોના હજુ સુધી સરકાર રચવાના મામલે આગળ વધી શકાયું નથી. હકીકતમાં મહારાષ્ટ્રમાં સહયોગી શિવસેનાએ ૫૦-૫૦ની ફોર્મ્યૂલા પર  મક્કમ રહેવાનું વલણ ઘારણ કરતા ભાજપ માટે વિમાસણ સર્જાઇ છે. ખાસ બાબત એ કે શિવસેનાને પાંચ વર્ષની સરકારની બીજી અડધી ટર્મ માટે મુખ્યમંત્રીપદની જિદ ચાલુ રાખી છે. 

શિવસેનાની માંગ છે કે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના યુતિની સરકારના પહેલા અઢી વર્ષ દરમિયાન ભાજપના મુખ્યમંત્રી રહે અને પછીના અઢી વર્ષ માટે શિવસેનાના મુખ્યમંત્રી નિમાય. ગયા અઠવાડિયે શિવસેનાના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક બાદ પાર્ટીએ ભાજપ પાસે લેખિત આશ્વાસન મેળવવાની માંગ પણ કરી હતી. શિવસેનાનું કહેવું છે કે શિવસૈનિકો તેમની પાર્ટીના મુખ્યમંત્રીને જોવા ઇચ્છે છે. ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ આવી જ વાત કરી હતી. શિવસેનાના નેતાઓ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી તરીકે નીમવા ધારે છે.

ચૂંટણીના પરિણામો આવ્યા બાદ અનેક ઠેકાણે આદિત્ય ઠાકરેને ભાવિ મુખ્યમંત્રી તરીકે દર્શાવતા પોસ્ટરો લાગ્યાં હતાં. મહારાષ્ટ્રની આ વિધાનસભાની ચૂંટણીમાં સૌથી ચર્ચિત ચહેરો આદિત્ય ઠાકરેનો જ રહ્યો છે. આદિત્ય ઠાકરેએ ચૂંટણી લડીને ઠાકરે પરિવારની ચૂંટણી ન લડવાની પરંપરા બદલી નાખી છે. શિવસેનાના ૫૩ વર્ષના ઇતિહાસમાં પાર્ટીના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરે કદી ચૂંટણી નહોતા લડયાં કે નથી તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરે કદી ચૂંટણી લડયાં. પરંતુ પારિવારિક રાજનીતિને આગળ ધપાવવાની તક મળી ત્યારે તેમણે સીધું ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું. એમાંયે વર્લી બેઠક પરથી વિજય મેળવ્યા બાદ શિવસૈનિકોમાં તેમને મુખ્યમંત્રી અથવા તો નાયબ મુખ્યમંત્રી તરીકે જોવાની ઇચ્છા પ્રબળ બની છે.

શિવસેનાના આકરા વલણ પાછળનું મુખ્ય કારણ ભાજપને આ વખતે મળેલી બેઠકોમાં થયેલો ઘટાડો છે. ભાજપને ગઇ વખતની ૧૨૨ બેઠકોની સામે આ વખતે ૧૦૫ બેઠકો મળી છે. એમ તો શિવસેનાને પણ ગઇ વખતની ૬૩ બેઠકોની સરખામણીમાં આ વખતે ૫૬ બેઠકો મળી છે. પરંતુ ભાજપને ઓછી બેઠકો મળતા શિવસેનાને તેનું નાક દબાવવાની તક મળી ગઇ છે. બીજી બાજુ શરદ પવારની એનસીપીએ આ વખતે ધાર્યા કરતા સારું પ્રદર્શન કર્યું છે અને ગઇ વખતની ૪૧ બેઠકોની સામે આ વખતે ૫૪ બેઠકો મળી છે. તો નધણિયાતી કોંગ્રેસના ફાળે પણ ૪૪ બેઠકો ગઇ છે. 

શિવસેનાના અલગ સૂર વચ્ચે ભાજપ તરફથી સતત એવા દાવા થતા રહ્યાં છે કે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીપદને લઇને કોઇ મતભેદ નથી. અગાઉ ચૂંટણીપ્રચાર વખતે એવી ચર્ચા હતી કે ભાજપ શિવસેનાને નાયબ મુખ્યમંત્રીપદ ઓફર કરી શકે છે. પરંતુ હકીકત એ છે કે શિવસેના મુખ્યમંત્રીની ખુરશીનો મોહ છોડી શકતી નથી. એમાંયે વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ તેની આ મહત્ત્વાકાંક્ષા ઘણી વધી ગઇ છે. બીજી બાજુ કોંગ્રેસ બિનભાજપ સરકાર બનાવવાની શક્યતાઓ પર વિચાર કરી રહી છે અને શિવસેનાના એનસીપી તરફના કૂણાં વલણને જોતાં એવા સંકેત મળી રહ્યાં છે કે ધાર્યું ન થવાની સ્થિતિમાં શિવસેના અલગ માર્ગ પકડી શકે છે.

આમ પણ મહારાષ્ટ્રમાં શિવસેના છેક છેલ્લી ઘડી સુધી બેઠકોની ફાળવણીને લઇને અસંતુષ્ટ હતી. જોકે લોકસભાની ચૂંટણીમાં અને એ પછી કેન્દ્રની મોદી સરકારે લીધેલાં નિર્ણયોના કારણે ભાજપનું પલડું મજબૂત જણાતું હતું જેના કારણે શિવસેનાએ કમને પણ ભાજપને ડ્રાઇવિંગ સીટ પર બિરાજમાન થવા દીધો. એટલે સુધી કે શિવસેના સિવાયના ગઠબંધનના અન્ય સાથીદારોને પણ ભાજપના નિશાન પર જ ચૂંટણી લડાવી. વર્ષ ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેના અલગ અલગ ચૂંટણી લડયાં હતાં અને પરિણામે બંને પક્ષોને સરવાળે તો નુકસાન જ થયું હતું. 

વર્ષ ૨૦૧૪માં મહારાષ્ટ્રમાં વિધાનસભામાં પણ ચૂંટણી જીત્યા બાદ ભાજપ એકલે હાથે સરકાર રચી શકે એમ ન હોવાના કારણે શિવસેનાનો સાથ લેવાની જરૂર પડી હતી. અગાઉ લોકસભાની ચૂંટણી વખતે પણ શિવસેનાએ પહેલા તો એકલે હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી પરંતુ બાદમાં ભાજપના મનામણા બાદ તે ભાજપ સાથે આવી હતી. જોકે ભાજપને જંગી બહુમતિ મળ્યા બાદ મોદી સરકારમાં મંત્રીપદ માટે પણ શિવસેનાએ સમાધાન કરવાનો વારો આવ્યો હતો. જોકે વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાને જોતાં શિવસેના પાસે સમાધાન કરવા સિવાય કોઇ માર્ગ નહોતો.

હવે પરિણામો બાદ શિવસેનાને ભાજપનું નાક દબાવવાની તક મળી ગઇ છે. એટલું ઓછું હોય એમ એનસીપી અને કોંગ્રેસ શિવસેનાની ઝંખનાને પોષી રહ્યાં છે. કોંગ્રેસે તો પરિણામ આવ્યા બાદ દાવો પણ કર્યો હતો કે શિવસેના એનસીપી અને કોંગ્રેસ સાથે જોડાણ કરીને ભાજપના મનસૂબાઓ પર પાણી ફેરવી દેશે. શિવસેનાના નેતા સંજય રાઉતે તો એવો દાવો પણ કર્યો છે કે તેમની પાર્ટીને સરકાર બનાવવા માટે ૧૭૦ ધારાસભ્યોનું સમર્થન છે અને આ સંખ્યા ૧૭૫ સુધી પણ પહોંચી શકે છે. જોકે તેમના આ દાવામાં કેટલો દમ છે એ સવાલ છે. 

આંકડાની રીતે જોઇએ તો ૨૮૮ બેઠકો ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમતિનો આંકડો ૧૪૫ છે. જો શિવસેનાને એનસીપીનું સમર્થન મળી જાય તો તેમનો આંકડો ૧૧૦ સુધી પહોંચે છે. રાજ્યપાલ સાથેની મુલાકાત વખતે આદિત્ય ઠાકરેએ ૬૩ ધારાસભ્યોની પરેડ કરાવી હતી જેમાં ૭ અપક્ષ હતાં. એવામાં શિવસેનાની સંખ્યા ૧૧૭ સુધી પહોંચે છે. મતલબ કે કોંગ્રેસના સમર્થન વગર તેના માટે સરકાર રચવી શક્ય નથી. સમસ્યા એ છે કે કોંગ્રેસે હજુ સુધી પોતાના પત્તાં ખોલ્યાં નથી. કોંગ્રેસના ધારાસભ્યોને પણ જોડી દેવામાં આવે તો આંકડો ૧૬૧ થાય છે અને રાજ ઠાકરેના એમએનએસના એક ધારાસભ્યને પણ જોડી દેવામાં આવે તો આંકડો ૧૬૨ થઇ જાય, જે સરકાર રચવા માટે પૂરતો છે. 

જોકે કોંગ્રેસ માટે શિવસેનાને ટેકો આપવાની સાથે સાથે શરદ પવારને સાથ આપવાની પણ વિમાસણ છે. દરમિયાન શરદ પવારે દિલ્હી ખાતે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત યોજી છે. જોકે મુલાકાત બાદ અપેક્ષા હતી કે તેઓ શિવસેનાને સમર્થન મુદ્દે નિવેદન આપી શકે છે પરંતુ ઉલટું તેમણે એવું કહ્યું છે કે તેમની પાર્ટી પાસે સરકાર રચવા માટે જનાદેશ નથી અને સરકાર રચવાની જવાબદારી ભાજપ અને શિવસેનાની છે. એ સાથે જ તેમણે એવો દાવો પણ કર્યો છે કે શિવસેનાએ હજુ સુધી તેમની પાસે સમર્થન માંગ્યું નથી.

શિવસેનાના એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવામાં મુખ્ય સમસ્યા વિચારધારાની પણ છે. શિવસેના રહી હિન્દુવાદી પાર્ટી જ્યારે કોંગ્રેસ અને એનસીપી સેક્યુલર પાર્ટીઓ છે. મતલબ કે જો તેઓ જોડાણ કરીને સરકાર બનાવે તો તેમની જ વિચારધારાઓ ટકરાય એમ છે અને સરવાળે તેમની છબિને જ નુકસાન થાય એમ છે. એવામાં જો વિરોધી વિચારધારા ધરાવતા પક્ષો જોડાણ કરીને સરકાર રચી પણ લે તો તેમને થનારા નુકસાનનો સીધો ફાયદો ભાજપને મળે એમ છે.

બીજી બાજુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ દિલ્હી ખાતે ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત યોજી છે. ફડણવીસે દાવો કર્યો છે કે મહારાષ્ટ્રમાં વહેલી તકે સરકાર રચી દેવામાં આવશે. જોકે શિવસેનાની નારાજગી વચ્ચે ભાજપ સરકાર કેવી રીતે રચી કાઢશે એ સવાલ છે. થોડા દિવસો પહેલાં એવી વાત પણ સંભળાતી હતી કે શિવસેનાના મોટા ભાગના ધારાસભ્યો ભાજપ સાથે મળીને સરકાર રચવાની તરફેણમાં છે અને ઉદ્ધવ ઠાકરેના આક્રમક તેવરથી વિરુદ્ધ જઇને તેઓ ભાજપનો સાથ આપી શકે છે. મતલબ કે ભાજપના મેનજરોએ સરકાર રચવા માટે શિવસેના ઉપરાંત એનસીપી અને કોંગ્રેસના સંખ્યાબળમાં તોડફોડ કરવી પડે. છેલ્લા થોડા વર્ષોથી ભાજપે બીજી પાર્ટીઓમાં ફૂટ પડાવીને સરકારો રચવામાં સફળતા મેળવી છે જે જોતાં તે મહારાષ્ટ્રમાં પણ એ જ ચાલ ચાલી શકે છે.

દરમિયાન ભાજપના એક નેતાએ તો એવી વાત પણ ઉડાડી હતી કે જો ૬ કે ૭ નવેમ્બર સુધીમાં મહારાષ્ટ્રમાં સરકારની રચવા ન થઇ તો રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાગુ થઇ શકે છે. આ પાછળનું કારણ એ કે મહારાષ્ટ્ર્ વિધાનસભાનાનો કાર્યકાળ ૯ નવેમ્બરે પૂરો થાય છે. જોકે ભાજપના આ દાવાનું શિવસેનાએ આકરા પ્રત્યાઘાત આપતા સવાલ કર્યો છે કે રાષ્ટ્રપતિ પર તમારો અંકુશ છે? એ સાથે જ સંજય રાઉતે તો ચૂંટાયેલા ધારાસભ્યોને આડકતરી ધમકી આપતા હોવાનો આક્ષેપ પણ કર્યો છે. 

અત્યાર સુધી તો શિવસેના એવો દાવો કરતા રહ્યાં છે કે જો તેમના મુખ્યમંત્રી ન બન્યાં તો તેઓ ભાજપ સાથે સરકાર નહીં બનાવે. જોકે એવી શક્યતા પણ છે કે સરકારમાં સારા વિભાગ મેળવવા માટે પણ તે ભાજપને ડરાવી રહી હોય. હવે મહારાષ્ટ્રમાં કોની સરકાર રચાય છે અને કોણ વિપક્ષમાં બેસે છે એ તો આવનારા દિવસોમાં ખબર પડી જ જશે પરંતુ હાલ તો રાજ્યમાં જે ખેંચતાણ ચાલી રહી છે એ જોતાં આ મામલો સહેલાઇથી નહીં ઉકેલાય એવું જણાઇ રહ્યું છે.

Tags :