ભારતમાં પણ કોરોના વાઇરસનું જોખમ વધી રહ્યું છે
- કોરોના વાઇરસના શંકાસ્પદ કેસોની સંખ્યા વધતા સરકાર એલર્ટ મોડમાં
હજુ કોરોના વાઇરસને લગતી વધારે જાણકારી પણ સંશોધકો પાસે નથી એવામાં તેની રસી શોધાવામાં સમય લાગે એવી શક્યતા છે એટલા માટે હાલ તો આ વાઇરસથી બચવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય એ છે કે રોગનો ચેપ લાગ્યો હોય એવા લોકોથી દૂર રહેવું
ગત ડિસેમ્બરમાં ચીનના વુહાન શહેરમાંથી શરૂ થયેલો કોરોના વાઇરસનો ખતરો વધી રહ્યો છે અને દુનિયાભરના દેશો માટે ચિંતાનો વિષય બની ગયો છે. કોરોના વાઇરસ કેટલી હદે ફેલાઇ રહ્યો છે એનો અંદાજ એ વાતે આવી શકે છે કે તમામ ઉપાયો છતાં એકલા ચીનમાં જ ૮૦ હજારથી વધારે લોકોને આ વાઇરસનો ચેપ લાગી ચૂક્યો છે અને દુનિયાભરમાં લગભગ ત્રણ હજારથી વધારે લોકોના મૃત્યુ નીપજી ચૂક્યાં છે. દુનિયાના તમામ દેશોએ કોરોના વાઇરસથી બચવા માટે સાવધાની વર્તવાની શરૂ કરી દીધી છે અને બચાવના દરેક સંભવિત પ્રયાસ થઇ રહ્યાં છે.
ભારતમાં પણ કોરોના વાઇરસના ચેપ લાગેલા લોકોના કેસ વધી રહ્યાં છે જેના પગલે સરકારે સાવધાની દાખવવાની શરૂઆત કરી દીધી છે. આરોગ્ય ખાતાએ ઇટાલી, ઇરાન, દક્ષિણ કોરિયા અને જાપાનના લોકોના વિઝા રદ્ કરી દીધાં છે અને વિઝા ઓન અરાઇવલ પણ સ્થગિત કરી દીધાં છે. આ ઉપરાંત કોરોના વાઇરસના હાઇ રિસ્કવાળા ૧૧ દેશોની સફરે ન જવા માટેની સૂચના પણ બહાર પાડવામાં આવી છે. એ સાથે જ દેશભરના એરપોર્ટો પર ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ઇરાન, ઇટાલી, વિયેતનામ, હોંગકોંગ, સિંગાપોર, નેપાળ, મલેશિયા, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયાથી આવનારા મુસાફરોનું સ્ક્રીનિંગ કરવાની સૂચના આપવામાં આવી છે.
ભારતમાં કોરોના વાઇરસ સામે તકેદારીના પગલાં લેવા છતાં ધીમે ધીમે કોરોના વાઇરસના ચેપ લાગેલા લોકોની સંખ્યા વધી રહી છે. મંગળવાર સુધીમાં દેશમાં કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોય એવા ૧૨ કેસ નોંધાયા છે. ચિંતાની બાબત એ છે કે કોરોના વાઇરસના જે નવા કેસ નોંધાયા છે એ ચીન સિવાયના દેશોમાંથી આવેલા યાત્રીઓના છે. મતલબ કે વાઇરસના ચેપનો વ્યાપ ચીન બાદ બીજા દેશોમાં વધવા લાગ્યો છે. અગાઉ ગયા મહિને કેરળમાં કોરોના વાઇરસના ચેપના ત્રણ કેસ નોંધાયા હતાં જે ત્રણેય વ્યક્તિ ચીનથી પરત આવી હતી. આ ત્રણેય જણાને કોરોના વાઇરસના ચેપમાંથી મુક્તિ મળી હતી. હવે એ જ રીતે દેશના અન્ય કોરોના વાઇરસગ્રસ્ત લોકોને પણ સાજાપણું મળે એ જરૂરી છે.
વૈજ્ઞાાનિકોના મતે આ નવતર વાઇરસ કોરોના નામના જૂના વાઇરસ પરિવારનો નવો સભ્ય છે. આ નવા જીવલેણ વાઇરસને સાર્સ-સીઓવી-૨ નામ આપવામાં આવ્યું છે. સાર્સ શબ્દ સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રમનું ટૂંકું રૂપ છે જે રોગ ૨૦૦૨માં ચીનમાં ફેલાયો હતો અને જોતજોતામાં એક હજાર લોકો માર્યા ગયાં હતાં. નવો વાઇરસ પણ એ સાર્સના વિષાણુના મ્યૂટેશનથી બન્યો હોવાનું અનુમાન છે. આ વાઇરસ પહેલી વખત ડિસેમ્બર ૨૦૧૯માં જોવા મળ્યો હોવાના કારણે તેનાથી થતી બીમારીને કોવિડ-૧૯ રાખવામાં આવ્યું છે.
કોરોના વાઇરસ અનેક પ્રકારના હોય છે પરંતુ એમાંના છ વાઇરસ માણસોમાં ફેલાતા હોવાની જાણકારી હતી પરંતુ નવા વાઇરસની ભાળ મળ્યા બાદ આવા જીવલેણ વાઇરસની સંખ્યા વધીને સાત થઇ ગઇ છે. નવા વાઇરસના જિનેટિક કોડના વિશ્લેષણથી સામે આવ્યું છે કે માણસોમાં ફેલાતા અન્ય કોરોનાવાઇરસની સરખામણીમાં આ નવો વાઇરસ સાર્સના વાઇરસને મળતો આવે છે. કોરોના વાઇરસના લક્ષણ ન્યૂમોનિયા જેવા છે પરંતુ તે અત્યંત ચેપી વાઇરસ મનાઇ રહ્યો છે.
શરદીના અનેક વાઇરસની જેમ આ વાઇરસ પણ હવા મારફતે ફેલાતો હોવાનું જાણવા મળ્યું છે. મતલબ કે આ વાઇરસ ખાંસી અને શરદી દ્વારા ફેલાય છે.
કોરોના વર્ગના વાઇરસ સામાન્ય શરદી અને ફ્લૂથી લઇને ન્યૂમોનિયા અને સાર્સ જેવી ગંભીર બીમારી ફેલાવે છે. અગાઉ આ વાઇરસ પ્રાણીઓમાં વ્યાપક જોવા મળતા હતાં પરંતુ મ્યૂટેશન દ્વારા હવે તે માણસોને પણ બીમાર કરી રહ્યાં છે. ઉદાહરણ તરીકે સાર્સ સાર્સનો વાઇરસ ચામાચિડીયા મારફતે માણસોમાં ફેલાયો હતો. ર્ષ ૨૦૧૨માં સાઉદી અરેબિયામાં પણ મિડલઇસ્ટ રેસ્પિટરી સિન્ડ્રોમ નામનો વાઇરસ ફેલાયો હતો. ત્યારથી લઇને અત્યાર સુધી આ વાઇરસના કારણે મધ્યપૂર્વના દેશોમાં ૮૦૦થી વધારે લોકોના મૃત્યુ નીપજ્યાં છે.આ વાઇરસ ઊંટો દ્વારા માણસોમાં ફેલાયો હોવાનું જાણવા મળ્યું છે.
દુનિયાભરમાં ચિંતાજનક રીતે કોવિડ-૧૯ના કેસ વધી રહ્યાં છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તો ત્યાં સુધી કહ્યું છે કે શ્વાસોચ્છવાસ દ્વારા ફેલાતો આ રોગ સામુદાયિક સ્તરે ચેપ લગાડવામાં સક્ષમ છે. ૬૦થી વધારે દેશોમાં કોરોના વાઇરસના ૯૦ હજારથી વધારે કેસની પુષ્ટિ થઇ ચૂકી છે. ચીન ઉપરાંત દક્ષિણ કોરિયામાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત લોકોનો આંકડો પાંચ હજારને આંબવા આવ્યો છે. તો અત્યાર સુધી આ રોગથી સલામત રહેનાર અમેરિકામાં પણ ૬ જણાના મૃત્યુ નીપજ્યાં છે.
યુરોપિયન યુનિયનમાં પણ કોરોના વાઇરસના બે હજારથી વધારે કેસ નોંધાઇ ચૂક્યાં છે. જેમાં ઇટાલીમાં સૌથી વધારે સંકટ છે. એકલા ઇટાલીમાં જ કોરોના વાઇરસના બે હજાર જેટલાં કેસ નોંધાયા છે અને આ વાઇરસથી ૫૨ જણા મૃત્યુ પામ્યા છે. જર્મનીમાં પણ કોરોના વાઇરસના ૧૫૭ કેસ નોંધાયા છે. તાજેતરમાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના દૂત ડોક્ટર બુ્રસ આયલવાર્ડે પોતાની ટીમ સાથે ચીનની મુલાકાત લીધી હતી. તેમણે ચેતવણી આપતા કહ્યું છે કે જ્યાં સુધી એક સ્થળે આ રોગ પર કાબુ મેળવવામાં આવશે ત્યાં સુધીમાં તે બીજા સ્થળોએ પ્રસરી ચૂક્યો હશે. તેમની આ ચેતવણી સાચી પડી રહી છે કારણ કે ચીનમાં તો કોરોના વાઇરસનો ભોગ બનેલા લોકોની સંખ્યા પર કાબુ આવી રહ્યો છે પરંતુ બીજા દેશોમાં આ વાઇરસ રોગચાળાની જેમ ફાટી નીકળ્યો છે.
આજના હવાઇ મુસાફરીના યુગમાં એક દેશમાંથી બીજા દેશમાં જવું સાવ આસાન બની ગયું છે. દુનિયાના એક ખૂણેથી બીજે ખૂણે કલાકોમાં પહોંચી શકાય છે. કહેવા માટે તો દુનિયા ખોબા જેવડી બની ગઇ છે પરંતુ ક્યારેક આ આશીર્વાદ પણ અભિશાપ બની શકે છે. જે ઝડપે માણસો એક દેશમાંથી બીજા દેશમાં ઝડપથી અને સરળતાથી જઇ શકે છે એ જ ઝડપે ચેપી અને જીવલેણ વાઇરસ પણ એ માણસોને વાહક બનાવીને જુદાં જુદાં દેશોમાં પહોંચી શકે છે. અને રોજના જ્યારે લાખો લોકો હવાઇ મુસાફરી દ્વારા દુનિયાના ખૂણેખૂણામાં પહોંચતા હોય ત્યારે આવા ખતરનાક વાઇરસ કે કોઇ મહામારી ભારે ઝડપે ફેલાઇ શકે છે અને દુનિયાભરના લાખો કરોડો લોકોને ભોગ બનાવી શકે છે.
દર વર્ષે ભારતમાં કોઇ ને કોઇ જીવલેણ વાઇરસ ત્રાટકતો હોય છે. વાઇરસનો હુમલો થયાના થોડા દિવસ સુધી લોકો સાવચેત રહે છે પરંતુ મહામારીનો પ્રકોપ શાંત થતાં જ લોકો સતર્ક રહેવાનું છોડી દે છે. પરિણામે જુદાં જુદાં જીવલેણ વાઇરસ વખતોવખત ત્રાટક્યા કરે છે. છેલ્લા બે વર્ષથી કેરળમાં નિપાહ વાઇરસ ત્રાટકી રહ્યો છે. અગાઉ સ્વાઇન ફ્લૂનો વાઇરસ પણ આ રીતે જ દેશમાં ત્રાટક્યો હતો અને હવે વખતોવખત તે દેશના જુદાં જુદાં વિસ્તારોમાં તરખાટ મચાવે છે. તાજ્જુબની વાત તો એ છે કે એક સમયે સ્વાઇન ફ્લૂની બીમારી માત્ર શિયાળામાં થતી જોવા મળતી હતી. કારણ કે સ્વાઇન ફ્લૂનો વાઇરસ ૩૦ ડિગ્રીથી વધારે તાપમાનમાં જીવિત ન રહી શકતો હોવાનું વૈજ્ઞાાનિકોનું માનવું છે પરંતુ હવે તો ઉનાળાની ૪૦ ડિગ્રી કરતા પણ વધારે ગરમીમાં સ્વાઇન ફ્લૂના કેસ નોંધાય છે.
પહેલા ચીનમાં અને હવે ઇટાલી, ઇરાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં જે રીતે કોરોના વાઇરસ વ્યાપક સ્વરૂપ લઇ રહ્યો છે એ જોતાં ભારતે વધારે સાવચેતી રાખવાની જરૂર છે.
કોરોના વાઇરસનો સૌથી મોટો ખતરો એવા લોકોને છે જે પહેલેથી કોઇ બીમારીમાં સપડાયા હોય. ખાસ કરીને હૃદય અને ફેફસાંના રોગોના દર્દીઓમાં કોરોના વાઇરસ ફેલાવાનો ખતરો સૌથી વધારે છે. ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય એવા લોકો અને વૃદ્ધ લોકો આ વાઇરસની ચપેટમાં તુરંત આવી શકે છે. નવો વાઇરસ હોવાના કારણે હજુ સુધી તેની રસી ન શોધાઇ હોય એ સ્વાભાવિક છે. હજુ તો કોરોનાવાઇરસને લગતી વધારે જાણકારી પણ સંશોધકો પાસે નથી એવામાં રસી શોધાવામાં સમય લાગે એવી શક્યતા છે. હાલ તો આ વાઇરસથી બચવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય એ છે કે રોગનો ચેપ લાગ્યો હોય એવા લોકોથી દૂર રહેવું.
આમ પણ દર વર્ષે ભારતમાં કોઇ ને કોઇ જીવલેણ વાઇરસ ખોફ પેદા કરે છે. વાઇરસનો હુમલો થયાના થોડા દિવસ સુધી લોકો સાવચેત રહે છે પરંતુ મહામારીનો પ્રકોપ શાંત થતાં જ લોકો સતર્ક રહેવાનું છોડી દે છે. પરિણામે જુદાં જુદાં જીવલેણ વાઇરસ વખતોવખત ત્રાટક્યા કરે છે. નિપાહ વાઇરસ હોય કે સ્વાઇન ફ્લૂનો વાઇરસ કે પછી નવો આવેલો કોરોનાવાઇરસ, સૌથી મહત્ત્વની બાબત છે આવા જીવલેણ વાઇરસ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવાની અને એ માટે વ્યાપક પ્રયાસો હાથ ધરવાની જરૂર છે.