Get The App

મોબાઈલ એપ્લિકેશન : બે દેશ વચ્ચે વિવાદનું ડિજિટલ સ્વરૂપ

- એ વાત સાચી કે એપ હટાવી દેવાથી ચીનનું અર્થતંત્ર પડી નહીં ભાંગે પરંતુ એપ હટાવવાથી ચીનને માઠી અસર તો થઈ જ છે

- 18 હજારથી વધારે વેબસાઈટ, સેંકડો એપ પર પ્રતિબંધ મુકીને ચીને બેન કરવાનો જે રસ્તો જગતને બતાવ્યો, એ હવે તેને જ ભારે પડી રહ્યો છે!

Updated: Jul 5th, 2020

GS TEAM

Google News
Google News
મોબાઈલ એપ્લિકેશન : બે દેશ વચ્ચે વિવાદનું ડિજિટલ સ્વરૂપ 1 - image


કેટલાક વર્ષો પહેલા મનુષ્યની જરૂરિયાત હતી : રોટી, કપડાં અને મકાન. 

એ પછી છેલ્લા દાયકા-બે દાયકામાં નવું સુત્ર આવ્યું:  રોટી, કપડાં, મકાન અને મોબાઈલ. 

એ પછી છેલ્લા પાંચેક વર્ષમાં સુત્રમાં થોડો વધારો થયો :  રોટી, કપડાં, મકાન, મોબાઈલ અને મોબાઈલમાં ઈન્ટરનેટ કનેક્શન.

હવે ઉપરનું સુત્ર પણ અધુરું લાગે, અત્યારનું નવું સુત્ર આવું છે : રોટી, કપડાં, મકાન, મોબાઈલ, ઈન્ટરનેટ અને વિવિધ એપ્લિકેશન.

મોબાઈલ એપ્લિકેશન એટલે કે એપ આપણા દૈનિક જીવનનો ભાગ બની ચૂકી છે. ફૂડ ઓર્ડર માટે સ્વિગી-ઝોમેટો હોય કે કોરોના માટે એકબીજાથી અંતર જાળવવા આરોગ્ય સેતુ હોય, રેલવે બૂકિંગ હોય કે બસ બૂકિંગ માટે જીએસઆરટીસી હોય.. મોબાઈલ બેન્કિંગ, વિવિધ ટીવી ચેનલો, સોશિયલ મીડિયા, નાણાકીય હેરફેર... વગેરેની એપથી ભરપૂર ન હોય એવો સ્માર્ટફોન હવે શોધ્યો જડે નહીં!

અત્યારે એપનું મહત્ત્વ દેશ માટે ચર્ચાનો વિષય બન્યું છે. ભારતે ચીનની ૫૯ એપ પર પ્રતિબંધ મુક્યો. એમાંથી કેટલીક એવી એપ હતી જેનો વ્યાપક ઉપયોગ હતો. પણ એમાંય ટૂંકા વિડીયો અને તેમાં ગીતની ભેળસેળ કરી આપતી ચાઈનિઝ એપ ટિકટોક તો ખાસ્સી લોકપ્રિય હતી. આખા જગતમાં ટિકટોક ૨ અબજ મોબાઈલમાં ડાઉનલોડ થઈ હતી. એમાંથી ૬૧ કરોડ ડાઉનલોડ એકલા ભારતમાં હતા. એટલે કે ટિકટોકના ૩૦ ટકાથી વધારે વપરશકારો ભારતમાં હતા, જે એક જ ઝટકામાં ખતમ થઈ ગયા છે. ભારતના ૬૧ કરોડ વપરાશકારો પૈકી કેટલા ટિકટોકનો સદ્ઉપયોગ કરતાં હતા, કેટલા ટિકટોક પર ટાઈમ-પાસ કરતાં હતા એ પછીનો મુદ્દો છે. પરંતુ ભારતના આ નિર્ણયથી દુનિયામાં ક્યાંય પહેલી વખત એવું જોવા મળ્યું છે કે મોબાઈલ એપ્લિકેશન બે દેશ વચ્ચે વિવાદનું કારણ બની હોય.

ચીનનું અર્થતંત્ર ગંજાવર છે અને અઢળક ક્ષેત્રોમાં વેપાર ફેલાયેલો છે. એટલે ૫૯ એપ પર પ્રતિબંધ મુકી દેવાથી ચીનના અર્થતંત્રને મોટો ફરક પડશે એમ માની લેવાની જરૂર નથી. અલબત્ત, સાથે સાથે એ પણ હકીકત છે કે મોટો નહીં તો પણ ચીનને અપેક્ષા ન હતી એવો ફરક તો પડયો જ છે. વળી કેટલીક અસર એવી હશે, જે અત્યારે નહીં દેખાય, થોડા મહિના કે વરસ-બે વરસ પછી તેના પરિણામો જોવા મળે એમ બને.

ટિકટોક ચીની કંપની બાઈટડાન્સની એપ છે. એ કંપનીની બીજી એપ છે, હેલો જે ધીમે ધીમે ભારતમાં લોકપ્રિય થઈ રહી હતી. ત્યાં જ પ્રતિબંધ આવી ગયો. બાઈટડાન્સ ભારતમાં ૧ અબજ ડૉલરનું રોકાણ કરવા માંગતી હતી, એ અટકી ગયું. એમાં ભારતનું પણ નુકસાન છે. પણ બાઈટડાન્સને કુલ તો ૬ અબજ ડૉલર (૪૫૦ અબજ રૂપિયા) નું નુકસાન થવાની ધારણા છે. ભારતે પ્રતિબંધ મુક્યો એટલે અમેરિકા જેવા અન્ય દેશોએ પણ પ્રતિબંધની વિચારણા શરૂ કરી, જેની ચીનને અપેક્ષા ન હતી.

એપના નિર્ણયથી ભારતના એપ સર્જકોને (એપ્લિકેશન પબ્લિશર્સ)ને લાભ થશે એ વાત પણ નક્કી છે. જેમ કે ટિકટોક બંધ થઈ તો તેની સામે ભારતમાં બનેલી ચિનગારી એપ તુરંત આવી અને ૧ કરોડથી વધુ વખત ડાઉનલોડ પણ થઈ.

 ટિકટોકની માફક પ્રતિબંધિત બીજી ચાઈનીઝ એપના પણ સ્વદેશી વિકલ્પો ઉભા થવા લાગ્યા છે. એટલે ભારતના એપ માર્કેટને ટૂંકા અને લાંબા ગાળે મોટો લાભ તો થશે જ.

અત્યારે પ્લે સ્ટોર પર ૮,૮૦,૫૬૦ જેટલા એપ પબ્લિશર છે અને તેમની કુલ મળીને ૨૯,૩૮,૬૫૯ એપ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ છે. આ પબ્લિશર્સમાંથી ૨૪,૩૬૬ ભારતીય છે અને તેમની કુલ ૧,૨૧,૧૦૮ એપ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. ઘણા પબ્લિશર એવા છે, જેમની એકથી વધારે એપ પ્લે સ્ટોર પર મળે.. જેમ કે ગૂગલ પોતે...  કુલ પબ્લિશર્સમાંથી ૩ ટકા ભારતીય છે, જ્યારે કુલ એપમાંથી ૪ ટકા એપ ભારતની છે.

ભારતની તમામ ૧.૨૧ લાખ એપની વાત કરીએ તો બધાનું મળીને સરેરાશ રેટિંગ ૫ સ્ટારમાંથી ૩.૬ છે. એટલે કે ઘણુ સારું છે. એનો અર્થ એમ થાય કે ભારતની ઘણી-ખરી એમ ચીની એપની માફક બદનામ નથી. કેમ કે આખા વિશ્વની એપનું સરેરાશ રેટિંગ ૩.૨૧ છે. ભારતની જે એપ છે, તેમાંથી ૮૭ ટકા એપ્લિકેશન છે, ૧૩  ટકા ગેમ્સ છે. પ્લે સ્ટોરમાંથી કે એપ સ્ટોરમાંથી ગેમ ડાઉનલોડ કરનારો વર્ગ મોટો  છે. પરંતુ ભારતના એપ માર્કેટમાં હજુ ગેમ્સ ક્રિએટ કરવા માટે મેદાન ખુલ્લું પડયું છે. 

આખા વિશ્વના એપ પબ્લિશર્સ જે એપ મુકે તેને સરેરાશ દોઢ લાખ ડાઉનલોડ મળે છે. ભારતની એપ્સને ૧.૭૦ લાખથી વધારે ડાઉનલોડ મળે છે. આખા વિશ્વની કુલ એપ પૈકી ૩ ટકા એપ જ પેઈડ  છે, જ્યારે ભારતની ૫ ટકા એપ પેઈડ છે એટલે કે પ્લે સ્ટોરમાંથી તેને ખરીદવી પડે છે. તેની સામે ભારતની એપમાં એડવર્ટાઈઝમેન્ટનું પ્રમાણ વધારે છે. ભારતની કુલ એપમાંથી ૪૯ ટકા એપ એડવર્ટાઈઝમેન્ટ પણ સાથે સાથે દેખાડે છે, જ્યારે વિશ્વમાં આ પ્રમાણ ૩૯ ટકા છે. 

ઈન્ટરનેટ ક્ષેત્રની જાયન્ટ કંપનીઓ ફેસબૂક-વૉટ્સઅપ, ટ્વિટર, યુ-ટયુબ, લિન્ક્ડઈન, એમેઝોન, ગૂગલ એ બધા માટે જાયન્ટ માર્કેટ ભારત છે અને તેમના સૌથી વધુ વપરાશકર્તાઓ પણ ભારતમાં છે. તો પછી ભારતમાં બનતી એપ્લિકેશન કેમ ન ભારતના માર્કેટમાં સ્થાન જમાવી શકે?

મોબાઈલ એપ અંગેની વિગતો રાખતી સંસ્થા 'એપ એની' દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં નોંધ્યા પ્રમાણે ૨૦૧૯માં ભારતમાં ૧૯ અબજ એપ ડાઉનલોડ થઈ હતી. આખા જગતનું એપ માર્કેટ સરેરાશ ૪૫ ટકાના દરે વિકસ્યું ત્યારે ભારતમાં એ વિકાસનો દર ૨૪૦ ટકા નોંધાયો. આખા જગતમાં ૨૦૧૯માં કુલ ૧૨૦ અબજ એપ ડાઉનલોડ થઈ હતી. ૨૦૧૯ના વર્ષ દરમિયાન એપ પાછળ આખા જગતે કુલ ૯૦ અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો. આમ તો મોટા ભાગની એપ ફ્રી હોય છે પરંતુ તેના સ્માર્ટ વર્ઝન વાપરવા માટે અને કેટલીક ગેમ કે એન્ટરટેનમેન્ટના સબસ્ક્રિપ્શન માટે પૈસા ખર્ચવા પડતા હોય છે. 

ભારત અને ચીનના સ્માર્ટફોન વપરાશકારો મહિને સરેરાશ વિવિધ પ્રકારની ૩૮ મોબાઈલ એપ વાપરે છે. દુનિયામાં એપ વપરાશનો એ સૌથી વધારે આંકડો છે. એ પછી દક્ષિણ કોરિયાના મોબાઈલ ધારકો ૩૬ એપ, બ્રાઝિલ ૩૬ એપ, અમેરિકા ૩૫ એપ, જાપાન અને બ્રિટન ૩૪ એપનો વપરાશ કરે છે.

ચીનને મોટી અસર થવાનું કારણ એ કે પશ્ચિમના દેશોમાં ચીની એપ એટલી પોપ્યુલર નથી, જેટલી ભારતમાં છે. એટલે કે ચીની એપનું મોટું માર્કેટ જ બંધ થયું છે. ચીની એપ અત્યારે પ્રતિબંધિત થઈ પરંતુ શંકાના દાયરામાં તો ઘણા વર્ષોથી હતી. એપ દ્વારા કોઈના મોબાઈલમાં રહેલી માહિતી ચૂપચાપ મેળવી લેવી હવે જરાય અધરી નથી. અનેક એપ દ્વારા આ પ્રકારની કામગીરી થાય છે. પરંતુ ચીનના યુસી બ્રાઉઝર દ્વારા ભારતની સંવેદનશિલ માહિતી ચીન પહોંચાડાતી હોવાની વિગતો બહાર આવી હતી. ભારત સરકાર ત્યારથી તેના વિરૂદ્ધ તપાસ કરાવતી હતી. ઈન્ડિયન ડિફેન્સ ફોર્સિસે તો ૪૨ જેટલી ચાઈનિઝ એપને ૨૦૧૭માં જ બ્લેક લિસ્ટ કરી દીધી હતી.

એપ પ્રતિબંધ કરનારો ભારત પહેલો દેશ નથી. ઈન-ફેક્ટ પ્રતિબંધ મુકનારો સૌથી મોટો દેશ ચીન પોતે જ  છે. આખી દુનિયામાં ઈન્ટરનેટ સબંધિત સૌથી વધુ પ્રતિબંધો ચીનમાં છે. ફેસબૂક, ટ્વિટર, ઈન્સ્ટા, પિકાસા, ફ્લિકર, ટમ્બલર જેવી એપ્લિકેશન ચીનમાં સંપૂર્ણપણે અથવા મહદઅંશે પ્રતિબંધિત છે.

 ચીને કુલ ૧૮૦૦૦ સાઈટો બ્લોક કરી રાખી છે અને એ સંખ્યા સતત વધતી જ જાય છે. ગૂગલ પર ચીને પ્રતિબંધ મુક્યા પછી ગૂગલે ચીન સરકારને માફક આવે એવું ખાસ વર્ઝન તૈયાર કરવું પડયું. ચીનમાં એ વર્ઝન જ ખુલી શકે છે. ચીની સરકારે સેન્સરશિપ (પ્રતિબંધ) સંધિ તૈયાર કરી છે. ગૂગલ, યાહુ સહિતની ૧૦૦થી વધારે મોટી ઈન્ટરનેટ કંપનીઓએ તેના પર સહી કરી પછી જ  ચીને પોતાને ત્યાં તેમને ઓપરેટ કરવાની છૂટ આપી છે. 

વેબ-એપ-ઈન્ટરનેટ પર પ્રતિબંધનો આ રસ્તો ચીને જ દર્શાવ્યો હતો અને હવે તેને જ ભારે પડી રહ્યો છે.

Tags :