સિટીઝનશીપ અમેન્ડમેન્ટ બિલના મુદ્દે સંસદમાં ઘમાસાણ સર્જાવાના અણસાર
- મોદી સરકારના મંત્રીમંડળે નાગરિકતા સંશોધન બિલને મંજૂરી આપી દીધી
- હજુ તો આસામમાં એનઆરસીની યાદીને લઇને વિવાદ શમ્યો નથી ત્યાં નાગરિકતા સંશોધન બિલના મામલે ભારે આંદોલન થવાની શક્યતા છે પરંતુ મોદી સરકાર કોઇ પણ ભોગે આ બિલ સંસદના શિયાળુ સત્રમાં માં પસાર કરાવવા માટે મક્કમ છે
મોદી સરકારની કેબિનેટે નાગરિકતા સંશોધન બિલને મંજૂરી આપી દીધી છે. હવે વર્તમાન શિયાળુ સત્રમાં આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે. વિપક્ષો આ બિલનો વિરોધ કરી રહ્યાં હોવાના કારણે આ મુદ્દે સંસદમાં ભારે ઘમાસાણ સર્જાવાના અણસાર છે.
મોદી સરકાર જે સંશોધન બિલ લાવી રહી છે એ નાગરિકતા અધિનિયમ ૧૯૫૫માં ફેરફાર કરશે. આ બિલ કાયદો બન્યા બાદ બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન સહિત ભારતના પાડોશી દેશઓમાંથી આવનારા હિન્દુ, શીખ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મના લોકોને નાગરિકતા આપવામાં આવશે. અત્યાર સુધી આ લોકોએ ભારત દેશની નાગરિકતા મેળવવા માટે દેશમાં ૧૧ વર્ષ ગાળવા ફરજિયાત હતાં પરંતુ નવા કાયદા બાદ તેમણે ભારતમાં ઓછામાં ઓછા ૬ વર્ષ ગાળવાના રહેશે.
મોદી સરકાર જ્યારે નાગરિકતા સંશોધન બિલને સંસદમાં રજૂ કરીને પાસ કરાવવા તત્પર છે ત્યારે વિપક્ષ તેના વિરોધમાં છે. અનેક પાર્ટીઓએ મોદી સરકારને એ વિરુદ્ધ ચેતવણી પણ આપી છે. એવામાં કેન્દ્ર સરકાર સામે આ બિલને સરળ રીતે રજૂ કરવું અને પસાર કરાવવું મોટા પડકાર સમાન છે. ભાજપ તરફથી આ બિલ રજૂ કર્યા અગાઉ પોતાના તમામ સાંસદોને સંસદમાં હાજર રહેવાનું ફરમાન આપવામાં આવ્યું છે. આ બિલ લોકસભા અને રાજ્યસભામાં રજૂ થશે તો તેના પર ચર્ચા થશે અને એ પછી બિલ પસાર કરાવવા માટે વોટિંગ કરવામાં આવશે.
નાગરિકતા સંશોધન બિલને લઇને વિપક્ષ સરકારને ઘેરી રહ્યાં છે જેમાં મુખ્ય વિરોધ ધર્મને લઇને છે. નવા સંશોધન બિલમાં મુસ્લિમોને બાદ કરતા અન્ય ધર્મોના લોકોને સરળતાથી નાગરિકતા પ્રદાન કરવાનો નિર્ણય કરવામાં આવવાનો છે. વિપક્ષ એ જ વાતને મુદ્દો બનાવી રહ્યો છે અને મોદી સરકારના આ નિર્ણયને ધર્મના આધારે ભેદભાવ ઊભો કરનારો જણાવી રહ્યાં છે. વિપક્ષને વાંધો એ વાતે છે કે બીજા દેશોમાં અત્યાચાર સહન કરતા હિન્દુ, બૌદ્ધ, પારસી, જૈન અને ખ્રિસ્તી ધર્મના લોકો ભારતની નાગરિકતા મેળવી શકે છે પરંતુ આ જોગવાઇ મુસ્લિમો માટે શા માટે રાખવામાં આવી નથી?
વિપક્ષો આને મોદી સરકાર તરફથી ગેરકાયદેસર શરણાર્થીઓની વ્યાખ્યા બદલવાના પ્રયાસ તરીકે નિહાળી રહ્યાં છે. બિનમુસ્લિમ ૬ ધર્મના લોકોને નાગરિકતા આપવાની જોગવાઇને આધાર બનાવીને કોંગ્રેસ અને ઓલ ઇન્ડિયા યૂનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ ધાર્મિક આધારે નાગરિકતા આપવાનો વિરોધ કરી રહ્યાં છે. નાગરિકતા અધિનિયમમાં આ સંશોધનને ૧૯૮૫ના આસામ કરારનું પણ ઉલ્લંઘન જણાવવામાં આવી રહ્યું છે જેમાં ૧૯૭૧ બાદ બાંગ્લાદેશમાંથી આવેલા તમામ ધર્મના લોકોને દેશનિકાલ કરવાની વાત કરવામાં આવી હતી.
મોદી સરકારની કઠણાઇ એ છે કે આ બિલનો વિરોધ એનડીએની અંદર પણ થઇ રહ્યો છે. પૂર્વોત્તરમાં ભાજપની સહયોગી આસામ ગણ પરિષદ આ બિલનો ભારે વિરોધ કરી રહી છે. તેનો આક્ષેપ છે કે અગાઉ ભાજપે આ બિલ અંગે ચર્ચા કરવાનો વાયદો કર્યો હતો પરંતુ હવે તે કોઇ પણ પ્રકારની વાતચીત વગર આ બિલ લાવવા હિલચાલ કરી રહ્યો છે.
આસામ ગણ પરિષદે આ સુધારા બિલને સ્થાનિક નાગરિકોની સાંસ્કૃતિક અને ભાષાકીય ઓળખની વિરુદ્ધનું ગણાવ્યું છે. હજુ તો આસામમાં એનઆરસીના મુદ્દાને લઇને ઉહાપોહ ચાલુ છે એવામાં આ નાગરિકતા સંશોધન બિલ લાગુ થઇ ગયા બાદ ભારે જહેમતે તૈયાર કરવામાં આવેલી એનઆરસી યાદી પણ નિર્રથક થઇ જવાની શક્યતા છે.
આમ પણ એનઆરસીનો ફાઇનલ ડ્રાફ્ટ જાહેર થયા બાદ આસામમાં ભારે વિરોધ પ્રદર્શનો થયાં હતાં. જોકે એનઆરસીમાં નામ ન હોય એવા લોકોને સરકારે ફરિયાદ કરવાની તક પણ આપી. સુપ્રીમ કોર્ટે પણ એનઆરસીમાંથી બહાર થયેલા લોકો સાથે કડક વલણ ધારણ કરવા પર મનાઇ ફરમાવી દીધી છે. એવામાં સરકાર ફરી વખત નાગરિકતા સંશોધન બિલ લાવી રહી છે ત્યારે વિરોધ ઘેરો થવાની શક્યતા છે.
નાગરિકતા સંશોધન બિલને પહેલી વખત ૨૦૧૬માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ વિવાદ બાદ તેને સંયુક્ત સંસદીય સમિતિ પાસે મોકલી દેવામાં આવ્યું હતું. એ પછી આ વર્ષે જાન્યુઆરીમાં આ બિલ લોકસભામાં તો પસાર થઇ ગયું હતું પરંતુ રાજ્યસભામાં પસાર થઇ શક્યું નહોતું. જોકે લોકસભાનો કાર્યકાળ ખતમ થતાની સાથે જ બિલ પણ ખતમ થઇ ગયું હતું અને હવે આ બિલ લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહોમાં પસાર કરાવવું પડે એમ છે.
નાગરિકતા સંશોધન બિલ મામલે અગાઉ લોકસભાની ચૂંટણી અગાઉ પ્રચાર દરમિયાન પૂર્વોત્તરમાં કેટલાંક ઠેકાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાળા ઝંડા દર્શાવીને વિરોધ પણ કરવામાં આવ્યો હતો. જોકે એનઆરસી મુદ્દે હોબાળો મચ્યા બાદ આ મુદ્દો દબાઇ ગયો હતો પરંતુ હવે સરકારે તેને સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવાની હિલચાલ કરી ત્યારથી જ તેના વિરોધના સૂર ઉઠવા લાગ્યાં છે.
પૂર્વોત્તરના અનેક સંગઠનોએ આ બિલના વિરોધમાં મોટા આંદોલનની ધમકી આપી છે. આસામના શક્તિશાળી અખિલ આસામ વિદ્યાર્થી સંઘે બીજા ૩૦ સંગઠનો સાથે મળીને આ બિલ વિરુદ્ધ આંદોલનની રણનીતિ તૈયાર કરી છે.
તો કૃષક મુક્તિ સંગ્રામ સમિતિની આગેવાની હેઠળ બીજા ૭૦ જેટલા સંગઠનોએ આ બિલની વિરુદ્ધ ઘરેઘરે જઇને પ્રચાર શરૂ કરી દીધો છે. સમિતિનું કહેવું છે કે આસામમાં પહેલેથી ૨૦ લાખ જેટલા બાંગ્લાદેશી હિન્દુઓ વસી રહ્યાં છે. એવામાં આ બિલ પસાર થઇ ગયા બાદ બાંગ્લાદેશમાંથી ૧.૭૦ કરોડ હિન્દુઓનો અહીંયા આવવાનો માર્ગ સાફ થઇ જશે. સંગઠનો આ બિલને આત્મઘાતી ગણાવતા દલીલ કરે છે કે નાગરિકતા સંશોધન બિલ પસાર થઇ ગયું તો પૂર્વોત્તરની સ્થાનિક વસતીનું અસ્તિત્ત્વ જ જોખમમાં આવી પડશે.
આસામ ઉપરાંત પૂર્વોત્તરના બીજા રાજ્યોમાં પણ નાગરિકતા સંશોધન બિલનો ભારે વિરોધ થઇ રહ્યો છે.
મણિપુર પીપલ્સ અગેન્સ્ટ સિટીઝનશીપ અમેન્ડમેન્ટ બિલના બેનર હેઠળ જુદાં જુદાં સંગઠનો એકઠા થયાં છે અને આંદોલન ચલાવી રહ્યાં છે. મણિપુરની રાજધાની ઇમ્ફાલ ખાતે પણ ભારે વિરોધપ્રદર્શનો થઇ રહ્યાં છે. બીજી બાજુ ભાજપ આ બિલનો બચાવ કરી રહ્યો છે. આસામ ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી હિમંત બિસ્વ સરમાએ નાગરિકતા સંશોધન બિલનો પક્ષ લેતા કહ્યું છે કે આ બિલથી આસામમાં લગભગ પાંચ લાખ લોકોની સમસ્યા હલ થઇ જશે. તેમનું કહેવું છે કે વર્તમાન બિલ એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે તેનાથી સ્થાનિક લોકોના હિતો પર કોઇ પ્રતિકૂળ અસર નહીં પડે. જોકે કૃષક મુક્તિ સંગ્રામ સમિતિનો દાવો છે કે નાગરિકતા સંશોધન બિલ ૨૦૧૯ અને ૨૦૧૬ની જોગવાઇઓમાં કોઇ તફાવત નથી અને સરકાર લોકોને ગેરમાર્ગે દોરી રહી છે.
જાણકારોનું માનવું છે કે આ બિલના કારણે પૂર્વોત્તરમાં આંદોલનની આગ ભારે તેજીથી ફેલાઇ શકે છે. સો કરતા વધારે સંગઠનો જ્યારે આ બિલના વિરોધમાં ઉતર્યા હોય ત્યારે પૂર્વોત્તરના રાજ્યોની સરકારો માટે આ બિલ માથાનો દુખાવો સાબિત થઇ શકે છે.
પૂર્વોત્તરના ઘણાં ખરાં રાજ્યોમાં ભાજપ અથવા તો ભાજપ સમર્થિત સરકાર છે.
ભાજપ આ બિલનો રાજકીય ફાયદા માટે ઉપયોગ કરી રહ્યો હોવાના આક્ષેપ પણ થાય છે. આમ પણ આસામ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં શરણાર્થીઓનો મુદ્દો કાયમ ગરમાયેલો રહે છે. આસામની વિધાનસભા ચૂંટણી અને લોકસભાની ચૂંટણી અગાઉ પણ ભાજપે એનઆરસીનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો અને તેનો ફાયદો પણ મેળવ્યો હતો. હવે જ્યારે પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ ફરી વખત નાગરિકતા સંશોધન બિલ મુદ્દે આક્રમક છે.