કોરોના : કયા દેશો સુધી હજુ વાઈરસનો ચેપ નથી પહોંચ્યો?
- અત્યાર સુધીની નોંધ પ્રમાણે 18 દેશો કે પ્રદેશો એવા છે, જેમને ત્યાં કોરોનાવાઈરસની એન્ટ્રી થઈ શકી નથી !
- દુનિયાના દૂર-દરાજના ઘણા ટાપુઓ સુધી કોરોના નથી પહોંચ્યો, પણ નવાઈની વાત એ છે આસપાસમાં કોરોનાગ્રસ્ત રાષ્ટ્રો હોવા છતાં અમુક દેશ કોરોનાથી મુક્ત છે!
તબીબી વિજ્ઞાાનીઓ ડિસેમ્બર ૨૦૧૯થી કોરોના વાઈરસની ઓળખ-પરેડ કરવા મથી રહ્યાં છે, પણ હજુ સુધી તેનું સંપૂર્ણ આધારકાર્ડ તૈયાર થઈ શક્યું નથી. કોરોના વિશે એક વિચિત્ર વાત એ છે કે એ કઈ રીતે ફેલાય છે, કઈ પેટર્ન અનુસરે છે, એ પણ હજુ સુધી પૂરેપૂરું જાણી શકાયું નથી. પરિણામે ઘણા દેશો એવા છે, જ્યાં આસપાસમાં કોરોનાનો કેર હોવા છતાં એ રાષ્ટ્રો કોરોનાથી મુક્ત રહી શક્યા છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય હોય તેને દેશ ગણવાનો આંતરરાષ્ટ્રીય ધારો છે. એ પ્રમાણે જગતમાં ૧૯૩ દેશ છે. એ આંકડો પકડીને ચાલીએ તો અત્યાર સુધીમાં ૧૮ દેશ-ટાપુ-પ્રદેશ-ટેરેટરી કોરોના મુક્ત રહી શક્યા છે. એમાંથી મોટા ભાગના ટાપુ તો દૂર-દરાજ, ધરતીનો છેડો આવે એવા સ્થળે આવેલા છે. ત્યાં સામાન્ય સંજોગોમાં મનુષ્યોને પણ પહોંચતા ૨૪-૪૮ કલાક લાગે, એટલે કોરોના ન પહોંચ્યો હોય તેની નવાઈ નથી.
ઉત્તર કોરિયા
છાશવારે પરમાણુ પરીક્ષણ કરી નાખતા ઉત્તર કોરિયાએ હજુ સુધી કોરોના પરીક્ષણ કરવું પડે એવી સ્થિતિ આવી નથી. આ દેશનો દાવો છે કે ત્યાં કોરોના નથી. આ દાવો કેટલો સાચો એ તો ઉત્તર કોરિયાની તાનાશાહી સરકાર જાણે. પરંતુ અત્યાર સુધી ત્યાં કોઈ કોરોનાનો કેસ નોંધાયો હોવાનું સરકારે કહ્યું નથી.
નવાઈ એટલા માટે લાગે કે ઉત્તર કોરિયાની ઉત્તર સરહદ ચીનને સ્પર્શે છે, દક્ષિણ સરહદ દક્ષિણ કોરિયાને સ્પર્શે છે. ચીન અને દક્ષિણ કોરિયા બન્ને કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. ચીનથી વાઈરસ શરૂ થયો અને પછી જ્યાં પ્રસરવાની શરૂઆત થઈ તેમાં પહેલો દેશ દક્ષિણ કોરિયા હતો. પરંતુ એ વાઈરસે વચ્ચે આવતા દેશ ઉત્તર કોરિયામાં પોતાનું મથક સ્થાપ્યું નથી!
ઉત્તર કોરિયાની સરકાર જોકે એ માટે એવો દાવો કરે છે કે અમે પહેલેથી સતર્ક રહ્યાં છીએ. જેમ કે જેવી ખબર પડી કે ચીનમાં કોરોના ફેલાઈ રહ્યો છે એ સાથે જ ચીન સાથેની સરહદ બંધ કરી દીધી હતી. દક્ષિણ કોરિયા સાથેની સરહદ તો આમ પણ બંધ જેવી સ્થિતિમાં છે. એ ઉપરાંત ઉત્તર કોરિયાએ જાન્યુઆરીના બીજા-ત્રીજા સપ્તાહથી જ પરદેશથી આવનારા તમામ પ્રવાસીઓને અલગ રાખી તેની તપાસ શરૂ કરી દીધી હતી. માટે ત્યાં કોરોના ફેલાયો નથી.
તુર્કમેનિસ્તાન
તુર્કમેનિસ્તાન મધ્ય એશિયામાં આવેલો છે અને ખાસ તો એ દેશના પડોશી રાષ્ટ્રનું નામ ઈરાન છે. દુનિયામાં સૌથી વધુ કોરોનાગ્રસ્ત છે એવા દસ દેશોમાં ઈરાનનો સમાવેશ થાય છે. અત્યારે ૫૫ હજારથી વધુ કેસ સાથે ઈરાનનો નંબર સાતમો છે. પરંતુ તેની પડોશમાં આવેલો દેશ તુર્કમેનિસ્તાન પોતાને કોરોનામુક્ત ગણાવે છે! કોરોનામુક્તિ તો ઠીક, અહીં સરકારે મિડીયામાં કોરોનાવાઈરસ શબ્દ પર પ્રતિબંધ મુકી દીધો છે. એ ઉપરાંત જાહેરમાં માસ્ક પહેરવાની પણ મનાઈ ફરમાવાઈ છે.
જેથી લોકોમાં ભય ન ફેલાય એવુ સરકારનું માનવું છે. જોકે આ દેશ સરમુખત્યારશાહી જેવી શાસન વ્યવસ્થા ધરાવે છે. એ દેશમાં સરકારની ઈચ્છા વગર માહિતી બહાર પહોંચે એ શક્યતા ઓછી છે.
યમન
સાઉદી અરેબિયાના દક્ષિણે લટકતો આ દેશ કોરોના પહેલાથી જ ગૃહયુદ્ધના વાઈરસથી પીડાય છે. અહીં છેલ્લા કેટલાક વર્ષોથી અશાંતિ જ છે.
અહીં કોરોના ફેલાય તો પણ લોકોને તેનો ડર લાગે એમ નથી. કેમ કે સરકાર અને હૂથી વિદ્રોહીઓ વચ્ચે શસ્ત્ર સંઘર્ષ ચાલે છે. માટે રસ્તા પર લાશોના વિખરાયેલી હોય એવા દૃશ્યોની અહીં કોઈ નવાઈ નથી. દેશમાં સ્થિર સરકાર જ નથી, તો કોરોનાનો ટેસ્ટ કરે કોણ?
અલબત્ત, અહીંની સરકારને કોરોનાનો ડર તો છે જ. માટે થોડા દિવસ પહેલા જ ત્યાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પર પ્રતિબંધ મુકી દેવાયો હતો.
એ ઉપરાંત રાષ્ટ્રસંઘે અપીલ કરી કે દેશો પોતાના આંતરીક ઝઘડા હાલ પુરતા તડકે મુકે અને કોરોના સામે લડવા એક થાય. એ પછી યમને શાંતિનો રસ્તો અપનાવ્યો છે અને હૂથી આક્રમણકારો સામેની ગોળા-ગોળી ફેંવકવાની પ્રક્રિયા હાલ તો રોકી રાખી છે.
દક્ષિણ સુદાન
વાઈરસ ફેલાવાનો ઇતિહાસ તપાસીએ તો બે સ્થળ એપી સેન્ટર તરીકે મળી આવે, આફ્રિકા ખંડના દેશો અથવા ચીન. કોરોનાનું મૂળ ચીનમાં છે, ઈબોલા, એચાઆઈવી વગેરે ઘણા વાઈરસોન મેડ ઈન આફ્રિકા હતા. પરંતુ એ જ આફ્રિકા ખંડનો દેશ દક્ષિણ સુદાન કોરોના મુક્ત હોવાનો દાવો કરે છે.
દક્ષિણ સુદાન એ દુનિયાનો નવામાં નવો દેશ છે, કેમ કે ૨૦૧૧માં જ રાષ્ટ્રસંઘમાં તેને એડમિશન મળ્યું છે. અહીંના આરોગ્ય મંત્રાલયે કહ્યું હતુ કે અમને શંકા જણાઈ એવા ૧૮ જણનો અમે ટેસ્ટ કર્યો, પરંતુ કોઈ રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આ દેશ નવો છે અને દુનિયા સાથેનો તેનો વ્યવહાર પણ મર્યાદિત છે.
જે કંઈ આવે છે એ પડોશમાંથી આવે છે. પરંતુ કોરોનાની ખબર મળ્યાં પછી દક્ષિણ સુદાનને સરહદો વધારે ચોકન્ની કરી દીધી છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પર પ્રતિબંધ મુકાયો છે અને લોકોને જરૂરી સૂચનાઓ આપી દેવાઈ છે. જાહેર મેળાવડાં જેવી પ્રવૃત્તિઓ કરવા પર સરકારે પહેલેથી જ મનાઈ ફરમાવી દીધી છે.
લિથોસો
આ દેશનો કિસ્સો પણ નવાઈ પ્રેરક છે. જાદુગર બોટલની અંદર બોટલ જેવુ કંઈક ગોઠવી દે એમ દેશ દક્ષિણ આફ્રિકા દેશની અંદર આવેલો છે.
એટલે કે તેની બધી સરહદો દક્ષિણ આફ્રિકાને જ સ્પર્શે છે. ત્યાં સૌથી વધુ ફેલાવાની શક્યતા વાયા દક્ષિણ આફ્રિકા રહેલી છે. પરંતુ દક્ષિણ આફ્રિકાની પોતાની જ કેસ સંખ્યા દોઢ હજાર જેટલી મર્યાદિત છે.
અલબત્ત, લિથોસોમાં કેટલાક શકમંદો તો જણાયા છે, પરંતુ હજુ સુધી કોઈ કેસ કન્ફર્મ થયો નથી.
વેસ્ટર્ન સહારા
આફ્રિકા ખંડના ઉત્તર-પશ્ચિમ છેડે, મોરક્કોથી દક્ષિણે નાનકડો દેશ વેસ્ટર્ન સહારા આવેલો છે. એ દેશ પર જગતનું ધ્યાન સામાન્ય રીતે પડતું નથી, ક્યારેક જ પડે જ્યારે ત્યાં કોઈ પ્રકારનું આંતરીક યુદ્ધ છેડાયું હોય. ત્યાં પણ હજુ સુધી કોરોનાનો કોઈ કેસ નોંધાયો નથી.
તુવાલુ જેવા ટાપુ રાષ્ટ્રોમાં કોરોના ન ફેલાય તેનું દેખીતું કારણ છે. એક તો એ ટાપુ દેશ છે. ત્યાં પ્રવાસીઓ સિવાય બહારથી આવનારા મુસાફરો પણ ઓછા છે. કોરોનાને કારણે આંતરરાષ્ટ્રીય પ્રવાસ સાવ નહિવત્ થયો છે, એટલે આવા દેશમાં તો કોઈ જાય પણ ક્યાંથી? એવી જ સ્થિતિ કિરિબાસ, માઈક્રોનેશિયા, નાઉરુ.. વગેરે સમુદ્રથી ઘેરાયેલા ટાપુ દેશોની છે.
ખંડની વાત કરીએ તો ધરતી પર એન્ટાર્કટિકાને બાદ કરતા બધા ખંડો પર કોરોનાએ કબજો જમાવી લીધો છે. એન્ટાર્કટિકા પર કોઈ કાયમી વસતી નથી, એટલે ત્યાં વાઈરસ પહોંચવાની હાલ કોઈ શક્યતા નથી. પરંતુ આ દેશો નિશ્ચિંત નથી, શકમંદ જણાય તેની તપાસ ત્યાં પણ થઈ રહી છે.
પૃથ્વીના ઈતિહાસમાં કોરોનાવાઈરસ જેવી જનમાનસ પર વ્યાપકપણે છવાઈ જનારી સમસ્યા કદાચ અત્યાર સુધી આવી નથી. પરંતુ એ સમસ્યા આ બધા દેશોના માનસ પર છવાઈ શકી નથી.
કોરોના વગરના દેશો
- કિરિબાસ
- લિથોસો
- માર્શલ ટાપુ
- માઈક્રોનેશિયા
- નાઉરુ
- ઉત્તર કોરિયા
- પાલાઉ
- સામોઆ
- સાઓ ટોમ
- સોલોમન ટાપુ
- દક્ષિણ સુદાન
- તજિકિસ્તાન
- ટોંગા
- તુર્કમેનિસ્તાન
- તુવાલુ
- વાનાતાઉ
- યમન