Get The App

ધ મિસિંગ 54: જો લૌટ કે ઘર ના આયે.. જરા યાદ ઉન્હૈ ભી કર લો..

- અભિનંદન છૂટી ગયા પણ 1971ના યુદ્ધ વખતે પાકિસ્તાને પકડેલા 54 જવાન 48 વર્ષે પણ પરત નથી આવ્યા

Updated: Mar 3rd, 2019

GS TEAM

Google News
Google News
ધ મિસિંગ 54: જો લૌટ કે ઘર ના આયે.. જરા યાદ ઉન્હૈ ભી કર લો.. 1 - image



ભારત પાસે પાકિસ્તાનના 93 હજાર સૈનિકો હતા, ઈન્દિરા સરકારે એ સૈનિકોને છોડી દીધા પરંતુ પાકિસ્તાનના કબજામાં રહેલા 54 સૈનિકો ન છોડાવી શકાયા

પાકિસ્તાનમાં ફસાયેલા વિંગ કમાન્ડર અભિનંદન ગણતરીની કલાકોમાં ભારત પરત ફર્યા ફરી ચૂક્યા છે. પાકિસ્તાને તેમને ભારતને સોંપી દેવા પડયા, એ ભારતની વિદિશનિતી અને કૂટનિતીની જીત છે. પરંતુ એ સાથે એ પણ યાદ કરવું પડે કે ૧૯૭૧ના યુદ્ધના ૫૪ સૈનિકો આજે પણ મિસિંગ છે.

એમનો કોઈ અત્તો-પત્તો નથી અને તેમની સાથે શું થયું તેનો પણ ભારત સરકાર જવાબ આપી શકી નથી. માટે હવે તેમને 'ધ મિસિંગ-૫૪' તરીકે ઓળખવામાં આવે છે. કમનસિબી એ વાતની છે કે ૪૮ વર્ષનો સમય પસાર થયો એટલામાં બે પેઢી બદલી ગઈ છે. હવે એ સૈનિકોના પરિવારજનો પણ નથી જાણતા કે તેમના એ સ્વજન સાથે ખરેખર શું થયુ હશે? બીજી તરફ એ સ્વજનોને ભૂલી પણ શકાતા નથી.

૧૯૭૧નુ યુદ્ધ એ આઝાદ ભારતના ઈતિહાસની મોટી સફળતા છે. ઈન્દિરા સરકારે પાકિસ્તાનના બે ભાગ કરીને બાંગ્લાદેશી નિરાશ્રિતોની સમસ્યાનો ઉકેલ લાવી દીધો હતો. જ્યારે યુદ્ધ ખતમ થયુ, પાકિસ્તાને શરણાગતી સ્વિકારી અને વાટા-ઘાટો આરંભાઈ ત્યારે ભારત પાસે પાકિસ્તાનના ૯૩ હજાર સૈનિકો હતા.

ભારતે યુદ્ધ જીતી લીધું હોવાથી એ તમામ સૈનિકોને મુક્ત કરવાની માનવતા-ઉદારતા દાખવી હતી. તેની સામે ભારતના ૫૪ સૈનિકો ગુમ થયા હતા. લશ્કરી ભાષામાં આ રીતે ગુમ થયેલા સૈનિકોને 'મિસિંગ ઈન એક્શન' અથવા 'કિલ્ડ ઈન એક્શન' કહેવામાં આવે છે. એવા સૈનિકો કે જે ફરજ બજાવતી વખતે અદૃશ્ય થયા. એ સૈનિકો મળે નહીં ત્યારે તેમને ગુમ (મિસિંગ) થયેલા માની લેવામાં આવે છે.

એ સમયે ભારતના ૫૪ સૈનિકો ગુમ થયા હતા અને એ પાકિસ્તાનના કબજામાં હોવાની વ્યાપક માન્યતા હતા. અનેક લશ્કરી અને સરકારી અધિકારીઓ માનતા હતા કે એ સૈનિકો પાકિસ્તાનના કબજામાં જ છે. જ્યારે પાકિસ્તાનનો દાવો હતો કે અમારા કબજામાં આવા કોઈ સૈનિકો નથી. પાકિસ્તાન ત્યારે ખોટું બોલતુ હતુ, તેનો પૂરાવો યુદ્ધના દસ દિવસ પછી જ મળી ગયો હતો.

૧૭મી ડિસેમ્બરે યુદ્ધ ખતમ થયા પછી ૨૭મી ડિસેમ્બરના અમેરિકાના વિશ્વવિખ્યાત અને પ્રતિષ્ઠિત 'ટાઈમ' મેગેઝિને અહેવાલ છાપ્યો હતો કે ભારતના ૫૪ કેદીઓ પાકિસ્તાને પકડી રાખ્યા છે. એ અહેવાલ સાથે જેલના સળિયા પાછળ ઉભેલા એક ભારતીય સૈનિકનો ફોટો છપાયો હતો. એ ફોટો જોઈને ભારતના સૈનિકો તુરંત ઓળખી ગયા કે એ મેજર અશોકકુમાર ઘોષ છે. એક મેજરનો ફોટો આવ્યો તેનો મતલબ એ હતો કે અન્ય સૈનિકો ત્યાં જ હતા. તો પણ પાકિસ્તાને એ વાત સ્વીકારી નહીં.

બીજી તરફ ૧૯૭૧ વખતની અને એ પછીની દરેક સરકારે પાકિસ્તાની યુદ્ધકેદીઓ અંગેના મુદ્દાથી દરેક સરકાર દૂર ભાગતી રહી છે. શરૂઆતમાં તો પાકિસ્તાનની માફક ભારત સરકારે પણ ત્યારે પાકિસ્તાની જેલમાં ભારતના કેદીઓ છે, એ વાત માનવાનો જ ઈન્કાર કરી દીધો હતો. ટાઈમ મેગેઝિનના અહેવાલને પણ સ્વિકાર્યો ન હતો.

પરંતુ ૧૯૭૪માંથી પાકિસ્તાની જેલમાંથી મેજર અશોક સુરીએ તેમના દીકરાને પત્ર લખ્યો હતો. ત્યારે જેલમાં કેદીઓ હોવાની વાતનો સબળ પુરાવો મળ્યો હતો. સરકારે એ વખતે પણ આના-કાની કરી હતી. દેશભરમાં હોબાળો મચ્યો એટલે સરકારે હસ્તાક્ષર નિષ્ણાતો પાસે તપાસ કરાવી. તો ખબર પડી કે પક્ષમાં જે અક્ષર છે એ મેજર સુરીના જ છે.

એ પછી ભારત સરકારે પાકિસ્તની જેલમાં ભારતના કેદીઓ હોવા અંગે સ્વીકાર્યુ હતું. સૌથી પહેલા ૧૯૭૯માં એ વખતના વિદેશ મંત્રી સમરેેન્દ્ર કુંડુએ એ સંસદમાં વાતનો સ્વિકાર કયો હતો કે ગુમ થયેલા ૫૪ કેદી પાકિસ્તાન પાસે છે. એ બધાના નામ પણ સંસદમાં રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ સરકારે એ વાત સ્વિકારી ત્યાં સુધીમાં યુદ્ધને આઠ વર્ષ પસાર થઈ ચૂક્યા હતા.

ગુમ થયેલા સૈનિકો પૈકી ૩૦ ભારતીય લશ્કર (ઈન્ડિયન આર્મી)ના જ્યારે ૨૪ એરફોર્સના જવાન હતા. આર્મીના જવાનો પૈકી એક લેફ્ટનન્ટ, બે સેકન્ડ લેફ્ટનન્ટ, ૬ મેજર, બે સુબેદાર, ત્રણ નાઈક લેફ્ટનન્ટ, એક હવાલદાર, પાંચ ગનર અને બે સિપાઈ હતા. એરફોર્સના ૨૪ પૈકી ૩ ફ્લાઈટ ઓફિસર, એક વિંગ કમાન્ડર, ચાર સ્કવોડ્રન લિડર અને ૧૬ ફ્લાઈટ લેફ્ટનન્ટ હતા. 

પાકિસ્તાન ત્યાં રહેનારા ભારતીય કેદીઓ સાથે સારું વર્તન કરતું હોય એવુ તો માનવાને કોઈ કારણ નથી. તેનો પૂરાવો પણ ૧૯૭૯માં જ મળ્યો. બ્રિટિશ પત્રકાર-લેખીકા વિક્ટોરિયા શેફિલ્ડે ૧૯૭૯માં 'ભુટ્ટો: ટ્રાયલ એન્ડ એક્ઝિક્યુશન' નામે પુસ્તક લખ્યું હતુ. આ પુસ્તકમાં ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની કથા છે, જેમને પાકિસ્તાને ૧૯૭૯માં ફાંસીએ લટકાવી દીધા હતા. ફાંસી પહેલા ભુટ્ટો જેલમાં હતા, જેનો અનુભવ તેમણે શેફિલ્ડને વર્ણવ્યો હતો. શેફિલ્ડ ભુટ્ટોના દીકરી બેનઝીરના બહેનપણી હતા.

શેફિલ્ડે લખ્યુ છે કે ભુટ્ટોને કોટ લખપત જેલમાં એક દસ બાય દસની કોટડીમાં પૂરી દેવાયા હતા. એ બાજુ અતીશય ખૂંખાર કેદીઓને રાખવામાં આવતા હતા. રોજ રાતે મને બાજુની કોટડીમાંથી ચિલ્લાવાનો અને ત્રાસ ગુજારાતો હોવાનો અવાજ સંભળાતો હતો. ભુટ્ટોના વકીલે એક દિવસ એ અવાજ અંગે તપાસ કરી. જેલ સત્તાવાળાઓએ વકીલને જણાવ્યુ કે રાતે જેમના પર ત્રાસ ગુજારાય છે એ બધા ભારતના પકડાયેલા યુદ્ધકેદીઓ છે. ભુટ્ટોના મુખે કહેવાયો આ કિસ્સો પુસ્તકમાં નોંધાયા પછી કેદીઓ પાકિસ્તાનમાં  હોવાનો વધુ એક પુરાવો મળી ગયો હતો. 

ગુજરાતના એડવોકેટ મદનગોપાલ પાલ અને એડવોકેટ સ્વ.કિશોરપાલે આ સૈનિકોની રિહાઈ અને વળતર માટે ગુજરાત હાઈકોર્ટમાં ભારત સરકાર વિરૂદ્ધ કેસ કર્યો હતો. કેમ કે પાકિસ્તાન જેટલી જ બેદરકારી ભારત સરકારની પણ હતી. એ સૈનિકોને છોડવા માટે કોઈ પ્રયાસો જ થતા ન હતા. ઈન્દિરા ગાંધીએ પણ કર્યા ન હતા અને એ પછીની સરકારોએ પણ કર્યા ન હતા.

વરસો સુધી કેસ ચાલ્યા પછી ગુજરાત હાઈકોર્ટે એ સૈનિકો પૈકી કેટલાકના પરિવારને વચગાળાનું વળતર ચૂકવવા આદેશ પણ કર્યો હતો. કેન્દ્ર સરકારે એ કામ પણ કર્યું ન હતુ, માટે છેવટે કોર્ટે વળતરની કામગીરી પણ પોતાના હાથમાં લીધી હતી. વિવિધ કેદીઓ પૈકી એ.કે.ઘોષના દીકરી નિલાંજલા ઘોષને અમદાવાદ બોલાવી વળતરનો ચેક પણ આપ્યો હતો.

કેસ હજુ પણ કોર્ટમાં ચાલે છે અને સરકારને આજે પણ એ કેદીઓમાં રસ પડતો નથી. ઘરથી બહાર ગયેલા કોઈ સભ્ય સાંજે પરત ન આવે તો પણ ચિંતા થાય. આ બધા કેદીના પરિવારજનો તો ૪૮ વર્ષથી તેમના જાંબાજોની રાહ જુએ છે. સ્વાભાવિક રીતે એ બધાના ઘરમાં બબ્બે પેઢી બદલી ગઈ છે.

ગુમ થયેલા ૫૪ પૈકી કેટલાકના ઘરે બાળકો નાના હતા, કેટલાકની પત્ની સગર્ભા હતી, કેટલાકના વૃદ્ધ માતા-પિતા હતા, જેમાંથી અમુક તો પુત્રની રાહ જોઈ જોઈને મૃત્યુ પામ્યા છે. ૪૮ વર્ષથી એ સૈનિકોના પરિવારજનો અજબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેમ કે તેમને ખબર જ નથી કે તેમના સ્વજનો સાથે શું થયુ છે.

હવે તેમને મૃતક ગણવા કે જીવતા ગણવા એ પણ મોટી અસમંજસ છે. નિલાંજના ઘોષે એ વખતે કહ્યું હતુ કે હું કોઈ ફોર્મ ભરું ત્યારે સમજી શકતી નથી કે મારા પિતાના નામની આગળ સ્વર્ગસ્થ લખું કે જીવંત છે, એમ માનીને એમનું નામ લખું! એ વાતમાં તેમનું દર્દ છૂપાયેલું છે અને બધા પરિવાજનોની હાલત કંઈક એવી જ છે.

પાકિસ્તાનમાં ૨૭ વર્ષનો જેલવાસ ભોગવીને ગોપાલદાસ નામના જાસૂસ ૨૦૧૧માં ભારત પરત આવ્યા હતા. એ પહેલા ૨૦૦૮માં કાશ્મીર સિંહને પાકિસ્તાને મુક્ત કર્યા હતા. એ કાશ્મીર સિંહે અડધી જિંદગી એટલે કે ૩૫ વર્ષ પાકિસ્તાનની જેલમાં પસાર કર્યા હતા. આવા બહુ ઓછા સૈનિકો છે, જે આવી લાંબી સજા કાપીને ભારત આવ્યા છે.

ગોપાલદાસ કે કાશ્મીર સિંહ ભારત આવ્યા ત્યારે એ પોતાના ગામને પણ ઓળખી ન શકે એટલી હદે દુનિયા બદલાઈ ગઈ હતી. પરંતુ તેમની પાસેથી પાકિસ્તાનની જેલમાં શું ચાલે છે એ પણ સાંભળવા મળતું હતું. એ બધા સૈનિકોનું કહેવુ છે કે ત્યાં પાકિસ્તાનમાં ઘણી ભૂગર્ભ જેલ છે. જ્યાં ૧૯૭૧ના કેદીઓને રાખવામાં આવે છે, તેમના પર જે ત્રાસ ગુજારાય છે તેનું તો વર્ણન થઈ શકે એમ નથી. ત્રાસને કારણે ઘણા તેમનું માનસિક સંતુલન ગુમાવી દે અને પછી એવી જ નિસહાય હાલતમાં પરિવારનો ચહેરો એક વખત જોવાની ઈચ્છા સાથે દમ તોડી દે. 

૪૮ વર્ષ પછી શક્ય છે કે બધા સૈનિકો હયાત ન પણ હોય, પરંતુ જે હયાત હોય એ ક્યારેક વતનમાં જઈને શ્વાસ લેવા મળશે એવો આશાવાદ રાખીને બેઠા હશે. 

Tags :