ડુંગળીના અસહ્ય ભાવ હજુયે લોકોને રડાવી રહ્યાં છે
- સંસદમાં વિપક્ષોનો ડુંગળીના ભાવવધારાના મુદ્દે હોબાળો
- કોઇ વસ્તુ સસ્તી હોય ત્યારે તેની અઢળક નિકાસ થાય છે અને પછી જ્યારે એ વસ્તુના ભાવ વધે ત્યારે મોંઘા ભાવે વિદેશથી આયાત કરવાની થાય છે અને પરિણામે મોંઘવારી વધવા ઉપરાંત દેશની તિજોરીને પણ નુકસાન થાય છે
દેશભરમાં છેલ્લા કેટલાય દિવસથી ડુંગળીના ભાવ આભને આંબી રહ્યાં છે. ડુંગળીના અસહ્ય ભાવવધારાના મુદ્દે સંસદમાં પણ વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો અને કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યાં હતાં કે સરકારી ગોડાઉનોમાં રહેલી ડુંગળી સડી ગઇ પરંતુ લોકો સુધી ન પહોંચી. છેલ્લા ત્રણ મહિનાથી ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીએ લોકોને રડાવવાનું શરૂ કર્યું છે. મોટા ભાગના ભારતીયોની થાળીમાં બટાકા, ડુંગળી અને ટામેટામાંથી કોઇ એક તો હાજર હોય જ છે. કઠણાઇ એ વાતે છે કે દર વર્ષે આમાંના કોઇ એક શાકના ભાવ વધી જાય છે. આ વર્ષે ડુંગળીના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. કેટલાંક રાજ્યોમાં તો ડુંગળીના ભાવ ૮૦થી ૯૦ રૂપિયે કિલોએ પહોંચી ગયા છે તો દેશની રાજધાની દિલ્હીમાં તો ડુંગળીના ભાવ ૧૦૦ રૂપિયા કરતાયે વધારે છે. ડુંગળીના વધી રહેલા ભાવોને અંકુશમાં લેવા સરકારે ડુંગળીની નિકાસ પર રોક લગાવી છે પરંતુ સ્થિતિ સુધરી નથી.
સામાન્ય રીતે પંદરથી વીસ રૂપિયાની આસપાસ વેચાતી ડુંગળી ૧૦૦ રૂપિયે પહોંચે ત્યારે મોંઘવારીમાં વધારો થવો સ્વાભાવિક છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં પરિસ્થિતિ સરખી છે. આ પરિસ્થિતિ ચિંતા એટલા માટે ઉપજાવે છે કે ડુંગળી એ રોજિંદી જરૂરિયાતની ચીજ છે. પરંતુ સરકારોને લાગે છે કે ડુંગળીના ભાવ વધવાથી તેમને કોઇ નિસ્બત નથી. જોકે ડુંગળીની કિંમત જ્યારે જ્યારે વધી છે ત્યારે ત્યારે રાજકીય ઉથલપાથલ સર્જાઇ છે. ૧૯૯૮માં તો દિલ્હી વિધાનસભાની ચૂંટણી વખતે ડુંગળીના ભાવ જ મુખ્ય મુદ્દો હતાં જે ભાજપની સરકારના હારનું કારણ પણ બન્યો હતો.
સામાન્ય રીતે દીવાળી અગાઉના દિવસોમાં ડુંગળીના ભાવ વધતા હોય છે. ખાસ કરીને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ડુંગળીના ભાવમાં થોડોઘણો વધારો થતો હોય છે પરંતુ આ વર્ષે તો ઓગસ્ટથી જ ડુંગળીના ભાવ આસમાને પહોંચવા લાગ્યાં હતાં. પરિસ્થિતિ એ છે કે આ વખતે ડુંગળીનો ભાવ છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધારે વધ્યો છે. આ સીઝનમાં ડુંગળીના ભાવ વધતા હોવાની પેટર્ન ખ્યાલ હોવા છતાં સરકારે અગમચેતીરૂપે કોઇ પગલાં ન લીધાં. ડુંગળીનું સૌથી વધારે ઉત્પાદન થાય છે એવા મહારાષ્ટ્રમાં જ ડુંગળીના ભાવ સાઠ રૂપિયે કિલોથી વધારે હોય તો દેશના બીજા ભાગોમાં તો કેવી સ્થિતિ હોય એની કલ્પના જ કરવી રહી.
ડુંગળીના ભાવ વધવા પાછળ સરકારો અને વેપારીઓ પોતપોતાના તર્ક આપી રહ્યાં છે. વેપારીઓનું કહેવું છે કે દેશમાં ડુંગળીનો સ્ટોક ઘણો ઓછો છે જેના કારણે બજારમાં તેની આવક ઓછી થઇ રહી છે. માંગના પ્રમાણમાં પુરવઠાનું પ્રમાણ ઘટવાના કારણે ભાવ વધવા સ્વાભાવિક છે. આ વર્ષે વરસેલા અનરાધાર વરસાદના કારણે ડુંગળીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે જેના કારણે બજારમાં તેની આવકને અસર થઇ છે. બજારમાં ડુંગળીનો નવો સ્ટોક આવે એ પહેલાં ભાવો વધતા હોય છે અને આ પરિસ્થિતિનો સંઘરાખોરો ફાયદો ઉઠાવતા હોય છે. જોકે આ વખતે તો નવો સ્ટોક આવવા છતાં ડુંગળીના ભાવોમાં બેફામ વધારો અટક્યો નથી.
કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ આ પરિસ્થિતિ વિશે વાકેફ હોય છે પરંતુ સંઘરાખોરો અને કાળાબજારિયાઓ વિરુદ્ધ કોઇ પગલાં ઉઠાવતી નથી. ઉલટું ડુંગળીનો પૂરતો સ્ટોક હોવાના દાવા થતા રહે છે પરંતુ બજારોમાં તંગી સર્જાતી હોય છે. સરકારી સસ્તા અનાજની દુકાનો પર સસ્તી કિંમતે ડુંગળી વેચવાની યોજનાઓ ચલાવવામાં આવે છે પરંતુ સંઘરાખોરો આવી તમામ યોજનાઓ પર પાણી ફેરવી દે છે અને સસ્તી ડુંગળી ખરીદીને વધારે ભાવે વેચવાના ખેલ કરતા રહે છે. બજારોમાં ડુંગળીની તંગી ન સર્જાય અને વાજબી ભાવે લોકોને મળતી રહે એ માટે રાજ્ય સરકારો પોતપોતાના સ્તરે પ્રયાસ કરે છે પરંતુ ડુંગળી ગરીબો માટે તો દોહ્યલી જ રહે છે.
ભારતમાંથી મોટા પાયે ડુંગળીની નિકાસ અન્ય દેશોમાં થાય છે. એટલા માટે ડુંગળીના ભાવ વધતા પહેલું પગલું તો નિકાસ પર પ્રતિબંધ મૂકવાનું હોય છે જે સરકારે ઉઠાવ્યું છે. ગત જૂનમાં પણ ડુંગળીના ભાવ વધ્યા ત્યારે સરકારે નિકાસ પર નિયંત્રણ મૂકવા માટે ડુંગળીની નિકાસ પર આપવામાં આવતી દસ ટકા સબસીડી પાછી લીધી હતી. નિકાસ વધવાના કારણે સ્ટોકમાં ઘટાડો થઇ જાય છે જેની સીધી અસર બજારમાં આવક પર પડે છે અને સ્થાનિક સ્તરે અછત સર્જાય છે. જોકે દર વર્ષે આ સ્થિતિ સર્જાતી હોવા છતાં સરકારો આગોતરા પગલાં શા માટે નથી લેતી એવો સવાલ થવો સ્વાભાવિક છે.
આમ તો આખા વર્ષ દરમિયાન ડુંગળીની ખેતી થતી રહે છે પરંતુ એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન લગભગ ૬૦ ટકા ડુંગળીનું ઉત્પાદન થાય છે. તો ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન ૨૦ ટકા અને જાન્યુઆરીથી માર્ચ દરમિયાન બાકીની ૨૦ ટકા ડુંગળીનું ઉત્પાદન થાય છે. બીજી બાજુ જૂનથી ઓકટોબર સુધી દેશભરમાં ચોમાસું રહેતું હોય છે અને વધારે વરસાદ પડવાના સંજોગોમાં ડુંગળીનો પાક બગડી જવાની શક્યતા રહે છે. વરસાદથી બચીને પણ ડુંગળી ગોડાઉનોમાં પહોંચી જાય તો પણ પરેશાની ખતમ નથી થતી. ભારે વરસાદના કારણે પણ ડુંગળીનો સ્ટોક બગડવાની શક્યતા રહે છે. જો ગોડાઉનોમાં પાણી ભરાય કે ભેજ થઇ જાય તો ડુંગળી સડી જાય છે. દર ચોમાસામાં આવું થવું સામાન્ય છે પરંતુ આ વખતે તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસેલા અતિ ભારે વરસાદના કારણે પરિસ્થિતિ ઓર વણસી છે.
ડુંગળીના ભાવમાં વધઘટ થવાનું ચક્ર છેલ્લા ૪૦ વર્ષથી ચાલી રહ્યું છે. સિત્તેરના દાયકાના અંતમાં ઇન્દિરા ગાંધીની સત્તામાં વાપસી માટે ડુંગળીના ભાવવધારાનો મુદ્દો પણ અગત્યનો બન્યો હતો. જોકે ડુંગળીના નામે ચૂંટણી જીતનારા પક્ષોએ સત્તામાં આવ્યા બાદ સમસ્યાના ઉકેલ માટે કોઇ પગલાં લીધાં નથી. લોકોમાં સામાન્ય ખ્યાલ એવો હોય છે કે અમુકતમુક શાકભાજી કે અનાજના ભાવ વધે ત્યારે તેના ખેડૂતોને તડાકો પડતો હશે પરંતુ આ ધારણા સદંતર ખોટી છે. આ જ બાબત ડુંગળીના ખેડૂતોને પણ લાગુ પડે છે. આ વર્ષે જ મધ્યપ્રદેશના નીમચ જિલ્લાના ખેડૂતોએ તો ડુંગળી પાંચ પૈસે કિલોના ભાવે વેચવાનો વારો આવ્યો હતો. તો ભાવવધારો થયા પછી પણ મહારાષ્ટ્રના નાસિક અને પૂણેના ખેડૂતોએ તો ડુંગળી ૧૩-૧૪ રૂપિયે કિલોના ભાવે જ કાઢવી પડી હતી.
કોઇ અનાજ કે શાકભાજીના ભાવ ઘટવાના સમાચાર આવે છે ત્યારે સૌથી પહેલો ખેડૂત બેહાલ થાય છે. અનેક વખત જોવા મળે છે કે પાકના યોગ્ય ભાવ ન મળવાના રોષમાં ખેડૂતો પોતાના ઉત્પાદન સડકો પર નાખી દે છે કે પછી ઢોરોને ખવડાવી દે છે. પરંતુ ભાવવધારોનો કોઇ ફાયદો આ ખેડૂતો સુધી પહોંચતો નથી.
ભાવવધારો થવા છતાં તેમણે તો પોતાના ઉત્પાદન અગાઉ નક્કી કરેલી કિંમતે આપી દેવા પડે છે. ડુંગળીની ખેતી તૈયાર કરવા અને પછી તેને લણવા પાછળ ખેડૂતોને પ્રતિ એકર દીઠ લગભગ ૮૦થી ૯૦ હજારનો ખર્ચ થાય છે. આ રકમ એડવાન્સ આપીને વેપારીઓ ખેતરનો જ સોદો કરી લે છે. એક એકરમાં લગભગ અઢીસો ક્વિન્ટલ ડુંગળી પાકે છે. દરમિયાન ભાવ સારા મળતા હોય તો વેપારી માલ ઉઠાવે છે પરંતુ જો ભાવ ગગડી ગયા હોય તો કેટલીક વખત તો તે પાક લેવા પણ આવતા નથી અને ખેડૂતોને બાકી લેણાના નીકળતા નાણાં ચૂકવવાનો પણ ઇન્કાર કરી દે છે. મતલબ કે ખેડૂત બંને બાજુથી બેહાલ થાય છે.
આ સીઝનમાં જ દેશમાંથી લગભગ ૩૫ લાખ ટન ડુંગળીની નિકાસ થઇ ચૂકી છે. અને એ પણ ત્યારે જ્યારે ભાવ પાંચથી દસ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. હવે દેશમાં જ ડુંગળીના ભાવ સો રૂપિયાને આંબી ગયા છે ત્યારે ડુંગળીની આયાત કરવાની જરૂર ઊભી થઇ છે. ડુંગળી જ નહીં, ઘઉં અને ખાંડના કિસ્સામાં પણ આવું બનતું રહે છે. આ તો એવું થયું કે સસ્તા ભાવે ઉત્પાદનોની નિકાસ કરવામાં આવે છે અને પછી એ જ વસ્તુ મોંઘા ભાવે આયાત કરવામાં આવે છે.
આવી નીતિને લઇને કોમોડિટી બજારના નિષ્ણાંતો પણ ઘણાં નારાજ છે. તેમનુ કહેવું છે કે સરકારમાં વ્યાવસાયિક હોંશિયારીની કમી છે.
અધૂરામાં પૂરું, ભાવો વધે ત્યારે સરકાર બેબાકળી બની જાય છે અને એવા પગલાં લે છે કે બજારનું સંતુલન બગડી જાય છે. કૃષિ અર્થશાસ્ત્રીઓ આ સમસ્યાનો સરળ ઉકેલ આપતા કહે છે કે જ્યારે ભાવો નીચા હોય ત્યારે સરકારે ખેડૂતોને વધારે કિંમત આપીને પણ ઉત્પાદનો ખરીદી લેવા જોઇએ અને કોલ્ડ સ્ટોરેજમાં રાખી મૂકવા જોઇએ. ત્રણ-ચાર મહિના પછી ભાવ વધે ત્યારે એ અનામત જથ્થો પહેલા વેચવા કાઢવો જોઇએ. એ રીતે ભાવને અંકુશમાં રાખી શકાય એમ છે. ઉપાય સરળ છે પરંતુ એના માટે જરૂરી છે સંગ્રહ કરવાની ક્ષમતા.
ટૂંકમાં મોંઘવારીને નાથવાના ઉપાયો તો અનેક છે પરંતુ એ અજમાવવાની ઇચ્છાશક્તિનો સરકારમાં અભાવ છે. કોઇ પણ વસ્તુનો ભાવવધારો થાય ત્યારે એ મુદ્દે રાજકારણ તો ખૂબ થાય છે પરંતુ સમસ્યાની જડમાં જઇને તેને ઉકેલવાના પ્રયાસ નથી થતાં. અને જ્યાં સુધી પ્રજા જાગૃત બનીને રાજકીય પક્ષો અને સરકારોની બેદરકારી સામે અવાજ નહીં ઉઠાવે ત્યાં સુધી આ પરિસ્થિતિ બદલાવાની નથી.