ચાઇનીઝ ડ્રેગનને મહાત કરવાની દિશામાં મહત્ત્વનું પગલું
- ચીનની એપ્સ પર પ્રતિબંધ મૂકાયા બાદ ચીની કંપનીઓના પેટમાં તેલ રેડાયું
- ગયા વર્ષે ચીન 76 વખત સરહદ પર અતિક્રમણ કરી ચૂક્યું છે અને હવે તે ગલવાન ખીણમાં ઘૂસી આવ્યું છે એવામાં ચીન પર ડિજિટલ વાર કર્યા બાદ હવે રણમોરચે પણ ચીન સાથે એ રીતે કામ પાર પાડવું પડશે કે તે આપણી સરહદમાં વારંવાર ઘૂસણખોરી કરવાની હિંમત ન કરે
બે અઠવાડિયા પહેલા લદ્દાખ ખાતે વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે ચીની સૈનિકો સાથે થયેલી હિંસક અથડામણમાં વીસ જવાનો શહીદ થયા બાદ ભારત સરકાર ઉપર ચીન વિરુદ્ધ કોઇ મોટું પગલું લેવા માટે દબાણ હતું. ચીનની દગાબાજી બાદ દેશભરમાં ચીની માલસામાનનો બહિષ્કાર કરવાની માંગ ઊઠી રહી છે એ સંજોગોમાં સરકાર સમક્ષ ચીનને પાઠ ભણાવવાની તાકીદ હતી. સરહદના મુદ્દે બંને દેશો વચ્ચે મંત્રણાઓ ચાલી રહી હોવાના કારણે કૂટનીતિના મોરચે તો તાત્કાલિક કોઇ મોટું પગલું ઉઠાવી શકાય એમ ન હોવાના કારણે સરકારે ચીની એપ્સને પ્રતિબંધિત કરીને તેને સબક શીખવાડવાનું પગલું લીધું છે.
ચીનની ૫૯ એપ પર પ્રતિબંધ મૂકીને ભારત સરકારે ચીનને સંદેશ આપ્યો છે કે બંને દેશો વચ્ચેના સંબંધો બગડતા તેને મોટું નુકસાન જઇ શકે છે. ભારત જેવું વિશાળ બજાર હાથમાંથી ગુમાવવું ચીની કંપનીઓ માટે ખોટનો સોદો છે. ઉદાહરણ તરીકે ટિકટોક અને હેલો જેવી એપ્સની કંપની બાઇટ ડાન્સને જ ૪૫ હજાર કરોડ રૂપિયાનું નુકસાન જવાની વકી છે. આ કંપનીએ ભારતમાં પોતાનો વેપાર વધારવા માટે એક અબજ ડોલર રોકવાની યોજના પણ બનાવી હતી પરંતુ હવે કંપનીના એ પ્લાનને મોટો ઝાટકો વાગ્યો છે.
રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બની ગયેલી ૫૯ ચીની એપ ઉપર પ્રતિબંધ મૂકીને ભારતે ચીનને સખત સંદેશ આપ્યો છે. ભારતનું આ પગલું સ્પષ્ટ સંકેત છે કે ચીનની હરકતોનો જડબાતોડ જવાબ આપવામાં સરકાર જરાય પાછીપાની નહીં કરે. આમ પણ ભારત સરકારના આઇટી ખાતાને લાંબા સમયથી ફરિયાદો મળી રહી હતી કે આ એપ્સ દ્વારા ચીન ભારતની જાસૂસી કરી રહ્યું છે અને ભારતના ગ્રાહકોની માહિતી બીજા દેશોને પણ વેચી રહ્યું છે. આમ થવું એ દેશના સાર્વભૌમત્વ માટે ગંભીર ખતરો છે. એવામાં સરકારની ફરજ છે કે તે દેશની એકતા અને અખંડિતતા સુરક્ષિત રાખવા માટે ચીની એપ પર પ્રતિબંધ લગાવે અને આવું કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરે.
ભારતમાં ચાઇનીઝ મોબાઇલ સૌથી વધારે વપરાશમાં છે. મોબાઇલ ફોન બનાવતી તમામ મોટી ચીની કંપનીઓના ભારતમાં યુનિટ છે અને ભારતીય બજારની જરૂરિયાત પૂરી કરે છે. મોબાઇલ ફોન બજાર પર ચીની કંપનીઓનો કબજો હોવાનું મોટું કારણ એ છે કે ચીની ફોન ઘણાં સસ્તા પડે છે અને દર મહિને નવા નવા મોડેલ બજારમાં મૂકાતા રહે છે. મોબાઇલ બજારની સાથે સાથે એપ્સનું બજાર પણ મોટું બની રહ્યું છે. ચાઇનીઝ ફોનનો વપરાશ વધવાની સાથે સાથે ચાઇનીઝ એપ્સનું જોખમ પણ વધી રહ્યું છે. જે કંપની મોબાઇલ ફોન વેચતી હોય એના સોફ્ટવેર અને એમાં વપરાતી એપ્સ પણ એ કંપનીના નિયંત્રણમાં હોય છે.
ચીની કાયદાઓના જાણકારોનું કહેવું છે કે ચીનની સામ્યવાદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને સાઇબર સિક્યોરિટી સાથે જોડી દીધી છે. ચીનના સાઇબર કાયદાઓ અનુસાર સરકાર જ્યારે ઇચ્છે ત્યારે ચીનની કંપનીઓ પર શિકંજો કસી શકે છે. ચીનના સાયબર કાયદા ચીનમાં વસતા લોકો અને કંપનીઓ પર લાગુ થાય છે, એટલું જ નહીં, ચીનની કંપનીઓ વિદેશમાં કામકાજ કરતી હોય તો તેમના ઉપર પણ આ કાયદા લાગુ થાય છે.
ચીનની સરકાર કે પછી તેમની એજન્સીઓ કોઇ પણ કંપની પાસે ગમે ત્યારે કોઇ પણ જાણકારી માંગી શકે છે. દાખલા તરીકે હાલ લદ્દાખ સરહદે બંને દેશો વચ્ચે તંગદીલી પ્રવર્તી રહી છે ત્યારે ચીનની સરકાર રાષ્ટ્રીય સુરક્ષાનું બહાનું ધરીને ભારતમાં સીસીટીવી કેમેરા વેચતી કંપનીઓ પાસે સીસીટીવી ફૂટેજ માંગી શકે છે. એ જ રીતે ચીન તેની વિરુદ્ધના સમાચારોને અટકાવી શકે છે તો ભારતવિરોધી સમાચારોને ઓર પ્રસરાવી શકે છે.
વળી ચીનની ઘણી કંપનીઓ પર ચીની સેનાનું નિયંત્રણ છે. અમેરિકાએ પણ ચીનની બે કંપનીઓ પર ચીની સેનાનું નિયંત્રણ હોવાના આરોપ મૂક્યાં છે.
ભારતના આઇટી ખાતાએ પણ ૨૦૧૮માં રજૂ કરેલા એક રિપોર્ટ અનુસાર દેશને સૌથી મોટો સાઇબર ખતરો ચીનનો જ છે. ભારતમાં ૩૫ ટકા સાઇબર હુમલા ચીનમાંથી થયા છે. ચીને જેવા સખત સાઇબર કાયદા બનાવ્યાં છે એવા કાયદા ભારતમાં નથી. એટલા માટે ભારતે ચીની એપને બૅન કરીને ચીન પર સાઇબર શિકંજો કસ્યો છે.
સમસ્યા એ છે કે આજે મોબાઇલ ફોન લોકોના જીવનનું અભિન્ન અંગ બની ગયો છે. બેંકને લગતા કામકાજ, લેવડદેવડ તેમજ ખરીદી મોબાઇલ ફોન દ્વારા જ થાય છે. એવામાં મોબાઇલ વપરાશકર્તાની તમામ અંગત માહિતી સંબંધિત કંપની પાસે હોય છે અને આ માહિતીનો દુરુપયોગ પણ થઇ શકે છે.
ચીની હેકર્સ બેંક ખાતાઓમાં જ ધાડ એટલા માટે પાડી શકે છે કે તેમની પાસે મોબાઇલ વપરાશકર્તાની તમામ જાણકારી હોય છે. ચીન ભારત માટે કેટલો મોટો ખતરો છે એ તેની તાજેતરની હિલચાલથી જાણવા મળી ગયું છે. ચાઇનીઝ ડ્રેગનનો ખતરો હોવા છતાં આપણે જ તેને ભારતમાં ઘૂસણખોરી કરવાની તક આપતા રહ્યાં.
જો વેળાસર ચેતી જઇને ચાઇનીઝ મોબાઇલ ફોનને ભારતીય બજાર સર કરતા અટકાવી શકાયા હોત તો આજે ચાઇનીઝ એપ્સ આટલી બધી જોખમકારક ન બની ગઇ હોત. આજે ચાઇનીઝ કંપનીઓએ ભારતીય બજારને જે રીતે ભરડો લીધો છે એમાંથી આસાનીથી છૂટી શકાય એમ નથી. દેશમાં મોબાઇલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ બનાવવાની કામગીરી ભારતીય કંપનીઓના હાથમાં હશે તો એ આત્મનિર્ભરતાની દિશામાં મોટું પગલું હશે. દેશના નાગરિકના હાથમાં ચીની બનાવટના સ્થાને ભારતીય બનાવટના ફોન અને ભારતીય કંપનીઓની એપ હશે તો આવા તમામ મોટા જોખમોથી બચી શકાશે.
એવા પણ અહેવાલ છે કે ભારતની ટેક સ્ટાર્ટઅપ્સમાં છેલ્લા પાંચ વર્ષમાં ચાર અબજ ડોલર લગાવ્યા છે. દેશની ૯૦ કરતા વધારે ટેક કંપનીઓમાં ચીનનું રોકાણ છે. ભારતમાં યૂનિકોર્ન એટલે કે એક અબજ ડોલર કરતા વધારે વેલ્યુએશન ધરાવતી ૩૦ કંપનીઓમાંથી ૧૮ કંપનીઓમાં ચીનની કંપનીઓએ રોકાણ કર્યું છે. આજના ડિજિટલ યુગમાં ડેટાનું અત્યંત મહત્ત્વ છે એ સંજોગોમાં ચીની કંપનીઓ ગ્રાહકોની પ્રાઇવસી તેમજ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમરૂપ બની શકે છે. એક રિપોર્ટ અનુસાર દેશમાં એવી ૭૫ કંપનીઓ છે જેમાં ચીને રોકાણ કર્યું છે.
ટેકનોલોજીના ક્ષેત્રમાં રોકાણ કરવાની ચીનની પ્રકૃત્તિ છે જેના કારણે એ બજાર પર તો ચીનનો જ કબજો છે. દૂરસંચારના ઉપકરણો, હોમ એપ્લાયન્સિસ, ટેલિવિઝન બજાર, મોબાઇલ બજાર અને ફાર્મા સેકટરમાં ચીન છવાયેલું છે. ચીની ઉત્પાદનોથી તાત્કાલિક છૂટકારો પામવો તો શક્ય નથી પરંતુ દરેક દેશવાસી સંકલ્પ લે અને દેશને આત્મનિર્ભર બનાવવાનું નક્કી કરે તો એ શક્ય છે. ચાઇનીઝ સોફ્ટવેર એટલે કે જુદી જુદી એપ્સ કે પ્રોગ્રામોથી તો તાત્કાલિક છૂટકારો મેળવી શકાય એમ છે. તો સ્માર્ટ ફોન કે અન્ય ચીની ઉપકરણો ભલે તાત્કાલિક ન ત્યાગી શકાય પરંતુ અમુક સમય નિશ્ચિત કરીને ચીની ઉત્પાદનોથી પીછો છોડાવી શકાય.
જોકે ચીન જેટલું દેખીતી રીતે કરે છે એથી વધારે તો એ છૂપી રીતે કરે છે. એવી પણ શક્યતા છે કે ચીને અન્ય દેશોની કંપનીઓને આર્થિક રીતે પોષીને એમના દ્વારા ભારતમાં રોકાણ કર્યું હોય. એવા પણ અહેવાલ છે કે દેશમાં ચીનવિરોધી માહોલ ઊભો થતાં ચીની કંપનીઓ હવે થર્ડ પાર્ટી દ્વારા ભારતીય બજારમાં રોકાણ અને પોતાના ઉત્પાદનો ઘૂસાડવા મથી રહી છે.
આ માટે ચીની કંપનીઓ હોંગકોંગ અને સિંગાપોર જેવા દેશોના વ્યાપારી માર્ગોનો ઉપયોગ કરી રહી છે. આ દેશો સાથે ભારતની મુક્ત વેપાર સમજૂતિ છે અને એ ઉપરાંત પણ અનેક દ્વીપક્ષીય કરાર છે. જો ચીન આ દેશોના માર્ગે ભારતીય બજારમાં ઘૂસવા માંગતું હોય તો એનાથી ભારતના વ્યાવસાયિક હિતોને નુકસાન જઇ શકે છે.
ગયા વર્ષે ચીન ૭૬ વખત સરહદ પર અતિક્રમણ કરી ચૂક્યું છે અને હવે તે ગલવાન ખીણમાં ઘૂસી આવ્યું છે. સરહદ ઉપરાંત ચીન ભારતના આર્થિક જગત અને સામાજિક ક્ષેત્રમાં પણ ઘૂસણખોરી કરી ચૂક્યું છે. એવામાં ચીન પર ડિજિટલ વાર કર્યા બાદ હવે રણમોરચે પણ ચીન સાથે એ રીતે કામ પાર પાડવું પડશે કે તે આપણી સરહદમાં વારંવાર ઘૂસણખોરી કરવાની હિંમત ન કરે.