ગ્લોબલ વૉર્મિંગના મામલે પોઇન્ટ ઓફ નો રિટર્નની ઘડીઓ ગણાઇ રહી છે
- સ્પેનની રાજધાની મેડ્રિડ ખાતે યુ.એન.ની ક્લાયમેટ ચેન્જ કોન્ફરસમાં ભાગ લેવા ભારત સહિત 200 દેશોના પ્રતિનિધિઓ પહોંચ્યાં
- પૃથ્વીના પર્યાવરણનું સત્યાનાશ વાળતું ગ્લોબલ વૉર્મિંગ શરૂ થઇ ગયાની કાગારોળ વૈજ્ઞાાનિકો છેલ્લા ત્રણ દાયકાથી મચાવી રહ્યા છે અને હવે યુ.એન. મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે પણ સ્વીકાર્યું છે કે પર્યાવરણ બચાવવાના મામલે પોઇન્ટ ઓફ નો રિટર્નની ઘડી નજીક આવી રહી છે
સ્પેનની રાજધાની મેડ્રિડ ખાતે યૂ.એન.નું પર્યાવરણ સંમેલન શરૂ થઇ ગયું છે. બીજી ડિસેમ્બરે શરૂ થયેલી ર્ભંઁ ૨૫ બેઠક ૧૩ ડિસેમ્બર સુધી ચાલવાનું છે. સંમેલનમાં ભાગ લેવા માટે ૨૦૦ દેશોના પ્રતિનિધિઓ પહોંચી ગયા છે. બે અઠવાડિયા સુધી યોજાનારી આ ક્લાયમેટ ચેન્જ કોન્ફરન્સ આમ તો ચીલી ખાતે યોજાવાની હતી પરંતુ ચીલીની અશાંત પરિસ્થિતિને જોતાં તે સ્પેનમાં ખસેડવામાં આવી છે.
આ વખતની ક્લાયમેટ ચેન્જ કોન્ફરન્સને યજમાની ચીલી કરી રહ્યું છે અને ચિલીના પર્યાવરણ મંત્રી કેરોલિના શ્મિટે આ સંમેલનને પેરિસ સંધિ પરના અમલીકરણ માટેનું સંમેલન જણાવ્યું છે. ડિસેમ્બર ૨૦૧૫માં પેરિસ ખાતે યોજાયેલી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝની ૨૧મી બેઠકમાં કાર્બન ઉત્સર્જનમાં કાપ મૂકાવા અને એ દ્વારા વૈશ્વિક તાપમાનની વૃદ્ધિને ૨ ડિગ્રી સેલ્સિયસની અંદર રાખવાની અને ૧.૫ ડિગ્રી સેલ્સિયસના આદર્શ લક્ષ્યાંકને લઇને એક વ્યાપક સમજૂતિ થઇ. આ બેઠકમાં ઘડાયેલા ૧૮ પાનાના દસ્તાવેજને પેરિસ સમજૂતિ કહેવામાં આવે છે. આ સમજૂતિ અંતર્ગત તમામ સભ્ય દેશોએ પોતાના કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાનો છે.
ક્લાયમેટ ચેન્જ પર સંશોધકોએ વર્ષો સુધીના સંશોધન બાદ જે જાણકારી હાંસલ કરી છે તેનો અર્થ એટલો જ નીકળે છે કે ગ્લોબલ વોર્મિંગ અર્થાત પૃથ્વીનું તાપમાન ભયજનક રીતે વધી રહ્યું છે અને એના માટે મનુષ્યની ઔદ્યોગિક વિકાસ માટેની આંધળી દોટ જવાબદાર છે. છેલ્લા થોડા વર્ષોથી વિજ્ઞાાનીઓ રીતસરની કાગારોળ મચાવી રહ્યાં છે કે કાર્બન ઉત્સર્જન કરતા બળતણોના વપરાશ પર અંકુશ મૂકો નહીંતર પરિણામો ગંભીર આવશે. પરંતુ પેટ્રોલિયમ અને કોલસાના જંગી ભંડારો ધરાવતા દેશો આવા રિપોર્ટોને નબળા બનાવી દે છે અને દુનિયાભરમાં પેટ્રોલિયમ અને કોલસાનો વપરાશ બેરોકટોક થતો રહે છે.
પૃથ્વીના તાપમાનમાં થઇ રહેલો વધારો જે ગ્લોબલ વોર્મિંગ નામે પ્રચલિત બન્યો છે તેને રોકવા વૈજ્ઞાાનિકો વર્ષોથી ચેતવણી આપી રહ્યાં છે. ક્લાયમેટ ચેન્જ પર લગામ કસવા સૌથી પહેલા ૧૯૯૨માં રિયો ડી જાનેરો ખાતે યૂ.એન. દ્વારા અર્થ સમિટનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિશ્વના ૧૭૪ દેશોએ ભાગ લીધો. આ સંમેલનમાં યૂનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાયમેટ ચેન્જની રચના કરવામાં આવી. આ સંસ્થાનો ઉદ્દેશ ગ્રીન હાઉસ ગેસોના ઉત્સર્જનને ઓછું કરવાનો હતો. હાલ પણ આ સંગઠનમાં અમેરિકા સહિત ૧૯૧ દેશો સામેલ છે.
આ દેશોના સંમેલનને કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ કહેવામાં આવે છે. ગ્લોબલ વોર્મિંગથી ઊભા થતા જોખમોનો સામનો કરવા પહેલું નિર્ણાયક પગલું ૧૯૯૭માં થયેલો ક્યોટો પ્રોટોકોલ છે. આ સંધિ અંતર્ગત તમામ દેશોએ સાથે મળીને નિર્ણય લીધો કે ૨૦૧૨ સુધીમાં તાપમાનમાં વધારા માટે જવાબદાર ગ્રીન હાઉસ ગેસોના ઉત્સર્જનમાં ૧૯૯૨ના ગ્રીન હાઉસ ગેસોના ઉત્સર્જનના સ્તરની ૫.૨ ટકા કમી કરવામાં આવે. જોકે આ સમજૂતિ છેક ૨૦૦૫માં અમલમાં આવી.
ક્લાઇમેટ ચેન્જ આજે સમગ્ર ધરતી માટે મોટો ખતરો બની ગયો છે. લાંબા સમયથી પૃથ્વીના પર્યાવરણમાં થઇ રહેલા ફેરફારને લઇને મોટી મોટી ચિંતાઓ વ્યક્ત થતી રહી છે અને ધરતીને બચાવવા માટે વિશ્વ પર્યાવરણ સંમેલનોમાં મોટી મોટી જાહેરાતો થતી રહી છે. પરંતુ આ સમસ્યાના સમાધાન માટે કોઇ નક્કર સમાધાન સધાઇ શક્યું નથી એટલા માટે સમસ્યા ઘટવાના બદલે સતત વધી રહી છે.
આજે દુનિયાભરના દેશો પર્યાવરણમાં થઇ રહેલાં વિનાશક ફેરફારોની ચિંતા વ્યક્ત તો કરી રહ્યાં છે પરંતુ આ દેશો એ વાતે સહમત નથી થઇ શક્યાં કે શરૂઆત ક્યાંથી કરવી અને કેવી રીતે કરવી. કાર્બન ઉત્સર્જન કેવી રીતે ઘટાડવું એનો ઉકેલ મળ્યો નથી. પરિણામે પરિસ્થિતિ એટલી હદે સ્ફોટક બની ગઇ છે કે ઉદ્યોગોથી લઇને ઘરોમાં વપરાતા બળતણના ઉપયોગથી ઉત્સર્જિત થતો ધુમાડો હવાને ઝેરી બનાવી રહ્યો છે.
મેડ્રિડમાં ૨૦૦ દેશોના પ્રતિનિધિઓ ક્લાયમેટ ચેન્જની સમસ્યાને નાથવા માટેના ઉપાયો અંગે જુદાં જુદાં દેશો વચ્ચે જે મતભેદો છે એ ઉકેલવાનો પ્રયાસ કરશે. ગયા વર્ષે પોલેન્ડના કાટોવિત્સે શહેર ખાતે યોજાયેલી ક્લાયમેટ ચેન્જ કોન્ફરન્સમાં એક કામ કરે એવી આંતરરાષ્ટ્રીય ઉત્સર્જન વ્યાપાર વ્યવસ્થા બનાવવી અને ગરીબ દેશોને પર્યાવરણ સંબંધિત નુકસાન બદલ વળતર આપવાની વાત થઇ હતી. ગરીબ દેશોને આવતા વર્ષી ૧૦૦ અબજ ડોલરની રકમ આપવામાં આવશે પરંતુ હજુ સુધી એ વાતે મતભેદ છે કે અગાઉના વર્ષોમાં થયેલા પર્યાવરણના નુકસાનનો બદલો કેવી રીતે વાળવો.
યૂ.એન.ના મહાસચિવ એન્ટોનિયો ગુટેેરેસે સંમેલન પહેલા કહ્યું છે કે ૨૦૧૫માં થયેલી પેરિસ સંધિ અંતર્ગત ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનમાં અત્યાર સુધી નક્કી કરેલી વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિને ૧.૫થી ૨ ડિગ્રી સેલ્સિયસ સુધી સીમિત કરવું હવે પૂરતું નથી. વળી સંમેલનમાં ભાગ લઇ રહેલા પ્રતિનિધિઓ ઉપર સ્વીડનની ૧૬ વર્ષની વિદ્યાર્થીની ગ્રેટા થનબર્ગે શરૂ કરેલા ફ્રાઇડે ફોર ફ્યુચર આંદોલનને લઇને પણ ભારે દબાણ છે.
ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા અમેરિકાના ન્યૂયોર્ક ખાતે યોજાયેલી કોન્ફરન્સમાં ગ્રેટા થનબર્ગે પર્યાવરણનું સત્યાનાશ વાળીને ભાવિ પેઢીનું બાળપણ અને સપનાઓને છીનવી લેવા માટે વૈશ્વિક નેતાઓ પર પસ્તાળ પાડી હતી. યૂ.એન.ના મહાસચિવ એન્ટોનિયો ગુટારેસ તેમજ દુનિયાભરના કદાવર નેતાઓને ગ્રેટાના સવાલોએ નિરુત્તર કરી દીધાં હતાં. ક્લાયમેટ ચેન્જ વિરુદ્ધ થતા વિરોધ પ્રદર્શનો માટે દુનિયાભરના શહેરોની સડકો પર લાખો લોકો આવી રહ્યાં છે.
દુનિયાભરના દેશોના નેતાઓ પર્યાવરણ બચાવવા માટે તાત્કાલિક પગલા ઉઠાવે એ માટે લોકો વિરોધ પ્રદર્શનો કરી રહ્યાં છે. ક્લાયમેટ ચેન્જ રોકવા માટે શરૂ થયેલા આ આંદોલનનું નેતૃત્ત્વ ૧૬ વર્ષની ગ્રેટા થનબર્ગ કરી રહી છે. પર્યાવરણ માટે જાગૃતિ ફેલાવવા માટે કામ કરતા લોકો માટે ગ્રેટા થનબર્ગ પ્રતિક બની ગઇ છે. થનબર્ગે દર અઠવાડિયે સ્વીડનની સ્કૂલમાં પર્યાવરણ માટે હડતાલ પાડવાનું જે અભિયાન શરૂ કર્યું હતું એ આજે દુનિયાભરના શહેરોની શાળાઓમાં ફેલાઇ ગયું છે.
ગયા શુક્રવારે પણ ભારતથી લઇને ઓસ્ટ્રેલિયા અને યુરોપમાં હજારો લોકોએ પર્યાવરણની સુરક્ષા માટે પ્રદર્શનો યોજ્યાં હતાં. તાજેતરમાં યુરોપિયન યુનિયન દ્વારા જાહેર થયેલા ક્લાયમેટ ઇમરજન્સી અને ગ્લોબલ વોર્મિંગના વધી રહેલા જોખમને લઇને આંદોલનકારો વધારે ચિંતિત બન્યા છે. જોકે કોપ ૨૫ સંમેલનને આવતા વર્ષના વધારે મહત્ત્વપૂર્ણ સંમેલનની દિશામાં મહત્ત્વનું પગલું ગણાવવામાં આવી રહ્યું છે.
આવતા વર્ષે યોજાનારા વાર્ષિક સંમેલનમાં સભ્ય દેશોએ પેરિસ સમજૂતિ અંગે પોતાની પ્રતિબદ્ધતા જાહેર કરવાની છે. પર્યાવરણવાદીઓની ચિંતા એ વાતે છે કે આવા સંમેલનોમાં માત્ર નિયમો પર જોર આપવામાં આવે છે અને પર્યાવરણને લગતી વાસ્તવિક સમસ્યાઓના ઉકેલ માટે કોઇ પગલાં લેવામાં આવતા નથી.
નાસાના જેમ્સ હેનજેન નામના વૈજ્ઞાાનિકે ત્રણ દાયકા પહેલાં જ ચેતવણી આપી હતી કે ગ્લોબલ વૉર્મિંગ શરૂ થઇ ચૂક્યું છે અને એના વરવા પરિણામો ભોગવવા નક્કી છે પરંતુ એ વાત અવગણવી એ પૃથ્વીને ગોળના બદલે સપાટ કહેવા જેવું જૂઠ્ઠાણું છે. હવે યૂ.એન. મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે પણ સ્વીકાર્યું છે કે પર્યાવરણ બચાવવાના મામલે પોઇન્ટ ઓફ નો રિટર્નની ઘડી નજીક આવી રહી છે. તેમણે કાર્બન ગેસોના ઉત્સર્જનમાં કપાત લાવવાના ઔદ્યોગિક દેશોના પ્રયાસોને અપૂરતા ગણાવ્યાં છે. તો યુરોપિયન ક્લાયમેટ ફાઉન્ડેશનનો દાવો છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પેરિસ સમજૂતિથી અમેરિકાને અળગું કરી દીધું છે અને ભારત, રશિયા અને બ્રાઝિલ જેવા દેશો પણ પોતાની જવાબદારીઓને લઇને ખાસ ઉત્સાહિત નથી.
ખરી સમસ્યા એ વાતે છે કે જો દુનિયાના તમામ દેશો પણ ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનમાં કમી લાવવાના પોતાના વાયદા પૂરા કરી દે તો પણ દુનિયાનું તાપમાન ઔદ્યોગિક ક્રાંતિ પહેલાના સ્તરથી ઓછામાં ઓછું ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધી જશે. વૈજ્ઞાાનિકોનું કહેવું છે કે આટલા ઊંચા તાપમાનના વધારાની પર્યાવરણ પર અત્યંત ખરાબ અસરો થશે. જર્મન પર્યાવરણશાસ્ત્રી યોહાન રોકસ્ટ્રોમના દાવા અનુસાર તો તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થશે તો તાપમાન આપોઆપ વધવા લાગશે. મતલબ કે એ પછી ગાડીમાં બ્રેક ફેઇલ થઇ જાય એવો ઘાટ સર્જાશે અને તાપમાન વધતું જ રહેશે અને એ પછી ગમે તેવા પ્રયત્નો એ વધારાને નાથી નહીં શકે.
હવામાન સંસ્થાઓ અને સંશોધકોના અહેવાલો નજર સામે છે, દુનિયાના તમામ દેશોની સરકારોએ એ રિપોર્ટો પર તાત્કાલિક ધોરણે કામ કરવાની જરૂર છે નહીંતર પૃથ્વીનું હવામાન એવું બેલગામ બની જશે જેને દુનિયાની કોઇ તાકાત રોકી નહીં શકે.