કોરોના સામે લડી રહેલા તબીબી જગતને સુરક્ષિત રાખવાની તાતી આવશ્યક્તા
- કોરોના વાઇરસના દર્દીઓની સારવાર કરી રહેલા મેડિકલ સ્ટાફ માટે જ સુરક્ષા ઉપકરણોની અછત
- કોરોના સામેના જંગમાં તબીબી સમુદાય આગલી હરોળના કમાન્ડો છે અને આ કમાન્ડો ટાંચા સાધનો વડે પણ સંપૂર્ણ સમર્પણ અને કૌશલ્ય સાથે કોરોના વાઇરસ વિરુદ્ધ જંગ લડી રહ્યાં છે ત્યારે આખા દેશના લોકો તેમની કર્તવ્યપરાયણતાથી કૃતજ્ઞા છે
લૉકડાઉન છતાં દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે અને વાઇરસનો ભોગ બનેલા તેમજ સંદિગ્ધ લોકોની સારવાર તેમજ તપાસમાં મેડિકલ સ્ટાફ લાગ્યો છે. કોરોનાના દર્દીઓ અને સંદિગ્ધોની સારવારમાં સૌથી મોટી સમસ્યા એ આવી રહી છે કે મેડિકલ સ્ટાફ પાસે જ આવશ્યક બચાવ સાધનો નથી.
પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ નામે ઓળખાતા સુરક્ષા ઉપકરણો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી જેના કારણે મેડિકલ સ્ટાફને પોતાની ફરજ નિભાવવામાં મુશ્કેલી પડી રહી છે. કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે સાદા સર્જિકલ માસ્ક પૂરતા નથી. એના માટે ટ્રિપલ લેયર માસ્ક અથવા તો એન-૯૫ માસ્કની આવશ્યક્તા હોય છે.
તેમજ વિશેષ પ્રકારના પોશાકની જરૂર પણ રહે છે. આ પોશાક પહેર્યા પછી તેઓ પાણી પણ પી શકતા નથી. એક તબીબ જો પાંચ- છ કલાક પણ આ ખાસ પોશાક પહેરીને ડયૂટી પર હોય તો સમજી શકાય એમ છે કે તેમને કેટલી પરેશાનીનો સામનો કરવો પડતો હશે. ઘણાં દેશોમાં કોરોના વાઇરસના દર્દીઓની સારવાર કરી રહેલો મેડિકલ સ્ટાફ ખુદ અત્યંત ડરેલો છે.
વેન્ટિલેટર ઉપર જીવનમરણનો સંઘર્ષ કરતા કોરોના વાઇરસના સંક્રમણનો ભોગ બનેલા દર્દીઓની સારવાર કરતા ડોકટરો અને નર્સિંગ સ્ટાફને બરાબર ખબર છે કે નાની અમથી પણ ચૂક થઇ તો આ ઘાતક બીમારી તેમને પણ ચપેટમાં લઇ લેશે. તેમને પણ પોતાના પરિવારજનોની ચિંતા સતાવતી હોય છે. ચીનમાં ૩૩૦૦, સ્પેનમાં ૫૬૦૦ અને ઇટાલીમાં પાંચ હજારથી વધારે મેડિકલ સ્ટાફના લોકો કોરોના વાઇરસના સંક્રમણનો ભોગ બની ચૂક્યાં છે.
આ ત્રણ દેશોમાં જ ૨૦૦થી વધારે ડોકટરો, નર્સો, એમ્બ્યુલન્સ ડ્રાઇવરો અને ટેકનિશિયનોના કોરોના વાઇરસના કારણે મૃત્યુ નીપજ્યાં છે. અમેરિકામાં પણ કોવિડ-૧૯ની ચપેટમાં આવનારા અને મૃત્યુ પામનારા મેડિકલ સ્ટાફનો આંકડો તેજીથી વધી રહ્યો છે. ઘણાં મેડિકલ સ્ટાફે તો કબૂલ પણ કર્યું છે કે તેમને આવા ભયાવહ સંજોગોમાં હોસ્પિટલમાં જતાં પણ ડર લાગે છે પરંતુ તેમને લોકોના જીવ બચાવવા માટે જ શીખવાડવામાં આવ્યું છે અને એને પોતાની ફરજ સમજીને તેઓ જીવના જોખમે પણ કોરોનાના દર્દીઓની સારવાર કરે છે.
ભારતમાં તો ડોકટરો અને નર્સિંગ સ્ટાફની સ્થિતિ વધારે ચિંતાજનક છે. દેશની અનેક સરકારી હોસ્પિટલોમાં માસ્ક, ગ્લવ્ઝ અને સેનેટાઇઝરની તંગી પડવા લાગી છે. દેશની ઘણી હોસ્પિટલોની ઓપીડીમાં હજુ પણ દર્દીઓની તપાસ કોઇ પણ જાતની સેફ્ટી વગર કરવામાં આવે છે. એવામાં જો કોઇ દર્દી કોરોના વાઇરસથી સંક્રમિત હોય તો એનો ચેપ મેડિકલ સ્ટાફને લાગવાના પૂરેપૂરા ચાન્સ છે.
અને એક વખત જો કોઇ ડોકટર કે અન્ય મેડિકલ સ્ટાફ કોરોના વાઇરસથી સંક્રમિત થઇ જાય તો તે અન્ય મેડિકલ સ્ટાફમાં તેમજ હોસ્પિટલના અન્ય દર્દીઓમાં ફેલાવાની શક્યતા ઊભી થઇ જાય છે અને પરિણામે એક કોરોના વાઇરસનો ચેપ લાગવાનું એક એવું દુષ્ચક્ર સર્જાઇ શકે છે જેને તોડવું મુશ્કેલ બને.
રાજસ્થાનના ભીલવાડા જિલ્લાની એક હોસ્પિટલમાં જે ઘટનાક્રમ સર્જાયો એ આનો જીવંત દાખલો છે.
ભીલવાડાની બાંગડ હોસ્પિટલના એક ડોકટરને ગત ૧૨ માર્ચે જ કોરોના વાઇરસથી સંક્રમિત હોવાના લક્ષણો જણાયા હતા અને ૧૫ માર્ચે તો એ ડોકટરનો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવી ગયો હતો. પરંતુ હોસ્પિટલ સત્તાવાળાઓએ આ વાત છુપાવી રાખી એ પછી ૧૯ માર્ચે હોસ્પિટલના બીજા એક ડોકટરને પણ કોરોના પોઝિટવ હોવાનું માલુમ પડયું.
હોસ્પિટલમાં કુલ ત્રણ ડોકટર અને ત્રણ નર્સિંગ સ્ટાફને કોરોના વાઇરસનો ચેપ લાગી ગયા પછી મામલો બહાર આવ્યો પરંતુ ત્યાં સુધીમાં તો એ નર્સિંગ સ્ટાફ પાંચ હજારથી વધારે દર્દીઓના સંપર્કમાં આવી ચૂક્યાં હતાં. એ પછી તાત્કાલિક હોસ્પિટલને અને ભીલવાડા જિલ્લાની સરહદો પણ સીલ કરી દેવામાં આવી.
દિલ્હીની મોહલ્લા ક્લિનિકમાં પણ કંઇક આવો જ મામલો બન્યો. આ ક્લિનિકમાં એક ડોકટર કોરોના વાઇરસથી સંક્રમિત હોવાની જાણ થયા બાદ આશરે ૯૦૦ જણાને ક્વૉરન્ટાઇન કરવાની જરૂર પડી. એ ઉપરાંત સરકારે ૧૨થી ૧૮ માર્ચ દરમિયાન એ ક્લિનિકમાં સારવાર માટે ગયેલા તમામ દર્દીઓને સેલ્ફ આઇસોલેશનની અપીલ કરવી પડી. મોહલ્લા ક્લિનિકના આ ડોકટર સાઉદી અરેબિયાથી આવેલી વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતાં.
ડોકટરને કોરોના વાઇરસનો ચેપ લાગ્યા બાદ ડોકટરના પત્ની અને પુત્રીને પણ વાઇરસનો ચેપ લાગ્યો. વળી, આ ડોકટરના સંપર્કમાં આવ્યા હોય એવા દર્દીઓ ઉપરાંત તેમની સાથે કામ કરનાર અન્ય મેડિકલ સ્ટાફ અને પછી એ તમામના સંપર્કમાં આવનારા પરિવારજનો, મિત્રો તેમજ અન્ય લોકોમાં પણ કોરોના વાઇરસ પહોંચી ગયો હોવાની આશંકા છે.
દિલ્હીની જ એક કેન્સર હોસ્પિટલમાં કાર્યરત એક ડોકટર પણ કોરોના વાઇરસથી સંક્રમિત હોવાનું જાણવા મળતા હોસ્પિટલને બંધ કરીને સાફસફાઇ કરીને કોરોનામુક્ત કરવાની નોબત આવી. આ ડોકટર પણ બ્રિટનથી પાછા ફરેલા સંબંધીને મળવા ગયા બાદ કોરોનાથી સંક્રમિત થયાનું બહાર આવ્યું. દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલના ૬ ડોકટરોસહિતના ૧૭ જણાના મેડિકલ સ્ટાફને કોરોનાથી સંક્રમિત હોવાની આશંકાએ ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યાં છે. દર્દીઓની સારવાર કરતી વખતે કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોય એ સંયોગ કહી શકાય પરંતુ તબીબી સમુદાયના લોકો દિશાનિર્દેશોને ધ્યાનમાં રાખ્યા વિના વિદેશથી આવતા લોકોને મળવા દોડી જાય અને સંક્રમણનો ભોગ બને એ બેજવાબદારીભર્યું વર્તન જ કહી શકાય.
મેડિકલ સ્ટાફને જ કોરોના વાઇરસના સંક્રમણનું જોખમ સૌથી વધારે હોય છે એટલા માટે તેમની સુરક્ષા વધારે જરૂરી છે. જો ચિકિત્સક પોતે જ વાઇરસનો ભોગ બની જાય તો પછી કોરોનાના દુષ્ચક્રને તોડવાનનું કામ મુશ્કેલ બની જાય. કોરોનાની ચેઇન તોડવા માટે જ દેશમાં લૉકડાઉન કરવામાં આવ્યું છે પરંતુ વાસ્તવિકતા એ છે કે હજુ પણ જેટલી આવશ્યક્તા છે એટલા ટેસ્ટ સેન્ટર ઊભા નથી થઇ શક્યાં કે જ્યાં કોરોનાની અલગ તપાસ થઇ શકે અને સંક્રમિતોને અલગ રાખી શકાય. એટલા માટે ઘણાં દર્દીઓને હજુ પણ સ્થાનિક દવાખાના, પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં જ નિયમિત દર્દીઓ તરીકે નિહાળવામાં આવે છે.
કોરોના વાઇરસના જોખમને જોતાં કેન્દ્ર સરકારે મેડિકલ સ્ટાફ માટે પચાસ લાખ રૂપિયાના વીમાની જાહેરાત કરી છે. પરંતુ અનેક હોસ્પિટલોની ફરિયાદ છે કે તેમના સ્ટાફ પાસે કોરોના વાઇરસની તપાસ માટે આવશ્યક ઉપકરણો ઉપલબ્ધ નથી. કોરોના વાઇરસ સામે લડવા તૈનાત થયેલા ચિકિત્સાકર્મીઓ પાસે જરૂરી માસ્ક તેમજ પોશાક નથી. એવા દેશોના દાખલા સામે છે જ્યાં કોરોના સામે લડવામાં ઢીલાશ દેખાડવામાં આવી અને એ કારણે મોટી સંખ્યામાં લોકો જીવલેણ વાઇરસનો ભોગ બન્યાં. એ જોતાં કોરોના સામે લડતા લોકોમાં પણ ગભરાટ થવો સ્વાભાવિક છે.
હોસ્પિટલોમાં ડોકટરો, નર્સિંગ સ્ટાફ અને વૉર્ડ બોય માસ્ક અને ગ્લવ્ઝ વગર કામ કરવા માટે મજબૂર છે. કેટલાક ઠેકાણે તો ડોકટરોએ રેઇન કોટ અને હેલ્મેટ પહેરીને દર્દીઓની સારવારમાં લાગવું પડયું હોવાની વાતો સામે આવી છે. એક વખત મેડિકલ સેક્ટર સાથે જોડાયેલા લોકો કોરોના વાઇરસની ચપેટમાં આવવા લાગ્યા તો ભારતની પહેલેથી અત્યંત નબળી હેલ્થ કેર સિસ્ટમ ધરાશાયી થઇ જશે. બીજી બાજુ લોકો માસ્ક, ગ્લવ્ઝ અને સેનિટાઇઝરને ખરીદીને ઘરોમાં સંઘરવા લાગ્યાં છે. ડોકટરોનું કહેવું છે કે લોકો ઘરમાં હોય ત્યારે માસ્ક કે ગ્લવ્ઝની જરૂર જ નથી.
ઘરમાં સેનિટાઇઝરની પણ જરૂર નથી પડવાની કારણ કે ઘરમાં તો સાબુ કે હેન્ડ વૉશથી વધારે સારી રીતે હાથ ધોવાઇ જવાના છે. માસ્ક, ગ્લવ્ઝ અને સેનિટાઇઝરની વધારે જરૂર હોસ્પિટલોમાં કોરોના વાઇરસના દર્દીઓની સારવાર કરી રહેલા મેડિકલ સ્ટાફને વધારે છે. બચાવ ઉપકરણોની આમ પણ અછત સર્જાઇ રહી છે અને લોકો એ વધારે જથ્થામાં ખરીદીને ઓર તંગી ઉત્પન્ન ન કરે એટલા માટે સરકાર અને તબીબી સમુદાય લોકોને ધરની અંદર રહીને કોરોનાથી બચવાની સલાહ આપે છે.
લોકોએ પણ સમજવાની જરૂર છે કે મેડિકલ સમુદાય સલામત રહેશે તો જ તેઓ પણ સલામત રહી શકશે.
તબીબી સમુદાયે ભારે સાવધાની રાખતા મક્કમ મનોબળ સાથે કોરોના વાઇરસ સામે લડવાનું છે. મનોબળ મક્કમ રહેશે તો તબીબી સમુદાયની સકારાત્મકતા અને વિશ્વસનિયતા જળવાઇ રહેશે. કોરોના સામેના જંગમાં તબીબી સમુદાય આગલી હરોળના કમાન્ડો છે. આ કમાન્ડો ટાંચા સાધનો વડે પણ સંપૂર્ણ સમર્પણ અને કૌશલ્ય સાથે કોરોના વાઇરસ વિરુદ્ધ જંગ લડી રહ્યાં છે. તબીબી જગતના કારણે જ દુનિયા જીવી રહી છે. કોરોના સામે લડી રહેલા ડોકટરો, નર્સો તેમજ અન્ય મેડિકલ સ્ટાફે સાજાસમા અને તંદુરસ્ત તેમના ઘરે પરત ફરવાનું છે. આ એવા યોદ્ધા છે જે પોતાના ઘરપરિવારની ખુશીને ત્યાગીને કોરોનાનો ભોગ બનેલા લોકોને બચાવવામાં લાગ્યા છે. કોરોના સામેના જંગમાં જીત મળવી નક્કી છે અને ત્યારે દુનિયા આખી કોરોનાના કમાન્ડો માટે વધારે ગૌરવ અનુભવશે.