Get The App

માઉન્ટ એવરેસ્ટઃ શિખર સર કરવાનું સાહસ કે ઘેલછા?

- 9 દિવસમાં 11 જણા માઉન્ટ એવરેસ્ટ ફતેહ કરવાની ઘેલછામાં માર્યા ગયા

Updated: May 30th, 2019

GS TEAM

Google News
Google News
માઉન્ટ એવરેસ્ટઃ શિખર સર કરવાનું સાહસ કે ઘેલછા? 1 - image


- દુનિયાના સૌથી ઊંચા શિખર પર ચઢાણ કરવાના પાગલપનમાં લોકોએ માઉન્ટ એવરેસ્ટ પર ટ્રાફિક જામ કરી નાખ્યો

- સાગરમાથા તરીકે ઓળખાતા દુનિયાના સૌથી ઊંચા શિખરની ચઢાઇ કરવામાં આ વર્ષે અત્યાર સુધીમાં ૧૧ જણાએ જીવ ગુમાવ્યા છે અને આટલી મોટી જાનહાનિ થવા પાછળ ખરાબ હવામાન નહીં પરંતુ એવરેસ્ટના માર્ગમાં જામેલી ભીડ કારણભૂત બની છે

સડકો પર ટ્રાફિક જામ થતો તો સૌ કોઇએ જોયો હશે પરંતુ દુનિયાના સૌથી ઊઁચા શિખર એટલે કે માઉન્ટ એવરેસ્ટ પર ટ્રાફિક જામ થઇ ગયો હોવાનું જાણવા મળે તો કેવું લાગે? માન્યામાં ન આવે એવા આ સમાચાર સાવ સાચા છે. ગયા અઠવાડિયે પ્રસિદ્ધ થયેલી એક તસવીર જોતા ખ્યાલ આવે છે કે પર્વતારોહકો જે મોટી સંખ્યામાં માઉન્ટ એવરેસ્ટની ચડાઇ કરવા પહોંચી રહ્યાં છે એનાથી ત્યાં ટ્રાફિકજામનો માહોલ સર્જાઇ ગયો છે. માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણની દૃષ્ટિએ આ વર્ષ સૌથી ઘાતક સીઝનમાંનું એક રહ્યું છે. અત્યાર સુધી ૯ દિવસમાં ૧૧ જણા માઉન્ટ એવરેસ્ટ ફતેહ કરવાની ઘેલછામાં માર્યા ગયા છે.

સામાન્ય રીતે એવું બનતું હોય છે કે માઉન્ટ એવરેસ્ટ કે પછી અન્ય કોઇ દુર્ગમ શિખર સર કરતી વખતે ખરાબ હવામાન કે પછી બરફનું તોફાન આવે ત્યારે અકસ્માત સર્જાતા હોય છે પરંતુ આ વખતે માઉન્ટ એવરેસ્ટ ખાતે હવામાન ચઢાણ માટે સાનુકૂળ છે તેમ છતાં આટલા બધાં લોકો માર્યા ગયાં છે. ૨૯,૦૨૯ ફૂટ ઊંચા માઉન્ટ એવરેસ્ટ પર મૃત્યુનુ કારણ બેશક ફ્રોસ્ટ બાઇટ એટલે કે કડકડતી ઠંડી રહી પરંતુ ઠંડી કરતાયે વધારે જવાબદાર માર્ગમાં થયેલો વિલંબ રહ્યો. માઉન્ટ એવરેસ્ટ સહીસલામત ચઢાણ કરવો હોય તો પહેલી શરત એ છે કે સાનુકૂળ સંજોગો ઊભા થાય કે બેઝ કેમ્પથી નીકળી પડવું અને જેમ બને એમ શિખર સર કરીને તુરંત પાછા વળી જવું. 

જોકે હાલ આવું શક્ય નથી રહ્યું. પહેલું તો મોટી સંખ્યામાં લોકોને માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કરવાની પરમિટ આપી દેવામાં આવે છે જેના કારણે માર્ગમાં જ ભારે ધસારો રહે છે. બીજું એ કે સોશિયલ મીડિયાના અને સ્માર્ટ ફોનના આ જમાનામાં પર્વતારોહણ કરવા આવતા લોકો ડગલે ને પગલે તસવીરો અને સેલ્ફી લેતા રહે છે. એમાંયે શિખરે પહોંચ્યા પછી તો સેલ્ફી લેવાની જે હોડ જામે છે એમાં ખાસો એવો સમય વેડફાઇ જાય છે. સીધી વાત છે કે જેટલો સમય શિખર પર કે માઉન્ટ એવરેસ્ટના ચઢાણ અને ઉતરાણના માર્ગમાં જશે એટલી બર્ફીલી ઠંડીનો ભોગ બનવાની શક્યતા વધી જશે. 

ભારતની અમીશા ચૌહાણ નામની પર્વતારોહકે માઉન્ટ એવરેસ્ટ તો ફતેહ કરી લીધો પરંતુ ચઢાણ દરમિયાન નડેલા ટ્રાફિક જામમાં ફસાયા બાદ સીધી હોસ્પિટલભેગી થઇ ગઇ. અમીશા ચૌહાણ ફ્રોસ્ટ બાઇટ અર્થાત બર્ફીલા ડંખનો શિકાર બની છે. એવરેસ્ટ પર થતી દુર્ઘટનાઓને લઇને તેમનું કહેવું છે કે જરૂરુ તાલીમ લીધા વિના જ માઉન્ટ એવરેસ્ટ ચડવા પહોંચી ગયેલા લોકોને અટકાવવા જોઇએ. તેમને એવરેસ્ટના ચઢાણ વખતે અનેક પર્વતારોહકો એવા મળ્યાં જેમની પાસે પર્વતારોહણની કોઇ તાલીમ નહોતી અને એવરેસ્ટ સર કરવા માટે તેઓ સંપૂર્ણપણે તેમના શેરપા ગાઇડ પર નિર્ભર હતાં.

માઉન્ટ એવરેસ્ટ સર કરીને સહીસલામત પાછા આવનારા અનુભવી પર્વતારોહકો એવરેસ્ટના માર્ગમાં થતા અકસ્માતો અને મૃત્યુ માટે ટ્રેનિંગના અભાવને જવાબદાર માને છે. અનુભવી પર્વતારોહકોનું માનવું છે કે માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડાઇ કરવાની પરમિટ આપતા પહેલાં ઉમેદવારોની યોગ્યતાની તપાસ થવી જોઇએ. માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે શારીરિક યોગ્યતા ઉપરાંત માનસિક દૃઢતા પણ હોવી જરૂરી છે. જરૂરી ટ્રેનિંગ વગર જ એવરેસ્ટ સર કરવા નીકળી પડેલા લોકો કટોકટીની ક્ષણોમાં ખોટા નિર્ણયો લઇને પોતાના જીવ તો જોખમમાં મૂકે જ છે, સાથે સાથે તેમના માર્ગદર્શન અને દેખભાળ માટે ગયેલા શેરપાઓના જીવ પણ જોખમમાં મૂકી દે છે.

અમીશા ચૌહાણને તો માત્ર ૨૦ મિનિટ રાહ જોવી પડી એમાં તેમનો જીવ જોખમમાં આવી ગયો પરંતુ એવા અનેક લોકો હતાં જેમણે માઉન્ટ એવરેસ્ટ ફતેહ કર્યા પછી નીચે આવવા માટે કલાકો સુધી રાહ જોવી પડી. જે ડઝનેક જણાં માર્યા ગયા એમાંના કેટલાંકના મૃત્યુ ખરાબ મોસમના કારણે તો કેટલાંકના મૃત્યુ ઓક્સિજનની કમીના કારણે થયા. તો કેટલાંકના મૃત્યુ હિમ ગાળી નાખતી ઠંડીમાં માર્ગમાં ફસાયેલા રહેવાના કારણે થઇ ગયાં. કેટલીક વખત તો અનુભવવિહીન પર્વતારોહકો બેદરકારીના કારણે જીવ ગુમાવે છે. કેટલાંક લોકો ઓક્સિજન ખતમ થઇ જવા છતાં ટોચે પહોંચવાની જિદ કરે છે અને છેવટે જીવ ગુમાવે છે.

અમેરિકાના એરિઝોનાના વતની ડોકટર એડ ડોરિંગનું સપનું હતું કે જીવનમાં એક વખત માઉન્ટ એવરેસ્ટ સર કરવો. આ વર્ષે તેમની ઇચ્છા તો પૂરી થઇ પરંતુ તેમણે પોતાની આ ઇચ્છા પૂરી કરવાના માર્ગમાં જે જોયું એ હાજા ગગડાવી નાખે એવું હતું. ડોરિગને જણાવ્યા અનુસાર શિખર પર ત્રણ-ચાર જણાના ઊભા રહેવાની જગ્યા છે ત્યાં બે ડઝન લોકો જમા થઇને સેલ્ફી લઇ રહ્યાં હતાં. ટોચે પહોંચવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડતું હતું. રસ્તામાં થોડા સમય પહેલાં જ મૃત્યુ પામેલી એક મહિલા પર્વતારોહકના શબને ઓળંગીને લોકો આગળ વધતાં હતાં. 

એલિયા સાઇક્લે નામની એક એડવેન્ચર ફિલ્મમેકરે લખ્યું કે એવરેસ્ટની ટોચે પહોંચીને તેમણે જોયું કે તેમને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. તેમણે કહ્યું કે ચારે તરફ અરાજક્તા, મોત અને લાશો હતી. માર્ગમાં લાશો અને કેમ્પમાં લાશો. મોટા ભાગના લોકો એવા હતાં જે એવરેસ્ટ સર તો કરી શક્યાં પરંતુ જીવતા પાછા ન પહોંચી શક્યાં. એલિયાએ પણ એ જ ખોફનાક નઝારાનું વર્ણન કર્યું કે લોકો મૃત્યુ પામેલા લોકોના શબને ઓળઁગીને માર્ગમાં આગળ વધી રહ્યાં હતાં. ખરું જોતાં એવરેસ્ટ સર કરવાની ઘેલછા એ હદે પહોંચી છે કે લોકોની માનવતા કે સભ્યતા પણ મરી પરવારી છે.

૧૯૫૩માં એડમન્ડ હિલેરી અને તેનસિંગ નોર્ગેએ પહેલી વખત માઉન્ટ એવરેસ્ટ સર કર્યો ત્યારથી પર્વતારોહણ એક આકર્ષક વ્યવસાય બની ગયો છે. એડમન્ડ હિલેરી અને તેનસિંગ નોર્ગેએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યો એ માનવજાતના ઇતિહાસની એક દુર્લભ ક્ષણ હતી. એ પહેલાં કોઇ માનવી દુનિયાના એ સૌથી ઊંચા શિખર પર પગ નહોતો મૂકી શક્યો. પરંતુ એ પછી તો માઉન્ટ એવરેસ્ટનું ચઢાણ સાહસ કરતા ખેલ વધારે બની ગયું છે. એશિયામાં ગરીબ ગણાતા નેપાળ માટે સ્થાનિક રીતે સાગરમાથા નામે ઓળખાતો માઉન્ટ એવરેસ્ટ આવકનું મોટું સાધન છે. પર્વતારોહણ માટે નેપાળ તરફથી આપવામાં આવતી પરમિટની કિંમત આશરે ૧૧ હજાર ડોલર છે. આવી પરમિટો દ્વારા નેપાળને સારી એવી આવક થાય છે. નેપાળે અત્યાર સુધી ૩૮૧ પરમિટ આપી છે અને હજુ તો સીઝન બાકી છે. આ પરમિટ વ્યવસ્થામાં એવી કોઇ શરત નથી કે પર્વતારોહણ કરવા માંગતી વ્યક્તિમાં પાયાનું કૌશલ્ય છે કે નહીં. 

માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો બીજો માર્ગ તિબેટમાં થઇને જાય છે. ચીન પણ ઓછી ફીમાં એવરેસ્ટ પર્યટનના નામે દુનિયાભરના લોકોના આકર્ષી રહ્યું છે ત્યારે નેપાળ પણ સાગરમાથાની કમાણી ગુમાવવા માંગતું નથી. એક સમયે એવું હતું કે માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે ખડતલ શરીર અને મક્કમ મનોબળ જોઇએ પરંતુ હવે તો લોકોમાં એવી ધારણા બનવા લાગી છે કે ખિસ્સામાં પૈસા હોય તો માઉન્ટ એવરેસ્ટ આસાનીથી સર કરી શકાય. પરમિટ ફી આપવાના પૈસા હોય, આધુનિક ઉપકરણો અને માર્ગદર્શન માટે શેરપાઓની સેવા લેવા માટે જરૂરી નાણા હોય તો એવરેસ્ટ પર ઝંડો ફરકાવી શકાય એવં  લોકોને લાગવા માંડયું છે.

માઉન્ટ એવરેસ્ટને સર કરવાની જે હોડ મચી છે એના કારણે અહીંયા ભારે માત્રામાં કચરો જમા થઇ ગયો છે. એવરેસ્ટ ચઢાણના ૮૮૪૮ મીટર લાંબા માર્ગમાં પર્વતારોહકોએ પોતાના ટેન્ટ, ખરાબ થઇ ગયેલા ઉપકરણ, ખાલી ઓક્સિજન સિલિન્ડરો જેવો કેટલોય કચરો ફેંકી દીધો છે જેનું વજન જ અનેક ટન થવા જાય છે. જેમ જેમ પર્વતારોહકની સંખ્યા વધે છે તેમ તેમ કચરાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તાજેતરમાં જ નેપાળ સરકારે જે સફાઇ અભિયાન આદર્યું હતું એમાં લગભગ ૧૧ ટન કચરો જમા કર્યો છે. આ સફાઇ અભિયાન એપ્રિલમાં શરૂ કરવામાં આવ્યું હતું જેમાં ૧૨ શેરપાઓની એક ટીમ સામેલ હતી. આ ટીમ કચરા ઉપરાંત ઊંચાઇ પર આવેલી શિબિરોમાંથી ચાર મૃતદેહો પણ નીચે લાવી. 

હકીકતમાં માઉન્ટ એવરેસ્ટના માર્ગે જમા થયેલા જંગી કચરાના મુદ્દે દુનિયાભરમાંથી ભારે પસ્તાળ પડયા બાદ નેપાળ અને ચીને કચરો સાફ કરવા માટે પ્રયાસો આદર્યા છે. નેપાળે બનાવેલા નિયમ અનુસાર એવરેસ્ટ પર ચઢાણ કરવા માગતા દરેક જણે આશરે અઢી લાખ ડિપોઝિટરૂપે જમા કરવાના હોય છે અને જે એવરેસ્ટ સર કરીને પાછા ફરતી વખતે પોતાની સાથે આઠ કિલો કચરો પાછો લાવે એને આ પૈસા પાછા આપવામાં આવે છે. જોકે તમામ પ્રયાસો છતાં એવરેસ્ટ પર હજુ પણ પચાસેક ટન કચરો હોવાની ધારણા છે. આ ઉપરાંત માઉન્ટ એવરેસ્ટના માર્ગમાં મૃત્યુ પામેલા અનેક જણાના મૃતદેહો હજુ પણ થીજી રહ્યાં છે.

આવનારા સમયમાં માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કરવા માટે આકરા નિયમો બનાવવાની આવશ્યક્તા છે નહીંતર દુનિયાનું સૌથી ઊંચું શિખર સર કરવાના પાગલપનમાં કેટલાંય લોકો જીવ ગુમાવતા રહેશે.

Tags :