મોદી સરકારમાં ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર ફરી સવાલ
- બિહાર-પશ્ચિમ બંગાળમાં સાત તબક્કામાં મતદાન યોજવાના આયોજન સામે વિપક્ષોની નારાજગી
- આમ પણ મોદી સરકાર પર સ્વાયત્ત સંસ્થાઓને નબળી પાડવાના આરોપ મૂકાતા રહ્યાં છે અને અગાઉ સીબીઆઇ, રિઝર્વ બેંકની સ્વાયત્તતાને લઇને મોદી સરકાર સામે આંગળી ચીંધાઇ ચૂકી છે તેમજ તાજેતરમાં રાફેલની વિગતોને લઇને કેગની ભૂમિકા સામે પણ સવાલ થયા છે
લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થતા જ રાજકીય પક્ષોએ અંતિમ તૈયારી માટે કમર કસી લીધી છે. જોકે એ સાથે જ ચૂંટણીની તારીખોને લઇને વિપક્ષોએ ચૂંટણી પંચ સામે સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. ભાજપવિરોધી દળો આક્ષેપ કરી રહ્યાં છે મતદાનની તારીખો એ રીતે ગોઠવવામાં આવી છે કે જેનાથી ભાજપને સીધો ફાયદો થાય. વિપક્ષના નેતાઓ દલીલ કરી રહ્યાં છે કે ચૂંટણીની તારીખો સત્તાધારી પક્ષની તરફેણમાં ચૂંટણી જાય એ રીતે નક્કી કરવામાં આવી છે.
ભાજપવિરોધી દળો આરોપ મૂકી રહ્યાં છે કે ચૂંટણી પંચે જાણી જોઇને ભાજપને ફાયદો કરાવવા માટે ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં સાત તબક્કામાં મતદાન યોજવાનો નિર્ણય લીધો છે. વિપક્ષની નારાજગીનું કારણ એ છે કે ઉત્તરપ્રદેશની ૮૦ બેઠકો માટે મતદાન સાત તબક્કામાં થશે એ કદાચ સમજી શકાય એવી બાબત છે પરંતુ ૪૨ બેઠકો ધરાવતા પશ્ચિમ બંગાળ અને ૪૦ બેઠકો ધરાવતા બિહારમાં પણ સાત તબક્કામાં મતદાન યોજવાનો ચૂંટણી પંચનો તર્ક વિપક્ષોને ગળે નથી ઉતરતો. ખાસ બાબત એ કે ૩૯ બેઠકો ધરાવતા તામિલનાડુમાં એક જ તબક્કામાં મતદાન યોજાવાનું છે તો ૪૮ બેઠકો ધરાવતા મહારાષ્ટ્રમાં ચાર તબક્કામાં મતદાન યોજાવાનું છે.
બીજી બાજુ ચૂંટણી પંચના નિર્ણયનો બચાવ કરવા ભાજપ મેદાનમાં આવી ગયો છે. ભાજપની દલીલ છે કે સાત તબક્કામાં મતદાન યોજવાના ચૂંટણી પંચના નિર્ણયથી સ્પષ્ટ છે કે પશ્ચિમ બંગાળમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સાવ ઠપ થઇ ગઇ છે. ભાજપે પોતાની દલીલના સમર્થનમાં ગયા વર્ષે રાજ્યમાં યોજાયેલી પંચાયતી ચૂંટણી દરમિયાન મોટા પાયે થયેલી હિંસાનો દાખલો આપ્યો છે.
જોકે એ વાત સૌ જાણે છે કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભાજપની પશ્ચિમ બંગાળ પર ખાસ નજર છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ રાજ્યમાં ઓછામાં ઓછી ૨૩ બેઠકો જીતવાનું લક્ષ્ય જાહેર કરી ચૂક્યાં છે. એવું નથી કે પશ્ચિમ બંગાળમાં આ પહેલી વખત વધારે તબક્કામાં મતદાન યોજાઇ રહ્યું હોય. ગત લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં પાંચ તબક્કામાં મતદાન યોજાયું હતું પરંતુ એ સમયે રાજ્યમાં દાર્જિલિંગ પર્વતીય ક્ષેત્રમાં અલગતાવાદી આંદોલન સળગી રહ્યું હતું તો ૨૦૦૯ની ચૂંટણી વખતે માઓવાદની સમસ્યા હતી, પરંતુ આ વખતે આવી કોઇ સમસ્યા નથી.
ગયા વર્ષે પશ્ચિમ બંગાળમાં થયેલી પંચાયતી ચૂંટણીઓમાં મોટા પાયે હિંસા જરૂર થઇ હતી. પરંતુ ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે ચૂંટણી પંચે પહેલા ત્રણ તબક્કામાં રાજ્યની જે ક્રમશઃ બે, ત્રણ અને પાંચ બેઠકો પર મતદાન યોજવાની જાહેરાત કરી છે એ મતક્ષેત્રોમાં પંચાયતની ચૂંટણી દરમિયાન ખાસ હિંસા થઇ નહોતી. એટલું જ નહીં, પહેલા ત્રણ તબક્કા દરમિયાન ઉત્તર બંગાળ અને સરહદી વિસ્તારોની જે બેઠકો પર મતદાન થશે ત્યાં ભાજપની સ્થિતિ સારી છે અને એ મતક્ષેત્રોમાં ભાજપ પોતાની તમામ તાકાત લગાવી રહ્યો છે. ચૂંટણી પંચની ટીમે ગયા મહિને પશ્ચિમ બંગાળની મુલાકાત લીધી ત્યારે ભાજપ સહિતના તમામ વિપક્ષોએ પંચાયતની ચૂંટણી દરમિયાન થયેલી હિંસાની સંપૂર્ણ માહિતી આપી હતી.
ભાજપનું કહેવું છે કે સાત તબક્કામાં મતદાન યોજવા પાછળની ગણતરી એ છે કે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી માટે કેન્દ્રીય દળોની યોગ્ય તૈનાતી થઇ શકે. એ સાથે જ પશ્ચિમ બંગાળની મમતા બેનરજીની આગેવાની હેઠળની તૃણમુલ કોંગ્રેસ સરકાર સામે આંગળી ચીંધતા ભાજપ આરોપ મૂકે છે કે સાત તબક્કામાં મતદાન યોજવાના ચૂંટણી પંચના નિર્ણયથી સાફ છે કે રાજ્યમાં લોકશાહી અને હિંસાનો માહોલ કેટલો ગંભીર છે. ભાજપની દલીલ છે કે પંચાયતી ચૂંટણી દરમિયાન ૩૪ બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જીત્યાં હતાં જે દર્શાવે છે કે ઉમેદવારોમાં કેવા ખૌફનો માહોલ હતો. વિપક્ષને ઉમેદવારીપત્ર જ દાખલ કરવા દેવામાં આવ્યાં નહોતા અને સો કરતા વધારે લોકોએ હિંસામાં જીવ ગુમાવ્યાં હતાં.
જોકે નવાઇ પમાડે એવી બાબત એ છે કે પશ્ચિમ બંગાળનું કોંગ્રેસ એકમ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ગંભીર હોવાના ભાજપના આરોપ સાથે સંમત છે. કોંગ્રેસનું કહેવું છે કે રાજ્યમાં હિંસા તો ડાબેરી શાસન વખતે પણ થતી હતી પરંતુ મમતા બેનરજીના શાસનમાં તો ચૂંટણી હિંસાએ માઝા મૂકી છે. ડાબેરી પક્ષોએ પણ રાજ્યમાં સાત તબક્કામાં મતદાન યોજવાને વાજબી ઠરાવતા કહ્યું છે કે લોકો નિડર બનીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ વધારે જરૂરી છે. બીજી બાજુ તૃણમુલ કોંગ્રેસ સાત તબક્કામાં ચૂંટણી યોજવાને ભાજપનું કાવતરું ગણાવે છે.
જોકે તૃણમુલ કોંગ્રેસનો દાવો છે કે મતદાન સાત તબક્કામાં યોજાય કે એથી વધારે તબક્કામાં યોજાય પરંતુ રાજ્યની જનતા તેમની સાથે છે. તૃણમુલ કોંગ્રેસની દલીલ છે કે મતદાન લાંબું ખેંચાવાથી લોકો પર માનસિક બોજ વધશે. આ ઉપરાંત પવિત્ર રમઝાન માસમાં મતદાન યોજવા સામે પણ સવાલ ઊઠી રહ્યાં છે. અનેક રાજકીય પક્ષો અને મુસ્લિમ સંગઠનો પણ ચૂંટણી પંચના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે. મતદાનના અંતિમ ત્રણ તબક્કાનું મતદાન અનુક્રમે મે મહિનાની છઠ્ઠી, બારમી અને ઓગણીસમી તારીખે છે જ્યારે મુસ્લિમ કેલેન્ડર અનુસાર પાંચમી મેના દિવસે ચાંદ દેખાયા બાદ છઠ્ઠી મેથી રમઝાન માસનો પ્રારંભ થવાનો છે. એ જ દિવસે પાંચમા તબક્કાનું મતદાન આવે છે.
એવામાં સવારથી સાંજ સુધી ખાધાપીધા વિના રોજા રાખતા મુસ્લિમ સમુદાયનો લોકો મે મહિનાની ભીષણ ગરમીમાં કલાકો સુધી લાઇનોમાં ઊભા રહીને વોટિંગમાં કેવી રીતે ભાગ લઇ શકશે એ સવાલ છે. જો એવું થયું તો અંતિમ ત્રણ તબક્કા દરમિયાન મુસ્લિમ બહુમતિવાળા વિસ્તારોમાં મતદાનની ટકાવારી ઓછી રહી શકે છે. વોટિંગના આવા ગણિતનો સીધો ફાયદો ભાજપને મળે એમ છે કારણ કે એવું મનાય છે કે મુસ્લિમ મતદારો ભાજપને વોટ આપવાનું ટાળતા હોય છે. વિવાદ ઊભું થવાનું કારણ એ છે કે લોકસભાની કુલ ૫૪૩ બેઠકોમાંથી ૧૬૯ બેઠકો પર રમઝાન માસ દરમિયાન મતદાન યોજાવાનું છે.
એમાંયે પશ્ચિમ બંગાળની મુસ્લિમ વોટબેંક તૃણમુલ કોંગ્રેસના હાથમાં હોવાનું કહેવાય છે એટલા માટે જ પાર્ટીએ સાત તબક્કામાં મતદાન યોજવા સામે વાંધો ઉઠાવ્યો છે. રાજ્યમાં લગભગ ૩૦ ટકા મતદારો મુસ્લિમ સમુદાયના છે અને તેમનું સમર્થન મમતા બેનરજીને છે. આમ પણ ભાજપસહિતના વિપક્ષો મમતા બેનરજી પર લઘુમતિના તુષ્ટિકરણનો આરોપ મૂકતા રહ્યાં છે. રાજકીય પંડિતો અનુસાર રાજ્યની અડધો ડઝન કરતા વધારે બેઠકો પર મુસ્લિમ વોટરોના મત નિર્ણાયક છે જેમાંની મોટા ભાગની બેઠકો પર અંતિમ ત્રણ તબક્કામાં જ મતદાન યોજાવાનું છે અને એ જ તૃણમુલ કોંગ્રેસની ચિંતાનું મુખ્ય કારણ છે. જોકે ચૂંટણી પંચે આ અંગે સ્પષ્ટતા આપતા કહ્યું છે કે એક આખો મહિનો ચૂંટણી પ્રક્રિયા બંધ રાખવી શક્ય નથી અને તહેવારો કે શુક્રવારે મતદાન ન યોજાય એનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
મતદાનની તારીખો ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની ચૂંટણીની સાથે રાજ્યની વિધાનસભાની ચૂંટણી ન ગોઠવવાને લઇને પણ વિપક્ષો ચૂંટણી પંચ સામે સવાલ કરી રહ્યાં છે. ચૂંટણી પંચની દલીલ છે કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજવાને યોગ્ય માહોલ નથી. એની સામે વિપક્ષોની દલીલ છે કે જો રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજવા માટે અનુકૂળ માહોલ હોય તો પછી વિધાનસભાની ચૂંટણી યોજવા માટે અનુકૂળ માહોલ ન હોય એવું કેવી રીતે શક્ય બને? નેશનલ કોન્ફરન્સના નેતા ફારુખ અબ્દુલ્લાનું કહેવું છે કે રાજ્યમાં પૂરતી સંખ્યામાં સુરક્ષા દળો હાજર છે અને તાજેતરમાં જ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઇ શકી હતી તો નવી સરકારની રચના માટે વિધાનસભાની ચૂંટણી કેમ ન યોજાઇ શકે? ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ તો રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ન યોજવાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરો હુમલો કરતા કહ્યું કે તેમણે આતંકવાદીઓ અને પાકિસ્તાનતરફી તાકાતો સામે ઘૂંટણ ટેકવી દીધાં છે.
આ પહેલી વખત નથી કે મોદી સરકાર દરમિયાન ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે સવાલ થઇ રહ્યાં હોય. અગાઉ ઘણાં રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો નક્કી કરવામાં પણ ભાજપને ફાયદો કરાવવાના પ્રયાસો થયા હોવાના આરોપ વિપક્ષો મૂકી ચૂક્યાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત વખતે પણ ચૂંટણી પંચની મંશા સામે સવાલ ઉઠયાં હતાં. એ સમયે હિમાચલ પ્રદેશમાં પહેલા અને ગુજરાતમાં બાદમાં ચૂંટણી યોજવાનું નક્કી થયું હતું જ્યારે બંને રાજ્યોમાં એક સાથે ચૂંટણી યોજી શકાય એમ હતી. પરંતુ ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ નારાજગીનો માહોલ જોતાં પ્રજાને રિઝવવા માટે અનેક યોજનાઓની લ્હાણી કરવા માટે જાણી જોઇને તારીખ પાછી ઠેલાઇ રહી હોવાનો આરોપ કોંગ્રેસે મૂક્યો હતો.
આમ પણ મોદી સરકાર ઉપર સ્વાયત્ત સંસ્થાઓને નબળી પાડવાના આક્ષેપ થતાં રહ્યાં છે. અગાઉ સીબીઆઇ, રિઝર્વ બેંકની સ્વાયત્તતાને લઇને મોદી સરકાર સામે આંગળી ચીંધાઇ ચૂકી છે. તો ગયા વર્ષે સુપ્રીમ કોર્ટના પાંચ જજોએ પ્રેસ કોન્ફરન્સ યોજીને સુપ્રીમ કોર્ટની કામગીરી સામે સવાલ ઉઠાવ્યાં હતાં.
તાજેતરમાં રાફેલના રિપોર્ટને લઇને કેગની કામગીરી સામે પણ સવાલ થઇ રહ્યાં છે. એ જ રીતે ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે સવાલ થઇ રહ્યાં છે જે જોતાં આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર અભિયાનમાં પણ આ મુદ્દાઓ છવાયેલા રહે એવા અણસાર છે.