મોદી કેબિનેટ : નવા મંત્રી મંડળમાં જૂનાં ચહેરા કેમ પડતાં મુકાયા?
- પહેલેથી જ ચૂંટણી લડવાની ના પાડી ચૂકેલા સુષ્મા સ્વરાજ મંત્રીમંડળમાં સ્થાન પામે એવી અપેક્ષા હતી
- સુરેશ પ્રભુ, મેનકા ગાંધી, ઉમા ભારતી, જે.પી.નડ્ડા, જયંત સિંહા, રાજ્યવર્ધનસિંહ રાઠોડ, અનુપ્રિયા પટેલ સહિતના નેતાઓ શા માટે બીજી વખતના મંત્રીમંડળમાં નથી?
નરેન્દ્ર મોદી સરકારે શપથવિધિ વખતે અમુક અપેક્ષિત નામોને પણ પડતા મુક્યા છે. શા માટે પડતા મુકાયા તેના સત્તાવાર કારણો તો સ્વાભાવિક રીતે ક્યારેય જાહેર ન થાય. પરંતુ પડતા મુકાયેલા પૈકી કેટલાક નામો તેમના કાર્યકાળ દરમિયાન વિવાદાસ્પદ બન્યા હતા. તો કેટલાકની કામગીરી નબળી હતી. પડતા મુકાયેલા નોંધપાત્ર નામોની હકીકત જાણવાનો પ્રયાસ કરીએ.
અરૂણ જેટલી ગંભીર રીતે બિમાર છે. સ્વસ્થ થાય એટલો વખત કામ કરે છે, પણ સારવાર માટે અમેરિકા વારંવાર જવું પડે છે. તેના પરથી બિમારીની ગંભીરતાનો અંદાજ આવી જાય છે. વળી એમણે પહેલેથી જ સરકારમાં શામેલ ન થવા સ્પષ્ટતા કરી દીધી હતી. માટે તેમને પડતા મુકાયા નથી. સુષ્મા સ્વરાજને જોકે મંત્રીમંડળમાં સ્થાન મળે એવી અપેક્ષા જોવાઈ રહી હતી. ચૂંટણી પહેલા જ સુષ્મા સ્વરાજે પોતે ચૂંટણી જંગમાં ઉતરવા નથી માંગતા એવુ સ્પષ્ટ કરી દીધું હતુ.
અલબત્ત, વિદેશમંત્રી તરીકે તેમની કામગીરી પ્રસંશનિય રહી છે. માટે ચૂંટણી લડયા ન હોવા છતાં પણ તેમને મંત્રી મંડળમાં સ્થાન મળી શક્યુ હોત. જોકે આરોગ્યના કારણે સુષ્મા સ્વરાજ ચૂંટણી લડયા ન હતા અને કદાચ એ જ કારણથી મંત્રી મંડળથી દૂર રહ્યા હશે.
શપથવિધિના દિવસે સાંજે સાડા ચાર વાગ્યે ટ્વિટ કરીને સુષ્મા સ્વરાજે પાંચ વર્ષના કાર્યકાળ માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. એટલે ત્યાં સુધી તેઓ પણ મંત્રીમંડળમાં સમાવિષ્ઠ થવા આશાવાદી હોય એવુ બની શકે. સુષ્માની આ ટ્વિટ પછી તેમના ચાહકોએ ટ્વિટર પર જ નારાજગી દર્શાવી હતી.
સુરેશ પ્રભુએ પાછલી સરકાર દરમિયાન રેલવે અને પછી કોમર્સ-ઉદ્યોગ મંત્રાલય સંભાળ્યુ હતુ. ઘણી નવી રેલ-યોજનાઓ શરૂ કરી હતી. રેલવે મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન કેટલાક મોટા અકસ્માત થયા હતા. માટે એ મંત્રાલય પછીથી પિષુય ગોયલને અપાયું હતુ. બન્ને મંત્રી તરીકે સુરેશ પ્રભુનો કાર્યકાળ બિનવિવાદાસ્પદ રહ્યો હતો. પરંતુ કાર્યક્ષમતા અને લોક સંપર્કની દૃષ્ટિએ જરા નબળા પડવાથી બીજી ઈનિંગમાં તેમને પડતા મુકાયાની શક્યતા છે.
મેનકા ગાંધીને અત્યારે કાર્યકારી સ્પીકર બનાવામાં આવે એવી શક્યતા છે. અગાઉની કેબિનેટમાં તેમણે મહિલા-બાળ વિકાસ મંત્રાલય સંભાળ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ મુદ્દે વધારે ધ્યાન આપતા મેનકા ગાંધીની મંત્રી તરીકેની કામગીરી ખાસ નોંધપાત્ર રહી નથી. વળી પર્યાવરણને નુકસાન થાય એવા નિર્ણયો સરકારે લીધા ત્યારે પણ મેનકા ગાંધી કોઈ પ્રકારનો બચાવ કરી શક્યા નથી. સૌથી વિવાદાસ્પદ કામ તેમણે ચૂંટણી પ્રચાર વખતે કર્યું હતું.
ઉત્તરપ્રદેશના સુલતાનપુરમાં સભા સંબોધતી વખતે મેનકા ગાંધીએ કહ્યું હતુ કે જે મુસ્લીમો મત નહીં આપે તેનું કામ નહીં થાય. મુસ્લીમોનું કામ તો થાય કે ન થાય પણ મેનકા ગાંધી મંત્રીમાંથી માત્ર સાંસદ રહી ચૂક્યા હોવાથી તેમના કેટલા કામ થાય છે એ જોવું પડશે!
જગતપ્રકાશ નડ્ડા પણ બીજા કાર્યકાળમાં પડતાં મુકાયા છે. અગાઉ તેઓ સ્વાસ્થ્ય મંત્રી હતા. તેમનો કાર્યકાળ ખાસ વિવાદાસ્પદ નથી રહ્યો. પરંતુ સંભવતઃ તેમને અમિત શાહના સ્થાને ભાજપ પ્રમુખ બનાવામાં આવે એવી શક્યતા છે. માટે તેઓ મંત્રી મંડળમાંથી બહાર હોઈ શકે. સંગઠન ચલાવાનો તેમનો અનુભવ વિશેષ છે. નરેન્દ્ર મોદી તથા અમિત શાહ બન્નેના વિશ્વાસુ પણ છે.
સુષ્મા સ્વરાજની માફક ઉમા ભારતીએ પણ ચૂંટણી નહીં લડવાની બહુ પહેલા જાહેરાત કરી દીધી હતી. પરંતુ ચૂંટણી ન લડવાનો અર્થ એવો નથી કે તેમને મંત્રી મંડળમાં સ્થાન ન મળે. ઉમાદેવીને જળ મંત્રાલય સોંપવામાં આવ્યુ હતુ, જેમાં ખાસ કશી કામગીરી તેઓ કરી શક્યા ન હતા.
ગંગા સફાઈની માત્ર વાતો કરી હતી. ઉમા ભારતી અગાઉ અડવાણીની નજીક ગણાતા હતા. મોદીના પ્રખર ટીકાકાર પણ હતા. પરંતુ ૨૦૧૪માં બદલાતી સ્થિતિ જોઈને તેમને મંત્રી મંડળમાં સ્થાન અપાયું હતુ. વિવાદાસ્પદ તો એ બહુ પહેલાથી રહ્યા છે, મંત્રી હોય કે ન હોય.
ઉત્તર પ્રદેશમાં ૨૦૧૪માં મહત્ત્વના પક્ષ સાબિત થયેલા અપના દલના નેતા અનુપ્રિયા પટેલે પાંચ વર્ષ સુધી મંત્રાલય સંભાળ્યું હતુ. અપના દલ એનડીએનો સાથી પક્ષ છે. પરંતુ ચૂંટણી પહેલા જ્યારે એનડીએએ એકતા દર્શાવાની જરૂર હતી ત્યારે અપના દલના નેતાઓએ પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. એ મુલાકાત ભાજપ પર દબાણ લાવવા માટેની હતી. માટે હાલ અનુપ્રિયાને બહાર રખાયા છે. વિસ્તરણ વખતે શક્ય છે, તેમને ફરી સ્થાન મળે પણ ખરાં.
રાજસ્થાની નેતા અને સ્પોર્ટ્સ સ્ટાર રાજ્યવર્ધનસિંહ રાઠોડ પહેલી ઈનિંગમાં સ્પોર્ટ્સ અને ઈન્ફર્મેશન મિનિસ્ટર હતા. આ વખતે તેમને સ્થાન મળ્યું નથી. ૨૦૧૪માં તેમણે કોંગ્રેસના હેવી વેઈટ નેતા સી.પી.જોશીને હરાવ્યા હતા. એમના નામે ખાસ વિવાદ નથી, બીજા કોઈ માઈનસ પોઈન્ટ પણ હજુ સુધી નોંધાયા નથી. માટે શક્ય છે, ભાજપે તેમના માટે બીજી કોઈ મહત્ત્વપૂર્ણ જવાબદારી વિચારી રાખી હોય.
મહેશ શર્મા અગાઉ પર્યટન અને સંસ્કૃતિ મંત્રી હતા. તેમને પણ કદાચ ઉત્તર પ્રદેશના પ્રાદેશિક રાજકારણમાં મહત્ત્વનું સ્થાન મળે એવી શક્યતા છે. કાર્યકાળ દરમિયાન તેમણે ઘડ-માથા વગરના વિવાદાસ્પદ વિધાનો તો કર્યા જ હતા. વાજપેયી યુગના ભાજપી નેતા યશવંત સિંહાની મોદી સામે નારાજગી જાણીતી છે.
તેમના પુત્ર જયંત સિંહા અગાઉ રાજ્ય કક્ષાના નાણા મંત્રી હતા. વિદ્વાન હોવા છતાં તેઓ વિવાદમાં રહેતા હતા. મોબ લિન્ચિંગના આરોપીઓનું સન્માન કરતા હોય એવી તેમની તસવીરો વાઈરલ થઈ હતી. એ વખતે તેમની બહુ ટીકા થઈ હતી અને સરકાર તથા પક્ષ બન્નેની છબી ખરડાઈ હતી.
મોદી સરકાર દેશને જાહેર સૌચ-ગંદકી મુક્ત બનાવવા પ્રયાસ કરે છે. એ દરમિયાન ૨૦૧૭ના જુનમાં એમના જ વરિષ્ઠ મંત્રી રસ્તાના કાંઠે લઘુશંકા કરતા હોય એવી તસવીર વાઈરલ થઈ હતી. એ મંત્રી એટલે ચંપારણના સાંસદ રાધા મોહન સિંહ. રાધા મોહન સિંહને કૃષિ મંત્રાલય સોંપવામાં આવ્યુ હતું, પણ દેશના ખેડૂતોની સ્થિતિમાં તસુભારનોય સુધારો થયો નથી. રાધા મોહનની ઉંમર પણ ૭૦ જેવી થઈ ગઈ છે.
તેમણે પોતે પણ મંત્રાલયથી અને સક્રિય રાજકારણથી દૂર રહેવાનું નક્કી કર્યું હોવાનું કહેવાય છે. આ તેમની અંતિમ ચૂંટણી છે, તેવુ એ પોતાના સમર્થકોને કહી ચૂક્યા છે. એવી જ રીતે આગલી સરકારમાં ગ્રામિણ વિકાસ મંત્રી રહી ચૂકેલા રામકૃપાલ યાદવને આ વખતે ડ્રોપ કરાયા છે. ૨૦૧૪ પહેલા સુધી તેઓ લાલુ યાદવના ખાસ હતા. એ પછી ભાજપમાં જોડાયા હતા અને ચૂંટણી જિત્યા હતા. બિહારના વધુ એક નેતા રાજીવ પ્રતાપ રૂડી સ્કીલ ડેવલપમેન્ટ મંત્રી હતા. આ વખતે તેમને મંત્રી મંડળથી દૂર રખાયા છે.
રૂડીના નામે રસપ્રદ રેકોર્ડ છે કે તેઓ એક માત્ર સાંસદ છે, જેે પાઈલટ તરીકેનું લાઈસન્સ ધરાવતા હોય. ૧લી જૂનના દિવસે જ તેઓ ઈન્ડિગોનું વિમાન ઉડાવીને પટના પહોંચ્યા હતા. વાજપેયી સરકારમાં તેઓ નાગરિક ઉડ્ડયન મંત્રી પણ હતા. એર લાઈન કંપની ઈન્ડિગો માટે તેઓ વધારે પડતા સક્રિય હોવાનું પણ મનાય છે.
શિવસેનાના સાંસદ અનંત ગીતે ભારે ઉદ્યોગ મંત્રી હતા. તેમને પડતા મુકાયા છે, પરંતુ તેમના સ્થાને શિવસેનાના બીજા સાંસદને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. માટે એમને પડતા મુકાયા એવુ ન કહી શકાય, કેમ કે એ નિર્ણય ભાજપનો નહીં પરંતુ શિવસેનાનો હોય. દક્ષિણ ભારતમાંથી આવતા અને અધિકારીમાંથી મંત્રી બનેલા કે.જે.આલ્ફોન્સને પણ પડતાં મુકાયા છે. તેઓ પ્રવાસન મંત્રી હતા.
સંસદીય બાબતોના મંત્રી વિજય ગોયલ, રાજ્ય કક્ષાના આઈ.ટી.મંત્રી એસ.એસ. આહલુવાલિયા, રાજ્ય કક્ષાના સ્કીલ ડેવલપમેન્ટ મંત્રી અનંથ કુમાર હેગડે, પંચાયતી રાજ અને ગ્રામ વિકાસ મંત્રી બિરેન્દ્ર સિંહ.. સહિત ઘણા નામો છે, જેમની આગળ ૨૪મે પહેલા સુધી કેન્દ્રિય મંત્રી તરીકેની ઓળખ જોડાયેલી હતી, હવે પૂર્વ મંત્રી બની ચૂક્યા છે.
મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં મંત્રી હતા અને આ વખતે નથી એવા તો કુલ ૩૭ નામ છે. પરંતુ એ બધા મહત્ત્વના નથી. વળી કેટલાક અગાઉ પડતા મુકાયેલા નામો હવે અમુક પદ પર ગોઠવાઈ પણ ચૂક્યા છે. બીજી તરફ નવા મંત્રીઓ ઉમેરાયા છે. એ બધા મળીને દેશને સુરાજ્ય તરફ લઈ જાય તેની જ આખા દેશને રાહ છે.