For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મેટા-ટ્વિટરમાં મોટા પાયે છટણી, કારમી મંદીના ભણકારા

Updated: Nov 10th, 2022

Article Content Image- ફેસબૂકના ૧૮ વર્ષના ઇતિહાસમાં આ સૌથી મોટી છટણી છે, આ છટણી માટે મેટાના સીઈઓએ માફી માગી ઃ કંપની નજીકના ભવિષ્યમાં નવી ભરતી કરવાની નથી

- અમેરિકામાં આ વરસે ૧ એપ્રિલથી ૩૧ જુલાઈ સુધીમાં ૩૨ હજાર ટેક વર્કર્સને છૂટા કરાયા છે. છૂટા કરનારી કંપનીઓમાં માઈક્રોસોફ્ટ અને મેટા પ્લેટફોર્મ જેવી કંપનીઓ પણ હતી. એ વખતે જ ચેતવણી અપાઈ હતી કે, આ તો હજુ શરૂઆત છે અને હજુ તો બહુ ખરાબ દિવસો આવવાના છે.

અમેરિકામાં કારમી મંદીના ભણકારા વાગી રહ્યા છે એવી આગાહીઓ વચ્ચે વિશ્વની જાયન્ટ સોશિયલ મીડિયા કંપની ફેસબુકની પેરન્ટ કંપની મેટા પ્લેટફોર્મે એક ઝાટકે ૧૧ હજાર  કર્મચારીઓને ગડગડિયું પકડાવીને નોકરીમાંથી કાઢી મૂકતાં ખળભળાટ મચ્યો છે. મેટા ગ્રુપના કુલ કર્મચારીઓની સંખ્યા લગભગ ૮૫ હજાર જેટલી હતી ને તેમાંથી લગભગ ૧૩ ટકા એટલે કે ૧૧ હજાર  કર્મચારીઓની કંપનીએ છટણી કરી છે.

મેટા ગ્રુપમાં ફેસબુક, વોટ્સએપસ ઈન્સ્ટાગ્રામ જેવાં અત્યંત લોકપ્રિય સોશિયસ મીડિયા પ્લેટફોર્મ્સ સહિત ૯૦ જેટલી કંપની છે. મેટા ગ્રુપે આ ૯૦ કંપનીમાંથી ૧૧ હજાર લોકોને રવાના કર્યા છે. કંપનીએ સત્તાવાર રીતે કરેલી સ્પષ્ટતા પ્રમાણે નબળા નાણાંકીય પરિણામો, વધતા ખર્ચ અને ઓછી એડવર્ટાઇઝિંગને કારણે તેને ૧૧ હજાર જેટલા કર્મચારીઓને છૂટા કરવાની ફરજ પડી છે.

ફેસબુકની સ્થાપના ૨૦૦૪માં થઈ હતી. ફેસબુકની સ્થાપના પછી તેણે સતત પ્રગતિ જ કરી છે. સતત કર્મચારીઓની ભરતી જ કરી છે. કર્મચારીઓને છૂટા નથી કર્યા એવું નથી પણ આટલા મોટા પાયે કદી નથી કર્યા. ફેસબુકના ૧૮ વર્ષના ઇતિહાસમાં આ સૌથી મોટી છટણી છે. આ છટણી માટે મેટાના સીઈઓ માર્ક ઝુબરબર્ગે માફી પણ માગી છે.

ઝુકરબર્ગે સત્તાવાર નિવેદનમાં કહ્યું કે,  અમે જે નિર્ણય પર પહોંચ્યા છીએ તેની જવાબદારી હું લઉં છું. આ દરેક માટે મુશ્કેલ છે અને હું એ લોકોની માફી માંગુ છું કે જેમને આ નિર્ણયથી અસર થઈ છે. મેટાએ તો સાફ શબ્દોમાં એવું પણ કહી દીધું છે કે, કંપની નજીકના ભવિષ્યમાં નવા કર્મચારીઓની ભરતી નથી કરવાની.

અમેરિકામાં એક મહિનાના ગાળામાં જ ટોચની કંપની દ્વારા કરાયેલી આ બીજી મોટી છટણી છે. આ પહેલાં બીજી જાયન્ટ ટેક સોશિયલ મીડિયા કંપની ટ્વિટર ઇન્કોર્પોરેશને આવું જ પગલં ભરીને લગભગ ૧૮૦૦ કર્મચારીને પાણીચું આપીને છૂટી કરી દીધેલા. માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરને વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કે ગયા મહિને ટેકઓવર કરી છે. નવા માલિક એલોન મસ્કે પહેલા જ ધડાકે ૫૦ ટકા કર્મચારીઓની છટણી કરી નાખીને લગભગ ૧૮૦૦ કર્મચારીને ઘરભેગા કરી દીધા છે. તેમાં પણ ભારતમાં તો સેલ્સના આખા સ્ટાફને છૂટો કરી દેવાયો છે.

મેટા પ્લેટફોર્મ અને ટ્વિટર બહુ મોટી કંપનીઓ છે. સમગ્ર વિશ્વમાં તેનો વ્યાપ છે, તેમનું નામ છે. આટલી મોટી કંપનીઓએ મોટા પાયે કર્મચારીઓને છૂટા કર્યા તેના કારણે સમગ્ર દુનિયામાં નોંધ લેવાઈ ને લોકોનું ધ્યાન ખેંચાયું. તેના કારણે અમેરિકામાં આર્થિક રીતે સારી સ્થિતી નથી એવી ચર્ચા શરૂ થઈ પણ વાસ્તવિકતા એ છે કે, અમેરિકામાં લાંબા સમયથી આ રીતે કંપનીઓ દ્વારા કર્મચારીઓને ઘરભેગા કરી દેવાઈ રહ્યા છે. આ પૈકી મોટા ભાગના ટેકનોલોજી કંપનીના કર્મચારીઓ છે.

આ પહેલાં ઓગસ્ટમાં બહાર પડાયેલા અહેવાલમાં ધડાકો કરાયેલો કે, આ વરસે ૧ એપ્રિલથી ૩૧ જુલાઈ સુધીમાં ૩૨ હજાર ટેક વર્કર્સને છૂટા કરાયા છે. છૂટા કરનારી કંપનીઓમાં માઈક્રોસોફ્ટ અને મેટા પ્લેટફોર્મ જેવી કંપનીઓ પણ હતી. એ વખતે જ ચેતવણી અપાઈ હતી કે, આ તો હજુ શરૂઆત છે અને હજુ તો બહુ ખરાબ દિવસો આવવાના છે. આ આંકડો ચોંકાવનારો હતો કેમ કે વિશ્વમાં ૧ એપ્રિલથી ૩૧ જુલાઈ સુધીના ચાર મહિનામાં ૪૩ હજાર ટેક વર્કર્સને છૂટા કરાયેલા ને તેમાંથી ૩૨ હજાર એટલે કે લગભગ ૭૫ ટકા અમેરિકામાં જ હતા. આ ડેટા પ્રમાણે વિશ્વમાંથી ૩૪૨ ટેક કંપનીઓએ કર્મચારીઓને છૂટા કરેલા ને તેમાંથી ૨૫૦ કરતાં વધારે કંપનીઓ અમેરિકાની હતી. ભારતમાં પણ ઘણાંને છૂટા કરાયેલા પણ તેમાંથી મોટા ભાગની એડટેક કંપનીઓ હતી. કોરોના કાળમાં સ્કૂલો બંધ હતી ત્યારે ઓનલાઈન એજ્યુકેશન આપતાં પ્લેટફોર્મ્સની માંગ વધી ગઈ હતી. તેના કારણે કંપનીઓએ મોટા પ્રમાણમાં કર્મચારીઓને નોકરીએ રાખ્યા પણ પછી સ્કૂલો  ખૂલી જતાં ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ્સ તરફથી લોકો દૂર જવા માંડયા એટલે એડટેક કંપનીઓએ કર્મચારીઓને છૂટા કરવા પડયા.

અમેરિકામાં ટેક કંપનીઓને આ સમસ્યા નથી પણ મંદીની સમસ્યા છે. અમેરિકામાં મોંઘવારીએ માઝા મૂકી છે. ફુગાવો બેફામ વધી રહ્યો છે અને લોકોની હાલત ખરાબ છે. અમેરિકાની સેર્ન્ટ્લ બેંક એટલે કે ફેડરલ રીઝર્વે મોંઘવારીને નાથવા માટે છેલ્લા ચાર મહિનાથી દરેક મહિને વ્યાજ દરમાં વધારો કર્યો છે એ છતાં સ્થિતીમાં કોઈ સુધારો થઈ રહ્યો નથી. ફેડરલ રીઝર્વે વ્યાજ દર વધાર્યા તેના કારણે વિદેશમાંથી રોકાણ અમેરિકામાં ઠલવાવા માંડયું છે પણ એ રોકાણ રોજગારીમાં વધારો કરે એવું નથી. વિદેશી રોકાણકારો વધારે વ્યાજની લાલચમાં અમેરિકાની બેંકોમાં નાણાં ઠાલવી રહ્યા છે તેથી બેંકોમાં નાણાં છે પણ સામે ઉંચું વ્યાજ છે તેથી બજારમાં એ નાણાં લેનારું કોઈ નથી. આ કારણે વ્યાજ દરમાં વધારો કરવા છતાં અમેરિકાની આર્થિક સ્થિતીમાં બહુ ફરક પડયો નથી. 

બીજી તરફ કંપનીઓની આવક સતત ઘટી રહી છે કેમ કે લોકો પાસે ખર્ચવા માટે નાણાં નથી. લોકો પાસે હાથમાં નાણાં આવે તો બજારમાં ખર્ચાય. મોંઘવારી વધી છે તેથી લોકોની બચતો પણ ખર્ચાઈ રહી છે ત્યારે લોકો ખર્ચ કરે ને અર્થતંત્રમાં તેજી આવે એવી આશા નથી રખાતી. તેની અસર તમામ કંપનીઓ પર પડી છે પણ ટેક કંપનીઓ પર વધારે પડી છે કેમ કે ટેકમાં ખર્ચ લોકોની પ્રાયોરિટીમાં સૌથી છેલ્લે આવે છે.  ટેક કંપનીઓ મનોરંજન તથા સર્વિસ સેક્ટરની કંપનીઓ પર નિર્ભર હોય છે તેથી લોકો સૌથી પહેલો કાપ તેના ખર્ચ પર મૂકે છે તેથી ટેક કંપનીઓ પર અસર પડી રહી છે. 

આર્થિક નિષ્ણાતો તો અમેરિકામાં હજુ ખરાબ સમય આવશે એવી આગાહી કરી રહ્યા છે. કેટલાક નિષ્ણાતોનો દાવો છે કે, અમેરિકામાં હવે પછીનાં બે વર્ષમાં કારમી મંદી આવવાની છે. ફેડરલ રીઝર્વ વ્યાજ દર વધારી રહ્યું છે તેના કારણે ટેકનિકલી અમેરિકા અત્યારે મંદીમાં નથી પણ આ સ્થિતી લાંબો સમય નહીં જાળવી શકાય. ફેડરલ રીઝર્વે ગમે ત્યારે વ્યાજદર વધારો બંધ કરવો પડશે ને એ વખતે મંદીની અસર વર્તાશે. એ વખતે સ્થિતી વધારે ખરાબ થશે. મોટી મોટી કંપનીઓએ સ્ટાફની છટણી કરવી પડશે ને બેરોજગારી વધશે. 

અમેરિકા દુનિયામાં સૌથી મોટું અર્થતંત્ર છે અને દુનિયાના લગભગ તમામ દેશો સાથે તેના બિઝનેસ સંબંધો છે. દુનિયામાં સંખ્યાબંધ દેશો એવા છે કે જેમનું અર્થતંત્ર અમેરિકા પર જ નિર્ભર છે. આ સંજોગોમાં અમેરિકામાં મંદી આવે તો તેની અસર લગભગ આખી દુનિયા પર પડે. ભારત સહિતના દેશો પોતાના અર્થતંત્ર પર વધારે નિર્ભર છે તેથી તેમને બહુ અસર ના થાય પણ બીજા દેશોને તો ગંભીર અસર પડી શકે. 

અમેરિકામાં ૨૦૦૮માં કારમી મંદી આવી ત્યારે એવું જ થયેલું. એ વખતે અમેરિકાના કારણે અડધી દુનિયા મંદીની લપેટમાં આવી ગયેલી ને બધાંની હાલત બગડી ગયેલી. આ વખતે પણ એવું થવાનો પૂરો ખતરો છે. 

સાયબર એટેકનો ખતરો વધ્યો, કંપનીઓનો નફો ઘટયો

દુનિયાભરની ટેક કંપનીઓને એક પરેશાની સાયબર એટેકની નડી રહી છે. ટેક કંપનીઓની આવક એટલે કે નફામાં ઘટાડો થઈ રહ્યો છે તેનું એક કારણ ટેક કંપનીઓએ સાયબર એટેકથી બચવા માટે કરવો પડી રહેલો લખલૂટ ખર્ચ છે. અમેરિકામાં આઈટી સેક્ટર આઉટસોર્સિંગ પર મોટા પ્રમાણમાં નિર્ભર છે. 

મોટી કંપનીઓ ભારત સહિતના દેશોની નાની નાની કંપનીઓને આઉટસોર્સિંગ કરે છે. હેકર્સ આ કંપનીઓને નિશાન બનાવીને સાયબર એટેક કરે છે તેથી તેનાથી બચવા માટે કંપનીઓએ ફાયર વોલ સહિતની સીક્યુરિટી પરના ખર્ચમાં વધારો કરવો પડે છે. આ કારણે કંપનીઓનો ખર્ચ વધી રહ્યો છે ને સામે આવક એટલી જ હોવાથી નફો ઘટી રહ્યો છે. એક અંદાજ પ્રમાણે ટેક કંપનીઓએ હવે પોતાની અઆવકમાંથી લગભગ ૨૦ ટકા રકમ પ્રોટેક્શન પાછળ ખર્ચવી પડે છે. આ ખર્ચ વધારાનો છે પણ ટાળી શકાય તેમ નથી.

Gujarat