લૉકડાઉનઃ જાનની સાથે જહાંનો ખ્યાલ રાખવો પણ આવશ્યક
- કોરોના સામે લડવા માટે લૉકડાઉન આકરું બનાવવાની સાથે સાથે માનવીય સ્વરૂપ જાળવવું જોઇએ
- લૉકડાઉનનો સમય વધારવાનો હેતુ ત્યારે જ બર આવશે જ્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનો કડકપણે અમલ કરાવવામાં આવે પરંતુ એ સાથે રોજિંદું પેટિયું રળતા શ્રમજીવીઓ થી લઇને ખેડૂતો, મજૂરો, નાના દુકાનદારો અને ફેરિયાઓની સમસ્યાઓને ધ્યાનમાં રાખવામાં આવે એ જરૂરી છે
દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચાલેલી ચાર કલાક લાંબી બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાન અને જહાં બંને જરૂરી હોવાનું કહ્યું ત્યારે જ સંકેત મળી ગયા હતાં કે કોરોના સામે લડવા માટે લૉકડાઉન આગળ વધારવામાં તો આવશે પરંતુ એનું સ્વરૂપ માનવીય હશે. લૉકડાઉન દરમિયાન રોજિંદું પેટિયું રળતા શ્રમજીવીઓ થી લઇને ખેડૂતો, મજૂરો, નાના દુકાનદારોની સમસ્યાઓને ધ્યાનમાં રાખવામાં આવે એ જરૂરી છે. આવા લોકો માટે લૉકડાઉન દરમિયાન પોતાના પરિવાર, બાળબચ્ચાંને બે ટંકના ભોજનની વ્યવસ્થા કરવી દોહ્યલી બની ગઇ છે.
નાણામંત્રી નિર્મલા સીતારમને પણ વરિષ્ઠ આર્થિક સલાહકારો અને અધિકારીઓ સાથે દેશની અર્થવ્યવસ્થાને ગતિમાં રાખવા માટેના ઉપાયો ઉપર ગહન ચર્ચા કરી છે. એના પરથી લાગે છે કે સરકાર ગરીબો અને ઓછી આવક ધરાવતા લોકોને જીવનનિર્વાહ કરવામાં મુશ્કેલી ન પડે એટલા માટે મદદનું બીજું પેેકેજ તૈયાર કરવામાં લાગેલી છે અને કદાચ આ આર્થિક પેકેજની જાહેરાત લૉકડાઉન લંબાવવા દરમિયાન થઇ શકે છે.
મુખ્યમંત્રીઓ સાથેની બેઠક બાદ કેન્દ્ર સરકાર તરફથી લૉકડાઉન લંબાવવા અંગેની કોઇ જાહેરાત કરવામાં ન આવતા જુદાં જુદાં રાજ્યોની સરકારોએ પોતાના તરફથી લૉકડાઉન લંબાવવાની જાહેરાતો કરવાની શરૂઆત કરી દીધી. આ ક્રમમાં સૌથી પહેલા ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ૩૦ એપ્રિલ સુધી લૉકડાઉન લંબાવી દીધું. તો એમના પગલે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહે અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેમજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીઓ પોતપોતાના રાજ્યોમાં લૉકડાઉન લંબાવી દીધું.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના ૧૫ જિલ્લાઓમાં કોરોના વાઇરસના સંક્રમણના વધારે મામલા નોંધાયા હોય તેવા વિસ્તારોને અલગ કરીને પોલીસ અને ચિકિત્સાનો બંદોબસ્ત કર્યો છે. ઉત્તરપ્રદેશની સરકારે રાજ્યમાં કોરોનાના પ્રકોપને જોતાં મજૂરોના ખાતામાં એક હજાર રૂપિયા પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પણ કોરોના વાઇરસના ડરથી શહેરોમાંથી ગામડાઓ તરફ પલાયન કરતા શ્રમજીવીઓને સુરક્ષા અને જરૂરિયાતો પૂરી પાડવાની ખાતરી આપી છે. બિહારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે બીજા રાજ્યોમાં રહેલાં લોકોની પણ આધારકાર્ડ અને જનધન ખાતા મારફતે ભાળ મેળવીને તેમના ખાતામાં એક હજાર રૂપિયા મોકલવાની કામગીરી કરી દીધી છે. ખરેખર તો ચારે તરફ કોરોના વાઇરસ બેકાબુ ફેલાઇ રહ્યો છે ત્યારે બિહારમાં વાઇરસને કાબુમાં રાખવાની નીતીશકુમાર સરકારે પ્રશંસનીય કામગીરી બજાવી છે.
આમ દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ પોતાના પ્રદેશોની જનતાની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને લૉકડાઉનનું પાલન કરાવવા પ્રયાસરત છે અને લોકો કોરોના વાઇરસના પ્રકોપમાંથી બચી શકેે એ માટે કામગીરી કરી રહ્યાં છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ લૉકડાઉનને માનવીય બનાવવાના પ્રયાસો કર્યાં. આમ પણ મમતા બેનરજી દરેક પ્રબંધનને જાતે જોવા માટે અને જરૂર પડે તો તંત્રને કોરાણે મૂકીને પોતે મદદ કરવા દોડી જતાં હોય છે. તેમની કામ કરવાની આ રીત ઘણી વખત વિરોધીઓ માટે ટીકા કરવાનો મુદ્દો બની જાય છે પરંતુ એનાથી જમીનીસ્તરે અને જરૂરતમંદ લોકોને સીધી મદદ મળી રહે છે.
કેટલાંક રાજ્યોના મુખ્યમંત્રીઓએ લૉકડાઉન લંબાવવાની તરફેણ તો કરી પરંતુ એ સાથે કેટલીક પાયાની બાબતોમાં છૂટછાટ આપવાની માંગ પણ કરી. આમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સામેલ હતાં. આ મુખ્યમંત્રીઓની માંગ હતી કે ગ્રામ્ય ક્ષેત્રથી લઇને નાના દુકાનદારોને વેપાર કરવાની છૂટ આપવી. આ માંગ વ્યવહારિક પણ છે કારણ કે ખેતરોમાં હાલ પાક લણવાનો સમય છે પરંતુ મજૂરો ન મળવાના કારણે ઊભો પાક બળી જાય એવું જોખમ ઊભું થયું છે.
ઘરોમાં બેઠા રહીને પણ ક્યાં સુધી ગુજરાન ચાલશે એ પણ સવાલ છે. શહેરોમાં પણ રેંકડી ચલાવીને ચીજવસ્તુઓ વેચતા ફેરિયાઓ ક્યાં સુધી ઘરોમાં રહીને પરિવારનું પેટ ભરશે એ સવાલ પણ વાજબી છે. નાનામોટા કારખાનાઓ અને ફેકટરીઓમાં કામ કરતા લોકો પગાર મળ્યા વગર જીવનનું ગાડું કેમ ખેંચશે? લૉકડાઉનમાં જાન સાથે જહાંનો અર્થ એ જ છે કે જરૂરતમંદોના જીવનનિર્વાહની ગાડી અટકી ન જાય એ પણ જોવું એટલું જ જરૂરી છે. કરોડો લોકો એવા છે જે દિવસ આખો કામ કરીને મહેનતાણુ મેળવે છે અને પરિવારનું ભરણપોષણ કરે છે. આપદાના સમયે સૌથી મોટી કઠણાઈ આવા દહાડિયા મજૂરો માટે જ ઊભી થાય છે.
વડાપ્રધાનની મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં એ પણ જોવા મળ્યું કે મોટા ભાગના મુખ્યમંત્રીઓની ઇચ્છા એવી હતી કે લૉકડાઉન લંબાવવાનો નિર્ણય કેન્દ્ર સરકાર કરે. સંકટના સમયે રાજ્યોનો આવો અભિગમ દેશની મજબૂત લોકશાહીને પ્રતિબિંબીત કરે છે. ભારતના રાજકીય પક્ષો ભલે જુદી જુદી વિચારધારા ધરાવતા હોય પરંતુ જ્યારે દેશહિતની વાત આવે ત્યારે તમામ પક્ષો એક સૂરમાં વાત કરે છે. કોરોના સામેના જંગમાં જાન અને જહાં બંને એટલે કે દરેક વ્યક્તિની સુરક્ષાની સાથે સાથે જીવનોપયોગી જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખવામાં આવશે.
જોકે કોરોના સામેની લડાઇમાં સામાજિક અને વ્યક્તિગત અંતર જાળવવું અનિવાર્ય છે અને એમાં કોઇ પણ પ્રકારની બાંધછોડ ન કરવામાં આવે એ આવશ્યક છે નહીંતર કોરોના સામેના આ જંગમાં હાર મળશે. લૉકડાઉનનો સમય વધારવાથી ગભરાવાની નહીં પરંતુ એના નિયમોનું પાલન કરીને પોતાની જરૂરિયાતો પર નિયંત્રણ રાખવાની પણ જરૂર છે. આમ તો તમામ રાજ્ય સરકારોએ અને અનેક સમાજસેવી સંસ્થાઓએ બેરોજગારીનો ભોગ બનેલા લોકોને રહેઠાણ અને ભોજનની જવાબદારી ઉઠાવી લીધી છે. જોકે આમ કેટલા દિવસ સુધી લોકોને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી એ પણ મોટો પડકાર છે. જોેકે આ વખતે સૌથી મોટો પડકાર લોકોના જીવ બચાવવાનો છે. કોઇ પણ કલ્યાણકારી રાષ્ટ્ર પોતાના નાગરિકોને મરતા ન છોડી શકે. કોરોના વાઇરસ એવી મહામારી તરીકે ઉપસ્યો છે જે રોકવામાં નાનીઅમથી બેદરકારી પણ ભયાનક વિનાશનું કારણ બની શકે છે.
કોવિડ-૧૯ના દર્દીઓની સંખ્યામાં રોજેરોજ વધારો થઇ રહ્યો છે. જોકે સારવાર બાદ ઘણાં લોકો સાજા થઇને પોતાના ધરે પરત પણ ફરી રહ્યાં છે પરંતુ કોરોનાના દર્દીઓનો મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. કોરોના સંક્રમણના મામલે ભારત હાલ બીજા અને ત્રીજા સ્ટેજની વચ્ચે હોવાનું નિષ્ણાંતોનું માનવું છે અને નાનકડી બેદરકારી પણ કમ્યુનિટી ટ્રાન્સમિશનનું જોખમ વધારી દેશે. અને જો સામુદાયિક સંક્રમણ શરૂ થઇ ગયું તો પછી એને કાબુમાં લેવું આસાન નહીં હોય. ૨૧ દિવસના લૉકડાઉનનો ઉદ્દેશ એ હતો કે કોરોનાના સંક્રમણના દુષ્ચક્રને તોડવું અને કોરોનાનું સંક્મણ જ્યાં પહોંચ્યું છે ત્યાં જ અટકાવી દેવું.
એક વખત કોરોનાના ચેપની ચેઇન તૂટી જાય એ પછી તબક્કાવાર લૉકડાઉન દૂર કરવાની સરકારની નેમ હતી પરંતુ અનેક સ્થળોએ જોવા મળ્યું કે લૉકડાઉનનું લોકોએ યોગ્ય રીતે પાલન ન કર્યું. અનેક જગ્યાઓએ લોકો ભીડ કરીને જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવા જોવા મળ્યાં. અનેક લોકોને પ્રતિબંધ છતાં ધાર્મિક આયોજનોમાં ભાગ લીધાં. લૉકડાઉનનો અમલ કરાવવા માટે પ્રયત્નશીલ પોલીસ ઉપર હુમલા કરવામાં આવ્યાં. કોરોનાના અનેક સંક્રમિત દર્દીઓ હોસ્પિટલ છોડીને નાસી ગયાના બનાવો પણ બન્યાં. આવી અનેક બેદરકારીના કારણે કોરોનાનું સંક્રમણ વધતું ગયું.