કઠુઆ ગેંગરેપ અને હત્યાના કેસમાં કોર્ટનો દાખલારૂપ ચુકાદો
- જમ્મુ-કાશ્મીરના કઠુઆના બહુચર્ચિત રેપ એન્ડ મર્ડર કેસમાં મુખ્ય આરોપીઓને જનમટીપની સજા
- આ જઘન્ય અપરાધમાં મુખ્ય ભાગ ભજવનાર આરોપી સગીર વયનો છે અને તેની વિરુદ્ધ જુવેનાઇલ કોર્ટમાં કેસ ચાલવાનો બાકી છે અને અગાઉ દિલ્હીના નિર્ભયા કેસની જેમ જ મહત્તમ ત્રણ વર્ષની સજા બાદ છૂટી જવાની શક્યતા છે
જમ્મુ અને કાશ્મીરના કઠુઆ ખાતે જાન્યુઆરી ૨૦૧૮માં આઠ વર્ષની બાળકી સાથે થયેલા બળાત્કાર અને હત્યાના આરોપમાં પંજાબના પઠાણકોટની અદાલતે સાતમાંથી છ આરોપીઓને દોષિત જાહેર કર્યાં છે. કોર્ટે છમાંથી ત્રણ આરોપીઓને જનમટીપની સજા ફરમાવી છે તેમજ અન્ય ત્રણ વ્યક્તિઓ કે જેમની વિરુદ્ધ પુરાવા નષ્ટ કરવાનો આરોપ પુરવાર થયો છે તેમને પાંચ-પાંચ વર્ષની સજા ફટકારી છે.
ગયા વર્ષના જાન્યુઆરીમાં બનેલા આ ચકચારી બનાવે દેશભરમાં ભારે આક્રોશ પેદા કર્યો હતો. આ મામલે પોલીસે દાખલ કરેલી ચાર્જશીટ અનુસાર ૧૦ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ કઠુઆના રાસના ગામ પાસેના જંગલમાં પોતાના પરિવાર સાથે રહેતી આઠ વર્ષની બાળકી અચાનક ગુમ થઇ ગઇ. બાળકીના પિતાએ પોલીસમાં લખાવેલી ફરિયાદ અનુસાર તેમની પુત્રી ઘોડા માટે ઘાસ લેવા જંગલમાં ગઇ હતી અને ત્યાંથી પરત ફરી નહોતી. એ ઘટનાના અઠવાડિયા બાદ બાળકીનો મૃતદેહ પાસેના વિસ્તારમાંથી મળી આવ્યો. બાળકીની મેડિકલ તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તેની સાથે સામુહિક બળાત્કાર કરીને તેની હત્યા કરી નાખવામાં આવી હતી. તપાસની શરૂઆતમાં પોલીસે એક સગીર વયના આરોપીની ધરપકડ કરી.
પોલીસના જણાવ્યા અનુસાર આ સગીર વયના આરોપીએ જ બાળકીનું અપહરણ કર્યું હતું. બાળકીના અપહરણ અને બળાત્કારનું કાવતરું એક સાંઝીરામ નામના નિવૃત અધિકારીએ ઘડયું હતું. સગીર વયનો આરોપી એ અધિકારીનો જ ભત્રીજો હતો. સાંઝીરામના કહેવાથી સગીર વયના આરોપીએ બાળકીનું અપહરણ કરીને તેના પર બળાત્કાર ગુજાર્યો. એ પછી તેના એક સાથીદારે પણ બાળકી ઉપર રેપ કર્યો. ચાર્જશીટ અનુસાર એ પછી બાળકીને તેઓ એક મંદિરના પરિસરમા લઇ ગયા અને ત્યાં એક કક્ષમાં તેને બંદી બનાવી દીધી.
સગીર વયના આરોપીએ મેરઠમાં રહેતા પોતાના પરવેશ કુમાર નામના એક મિત્રને પણ બાળકીના અપહરણની જાણકારી આપી અને તેને પણ રાસના આવવાનું કહ્યું. બારમી જાન્યુઆરીએ પરવેશ કુમાર રાસના પહોંચ્યો ત્યારે તેને લઇને આરોપીઓ મંદિર પહોંચ્યા અને ભૂખ અને તરસથી પીડાઇ રહેલી બાળકીને ઘેનની ગોળીઓ ખવડાવી અને ફરી વખત તેની ઉપર વારાફરતી બળાત્કાર ગુજાર્યો. બળાત્કાર અને હત્યાના આ જઘન્ય અપરાધમાં દીપક ખજૂરિયા નામનો એક સ્થાનિક પોલીસ કર્મચારી પણ સંડોવાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું.
ખાસ વાત એ કે દીપક ખજૂરિયા પોતે ગુમ થયેલી બાળકીની તપાસના કેસમાં જોડાયેલો હતો. ચાર્જશીટ અનુસાર દીપક ખજૂરિયાએ અપહરણકર્તાઓને બાળકીનો જીવ લેવા માટે થોભવાનું કહ્યું અને તેણે પણ જઇને બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યો. એ પછી તમામ આરોપીએ ફરી વખત બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યો. એ પછી સગીર વયના આરોપીએ ગળું દબાવીને માસૂમની હત્યા કરી. બાળકી મરી ગઇ છે એની ખાતરી કરવા તેના માથા ઉપર પણ મોટા પથ્થર વડે બે વખત પ્રહાર કરવામાં આવ્યો. ચાર્જશીટ અનુસાર તપાસ કરી રહેલી પોલીસ ટીમે સગીર વયના આરોપીને કેસમાંથી બચાવવા માટે તેની માતા પાસેથી દોઢ લાખ રૂપિયાની લાંચ પણ લીઘી હતી.
નાનકડી બાળકી ઉપર સામુહિક બળાત્કાર અને બાદમાં તેની હત્યાના ક્રૂર કૃત્યને સાંપ્રદાયિક રંગ આપવાના પણ ભરપૂર પ્રયાસ થયાં. સ્થાનિક લોકોએ આરોપીઓની ધરપકડનો વિરોધ કરતી રેલીઓ યોજી. ખાસ વાત તો એ કે વકીલોના બાર એસોસિએશને આરોપીઓને બચાવવા માટે વિરોધ પ્રદર્શનો યોજ્યા અને બંધનું એલાન પણ આપ્યું. આ વિસ્તારમાં સ્થાનિક હિન્દુઓ અને ખાનાબદોશ મુસ્લિમ ગણાતા બકરવાલ સમુદાયના લોકો વચ્ચે કાયમ સંઘર્ષનો માહોલ રહ્યો છે. સ્થાનિક લોકોની હંમેશા ફરિયાદ હોય છે કે બકરવાલ સમુદાય તેમની જમીન ઉપર કબજો જમાવી લે છે અને તેમના જાનવરો તેમના પાકને નુકસાન પહોંચાડે છે.
સાંપ્રદાયિક તણાવ વધવાના કારણે સુપ્રીમ કોર્ટે આ કેસ પંજાબના પઠાણકોટની અદાલતમાં ટ્રાન્સફર કર્યો. બાળકીના માતાપિતાની માંગ તો તમામ આરોપીઓને ફાંસીની સજા ફટકારવાની હતી. જોકે બાળકીના પરિવારે કોર્ટના ચુકાદા અંગે સંતોષ વ્યક્ત કર્યો છે તો આરોપીઓએ આ ચુકાદા વિરુદ્ધ અપીલ કરવાની વાત કરી છે. જોકે આ કાળું કરતૂત કરવામાં મુખ્ય ભાગ ભજવનાર આરોપી સગીર વયનો છે અને તેની વિરુદ્ધ જુવેનાઇલ કોર્ટમાં કેસ ચાલવાનો બાકી છે. અગાઉ દિલ્હીના નિર્ભયા કેસમાં પણ મુખ્ય આરોપી અને સૌથી વધારે ક્રૂરતા આચરનાર આરોપી સગીર વયનો હતો જે ત્રણ વર્ષની સજા બાદ છૂટી પણ ગયો હતો. આ કૂમળી વયની બાળકી સાથે જે દુરાચાર થયો એ વાંચતા કે સાંભળતા જ છાતીમાં ડૂમો ભરાઇ આવે કે એક માસુમ બાળકી સાથે આવો વ્યવહાર કરવાનો અપરાધીઓનો જીવ શી રીતે ચાલ્યો હશે? છતાં પણ કેટલાક લોકો આવા નરાધમોને બચાવવા માટે પ્રયાસો કર્યાં એ નવાઇની વાત હતી.
હકીકતમાં બાળકો સાથે થતા યૌન દુરાચારના મામલે સરકાર વધારે સખત બની છે. કેન્દ્રની મોદી સરકારે બાળકો સાથેના યૌન અપરાધો માટેના કાયદાને અત્યંત કડક બનાવ્યો છે. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્શુઅલ ઓફેન્સ એક્ટ અર્થાત પૉક્સોની જુદી જુદી કલમોમાં સંશોધન કરવામાં આવ્યાં છે. હવે બાળકો સાથેના ગંભીર યૌન અપરાધની સ્થિતિમાં અપરાધીને ૨૦ વર્ષની આકરી સજા અથવા તો મૃત્યુદંડ આપવાની જોગવાઇ કરવામાં આવી છે. ભારતમાં દર વર્ષે બાળકો સાથે થતા યૌૈન દુરાચારના મામલા સતત વધી રહ્યાં છે. આવા મામલા રોકવા માટે સરકારને પોક્સો એક્ટમાં સંશોધન કરવાની આવશ્યકતા જણાઇ. આ કાયદા અંતર્ગત ૧૮ વર્ષથી નીચેના બાળકોનો સમાવેશ થાય છે. બાળકોને ડ્રગ્સ કે દવા આપીને તેમના હોર્મોન્સ સાથે કોઇ પણ પ્રકારની છેડછાડ કરવાની કલમ ૯માં પણ સંશોધન કરવામાં આવ્યું છે. નવા કાયદા અનુસાર ચાઇલ્ડ પોર્નોગ્રાફી સામે પણ કડક પગલાંની જોગવાઇ કરવામાં આવી છે.
કરુણતા એ છે કે નિર્ભયા કાંડ બાદ પણ આપણે કશું શીખ્યાં નથી. સમાજમાં બાળકો યૌન શોષણના શિકાર બનતા હોય અને આવા ઘણાં ખરાં મામલાઓમાં પરિવારના અથવા તો ઓળખીતા લોકો જ સંડોવાયેલા હોય ત્યારે સરકારની અને સમાજની ફરજ બને છે કે આવી માનસિકતા ધરાવતા લોકોનો ઇલાજ કરવો. એટલા માટે જ સરકારે બાળકોનું યૌન શોષણ કરનારા લોકો માટે ફાંસીની સજાની જોગવાઇ કરી છે. જોકે હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં તો ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું યૌન શોષણ કરનારા અપરાધીઓ માટે ફાંસીની સજાની જોગવાઇ છે જ. પરંતુ કઠણાઇ એ છે કે મૃત્યુદંડની જોગવાઇ કર્યા બાદ પણ સમાજમાં આવા ગંભીર અપરાધ અટક્યા નથી.
નિર્ભયાના કેસ વખતે જે લોકજુવાળ ઉમટયો હતો એ જોતા લાગતું હતું કે ભવિષ્યમાં દેશની દીકરીઓ સાથે થતા આવા ભયંકર અપરાધોમાં કમી આવશે પરંતુ છેલ્લા થોડા સમયથી જે બનાવો સામે આવી રહ્યાં છે એ જોતા તો એવું લાગી રહ્યું છે કે આવા વિકૃત માનસ ધરાવતા લોકો વધારે ને વધારે હિંમતવાળા બની રહ્યાં છે.આવા માનવતાને શર્મસાર કરતા અપરાધો માટે રાજકારણ કે સાંપ્રદાયિક્તાથી ઉપર ઊઠીને દોષિતોને આકરામાં આકરી સજા થાય એ માટે લોકોએ હાકલ કરવાની જરૂર છે નહીંતર આવી ઘટનાઓના દુરોગામી પરિણામો અત્યંત ઘાતક પુરવાર થશે. આવા અપરાધીઓને આકરામાં આકરી સજા કરીને દાખલો બેસાડવાની જરૂર છે.
જાણકારોનું કહેવું છે કે યૌનશોષણના અપરાધીઓને સજા મળવાનો દર પણ ઓછો હોવાના કારણે બળાત્કારના મામલા સતત વધી રહ્યાં છે. આવા મામલાના આરોપીઓ થોડાક મહિના જેલમાં કાઢ્યા બાદ જામીન ઉપર છૂટી જતાં હોય છે. ઘણાં ખરાં મામલાઓમાં તો પુરાવાના અભાવે આવા નરાધમો બચી પણ જતાં હોય છે. દેશમાં આવા મામલાઓમાં સજા થવાની સરેરાશ માત્ર ૧૯ ટકા જ છે. મતલબ કે બળાત્કારના નોંધાયેલા ગુનાઓમાં પણ માત્ર આટલા ટકા અપરાધીઓને સજા થાય છે. આના કારણે યૌન અપરાધીઓની હિંમતમાં વધારો થાય છે. સમાજવિજ્ઞાાનીઓના મતે ચિંતાજનક કહી શકાય એવી બાબત એ છે કે છેલ્લા થોડા સમયથી નાની ઉંમરની બાળકીઓ સાથે બળાત્કારની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ગયા વર્ષે મધ્યપ્રદેશમાં સાત મહિનાની બાળકી સાથે બળાત્કાર કરનાર નરાધમને ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી.
અનેક અભ્યાસમાં બહાર આવી ચૂક્યું છે કે બળાત્કાર જેવી ઘટનાઓમાં મોટે ભાગે આરોપી કે દોષિત પીડિતાના આસપાસના કે પરિચિત કે સંબંધી જ હોય છે. એવામાં કોઇ કન્યા પોતાના કોઇ પરિચિત વ્યક્તિનો ભરોસો જ કેવી રીતે કરે કે જ્યારે તેના ઓળખીતા લોકો જ તેની વિરુદ્ધ આવો જઘન્ય અપરાધ કરતા ડરતા ન હોય? આધુનિકતા અને વિકાસના દાવાઓ વચ્ચે પણ હકીકત તો એ છે કે આજે પણ મહિલાઓ માટે પરિસ્થિતિ સલામત અને સહજ નથી. દુનિયાની કુલ બાળવસ્તીના ૧૯ ટકા બાળકો ભારતમાં છે. દેશની ત્રીજા ભાગની વસતી ૧૮ વર્ષથી ઓછી ઉંમરના લોકોની છે. મતલબ કે દેશમાં લગભગ ૪૪ કરોડ સગીર વયની વસતી છે. એક અભ્યાસ અનુસાર આમાંના ૧૭ કરોડ એટલે કે લગભગ ૪૦ ટકા બાળકો આશ્રય વિનાના અને યાતનાભરી પરિસ્થિતિમાં જીવી રહ્યાં છે.
બળાત્કાર, હત્યા, શોષણ, ઉત્પીડન જેવા તમામ અપરાધને રોકવા માટે દેશમાં કડક કાયદા છે પરંતુ ગુનેગારો આવા કાયદાઓને ઘોળીને પી જવા જેટલા મજબૂત બની ગયાં છે. એ સંજોગોમાં આવા જઘન્ય અપરાધોમાં આકરી સજા આપીને દાખલો બેસાડવાની જરૂરિયાત છે.