Get The App

જુન અલ્મેડા : કોરોનાવાઈરસની સૌ પ્રથમ ઓળખ કરનારા મહિલા વિજ્ઞાાની

- વાઈરસનો અભ્યાસ સામાન્ય ટેલિસ્કોપ વડે થઈ શકતો નથી

Updated: Apr 18th, 2020

GS TEAM

Google News
Google News
જુન અલ્મેડા : કોરોનાવાઈરસની સૌ પ્રથમ ઓળખ કરનારા મહિલા વિજ્ઞાાની 1 - image


- કોવિડ-૧૯ જે પ્રકારનો વાઈરસ છે, એ કોરોનાની જાણકારી સૌથી પહેલા સ્કોટિશ મહિલાએ ૧૯૬૪માં મેળવી હતી

- બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સનને થોડા દિવસ પહેલા સેન્ટ થોમસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એ દવાખાનામાં જ સાડા પાંચ દાયકા પહેલા પ્રથમવાર કોરોનાવાઈરસની તસવીર લેવાઈ હતી!

બ્રિટનના સેલિસબરી વિસ્તારમાં શરદી-ઉધરસના દરદી વધી રહ્યા હતા. ૧૯૬૦માં તબીબોએ તેના પર અભ્યાસ શરૂ કર્યો. મોટા ભાગના કેસ તો સામાન્ય હતા. પણ એક કેસ એવો હતો, જેની શરદી કોઈ વાતે મટતી ન હતી. માટે ફરતો ફરતો એ દરદી (જેનું નામ જાહેર ન કરાયું પણ દરદી નંબર બી-૮૧૪ અપાયું) ડૉક્ટર ડેવિડ ટીરેલ પાસે પહોંચ્યો, જેઓ વાઈરોલોજિસ્ટ હતા અને મેડિકલ રિસર્ચ કાઉન્સિલના કોમન કોલ્ડ યુનિટ (સામાન્ય શરદી વિભાગ)ના હેડ પણ હતા. તેમની સાથે પાંચ વર્ષ નાના મહિલા જુન પણ કામ કરતા હતા. જુને એ શરદીના નમુના તપાસ્યા. 

વાઈરસનો અભ્યાસ સામાન્ય ટેલિસ્કોપ વડે થઈ શકતો નથી. એ માટે શક્તિશાળી ઈલેકટ્રોનિક માઈક્રોસ્કોપની જરૂર પડે. એ માઈક્રોસ્કોપ દ્વારા અભ્યાસ કરવો એ વળી દરેક વ્યક્તિનું કામ નથી. લંડનની 'સેન્ટ થોમસ હોસ્પિટલ મેડિકલ સ્કૂલ'માં કેટલાંક વર્ષોથી વાઈરસનો અભ્યાસ કરી રહેલા મહિલા ટેકનિશિયન જુુન અગાઉ રૂબેલા જેવા વાઈરસોનો આ રીતે અભ્યાસ કરી ચૂક્યા હતા. તેમની પાસે ૧૯૬૪માં દરદી નંબર 'બી-૮૧૪'ના નમુના આવ્યા અને એ તપાસી જુને તારણ આપ્યું કે આ વાઈરસ ફ્લુ જેવા દેખાય છે પણ એ નથી. કોઈ નવા પ્રકારના છે. નવાં પ્રકારના એટલે મનુષ્યમાં પહેલી વાર જોવા મળ્યા હોય એવા. બાકી એ વાઈરસ અગાઉ ઉંદર અને મરઘીમાં જોવા મળ્યા હતા. પરંતુ હવે વાઈરસનો ફેલાવો મનુષ્ય સુધી પહોંચ્યો હતો. ત્યાં સુધીમાં ૧૯૬૪નું વર્ષ આવી પહોંચ્યુ હતું.

કોઈ રાજમુગુટ ફરતે આભા પથરાયેલી હોય એવો વાઈરસનો દેખાવ હતો. એટલે ડૉ.ડેવિડ અને જુન તથા અન્ય સાથીદારોએ કોરોનાવાઈરસ નામ આપ્યું. કોરોના શબ્દ ગ્રીક ભાષાના કોરોને પરથી આવ્યો હતો, જેનો અર્થ મુગટ અથવા તો ફૂલોનો ગોળાકાર હાર એવો થતો હતો. સંશોધન પરંપરા પ્રમાણે નવા વાઈરસની ઓળખ આપતું સંશોધન પત્ર જુને તૈયાર કર્યું. પરંતુ એ રિસર્ચ પેપર એમ કહીને રિજેક્ટ કરી દેવામાં આવ્યું. વધુમાં એવું પણ કહેવામાં આવ્યું કે આ તો ઈન્ફ્લુએન્ઝાના વાઈરસની તસવીરો ખરાબ રીતે પાડીને તમે મોકલી છે. 

જુનની મૂળ આવડત વાઈરસની તસવીરો લેવાની અને ઓળખ કરવાની હતી. એ વ્યવસાયે ડૉક્ટર ન હતા. ડૉક્ટર તો ઠીક એમણે ભણતર પણ પુરું કર્યું ન હતું. સ્કૉટલેન્ડના ગ્લાસગૉ શહેરમાં ડ્રાઈવર પિતાને ત્યાં ૧૯૩૦ની ૫મી ઑક્ટોબરે જુન ડેલ્ઝિઅલ હર્ટનો જન્મ થયો હતો. ૧૬ વર્ષ સુધીની ઊંમર (૧૯૪૭માં) થઈ ત્યાં સુધી ભણાય એટલું ભણી લીધું. એ પછી આર્થિક ક્ષમતા એવી ન હતી કે ભણવાનું પોસાય. જુને એક લેબોરેટરીમાં નોકરી શોધી લીધી. ટેકિનશિયન તરીકે કામ શરૂ કર્યું અને ધીમે ધીમે તેમને શુક્ષ્મ કણો-જીવ, તપાસવામાં રસ પડવા લાગ્યો. થોડો વખત યુ.કે.ના ઉત્તર છેડે આવેલા ગ્લાસગૉમાં કામ કર્યા પછી જૂન દક્ષિણના શહેર લંડનમાં પહોંચ્યા. અહીં કામ મળ્યું અને મૂળ વેનેઝૂએલાના એરનિક આલ્મેડા સાથે લગ્ન કર્યા. નામ એ પછી જુન આલ્મેડા બન્યું.

દંપતિ ૧૯૫૪માં કેનેડાના ઓન્ટારિયો શહેરમાં શિફ્ટ થયું. અહીં પણ જુનને તેમની આવડતને કારણે ઓન્ટારિયો કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટયૂટમાં કામ મળી ગયું. તેમનું કામ અહીં પણ ઈલેક્ટ્રોનિક માઈક્રોસ્કોપ ઓપરેટ કરીને વિવિધ નમૂના તપાસવાનું હતું. હજુ થોડા દાયકાઓ પહેલા જ ઈલેક્ટ્રોનિક માઈક્રોસ્કોપની શોધ થઈ હતી. રોગના મૂળ સુધી પહોંચવા માટે વાઈરસ કે બેક્ટેરિયા કે પછી શરીરના કોષની તપાસ માટે આ સાધન અતિ ઉપયોગી બન્યું હતું. સાથે સાથે આ સાધન બરાબર વાપરી શકે એવા નિષ્ણાતોની પણ ડિમાન્ડ હતી. જુને ઈલેક્ટ્રોનિક માઈક્રોસ્કોપીમાં વિદ્વતા હાંસલ કરી લીધી હતી. એટલે બ્રિટનની તબીબી આલમે જુનને ફરીથી લંડન આવી કામ કરવાની રજૂઆત કરી.

જુનને એ પ્રસ્તાવ ગમી ગયો. તેઓ ૧૯૬૪માં કેનેડાથી લંડન આવ્યા અને અહીં સેન્ટ થોમસ હોસ્પિટલમાં તેમણે કામ શરૂ કર્યું. બ્રિટનની એ હોસ્પિટલ પોણા નવસો વર્ષ જૂની હતી, પ્રતિષ્ઠિત હતી અને મેડિકલ ક્ષેત્રમાં સર્વેસર્વા પણ હતી અને આજે પણ છે. એટલે જ હમણાં જ્યારે બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સન કોરોનાને કારણે ગંભીર થયા ત્યારે આ દવાખાનામાં જ તેમને દાખલ કરાયા હતા. થેમ્સ નદીના કાંઠે ઉભેલી આ હોસ્પિટલ જગતની સૌથી જુની હોસ્પિટલમાં પણ સ્થાન ધરાવે છે. 

જુને લંડનમાં કામ શરૂ કર્યું ત્યારે તેમના માર્ગદર્શક ડૉ.ડેવિડ ટીરેલ હતા. અહીં કામ શરૂ કર્યાના થોડા સમયમાં જ તેમની પાસે આ નવા વાઈરસનો કેસ આવ્યો અને જુને એ વાઈરસને ઓળખી પણ બતાવ્યો. 

મનુષ્યમાં જેમ વંશ-કૂળ-જ્ઞાાતિ-જાતિ એમ પેટા વિભાગો હોય છે, એવી રીતે સજીવો, વનસ્પતિ, વાઈરસમાં પણ કૂળ હોય છે. અત્યારે જગતમાં હાહાકાર મચાવે છે એ કોરોનાવાઈરસ પરિવારનો વાઈરસ છે, પરંતુ સાવ નવો છે. 'વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને વાઈરસ'નું નામ પણ 'સિવિઅર એક્યુટ રેસ્પિરેટોરી સિન્ડ્રોમ કોરોનાવાઈરસ-૨ (સાર્સ-કોવ-૨)' છે, જ્યારે તેનાથી થતો રોગ 'કોરોનાવાઈરસ ડિસિઝ' અથવા 'કોવિડ-૧૯' આપ્યું છે. સામાન્ય રીતે લોકો વાઈરસ અને રોગને એક જ નામથી ઓળખતા હોય છે. જેમ કે અત્યારે લોકો કોરોના તરીકે જ ઓળખે છે, બિમારી ભલે સાર્સ-કોવ-૨ હોય. અલબત્ત, નામકરણ સંશોધકોની સમજણ માટે છે, સામાન્ય લોકો બિમારીને કોરોના તરીકે ઓળખે કે કોરોનાવાઈરસ તરીકે ઓળખે તેનાથી કશોય ફરક પડતો નથી.

શરૂઆતમાં જુનનું સંશોધન સ્વિકારાયું નહીં. પરંતુ બીજા વર્ષે 'બ્રિટિશ મેડિકલ જર્નલે' રિસર્ચ પેપર પ્રગટ કર્યું. એ પછી આખા જગતે સ્વિકાર્યું કે આ કોઈ નવો વાઈરસ છે. અલબત્ત, નવો વાઈરસ મળી આવે તો તુરંત એનાથી સામાન્ય જનોને કોઈ ફરક પડતો નથી. મેડિકલ જગતમાં એની નોંધ થાય એટલું જ. આખી દુનિયાને અસર ત્યારે થાય જ્યારે એ વાઈરસ હાહાકાર મચાવાનું શરૂ કરે, ફેલાતો જાય, જે અત્યારે કોરોનાવાઈરસ કરી રહ્યો છે.  એ પછી તો જૂને અહીંથી જે અભ્યાસ ૧૬ વર્ષે અધુરો રહી ગયો હતો એ પુરો કર્યો અને સાયન્સમાં (મેડિકલમાં નહીં) ડૉક્ટરેટની ડીગ્રી પણ મેળવી. એ પછી થોડા સમય તેમણે વેલકોમ ઈન્સ્ટિટયૂટમાં કામ કર્યું અને વાઈરસના અભ્યાસની નવી પદ્ધતિ પણ વિકસાવી. તેની પેટન્ટ પણ તેમના નામે છે. આગળ જતાં એમનો સંશોધનમાંથી રસ ઓછો થયો અને ભારતીય યોગશાસ્ત્રમાં વધ્યો. એટલે યોગ શીખ્યા અને ૧૯૮૫માં તેના શીક્ષિકા પણ બન્યાં. તો પણ વળી જ્યારે ૧૯૮૦ના દાયકા પુરો થવામાં હતો ત્યારે દુનિયામાં એક નવા વાઈરસે ચૂપચાપ પ્રસરવાની શરૂઆત કરી ત્યારે આલ્મેડાને ફરીથી તેનો અભ્યાસ કરવા બોલાવાયા. એ વાઈરસ આજે તો એચઆઈવી (તેનાથી થતો રોગ - એઈડ્સ)નામે ઓળખાય છે. 

૨૦૦૭માં ૭૭ વર્ષની વયે તેમનું નિધન થયું હતું. મોતના સવા દાયકા પછી આજે તેઓ જગવિખ્યાત થઈ રહ્યા છે, પરંતુ એ વિખ્યાતી જોવા હયાત નથી. પણ જુને એ સાબિત કરી આપ્યું કે મહારત હાંસલ કરવા માટે અભ્યાસની જરૂર છે, તેનાથી વધુ તો ધગશ અને મહેનતની જરૂર છે. 

Tags :