ગિલગિટ-બાલ્ટિસ્તાન મામલે ભારતના આકરા વલણથી ચીનના પેટમાં તેલ રેડાયું
- સિક્કિમ સરહદે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ
- ચીનનો અતિમહત્ત્વાકાંક્ષી ચાઇના પાક ઇકોનોમિક કૉરિડોર પાકિસ્તાને પચાવી પાડેલા ગિલગિટ-બાલ્ટિસ્તાનમાંથી પસાર થાય છે જેના કારણે ભારતનો આ યોજના સામે ભારે વિરોધ છે પરંતુ ચીને યુરોપ-આફ્રિકા સુધી પહોંચ બનાવવા માટે આ કૉરિડોરની આવશ્યક્તા છે
કાશ્મીર સરહદે પાકિસ્તાન સાથે તણાવ ચાલી રહ્યો છે ત્યારે હવે સિક્કિમ સરહદે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું છે. નોર્થ સિક્કિમ સ્થિત નાકૂ લા સેકટરમાં બંને દેશોના સૈનિકો વચ્ચે થયેલી અથડામણમાં કેટલાંક સૈનિકો ઇજાગ્રસ્ત પણ થયા છે. બંને દેશો વચ્ચે આ ક્ષેત્રમાં આશરે ત્રણ વર્ષ બાદ તણાવ જોવા મળ્યો છે. અગાઉ ૨૦૧૭માં પણ સિક્કિમમાં બંને દેશોના સૈનિકો વચ્ચે વિવાદ થયો હતો. હાલના ઘટનાક્રમને ભારતે ગિલગિટ-બાલ્ટિસ્તાન અંગે ભારત સરકારે લીધેલા પગલાના ચીનના જવાબરૂપે નિહાળવામાં આવી રહ્યો છે.
ચીન લાંબા સમયથી એ પ્રયાસમાં છે કે તેનો અતિમહત્ત્વાકાંક્ષી ચાઇના પાક ઇકોનોમિક કોરિડોર (સીપેક) વહેલી તકે બની જાય. આ યોજના અંતર્ગત ચીન સડક, રેલવે સહિતના મૂળભૂત માળખાને વિકસાવવા ધારે છે. સીપેક જે મૂળ યોજનાનો ભાગ છે એ ન્યૂ સિલ્ક રોડ તરીકે જાણીતી ઓબીઓઆર પરિયોજના અંતર્ગત ચીન ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર, ન્યૂ યુરેશિયન લેન્ડ બ્રિજ, ચાઇના-મિડલ એશિયા-વેસ્ટ એશિયા ઇકોનોમિક કોરિડોર, ચાઇના-મોંગોલિયા-રશિયા ઇકોનોમિક કોરિડોર, બાંગ્લાદેશ-ચાઇના-મ્યાંમાર ઇકોનોમિક કોરિડોર અને ચાઇના-ઇન્ડોચાઇના પેનિન્સ્યૂલા ઇકોનોમિક કોરિડોર એમ છ ઇકોનોમિક કોરિડોર બનાવી રહ્યું છે.
આ આર્થિક કોરિડોર મારફત ચીન જમીન અને સમુદ્રી પરિવહનની આખી જાળ બિછાવવા માંગે છે. એશિયા, યુરોપ અને આફ્રિકાને સડક માર્ગ, રેલમાર્ગ, ગેસ પાઇપ લાઇન અને બંદરો દ્વારા જોડવા માટે વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટ અંતર્ગત સિલ્ક રોડ ઇકોનોમિક બેલ્ટ અને મેરીટાઇમ સિલ્ક રોડ પ્રોજેક્ટ શરૂ કર્યાં છે.
આ પ્રોજેક્ટ દ્વારા ચીન માટે વ્યાપાર કરવો અત્યંત આસાન બની જશે. ખરેખર તો પોતાના દેશમાં વ્યાપી રહેલી આર્થિક મંદી અને બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે ચીન માટે આ પ્રોજેક્ટ અત્યંત મહત્ત્વનો છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત ચીન આશરે ૬૦ દેશોને તેમાં સામેલ કરવા માંગે છે. આટલી મોટી પરિયોજના સફળ બનાવવા માટે ચીનને ભારતનો સાથ આવશ્યક છે. એટલા માટે જ ચીન વારંવાર ભારતને પોતાની આ મહત્ત્વાકાંક્ષી યોજનામાં જોડાવા માટે વિનંતી કરે છે.
પરંતુ ચાઇના પાક કોરિડોર પાકે પચાવી પાડેલા ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં થઇને પસાર થાય છે. એના કારણે ભારતનો આ કૉરિડોર સામે ભારે વિરોધ છે. જોકે ચીન ભારતની ચિંતાઓને અવગણીને પણ પોતાની યોજના આગળ ધપાવી રહ્યું છે. તાજેતરમાં જ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી જેનો ભારતે વિરોધ કર્યો અને પાકિસ્તાનને એ પ્રદેશને તાત્કાલિક ખાલી કરી દેવા કહ્યું. એ સાથે જ ભારતના હવામાન ખાતાએ જમ્મુ-કાશ્મીર સબડિવિઝનને હવેથી જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદ કહેવાનું શરૂ કરી દીધું છે. ભારતે આ પગલા દ્વારા આ તમામ પ્રદેશો પર પોતાનો અધિકાર હોવાનો પુનરોચ્ચાર કર્યો છે.
ભારતના આ પગલાના કારણે પાકિસ્તાન અકળાયું છે અને આને યૂ.એન. સલામતિ સમિતિના પ્રસ્તાવોનું ઉલ્લંઘન જણાવ્યું છે. જોકે ભારતે પાકિસ્તાનના કબજા હેઠળના પ્રદેશો પાછા લેવાનો હુંકાર કર્યો છે. પાકિસ્તાન પણ ફફડી રહ્યું છે કે ભારત ગમે તે ઘડીએ હુમલો કરીને તેના કબજા હેઠળના પ્રદેશો પાછા મેળવી લેશે.
જાણકારોના મતે ગિલગિટ-બાલ્ટિસ્તાન મામલે ભારતે જે આકરું વલણ અખત્યાર કર્યું છે એના કારણે ચીને સિક્કિમમાં ઉંબાડિયું ચાંપવાનો પ્રયાસ કર્યો છે.
ભારત અને ચીન વચ્ચે સરહદનો વિવાદ વર્ષો પુરાણો છે. ૧૯૬૨ના યુદ્ધ બાદ એવું લાગતું હતું કે આંતરરાષ્ટ્રીય સરહદે કોઇ કાયમી ઉકેલ આવશે પરંતુ એ આશા ઠગારી નીવડી છે. એ પછી તો ચીની સેનાએ અનેક વખત ભારતમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી અને ભારતે દર વખતે તેની એ કોશિશ નિષ્ફળ બનાવી. થોડા વર્ષો પહલાં પણ દોેકલામ વિસ્તારમાં ભારત અને ચીની સેનાઓ બે મહિના સુધી આમનેસામને રહી હતી. ભારે ગરમાગરમી વ્યાપ્યા બાદ આ વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલાયો હતો. જોકે એ વખતે પણ શંકા તો હતી જ કે ભવિષ્યમાં પણ ચીન દોકલામ ક્ષેત્રમાં ફરી હિલચાલ કરી શકે છે. અને બન્યું પણ એવું જ, ચીનના સૈનિકોએ દોકલામ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવાનું ચાલું જ રાખ્યું છે.
સામ્યવાદી ચીનનો ઇતિહાસ પણ તેની સામ્રાજ્યવાદી નીતિઓને જ ઉજાગર કરે છે. ૧૯૪૯ની સામ્યવાદી ક્રાંતિ બાદ તેણે તિબેટ ઉપર કબજો જમાવ્યો. એ પછી તત્કાલિન સોવિયેત સંઘ સાથે મળી રશિયા સાથે મળીને કોરિયાઇ ક્ષેત્રમાં સંયુક્ત રાષ્ટ્રની સેનાઓ સાથે યુદ્ધ કર્યું. એ પછી ભારતીય ભૂમિ ઉપર કૃદૃષ્ટિ નાખીને ભારતને યુદ્ધમાં જોતર્યું.
આજે પરિસ્થિતિ એ છે કે ચીનના એકાદ બે નહીં પરંતુ ૨૩ દેશો સાથે વિવાદ ચાલી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે ખતરો બની ગયેલા પાકિસ્તાન અને ઉત્તર કોરિયા જેવા દેશો સાથે પણ તેણે ગાઢ મિત્રતા બાંધી રાખી છે.
ભારત સાથે સંબંધો વધારવાની સૂફિયાણી વાતો વચ્ચે પણ ચીનની ભારત પ્રત્યેની નીતિ સ્પષ્ટ છે કે જે ભૂમિ ઉપર ચીનનો કબજો છે તેની ચર્ચા માટે તે તૈયાર છે પરંતુ સાથે સાથે ભારત સાથે મંત્રણા કરવા માટેની તેની શરત એ છે કે ભારતે નિર્વાસિત તિબેટી લોકોને શરણ આપવાની બંધ કરવી અને અરુણાચલ પ્રદેશને પોતાનું રાજ્ય માનવાનો ઇન્કાર કરી દે. ભારત માટે ચીનની આ શરતો માનવી કોઇ કાળે શક્ય નથી. ભારત અને ચીન વચ્ચેનો સરહદ વિવાદ છ દાયકા કરતા પણ વધારે જૂનો છે અને અનેક મંત્રણા છતાં તેને ઉકેલવામાં સફળતા મળી નથી.
ખરી રીતે જોતા તો પંડિત જવાહરલાલ નહેરુના જમાનાના હિન્દી-ચીની ભાઇ ભાઇથી લઇને ૧૯૬૨ના યુદ્ધ અને એ પછી દોકલામ વિવાદ સુધી ભારત અને ચીનના સંબંધો ભાગ્યે જ સત્યના પાયા ઉપર રહ્યાં છે. બંને પાડોશી દેશો વચ્ચે ક્યારેક સંબંધોમાં બહુ ઉત્સાહ જોવા મળે છે તો ક્યારેક એવા દાવા થાય છે કે બંને વચ્ચે સંબંધો સુધરવાની આશા ઠગારી છે. બીજું એ કે વૈશ્વિક ફલક ઉપર ભારતના વધી રહેલા કદનું ચીન સખત વિરોધી છે. યૂ.એન.માં ભારતના કાયમી સભ્યપદનું ચીન કાયમ વિરોધ કરતું આવ્યું છે. તો ન્યુક્લિયર સપ્લાયર્સ ગુ્રપમાં ભારતના પ્રવેશ આડે પણ ચીન કાયમ રોડાં નાખે છે.
એટલું જ નહીં, આતંકવાદ જેવા સંવેદનશીલ મુદ્દે પણ ચીન ભારતને સાથ આપતું નથી. ચીનની મહત્ત્વાકાંક્ષી વન બેલ્ટ વન રોડ પરિયોજનામાં ભારત ભાગીદાર નથી બન્યું એ ચીનને ભારે કઠે છે. ભારતને ચીન સૂફિયાણી સલાહ આપે છે કે તેણે વિવાદિત ક્ષેત્રમાં રોકાણ ન કરવું જોઇએ પરંતુ તે પોતે જ આ સલાહને અનુસરતું નથી. થોડા વખત પહેલાં અરુણાચલ પ્રદેશમાં જાપાનના રોકાણનો ચીને ભારે વિરોધ કર્યો હતો. પરંતુ તે પોતે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં રોકાણ કરે છે.
વર્ષ ૨૦૧૭માં બંને દેશો વચ્ચે સિક્કિમ ક્ષેત્રમાં ભારે તણાવ વ્યાપ્યો ત્યારે ભારતના ટોચના અધિકારીઓએ દિવસો સુધી આ વિસ્તારમાં કેમ્પિંગ કર્યું હતું. ચીની સેના આ વિસ્તારમાં સડકનિર્માણના પ્રયાસ કરી રહી હતી. આ પહેલા ચીન વ્યૂહાત્મક દૃષ્ટિએ અતિ મહત્ત્વના ચુંબી ખીણ વિસ્તારમાં સડક બનાની ચૂક્યું છે. આ સડક ભારતના ચિકન નેક કહેવાતા વિસ્તારથી માત્ર પાંચ કિલોમીટર દૂર છે. ચિકન નેક તરીકે પ્રચલિત સિલિગુડી કૉરિડોર ભારતને નોર્થઇસ્ટના રાજ્યો સાથે જોડે છે. જો આ કૉરિડોર પર ચીન કબજો જમાવી લે તો ભારતનો પૂર્વોત્તરના રાજ્યો સાથે સંપર્ક જ તૂટી જાય.
એ જ કારણ છે કે ભારત માટે આ વિસ્તાર અતિ મહત્ત્વનો છે. વર્ષ ૨૦૧૭માં એટલે જ ભારતે ચીનની સડક યોજનાનો વિરોધ કર્યો હતો. જોકે ચીની સેનાએ ભૂટાન અને ભારતની સરહદ પાસે હેલિકોપ્ટર અને મિસાઇલો તૈનાત કરી રાખ્યાં છે.
દોકલામ વિવાદ બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વુહાન ખાતે બેઠક યોજી ત્યારે તેમણે પરસ્પરના વિવાદો વાર્તાલાપ દ્વારા ઉકેલવાનું નક્કી કર્યું હતું પરંતુ ચીનના વલણથી એવું પ્રતીત થાય છે કે ભારત સાથે સંબંધો સુધારવાની વાતો કરવાથી વિશેષ તેને કોઇ રસ નથી અને ભવિષ્યમાં પણ તે પોતાની સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષાઓ ત્યાગવા તૈયાર થાય એવું લાગતું નથી.