ભારતનો SCOના મંચ દ્વારા પાકિસ્તાનને આતંકવાદના મુદ્દે ઘેરવાનો વ્યૂહ
- વડાપ્રધાને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વીપક્ષીય બેઠક
- કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે વડાપ્રધાન મોદીએ શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિન સાથે દ્વીપક્ષીય મંત્રણા કરી
- પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની વારંવારની વિનંતી છતાં ભારતે આકરું વલણ જાળવી રાખતા કોઇ પણ પ્રકારની દ્વીપક્ષીય મંત્રણાનો ઇન્કાર કર્યો છે અને આતંકવાદ પ્રત્યેના કડક વલણને શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના સભ્ય દેશોનું સમર્થન મળે એ ભારતના પ્રયાસ રહેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે પહોંચી ગયા છે. સંગઠનની શિખર બેઠકની સાથે સાથે વડાપ્રધાને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વીપક્ષીય બેઠક પણ યોજી છે.
વ્યૂહાત્મક અને વ્યાવસાયિક દૃષ્ટિએ અતિ મહત્ત્વના એવા શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની શિખર બેઠક ભારત માટે ખાસ મહત્ત્વ ધરાવે છે. સૌથી પહેલાં તો શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની રચના કેવી રીતે થઇ એ જોઇએ. એપ્રિલ ૧૯૯૬માં ચીનના ટોચના ઓદ્યોગિક નગર શાંઘાઇ ખાતે યોજાયેલી એક બેઠકમાં ચીન, રશિયા, કઝાકસ્તાન, કિર્ગિસ્તાન અને તાઝિકિસ્તાન પરસ્પરના વંશીય અને ધાર્મિક મતભેદોને દૂર કરીને એકબીજાને સહયોગ કરવા માટે રાજી થયા હતા. એ વખતે આ સંગઠનને અનૌપચારિક રીતે ‘શાંઘાઇ ફાઇવ’ નામ આપવામાં આવ્યું હતું. શાંઘાઇ ફાઇવનો પ્રારંભિક વિકાસ આ પાંચ દેશો વચ્ચે પરસ્પર વિશ્વાસ વધારવા અને નિઃશસ્ત્રીકરણ અર્થે થયો. સંગઠનની સમજૂતિઓ પર ૧૯૯૬માં શાંઘાઇ અને ૧૯૯૭માં મોસ્કો ખાતે હસ્તાક્ષર થયા. એ પછી ૧૫ જૂન ૨૦૦૧માં વાસ્તવિક અર્થમાં શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઇ. સ્થાપક દેશોમાં ચીન અને રશિયા ઉપરાંત મધ્ય એશિયાના ચાર દેશો કઝાકસ્તાન, કિર્ગિસ્તાન, તાઝિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થતો હતો. આ છ દેશોના નેતાઓએ વેપાર અને રોકાણ માટે સમજૂતિ કરી. વર્ષ ૨૦૦૪માં સંગઠનનું ઔપચારિક સચિવાલય પણ રચવામાં આવ્યું.
એક રીતે જોતાં SCO અમેરિકાના પ્રભુત્ત્વ હેઠળના નાટોને રશિયા અને ચીનનો સહિયારો જવાબ હતો. શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનનો ખરો ઉદ્દેશ હતો સોવિયેત સંઘના પતન બાદ મધ્ય એશિયામાં ઉદ્ભવેલા ક્ષેત્રીય વિવાદો ઉકેલવા. એ સાથે જ જ્યાં જ્યાં રશિયા અને ચીન વચ્ચે અધિકારોની લડાઇ હતી ત્યાં ત્યાં પરસ્પરનો વિશ્વાસ વધારવો. જોકે ૧૯૯૬માં શાંઘાઇ ફાઇવની પહેલ તો મધ્ય એશિયાના નવાસવા આઝાદ થયેલા દેશો સાથે જોડાયેલી રશિયા અને ચીનની સરહદો પરના તણાવને રોકવા માટે થઇ હતી. શરૂઆતમાં આ સંગઠનની કામગીરી આ દેશો વચ્ચેની સરહદો જાળવવાનું અને નિર્ધારણ કરવાનું જ હતું. પરંતુ આ ઉદ્દેશ તો ત્રણ જ વર્ષમાં સાધી લેવામાં આવ્યો. જેના કારણે આ સંગઠનની શાખ આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી વધી ગઇ.
વર્ષ ૨૦૦૧માં નવા સંગઠનની રચના સાથે જ તેના ઉદ્દેશ પણ બદલવામાં આવ્યાં. SCOના મહત્ત્વનો ઉદ્દેશ ઉર્જા પૂર્તિ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ધ્યાન આપવું અને આતંકવાદ સામે લડવાના બની ગયા. આજ દિન સુધી આ બંને મુદ્દાઓ જળવાઇ રહ્યાં છે અને એમના પર સતત વાતચીત થતી રહે છે. ગયા વર્ષની શિખર બેઠકમાં આતંકવાદ વિરુદ્ધ લડવા માટે ત્રણ વર્ષનો એકશન પ્લાન તૈયાર કરવાનું નક્કી થયું હતું. આ વખતની શિખર બેઠકમાં ઉર્જાના મુદ્દે વિશેષ ચર્ચા થવાનું જાણકારો માની રહ્યાં છે. છેલ્લા એક દાયકામાં SCO અને યૂરેશિયા સોસાયટી સ્થાપવાના એજન્ડાનો વ્યાપ વધ્યો છે. સંગઠને કટ્ટરતા, આતંકવાદ અને અલગતાવાદ જેવા ત્રણ દુષણો ડામવાના અભિયાનમાં સારી એવી સફળતા મેળવી છે.
જુલાઇ ૨૦૦૫માં કઝાકસ્તાનની રાજધાની અસ્તાના ખાતે યોજાયેલી SCOની બેઠકમાં ભારત પહેલી વખત સામેલ થયું. એ વર્ષે ભારતની સાથે પાકિસ્તાન, ઇરાન અને મોંગોલિયા પણ ઓબ્ઝર્વર દેશ તરીકે સામેલ થયા. ૨૦૧૦માં ભારતે પોતાનો ઓબ્ઝર્વર તરીકેનો દરજ્જો વધારીને પૂર્ણ સભ્યપદ લેવા માટે ઔપચારિક રજૂઆત કરી હતી. એ પછી ૨૦૧૭માં ભારત અને પાકિસ્તાનને આ સંગઠનના ઔપચારિક સભ્ય બનાવવામાં આવ્યાં. હાલ અફઘાનિસ્તાન, બેલારુસ, ઇરાન અને મોંગોલિયાને ઓબ્ઝર્વર દેશોનો દરજ્જો પ્રાપ્ત છે. તો શ્રીલંકા, નેપાળ, તુર્કી, અઝરબૈજાન, આર્મેનિયા અને કંબોડિયા ડાયલોગ પાર્ટનર છે.
શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના સભ્ય દેશોમાં દુનિયાની અડધોઅડધ વસતી વસવાટ કરે છે. એ જોતાં SCO હાલના સમયનું સૌથી મોટું ક્ષેત્રીય સંગઠન ગણાય છે. આ સંગઠનમાં ચીન અને રશિયા બાદ ભારત ત્રીજો સૌથી મોટો દેશ છે. છેલ્લા થોડા વર્ષોથી ભારતનું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કદ વધ્યું છે. આમ તો ભારત માટે કોઇ પણ આંતરરાષ્ટ્રીય સંગઠનનો ભાગ બનવો મોટી વાત નથી રહી. પશ્ચિમી જગત જાણે છે કે ભારત પાસે અન્ય વિકલ્પો પણ છે. પરંતુ આ સંગઠન ભારત માટે ખાસ મહત્ત્વનું એટલા માટે છે કે એના દ્વારા ભારતની પહોંચ યૂરેશિયાના એ દેશો સુધી થઇ ગઇ છે જેમની સાથે છેલ્લા ઘણાં વર્ષોથી કોઇ સંબંધ નહોતા.
શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન યૂરેશિયા ક્ષેત્રમાં શક્તિ સંતુલન સ્થાપિત કરવામાં ભારતને તક આપે છે. હકીકતમાં ભારત અને રશિયા મળીને આ સંગઠન દ્વારા વ્યાપક રીતે ચીનની વિદેશ નીતિ ઘડવામાં સહયોગ આપી શકે છે. રશિયાએ આ સંગઠનનો વ્યાપ વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ખાસ વાત એ કે રશિયાની સક્રિયતાના કારણે જ ભારતને આ સંગઠનમાં સ્થાન મળ્યું છે. શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન ભારતના ચીન સાથેના લાંબા ગાળાના સંબંધો સ્થાપવામાં પણ ફાયદાકારક નીવડી શકે છે. ગયા વર્ષે ચીનના વુહાન ખાતે વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે યોજાયેલી મુલાકાતમાં પરસ્પર વિશ્વાસ વધારવાના જે પ્રયાસો હાથ ધરાયા હતાં એ આ વર્ષે આગળ ધપવાની સંભાવના છે.
શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન દક્ષિણ એશિયાને યૂરેશિયા ક્ષેત્ર સાથે જોડાવાની તક પૂરી પાડે છે. છેલ્લા ઘણાં સમયથી આ બંને ક્ષેત્રો આંતરિક સંઘર્ષોમાં ઉલઝાયેલા અને વહેંચાયેલા છે. સંગઠનની ગઇ બેઠકમાં વડાપ્રધાન મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે SCOના સભ્ય દેશોમાંથી માત્ર છ ટકા પર્યટકો ભારતની મુલાકાતે આવે છે. આ આંકડો દર્શાવે છે કે દક્ષિણ એશિયા ક્ષેત્ર કેટલી હદે યૂરેશિયાથી અલગ પડેલું છે. એ સંજોગોમાં આ સંગઠન ભારતને સમગ્ર યૂરેશિયા સાથે જોડાવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ સંગઠનના માધ્યમ દ્વારા ભારતીય ઉપખંડના દેશોને પોતાની નવી ઓળખ ઊભી કરવાનો અવસર મળ્યો છે.
શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનનું સૌથી સફળ અભિયાન ક્ષેત્રીય આતંકવાદ વિરોધી તંત્રનું નિર્માણ છે. સંગઠનનું મુખ્ય કાર્ય જ પરસ્પર સહયોગ અને જાણકારીનું આદાનપ્રદાન કરવાનું છે. વર્ષ ૨૦૧૭ના અંત સુધી સંગઠનમાં દસથી વધારે આતંકવાદ વિરોધી અભ્યાસ થઇ ચૂક્યાં છે. જોકે જોવા જેવી બાબત એ છે કે આતંકવાદને પાળવાપોષવામાં મોટો ભાગ ભજવનાર પાકિસ્તાન પણ આ સંગઠનનું સભ્ય બન્યું છે ત્યારે હવે આ સંગઠન પાકિસ્તાનસ્થિત આતંકવાદી જૂથોને પહોંચી વળવામાં કેટલી હદે સફળ નીવડે છે એ સવાલ છે.
આમ પણ ચીન ભલે છેલ્લા થોડા સમયથી ભારત સાથે સહયોગ વધારવાની વાતો કરતું હોય પરંતુ આતંકવાદનો મુદ્દો આવે ત્યારે તે પાકિસ્તાનના પાટલે બેસી જાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કેટલી કડવાશ છે એ આખી દુનિયા જાણે છે. બધાં જોઇ રહ્યાં છે કે પાકિસ્તાન તરફથી છાશવારે ભારતીય સરહદમાં ઘૂસણખોરી અને આતંકવાદી હુમલા થતા રહે છે. એવામાં ભારત અને પાકિસ્તાન જાની દુશ્મન બની ગયાં છે. ચીનને આ વાત પોતાના પક્ષમાં જતી જણાય છે કારણ કે ભારતને તે દરેક મોરચે પોતાનું પ્રતિસ્પર્ધી માને છે. એ સંજોગોમાં ભારતને નુકસાન કરતા કે પીડા આપતા દરેક કારનામામાં તે પાકિસ્તાનને સાથ આપે છે.
અમેરિકા પાસેથી આતંકવાદ વિરુદ્ધની લડતમાં કથિત સહયોગના નામે આર્થિક મદદ લઇને પાકિસ્તાને પોતાની અવદશા સુધારવાના બદલે આતંકની જ ખેતી કરી છે. એ જ કારણ છે કે આજે ખસ્તાહાલ બની ચૂકેલું પાકિસ્તાન હાથમાં કટોરો લઇને દુનિયાભરના દેશો પાસે આર્થિક સહાય માંગી રહ્યું છે. હવે જ્યારે અમેરિકાએ પાકિસ્તાનને આર્થિક સહાય અટકાવી દીધી છે ત્યારે ચીનના રૂપમાં પાકિસ્તાનને નવો સહયોગી મળી ગયો છે. ચીન પણ એશિયામાં પોતાનું વર્ચસ્વ વધારવા માટે પાકિસ્તાનનો ઉપયોગ કરી રહ્યું છે.
તાજેતરમાં પુલવામા હુમલા બાદ પાકિસ્તાનમાં આશરો લઇ રહેલા આતંકવાદી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રયાસોમાં પણ ચીને અડિંગો લગાવ્યો હતો. એ પછી ભારે આંતરરાષ્ટ્રીય દબાણ બાદ તેણે મસૂદને પ્રતિબંધિત કરવાના મામલે સંમતિ આપી હતી. શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની શિખર બેઠક દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને વડાપ્રધાન મોદી સાથે વાર્તાલાપ કરવાની અનેક વખત અપીલ કરી પરંતુ ભારતે આતંકવાદને લઇને પોતાનું કડક વલણ જાળવી રાખતા પાકિસ્તાન સાથે કોઇ વાત ન કરવાની નીતિ પર અડગ રહેવાનું નક્કી કર્યું છે.
બિશ્કેક ખાતે ચીનના રાષ્ટ્પતિ શી જિનપિંગ સાથેની દ્વીપક્ષીય વાતચીત દરમિયાન પણ વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનના મુદ્દે વાતચીત કરતા કહ્યું કે હાલના સંજોગોમાં પાકિસ્તાન સાથે વાર્તાલાપ શક્ય નથી. તેમણે કહ્યું કે ભારતે સંબંધો સુધારવાના અનેક પ્રયાસ કર્યાં પરંતુ એમાં સફળતા ન મળી. વડાપ્રધાને ચીન દ્વારા પાકિસ્તાનને આડકતરો સંદેશ આપતા કહ્યું છે કે પાકિસ્તાને આતંકવાદ વિરુદ્ધ નક્કર કાર્યવાહી કરવી પડશે. ચીનને આ સંદેશ સ્પષ્ટ સંદેશમાં આપીને ભારતે ચીનને પણ સાનમાં સમજાવી દીધું છે કે દોસ્તીની વાતો કરીને આતંકવાદના મામલે પાકિસ્તાનનો બચાવ કરવાની નીતિ હવે નહીં ચાલે.
હવે ભારતના પ્રયાસ એ રહેશે કે આતંકવાદ પ્રત્યેના કડક વલણને શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના સભ્ય દેશોનું સમર્થન મળે અને પાકિસ્તાન આતંકવાદના મામલે ઘૂંટણ ટેકવે. આ ઉદ્દેશને બર લાવવાની દૃષ્ટિએ શિખર બેઠક ભારત માટે ઘણી મહત્ત્વની બની રહેશે.