Get The App

અફવાઓના પરિણામે થતાં મોબ લિન્ચિંગના બનાવો ગંભીર સમસ્યા

- મહારાષ્ટ્રના પાલઘર ખાતે બાળકચોરીની શંકામાં હિંસક ટોળાએ સાધુઓની હત્યા કરતા લોકોમાં રોષ

Updated: Apr 25th, 2020

GS TEAM

Google News
Google News
અફવાઓના પરિણામે થતાં મોબ લિન્ચિંગના બનાવો ગંભીર સમસ્યા 1 - image


- એક તરફ આખો દેશ કોરોના સામે લડી રહ્યો છે અને લૉકડાઉનના કારણે લોકો મહિના કરતાયે વધારે સમયથી ઘરોમાં પૂરાયેલા છે ત્યારે પાલઘરના બનાવે ફરી વખત સોશિયલ મીડિયા દ્વારા ફેલાતી અફવાઓને કાબુમાં લેવાની તંત્રની નિષ્ફળતા ઉજાગર કરી છે

મહારાષ્ટ્રના પાલઘરમાં ત્રણ જણાની ભીડ દ્વારા માર મારીને હત્યા કરી દેવાના બનાવે ફરી વખત ડિજિટલ માધ્યમો દ્વારા ફેલાતી અફવાઓના ખતરાને ઉજાગર કરી દીધો છે. છેલ્લા થોડા વર્ષોથી ભારતમાં સોશિયલ મીડિયા પર ફેલાતી અફવા બાદ મોબ લિંચિંગના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે તેમ છતાં દેશની કાનૂન વ્યવસ્થા આ સમસ્યાનો ઉકેલ શોધી શકી નથી.

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ગઢચિંચલી ગામ પાસે ગ્રામજનોના એક ટોળાએ  પોલીસની હાજરીમાં બે સાધુઓ અને તેમના ડ્રાઇવરને ચારે તરફથી ઘેરી લઇને લાઠી તેમજ પથ્થરો મારીમારીને બેરહેમીપૂર્વક હત્યા કરી નાખી. હકીકતમાં આ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી અફવા ચાલી રહી હતી કે માનવીના શરીરના અંગો વેચતી બાળકચોર ટોળકી સક્રિય છે. આ અફવાના કારણે થોડા દિવસો પહેલાં જ પાસેના એક ગામમાં એક ચિકિત્સા અધિકારીને પણ માર મારવામાં આવ્યો હતો. તો પાલઘરથી દાદરા નગર હવેલી જઇ રહેલા વધારાના પોલીસ કપ્તાનના દળ ઉપર પણ હુમલો થયો હતો. તેમ છતાં આ વિસ્તારમાં પૂરતો બંદોબસ્ત ન ગોઠવવામાં આવતા જૂના અખાડાના બે સાધુઓ અને તેમના ડ્રાઇવરની હત્યા થઇ ગઇ. 

આ પ્રકારના મામલા છેલ્લા થોડા વર્ષોથી ચર્ચામાં આવી રહ્યાં છે પરંતુ અમુક સમયે આવા બનાવોમાં જોરદાર ઉછાળો જોવા મળે છે. એક અંદાજ અનુસાર છેલ્લા ત્રણ વર્ષમાં હિંસક ભીડે બાળક ચોરીની શંકામાં ૫૦થી વધારે લોકોની હત્યા કરી નાખી છે. બાળકચોરની શંકામાં આટલા બધાં લોકોની હત્યા કરી નાખવામાં આવી છે પરંતુ નવાઇની વાત એ છે કે હિંસક બની ગયેલાં ટોળાના લોકો એ પણ જાણવાની દરકાર નથી કરતા કે કોનું બાળક ચોરાયું અને ક્યાં ચોરાયું? લોકો એ જાણવાનો પ્રયાસ પણ નથી કરતા. બસ, બાળકચોરની બૂમાબૂમ થાય છે અને લોકો હિંસક બનીને નિર્દોષ લોકોને મોતના ઘાટ ઉતારી દે છે કે પછી ગંભીર ઇજાગ્રસ્ત કરી દે છે. 

એવો સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે લોકો ખરેખર એટલા વધારે અસહિષ્ણુ થઇ ગયા છે કે સાચું ખોટું જાણવાનો પ્રયાસ કર્યા વગર જ કોઇની ચઢામણીમાં આવી જઇને કે પછી અફવાઓથી ઉત્તેજિત થઇને હિંસક બની જાય છે. એવા પણ તથ્ય સામે આવ્યાં છે કે દેશના ઘણાં ભાગોમાં લાંબા સમયથી સોશિયલ મીડિયા ઉપર બાળકો ચોરી જતી ટોળકીઓ સક્રિય હોવાની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. આવી અફવાઓના કારણે સ્થાનિક લોકોને બહારથી આવેલા લોકો ઉપર શંકા જાય છે અને તેમની વિરુદ્ધ લોકો હિંસક વલણ ધારણ કરી લે છે. 

એ હકીકતનો પણ ઇન્કાર ન થઇ શકે કે બાળકોની ચોરી અને માનવ તસ્કરી દેશની મોટી સમસ્યા છે. દર વર્ષે આવા બનાવોના આંકડા વધતાં જ રહે છે. માનવ તસ્કરી રોકવાના તમામ દાવા છતાં હકીકત એ છે કે તંત્ર આવા બનાવો રોકવામાં અસમર્થ રહ્યું છે. ખાસ કરીને ગરીબ અને આદિવાસી વિસ્તારોમાં બાળકો ઉઠાવી જવા કે પછી તેમના માબાપોને ફોસલાવીને શહેરોમાં કામ અપાવવાની લાલચ આપીને સાવ કૂમળી વયના બાળકોને લઇ જવામાં આવે છે. આદિવાસી વિસ્તારોની ઘણી બાળકી કે જેમને શહેરોમાં કામ આપવાની લાલચ આપીને લઇ જવામાં આવે છે એમાંની અનેક બાળકીઓ શોષણનો ભોગ બને છે. આ રીતે ગાયબ થયેલા ઘણાં ખરાં બાળકોનો કોઇ અતોપતો જ મળતો નથી. એટલા માટે સમજી શકાય એવી વાત છે કે લોકોને આને લઇને ભારે રોષ પ્રવર્તી રહ્યો હશે અને જ્યારે પણ અજાણ્યા લોકોને પોતાના વિસ્તારમાં જોતા હશે ત્યારે તેમના ઉપર બાળકોના ચોર હોવાની શંકા મજબૂત બની જતી હશે. 

ઉપરથી સોશિયલ મીડિયા ઉપર ફેલાવવામાં આવતી અફવાઓ આગમાં ઘી હોમવાનું કામ કરે છે. અંતરિયાળ વિસ્તારોમાં પોલીસ માટે એ તપાસ કરવાનું મુશ્કેલ બની જાય છે કે એવા વિસ્તારોમાં કેવી અફવાઓ ફેલાઇ રહી છે કે લોકો કેવી કેવી વાતોના પ્રભાવમાં આવી જાય છે. પરંતુ પ્રશાસન એવી અફવાઓ રોકવા માટે અથવા તો લોકોને સાવચેત કરવાનું કામ તો કરી જ શકે છે કે અમુકતમુક અફવાઓ ઉપર વિશ્વાસ ન કરવો. બાળકોની ચોરીની શંકામાં લોકો હિંસક બની જાય એ વાત ચિંતાજનક તો છે જ પરંતુ તંત્ર પણ એને ટોળાનું અવિચારીપણું ગણીને પોતાની જવાબદારીમાંથી હાથ ન ધોઇ શકે. બાળકોની ચોરી અને ગાયબ થવાના બનાવો રોકવા માટે પ્રશાસને સત્વરે પગલાં લેવાની જરૃર છે. માનવ તસ્કરી અને ગેરકાયદેસર રીતે ઘરેલુ નોકર તરીકે કામ કરાવવા કે ભીખ માંગવા જેવી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લગાવવો પડશે. જ્યાં સુધી આવી પ્રવૃત્તિઓ ઉપર સખતપણે કાબુ ન પામવામાં આવ્યો તો બાળકોની ચોરી અને તેના દ્વારા ઉપજતાં લોકોના આક્રોશને શાંત કરવો મુશ્કેલ છે. 

કઠણાઇ એ છે કે જાગૃત અને પ્રગતિશીલ સમાજ રચવાના દાવા સાથે ડિજિટલ ઇન્ડિયાને જોરશોરથી ઉત્તેજન આપવામાં આવ્યું પરંતુ આજે એ જ ડિજિટલ માધ્યમ બૂમરેંગ સાબિત થઇ રહ્યું છે. ખરેખર તો ડિજિટલ માધ્યમ લોકોને એવી ભીડમાં ફેરવી રહ્યું છે જે કોઇ ખબર સાચી છે કે ખોટી એ નક્કી કરવાને જ શક્તિમાન નથી. વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા અફવાઓ ફેલાવવાના મુખ્ય હથિયાર તરીકે વપરાવા લાગ્યાં છે. લોકોના ટોળા દ્વારા હિંસા ફેલાવવાની ઘણી ખરી ઘટનાઓ બાદ એ તથ્ય સામે આવ્યું છે કે વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર કોઇ ખોટી વાત, તસવીર કે વીડિયોને સાચી બતાવીને અનેક લોકોના મોબાઇલ ઉપર મોકલી દેવામાં આવે છે. 

પછી જે લોકો પાસે આ ખોટી ખબરો પહોંચે એ લોકો કંઇ પણ વિચારવાનું જરૃરી ન સમજીને એક જગ્યાએ એકઠા થઇને ટોળામાં પરિવર્તિત થઇ જાય છે અને કોઇ નિર્દોષનો જીવ લઇ લે છે. આવી ઘટનાઓ બન્યા બાદ પોલીસ ભલે સક્રિય બનીને અમુક આરોપીઓની ધરપકડ પણ કરી લેતી હોય છે પરંતુ આવી જીવલેણ અફવાઓ ફેલાવનાર તો ભાગ્યે જ સકંજામાં આવે છે. એટલા માટે આવી અફવાઓ જે વ્યવસ્થિત રીતે ફેલાવીને ટોળાને હિંસા આચરવા માટે ઉશ્કેરવામાં આવે છે એ જોતાં એવું પણ લાગે છે કે આવી અફવાઓ ફેલાવવા પાછળ કોઇક વ્યવસ્થિત તંત્ર કામ કરી રહ્યું હોય. 

ઘણી વખત સોશિયલ મીડિયા ઉપર એવા મેસેજ વહેતા કરી દેવામાં આવે છે જે જોતાં સાફ જણાઇ આવે છે કે આવા મેસેજને સમજી વિચારીને તૈયાર કરવામાં આવ્યાં છે. આવા મેસેજ કોઇ ખાસ સામાજિક-રાજકીય મુદ્દા ઉપર અભિપ્રાય બનાવવાના પ્રયાસ પણ હોઇ શકે છે. પરંતુ કેટલાંયે મેસેજ એવા હોય છે જેનો ઉદ્દેશ માત્ર લોકોમાં ઉન્માદ ફેલાવવાનો હોય છે. લોકો અફવાઓની અસરમાં એવા આવી જાય છે કે એ ભૂલી જાય છે કે જો કોઇ વ્યક્તિએ ગેરકાયદેસર કામ કર્યું હશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસ કે પછી શાસનતંત્ર મોજૂદ છે. વ્યક્તિ જ્યારે ટોળામાં ભળી જાય છે ત્યારે તેનામાં સાચાખોટાની પરખ કરવાની ક્ષમતા રહેતી નથી. જો આ પ્રકારની પ્રવૃત્તિ ઉપર લગામ કસવા માટે સરકાર તરફથી સામાજિક જાગૃતિ અભિયાન ચલાવવાની સાથે સાથે કાયદાકીય રીતે સખત પગલાં ન લેવામાં આવ્યાં તો સમય જતાં આના પરિણામ ભયાવહ સ્વરૃપે સામે આવી શકે છે. 

પાલઘરની ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાના પ્રયાસ પણ થયા. અફવાના કારણે આ સાધુઓની હત્યા થઇ તેમ છતાં નવી અફવા એવી ઉડાવવામાં આવી કે હિન્દુ સાધુઓની હત્યા મુસ્લિમોના ટોળાએ કરી છે. જોકે મહારાષ્ટ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે હત્યાના આરોપમાં પકડવામાં આવેલા સોથી વધારે હુમલાખોરોમાં એક પણ મુસ્લિમ નથી. પાલઘર આદિવાસીઓનો વિસ્તાર છે અને જે ગામમાં આ બનાવ બન્યો ત્યાંની વસતીમાં ૯૯ ટકા લોકો અનુસૂચિત જનજાતિઓના છે. અહીંયાનો સાક્ષરતા દર માત્ર ૩૦ ટકા છે. મતલબ કે અભણ અને અજ્ઞાાન લોકોએ અફવાઓમાં વિશ્વાસ કરીને નિર્દોષ લોકોનો જીવ લઇ લીધો. 

એક તરફ કોરોના મહામારીને કાબુમાં લેવા તંત્ર આકાશપાતાળ એક કરી રહ્યું છે. લૉકડાઉનના કારણે લોકો છેલ્લા એક મહિનાથી ઘરોમાં પૂરાયેલા છે ત્યારે આ કયા લોકો છે જે માત્ર એક મેસેજ, તસવીર કે વીડિયો જોઇ માત્રને જ કોઇના લોહીના તરસ્યા બની જાય છે? આ કયા લોકો છે જે પોતાને દેશની અદાલતો કરતા પણ ઉપર સમજે છે અને કાયદો હાથમાં લઇને કોઇની હત્યા કરતા પણ ડરતા નથી? એવો સવાલ પણ થાય કે શું લોકોને ન્યાયતંત્ર અને સરકારમાંથી વિશ્વાસ ઊઠી ગયો છે? કારણ ગમે તે હોય પરંતુ છાશવારે બનતી આવી ઘટનાઓ ઉપર લગામ કસવામાં સરકાર અને પોલીસ નિષ્ફળ શા માટે જઇ રહી છે? લોકોને એકબીજા સાથે જોડાવા માટે સર્જવામાં આવેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોકોની હત્યા માટે પણ જવાબદાર બની રહ્યાં છે.


Tags :