ભારતમાં મીડિયાની આઝાદી ઉપર તલવાર લટકી રહી છે
- વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં 170 દેશોની યાદીમાં ભારત બે ક્રમાંક ગબડીને 140મા સ્થાને
- રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડર્સ નામની વૉચડોગ સંસ્થા દ્વારા દર વર્ષે જાહેર થતી આ યાદીમાં ભારતમાં હાલ ચાલી રહેલા ચૂંટણીના દોરને પત્રકારો માટે સૌથી ખતરનાક સમય જણાવવામાં આવ્યો છે
રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સના આ વર્ષના વાર્ષિક રિપોર્ટમાં ભારત પ્રેસની આઝાદીના મામલે ગત વર્ષના ૧૩૮મા ક્રમાંકથી બે ક્રમ નીચે ઉતરીને ૧૪૦મા સ્થાને આવી ગયું છે. આમ તો છેલ્લા ઘણા સમયથી જોવામાં આવી રહ્યું છે કે દેશના મીડિયાની સ્થિતિ સતત ખરાબ થઇ રહી છે અને આ નવા રિપોર્ટ દ્વારા એ બાબતને ફરી વખત પુષ્ટિ મળી છે. પ્રેસની આઝાદીના મામલે પાકિસ્તાન ત્રણ સ્થાન નીચે ગબડીને ૧૪૨મા સ્થાને આવી ગયું છે. તાલિબાન અને આતંકવાદીઓના ગઢ સમાન અફઘાનિસ્તાન પત્રકારોની સલામતિના મામલે ભારત કરતા ઘણું આગળ છે. તો સરમુખત્યારશાહીની લોખંડી દીવાલો પાછળ રહેલું ચીન પ્રેસની આઝાદીના મામલે સાવ તળિયે એટલે કે ૧૭૭મા સ્થાને છે. જોકે દુનિયાની સૌથી મોટી સંસદીય લોકશાહી ગણાતું ભારત પ્રેસની સ્વતંત્રતાના મામલે આટલું પાછળ હોય એ વાત ગર્વ લેવા જેવી નથી.
પેરિસ સ્થિત રિપોર્ટર્સ સેન્સ ફ્રન્ટિયર્સ (RSF) એટલે કે રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડર્સ એક સામાજિક સંગઠન છે જે દુનિયાભરના પત્રકારો પરના હુમલાઓનું દસ્તાવેજીકરણ કરે છે. રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડર્સના આ રિપોર્ટમાં ભારતમાં હાલ ચાલી રહેલા ચૂંટણીના દોરને પત્રકારો માટે સૌથી ખતરનાક સમય જણાવવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં પત્રકારો પ્રત્યે દુશ્મનાવટની ભાવના વધી છે પરંતુ ભારતમાં પત્રકારો પ્રત્યે ઘૃણાની ભાવનામાં થયેલો વધારો ચોંકાવનારો છે. છેલ્લા એક વર્ષમાં ભારતમાં હકીકતોને દુનિયા સમક્ષ લાવવાનું પોતાનું કામ કરી રહેલા ઓછામાં ઓછા છ પત્રકારોની હત્યા કરી દેવામાં આવી હતી.
વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં પ્રેસની સ્વતંત્રતાની વર્તમાન સ્થિતિમાં પત્રકારો વિરુદ્ધ થતી હિંસા છે જેમાં પોલીસ દ્વારા થતી હિંસા. માઓવાદીઓના હુમલા, અપરાધી સમૂહો અથવા તો ભ્રષ્ટ રાજકારણીઓ દ્વારા બદલો લેવો સામેલ છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી દરમિયાન સત્તાધારી ભાજપના સમર્થકો દ્વારા પત્રકારો પર હુમલા વધ્યાં છે. આ અહેવાલમાં ભારતમાં હિન્દુત્ત્વને નારાજ કરનારા વિષયો પર બોલતા કે લખતા પત્રકારો વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ચાલતા નફરતપૂર્ણ અભિયાનો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એમાં પણ મહિલાઓને નિશાન બનાવતી વખતે આવા અભિયાનો વધારે ઉગ્ર બની જાય છે.
દેશમાં જે રીતે પત્રકારો ઉપર હુમલા વધી રહ્યાં છે એ જોતાં એવું લાગે છે કે ભારત પત્રકારો માટે અસુરક્ષિત બની ગયું છે. થોડા મહિના પહેલા પત્રકાર સંગઠન કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ્સએ ગ્લોબલ ઇમ્પ્યૂનિટી ઇન્ડેક્સ જાહેર કર્યો હતો જેમાં એ દેશોને સામેલ કરવામાં આવ્યાં હતાં જ્યાં પત્રકારો ઉપર હુમલા કરવા બદલ અપરાધીઓને સજા નથી મળતી. આ યાદીમાં ભારત ૧૪મા સ્થાને હતું. ગ્લોબલ ઇમ્પ્યૂનિટી ઇન્ડેક્સ તૈયાર કરવા માટે સપ્ટેમ્બર ૨૦૦૮થી ઓગસ્ટ ૨૦૧૮ દરમિયાન દુનિયાભરમાં પત્રકારોની હત્યાના મામલાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ અનુસાર ભારતમાં એક દાયકા દરમિયાન પત્રકારોની હત્યાના ૧૮ મામલા એવા હતાં જે ઉકેલાયા નથી.
ગ્લોબલ ઇમ્પ્યૂનિટી ઇન્ડેક્સમાં ભારત અગિયાર વખત આવી ચૂક્યું છે. ૨૦૧૭માં ભારત આ યાદીમાં ૧૨મા સ્થાને હતું. ગત વર્ષના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ૯૦ના દાયકાના શરૂઆતમાં ભારતમાં ૨૭ પત્રકારોને મારી નાખવામાં આવ્યાં હતાં. એટલું જ નહીં, તત્કાલિન રિપોર્ટ અનુસાર પત્રકારોના મામલાની તપાસની સ્થિતિની જાણકારી માંગતા યૂનેસ્કોના જવાબદાર તંત્રમાં ભાગ લેવાનો પણ ભારતે ઇન્કાર કરી દીધો હતો. આજે પરિસ્થિતિ એવી છે કે છેલ્લા બે વર્ષોમાં ભારતની ગણતરી એવા દેશોમાં થવા લાગી છે જ્યાં પત્રકારો સૌથી વધારે અસુરક્ષિત છે. ૨૦૧૬માં ઇન્ટરનેશલન ફેડરેશન ઓફ જર્નાલિસ્ટ્સએ પત્રકારો માટે સૌથી ખતરનાક દેશોમાં ભારતને આઠમા સ્થાને રાખ્યું હતું.
વર્ષ ૨૦૧૮માં ભારતમાં કેટલાયે પત્રકારોની હત્યા થઇ જેમાં કાશ્મીરના જાણીતા પત્રકાર શુજાત બુખારીનો સમાવેશ થાય છે. આ વર્ષે જૂન મહિનામાં બુખારી પોતાના શ્રીનગર ખાતેના કાર્યાલચથી બહાર નીકળ્યા ત્યારે તેમના ઉપર કેટલાંક અજ્ઞાાત લોકોએ હુમલો કર્યો હતો. અગાઉ માર્ચ મહિનામાં ત્રણ પત્રકારોને માર્ગ અકસ્માતમાં મારી નાખવાના આરોપ મૂકાયા હતાં. ગયા વર્ષે ઓક્ટોબરમાં છત્તીસગઢના દંતેવાડામાં માઓવાદીઓએ સુરક્ષા દળો ઉપર હુમલો કર્યો જેમાં ત્રણ જવાનો ઉપરાંત દૂરદર્શનના એક પત્રકારનું મૃત્યુ નીપજ્યું હતું.
અગાઉ ૨૦૧૭માં વરિષ્ઠ પત્રકાર ગૌરી લંકેશની હત્યાએ મીડિયા જગતને હચમચાવી નાખ્યું હતું. ગૌરી લંકેશની બેંગાલુરુમાં તેમના જ ઘરની બહાર પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ગૌરી લંકેશ એક પ્રખર સમાજ સુધારક પણ હતાં. ગૌરીની ખાસ બાબત એ હતી કે તેઓ આજીવન દક્ષિણપંથીઓના કટ્ટર આલોચક રહ્યાં અને કદાચ તેમની આ નિભર્યતા જ તેમના મોતનું કારણ બની. તેમની હત્યા થઇ એના થોડા દિવસો અગાઉથી તેઓ સોશિયલ મીડિયા પર ચાલતા બનાવટી સમાચારો વિરુદ્ધ લખી રહ્યાં હતાં. આવા જ હાલ બળાત્કારના દોષિત રામ રહીમ અને આસારામ વિરુદ્ધ રિપોર્ટિંગ કરનારા પત્રકારોના પણ થયાં હતાં.
ભારતની પ્રેસની આઝાદીના મામલે નીચે આવી રહેલા ક્રમ માટે પત્રકારો સામે થતી હિંસા જ ઘણે અંશે જવાબદાર છે. આજે પરિસ્થિતિ એ છે કે પોતાને રાષ્ટ્રવાદી ગણાવતા તત્ત્વો જેની સાથે સહમત ન હોય એવા તમામ વિચારોને રાષ્ટ્રવિરોધી ગણાવીને તેમના પર તૂટી પડે છે. આવા તત્ત્વો દ્વારા પત્રકારો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં તેમની છબી ઉપર કિચડ ઉછાડવાના અભિયાન ચલાવવામાં આવે છે અને તેમને મારી નાખવા સુદ્ધાની ધમકીઓ પણ આપવામાં આવે છે. આ બધાના કારણે મુખ્ય વિચારધારાના મીડિયામાં સ્વંય જ પોતાના ઉપર સેન્સરશીપ લગાવવાની પ્રવૃત્તિ વધી ઔરહી છે.
કેટલીક વખત માત્ર ધમકીથી જ વાત અટકતી નથી. પત્રકારોના અવાજને દબાવવા માટે ઘણી વખત કાયદાકીય પ્રક્રિયાનો સહારો પણ લેવામાં આવે છે જેમાં ફરિયાદી પક્ષ દ્વારા તેમના ઉપર રાજદ્રોહ સંબંધી ધારાઓ લગાવવામાં આવે છે. આમ તો હજુ સુધી કોઇ પત્રકારને રાજદ્રોહના મામલામાં સજા થઇ નથી પરંતુ આવા કેસોના કારણે પત્રકારો પોતે જ અમુક પ્રકારના કવરેજ કરવામાં પાછી પાની કરે છે. આજે પરિસ્થિતિ એવી છે કે દેશના ઘણાં મોટા અખબારો, મેગેઝિનો અને ન્યૂઝ ચેનલો મોટા વ્યાપારી અને ઉદ્યોગપતિઓ દ્વારા ચલાવવામાં આવે છે.
આવા મીડિયા હાઉસ માટે સમાચાર માત્ર નફો કમાવવાનું સાધન બની ચૂક્યા છે. જેના કારણે ઘણી વખત નિષ્પક્ષ સમાચાર પ્રસ્તુત કરવાના બદલે મીડિયાના મંચનો ઉપયોગ ખોટી, ભ્રામક અને આધારહીન ખબરો ફેલાવવા માટે થાય છે. ઘણાં મીડિયા તો એવા સમાચારો પ્રકાશિત કરતા હોય છે જેના કારણે અમુક રાજકીય પક્ષોને ફાયદો તો અમુકને નુકસાન થાય. છેલ્લા ચાર વર્ષ દરમિયાન આ પરિસ્થિતિમાં વધારો થયો છે. ખાસ તો અનેક મીડિયા સંસ્થાઓ સત્તાધારી પાર્ટીના પક્ષમાં અભિયાન ચલાવી રહ્યાં હોય એવું દૃશ્ય ઊભું થયું છે.
જ્યારે પણ કોઇ પત્રકારના માર્યા જવાનો બનાવ સામે આવે છે ત્યારે સરકાર તરફથી આશ્વાસન આપવામાં આવે છે કે તે પત્રકારોની સલામતિ માટે ખાસ વ્યવસ્થા ગોઠવશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે માત્ર યુદ્ધ કે સંઘર્ષ જેવી પરિસ્થિતિમાં જ નહીં, પરંતુ કોઇ ભ્રષ્ટાચાર કે ગોટાળાની ખબરોની તપાસ કરવામાં પણ પત્રકારોના જીવનું જોખમ રહેલું છે. ખરેખર તો ભારતમાં પત્રકારોને ફરજ દરમિયાન પોતાનો જીવ જોખમમાં મૂકવાની આવશ્યકતા માત્ર માઓવાદથી અસરગ્રસ્ત વિસ્તારો કે કાશ્મીરના અશાંત ક્ષેત્રોમાં હિંસક અથડામણો દરમિયાન જ નહીં, પરંતુ સામાન્ય જણાતા શહેરો અને અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં પણ રહે છે.
ખાસ કરીને આવા વિસ્તારોમાં ગુનાખોરી સાથે સંકળાયેલા તત્ત્વો અંગે જાણકારી બહાર લાવવામાં કે પછી આવા તત્ત્વો વિરુદ્ધ સાહસપૂર્વક લખનારા પત્રકારોને ક્યારેક સીધા હુમલામાં કે પછી કોઇ અકસ્માતનું સ્વરૂપ આપીને મારી નાખવામાં આવે છે. એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે પત્રકારની જવાબદારી સત્યને સામે લાવવાની છે. એ સંજોગોમાં જો કોઇ પત્રકારને હત્યા, ધાકધમકી કે અન્ય કોઇ પ્રકારે રોકવાના પ્રયાસ થાય તો તે સત્યને રૂંધવાના પ્રયાસ ગણાય. ન્યાયતંત્ર, વહીવટીતંત્ર, વિધાનમંડળને લોકશાહીના ત્રણ સ્તંભો માનવામાં આવે છે, તો વિશ્વસનિયતા અને જવાબદારીના આધારે મીડિયાને પણ લોકશાહીના ચોથા સ્તંભ તરીનવાજવામાં આવ્યો છે.
મીડિયાને આ માનવંતુ સ્થાન મળ્યું છે કારણ કે તે સમાજનો આયનો છે. વર્તમાનપત્રોમાં છપાતા સમાચારો કે ટીવી-રેડિયો પર પ્રસારિત થતી ખબરો અને ચર્ચાઓ લોકો પર એક અસર છોડતા હોય છે. આજના આ તેજ ગતિથી ભાગી રહેલા યુગમાં પણ બહુધા લોકો સવારમાં ઊઠતાની સાથે જ અખબાર હાથમાં લઇને અથવા તો ટીવી ઓન કરીને દેશદુનિયામાં શું નવાજૂની બની છે તે જાણવાની ઇંતેજારી રાખતા હોય છે. એમાંયે સ્માર્ટફોનના આ જમાનામાં તો હવે દુનિયાભરના સમાચાર આંગળીના ટેરવે રમતા હોય છે.
સમાજમાં મીડિયાની અનિવાર્યતા એટલે જરૂરી છે કે લોકશાહીના ત્રણેય સ્તંભો તો પોતાની જવાબદારી બરાબર નિભાવે છે પરંતુ આ ત્રણેય સ્તંભોને પ્રજા સાથે જોડવાનું કામ ચોથો સ્તંભ અર્થાત મીડિયા કરે છે. મીડિયા જ પ્રજાના પ્રશ્નોને વાચા આપે છે. તો સામા પક્ષે સરકાર પણ મીડિયા વગર અધૂરી છે. જો પ્રેસ નબળું પડશે તો લોકતંત્ર પણ નબળું પડશે. લોકશાહીના સુરક્ષિત રાખવા માટે જરૂરી છે કે પત્રકારોને પણ સુરક્ષા મળે.