Get The App

શિક્ષિત ગણાતા પશ્ચિમ બંગાળમાં ચૂંટણી કાયમ લોહિયાળ

- પશ્ચિમ બંગાળમાં ચોથા તબક્કાના મતદાન દરમિયાન પણ હિંસાના બનાવો

Updated: Apr 30th, 2019

GS TEAM

Google News
Google News
શિક્ષિત ગણાતા પશ્ચિમ બંગાળમાં ચૂંટણી કાયમ લોહિયાળ 1 - image


- છાશવારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ઉપર લોકશાહીને નબળી કરવાના આરોપો મૂકતા રહેલા મમતા બેનરજી પોતે પશ્ચિમ બંગાળમાં લોકતંત્રને જોખમમાં મૂકી રહ્યાં હોવાનું પ્રતીત થઇ રહ્યું છે

લોકસભાની ચૂંટણીના ચાર તબક્કાનું મતદાન પૂરું થઇ ચૂક્યું છે. દેશના મોટા ભાગના પ્રદેશોમાં મતદાન શાંતિપૂર્વક થઇ રહ્યું છે જ્યારે પશ્ચિમ બંગાળમાં મતદાન હિંસક બની રહ્યું છે. ચોથા તબક્કામાં પણ પશ્ચિમ બંગાળમાં હિંસાના બનાવો બન્યાં છે. રાજ્યમાં ચોથા તબક્કાની ચૂંટણીમાં આસનસોલની પ્રતિષ્ઠિત બેઠક પર યોજાયેલા મતદાન દરમિયાન ભાજપ અને તૃણમુલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થઇ. આસનસોલ બેઠક પરથી ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયોની કાર ઉપર તૃણમુલના ઉશ્કેરાયેલા કાર્યકરોએ હુમલો કર્યો અને કારના કાચ પણ તોડી નાખ્યાં.

પશ્ચિમ બંગાળમાં છેલ્લા ત્રણ-ચાર દાયકામાં ભાગ્યે જ કોઇ ચૂંટણી એવી પસાર થઇ છે જેમાં હિંસા ન થઇ હોય. વર્તમાન લોકસભાની ચૂંટણી પણ એમાં અપવાદ નથી. લોકસભાની ચૂંટણીના ચાર તબક્કા દરમિયાન દેશના મોટા ભાગના રાજ્યોમાં થઇ રહેલા શાંતિપૂર્ણ મતદાનથી ઉલટ પશ્ચિમ બંગાળમાં દરેક તબક્કાના મતદાન સાથે હિંસાના બનાવો વધી રહ્યાં છે.

ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળની ૪૨ બેઠકો ઉપર સાત તબક્કા દરમિયાન મતદાન યોજવાની જાહેરાત કરી ત્યારે ભારે ઉહાપોહ થયો હતો. જોકે સત્તાધારી ભાજપે ચૂંટણી પંચના આ નિર્ણયનો બચાવ કરતા કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સાવ ઠપ થઇ ગઇ છે. 

હાલ ચાલી રહેલી લોકસભાની ચૂંટણીમાં દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં પશ્ચિમ બંગાળમાં જે રીતે હિંસાના બનાવો નોંધાઇ રહ્યાં છે એ જોતાં તો ત્યાં સંપૂર્ણ રીતે સ્વતંત્ર અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરાવવું ચૂંટણી પંચ સમક્ષ મોટા પડકારસમાન છે. આમ તો એવી આશંકા પહેલેથી જ હતી કે પશ્ચિમ બંગાળમાં મતદાન બાધિત કરવાની કે મતદારોને ડરાવવા ધમકાવવાના ઉદ્દેશથી હિંસક ઘટનાઓ થઇ શકે છે. આવા અંદેશાને ધ્યાનમાં રાખીને જ રાજ્યની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. તેમ છતાં મતદાનના દરેક તબક્કા દરમિયાન રાજ્યમાં હિંસાના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. 

જે રીતે પશ્ચિમ બંગાળમાં મતદાન દરમિયાન હિંસાના બનાવો નોંધાઇ રહ્યાં છે એ જોતાં તો રાજ્યમાં સાત તબક્કામાં ચૂંટણી યોજવાનો ચૂંટણી પંચનો નિર્ણય યોગ્ય જણાઇ રહ્યો છે. રાજ્યમાં પહેલા તબક્કાની ચૂંટણી દરમિયાન બે બેઠકો પર મતદાન દરમિયાન છૂટીછવાઇ હિંસાના સમાચાર હતાં.

તો બીજા તબક્કાના મતદાનમાં તો રાજ્યમાં હિંસામાં ભારે ઉછાળો નોંધાયો. માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના ઉમેદવાર મોહમ્મદ સલીમ પર કથિત રીતે તૃણમુલના કાર્યકરોએ હુમલો કર્યો. તેમણે તો રાયગંજ સંસદીય ક્ષેત્રમાં ફરી વખત ચૂંટણી યોજવાની માંગ પણ કરી.

તો બીજા જ તબક્કા દરમિયાન દાર્જિલિંગની પ્રતિષ્ઠિત બેઠક ઉપર સૌથી વધારે હિંસાના બનાવો બન્યાં. મતદારો તો એ હદે ભયગ્રસ્ત બન્યાં કે તેમણે પોતાની સુરક્ષા માટે તમામ મતદાન કેન્દ્રો પર સીઆરપીએફના જવાનો તૈનાત કરવાની માંગ કરી. કેટલાંક ગ્રામજનોએ તો તૃણમુલ કોંગ્રેસના ગુંડાઓ દ્વારા ધમકી આપવાની ફરિયાદ કરી. 

ત્રીજા તબક્કાના મતદાનમાં તો હિંસા એ હદે પહોંચી કે મુર્શીદાબાદમાં એક જણાની હત્યા કરવામાં આવી. જંગીપુર, માલદા અને મુર્શીદાબાદમાં ગોળીબાર થયાં. રાજ્યના બાકીની ભાગોમાં પણ છૂટીછવાઇ હિંસા, રાજકીય પાર્ટીઓના કાર્યકરો વચ્ચે અથડામણ અને મતદારોને ડરાવવા ધમકાવવાની વાતો પણ આવી. તૃણમુલ, કોંગ્રેસ અને ભાજપના અનેક કાર્યકરો ઇજાગ્રસ્ત થયા. હકીકતમાં પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન જે રીતે હિંસાના બનાવો નોંધાઇ રહ્યાં છે એ જોતાં એક સમયના બિહારના જંગલરાજની યાદ આવે છે. 

પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાનો ઇતિહાસ ઘણો જૂનો છે. રાજ્યમાં સરકારો બદલાતી રહી પરંતુ હિંસાની પરંપરામાં કોઇ બદલાવ આવ્યો નથી. દેશની આઝાદી પહેલાં જ બંગાળની રાજનીતિ ઉપર હિંસાનો ઓછાયો રહ્યો છે. વર્ષ ૧૯૪૬માં કોલકાતામાં થયેલી સામૂહિક હત્યાઓ, સિત્તેરના દાયકાની શરૂઆતમાં નક્સલ આંદોલન અને એ પછી લેફ્ટ સરકાર દરમિયાન મરીચઝાંપી જેવા સામૂહિક હત્યાકાંડના બનાવો પશ્ચિમ બંગાળની રાજનીતિ ઉપર કાળા ધબ્બાસમાન છે.

ખાસ વાત એ કે તમામ રાજકીય પક્ષો પોતાને ઉજળા બતાવતા વિરોધી દળોને જ આરોપીના પાંજરામાં ખડા કરતાં રહ્યાં છે. આ મામલામાં વર્તમાન મુખ્યમંત્રી અને રાજ્યમાં સત્તાધારી તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનરજી પણ અપવાદ નથી.

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસની સરકાર રચાઇ એના પહેલા દાયકાઓ સુધી રાજ્યમાં ડાબેરી શાસન હતું. કહેવાય છે કે એ સમયે આ ડાબેરી પક્ષોના કાર્યકરો ઉપર ચૂંટણી હિંસા, ધાકધમકી, મતદાનમાં ગેરરીતિ જેવા આરોપ લાગતા હતાં.

ક્યારેક ડાબેરીઓના આવા વલણના ધૂર વિરોધી રહેલા મમતા બેનરજીના પક્ષ ઉપર આજે એવા જ આરોપો લાગી રહ્યાં છે. વિશ્લેષકોના મતે પહેલા રાજ્યમાં ડાબેરી પક્ષોના કથિત ગુંડાતત્ત્વો દ્વારા કાયદો અને વ્યવસ્થા ખોરવવામાં આવતા હતાં અને આજે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો દ્વારા એ જ હાલ કરવામાં આવી રહ્યાં છે. પશ્ચિમ બંગાળમાં માત્ર શાસન કરનાર રાજકીય પક્ષ બદલાયો છે પરંતુ ચૂંટણી દરમિયાન વ્યાપકપણે આચરવામાં આવતી ગેરરીતિ અને અવ્યવસ્થા જેમની તેમ રહી છે. 

જાણકારોના મતે રાજ્યમાં ચૂંટણી દરમિયાન હિંસા તો પહેલેથી જ થતી રહી છે પરંતુ એંસીના દાયકા બાદ હિંસા કરવામાં સૌથી મોટો હાથ સત્તાધારી પાર્ટીઓના કથિત ગુંડાતત્ત્વોનો રહ્યો છે. આઝાદી બાદ કોંગ્રેસ સમર્થિત જમીનદારો વિરુદ્ધ મોટા પાયે ખેડૂત આંદોલનો થયા. જમીનદારી પ્રથા ખતમ થયા બાદ સીપીએમને રાજ્યમાં પગ જમાવવાનો મોકો મળ્યો.

લેફ્ટના સત્તામાં આવ્યા બાદ એકાદ દાયકા સુધી રાજકીય હિંસાનો દોર ચાલ્યો પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં લેફ્ટની પક્કડ મજબૂત થયા બાદ હિંસામાં ઘટાડો નોંધાયો. એ વખતે કોંગ્રેસ નબળી પડવા લાગી હતી. પરંતુ વર્ષ ૧૯૯૮માં મમતા બેનરજી દ્વારા તૃણમુલ કોંગ્રેસની રચના બાદ રાજ્યમાં વર્ચસ્વની લડાઇનો નવેસરથી આરંભ થયો અને હિંસાના બનાવોમાં પણ ઉછાળો આવ્યો. 

એ જ વર્ષે યોજાયેલી પંચાયતી ચૂંટણીઓ દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે હિંસા થઇ. એ પછી રાજ્યના જુદાં જુદાં વિસ્તારોમાં જમીન અધિગ્રહણસહિતના જુદાં જુદાં મુદ્દે થયેલા આંદોલનો અને માઓવાદીઓની વધી રહેલી સક્રિયતાના કારણે ફરી વખત લોહિયાળ હિંસાનો દોર શરૂ થયો જે હજુ સુધી ચાલી રહ્યો છે.

આંદોલનો અને રાજકીય હિંસાના કારણે રાજ્યમાં લેફ્ટના હાથમાંથી સત્તા જઇ રહી હતી અને મમતા બેનરજી મજબૂત બની રહ્યાં હતાં. હવે એ જ પરિસ્થિતિનું પુનરાવર્તન થઇ રહ્યું છે. રાજ્યમાં ભાજપ ઉત્તરોત્તર મજબૂત બની રહ્યો છે અને તેની તૃણમુલ કોંગ્રેસ સાથેની વર્ચસ્વની લડાઇ રાજકીય હિંસાની આગમાં ઘી હોમવાનું કામ કરી રહી છે. 

પશ્ચિમ બંગાળમાં ગયા વર્ષે યોજાયેલી પંચાયતી ચૂંટણીમાં પણ વ્યાપકપણે હિંસા થઇ હતી. રાજ્યની લગભગ ત્રીજા ભાગની બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતાં. અને આશ્વર્યની વાત એ હતી કે બિનહરીફ ચૂંટાયેલા આ તમામ ઉમેદવારો એક જ પક્ષના હતા અને એ પક્ષ હતો મમતા બેનર્જીનો તૃણમુલ કોંગ્રેસ. રાજ્યમાં વિપક્ષ તરીકે રહેલા કોંગ્રેસ, સીપીએમ અને ભાજપે આરોપ મૂક્યા હતાં કે તૃણમુલ કોંગ્રેસના કાર્યકરોની દાદાગીરી અને ધાકધમકીના કારણે તેમના પક્ષના ઉમેદવારો ઉમેદવારીપત્ર જ ભરી શક્યા નહીં.

રાજ્યમાં પંચાયતી ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થતાની સાથે જ પ્રદેશમાં રાજકીય પક્ષો વચ્ચે હિંસક અથડામણના બનાવો વધવા લાગ્યાં. વિપક્ષોએ આરોપ મૂક્યાં કે તેમના ઉમેદવારોને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ ઉમેદવારીપત્રક ભરતા રોક્યાં. ભાજપે તો આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ઉઠાવ્યો. 

જોવા જેવી વાત એ છે કે છાશવારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ઉપર લોકશાહીને નબળી કરવાના આરોપો મૂકતા રહેલા મમતા બેનરજી હવે પશ્ચિમ બંગાળમાં જ લોકતંત્રને જોખમમાં મૂકી રહ્યાં હોવાનું પ્રતીત થઇ રહ્યું છે. માત્ર ભાજપ જ નહીં, કોંગ્રેસ અને ડાબેરીઓ પણ મમતા બેનરજીની સરકાર લોકતંત્રની હત્યા કરી રહી હોવાના આરોપ મૂકી ચૂક્યાં છે. જાણકારોના મતે તો ડાબેરીઓના શાસન દરમિયાન શરૂ થયેલો હિંસાનો દોર મમતા બેનરજીના રાજમાં પરાકાષ્ઠાએ જઇ રહ્યો છે. 

સવાલ એ છે કે લોકશાહીના માળખાને બચાવી રાખવા માટે યોજાતી ચૂંટણીઓમાં સામેલ થતી રાજકીય પાર્ટીઓ પોતાના કાર્યકરોને એ વાત નથી સમજાવી શકતી કે હિંસાનો નાનકડો બનાવ પણ મતદાન પ્રક્રિયાને અસર કરીને લોકશાહીને જ નબળી બનાવે છે? ઉલટું, ઠેકઠેકાણે રાજકીય પક્ષો પોતાની તરફેણમાં મતદાન કરાવવા માટે મતદારોને જુદી જુદી રીતે પ્રભાવિત કરવા માટે લાલચથી લઇને ધાકધમકી સુદ્ધાં આપે છે. હકીકતમાં રાજકીય પક્ષોએ હિંસક પરિસ્થિતિ ઊભી જ થાય એવા પ્રયાસો કરવા જોઇએ એના બદલે તેમના સમર્થકો જ હિંસામાં સામેલ થઇ જાય છે.

જો રાજકીય પક્ષોને પોતાના સમર્થકો દ્વારા આચરવામાં આવતી હિંસા પ્રત્યે કોઇ વાંધો ન હોય તો એનો અર્થ તો એ જ નીકળે છે કે તેઓ જ અરાજકતા ફેલાવતા તત્ત્વોને પોષે છે. જો આ પ્રવૃત્તિ સમયસર રોકવામાં ન આવી તો આગળ જતાં એ લોકશાહી માટે ઘાતક પુરવાર થશે. લોકોના મત આપવાના અધિકારનું હનન થતું રહેશે તો છેવટે સંસદમાં અરાજક તત્ત્વો જ પહોંચી જશે અને દેશ ચલાવશે. 

Tags :