Get The App

હોંગકોંગ જેવી આગ ભારતમાં લાગે તો મોટી જાનહાની થઈ શકે

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
હોંગકોંગ જેવી આગ ભારતમાં લાગે તો મોટી જાનહાની થઈ શકે 1 - image


- વાંસના માંચડા, પ્લાસ્ટિકની શીટ્સ અને ફ્લેટની ખાલી જગ્યામાં પડેલો ભંગાર આગ લાગશે ત્યારે હજારોના જીવ લેશે 

- ઈમારતની બહાર વાંસના મોટા મોટા માંચડા બનાવાયા હતા. તે ઉપરાંત દરેક મકાનની બહાર એરકંડિશનરની પાઈપો અને તેની ઉપર લગાવેલા પ્લાસ્ટિકના કવર તથા ઈમારતમાં જ્યાં ત્યા પડેલી નકામી વસ્તુઓએ આગને ઈંધણ પૂરું પાડયું અને ચાર મિનિટમાં આગ ૩૧મા માળ સુધી ફેલાઈ ગઈ ઃ અમદાવાદમાં જ અંદાજે ૫૦થી વધારે ઉંચી ઈમારતો છે જે ૧૫ માળની છે. તે ઉપરાંત ૨૫ માળથી ૪૮ માળ સુધીની ૧૭ જેટલી ઈમારતો છે. આખા ગુજરાતમાં તો હવે આવી ઈમારતોનો આંકડો જોવા જઈએ તો ૨૦૦ને પાર જાય તેમ છે : ભારતમાં આ વર્ષે ૨૭,૦૨૭ લોકો આગની ઘટનાઓમાં જીવ ગુમાવી ચુક્યા છે. ગુજરાતમાં જ્યાં નાનકડી ચાર માળની હોસ્પિટલ, મકાનો અને કોમ્પ્લેક્સમાં આગ લાગે તો પંદર-વીસ લોકોનાં ભોગ લેવાઈ જાય છે ત્યાં વિશાળ ઈમારતોમાં આગ લાગશે ત્યારે કેવી હાલત થશે તે વિચારીને પણ કંપારી છુટી જાય તેમ છે 

હોંગકોંગમાં તાજેતરમાં એક વિશાળ એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી હતી. તેમાં ૯૪ લોકોનાં મોત થયા છે અને ૧૦૦થી વધારે લોકો હજી લાપતા છે. તે ઉપરાંત ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે અને દાઝી ગયા છે. મોટી બાબત એ છે કે, હોંગકોંકમાં લગભગ ૮૦ વર્ષમાં પહેલી વખત આટલી મોટી આગ લાગી છે અને તેના કારણે મોટી સંખ્યામાં જાનહાની થઈ છે. આ પહેલાં ૧૯૯૬માં ગાર્લે બિલ્ડિંગમાં આગ લાગી હતી જેમાં ૪૧ લોકો હોમાયા હતા. તેને અત્યાર સુધી હોંગકોંગની સૌથી ભયાનક આગ માનવામાં આવતી હતી પણ બુધવારે બનેલી ઘટનાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને ઈતિહાસની સૌથી ગમખ્વાર ઘટના બની ગઈ છે. 

જાણકારો માને છે કે, ભલે હાલમાં આગ લાગવાના નક્કર કારણો સામે નથી આવ્યા પણ સામે જે છે તે ખૂબ જ જોખમી છે. વાત એવી છે કે, ઈમારતના ૮મા માળે આગ લાગી હતી અને તે ગણતરીની ૪-૫ મિનિટમાં ૩૧મા માળ સુધી ફેલાઈ ગઈ હતી. જાણકારો કહે છે કે, ઈમારતની બહાર વાંસના મોટા મોટા માંચડા બનાવાયા હતા. તે ઉપરાંત દરેક મકાનની બહાર એરકંડિશનરની પાઈપો અને તેની ઉપર લગાવેલા પ્લાસ્ટિકના કવર તથા ઈમારતમાં જ્યાં ત્યા પડેલી નકામી વસ્તુઓએ આગને ઈંધણ પૂરું પાડયંા અને જોતજોતામાં સમગ્ર ઈમારત આગની ચપેટમાં આવી ગયું. 

ઉલ્લેખનીય છે કે, આ ઘટનાએ ભારત માટે લાલ બત્તી બતાવી દીધી છે. ભારતમાં ખૂબ જ ઝડપથી હાઈરાઈઝ બિલ્ડિંગો બની રહી છે, સ્કાય સ્ક્રેપર્સ બનાવવાની હોડ ચાલી રહી છે. મુંબઈ, દિલ્હી, બેંગ્લુરુ, હૈદરબાદ, ચેન્નઈ, અમદાવાદ જેવા શહેરોમાં ખૂબ જ ઝડપથી ઉંચા ઉંચા બિલ્ડિંગો બની રહ્યા છે પણ તેની સુરક્ષાની વ્યવસ્થા એટલી ઉંચાઈ ઉપર જઈ રહી નથી. અમદાવાદમાં જ અંદાજે ૫૦થી વધારે ઉંચી ઈમારતો છે જે ૧૫ માળની છે. તે ઉપરાંત ૨૫ માળથી ૪૮ માળ સુધીની ૧૭ જેટલી ઈમારતો છે. આખા ગુજરાતમાં તો હવે આવી ઈમારતોનો આંકડો જોવા જઈએ તો ૨૦૦ને પાર જાય તેમ છે. મહત્ત્વની વાત એ છે કે, ભારતમાં જે રીતે ઝડપથી લાઈફસ્ટાઈલ બદલાઈ રહી છે તે જોતાં ભારતના શહેરોમાં મોટા મકાનો બની રહ્યા છે. તે ઉપરાંત મકાનોમાં ભીષણ આગ લાગવાની ઘટનાઓ પણ વધી રહી છે. આ ઈમારતોમાં સુરક્ષાના નિયમો નેવે મુકાયા હોવાની અવારનવાર ઘટનાઓ સામે આવે છે પણ તંત્ર કોઈ નક્કર પગલાં લેતું નથી અને લોકો પણ તેના તરફ ખાસ ધ્યાન આપતા નથી. ભારતમાં આ વર્ષે ૨૭,૦૨૭ લોકો આગની ઘટનાઓમાં જીવ ગુમાવી ચુક્યા છે. તેમાં સૌથી વધારે વૃદ્ધો અને બાળકોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં જ્યાં નાનકડી ચાર માળની હોસ્પિટલ, મકાનો અને કોમ્પ્લેક્સમાં આગ લાગે તો પંદર-વીસ લોકોનાં ભોગ લેવાઈ જાય છે ત્યાં વિશાળ ઈમારતોમાં આગ લાગશે ત્યારે કેવી હાલત થશે તે વિચારીને પણ કંપારી છુટી જાય તેમ છે. 

જાણકારો માને છે કે, ભારતમાં ઈમારતોમાં સુરક્ષાના નિયમોનું યોગ્ય રીતે પાલન થતું જ નથી. તેની ચકાસણી પણ યોગ્ય રીતે થતી નથી. મોટાભાગની કોમર્શિયલ અને રેસિડેન્શિયલ ઈમારતોમાં જ્યાં સુધી મોટી જાનહાની ન થાય ત્યાં સુધી કોઈ તપાસ થતી નથી. માત્ર દેખાડા પૂરતા સર્ટિફિકેટ જારી કરી દેવાય છે. લેભાગુ અને લાંચિયા અધિકારીઓના મેળાપીપણાથી સમગ્ર તંત્ર કામ કરતું હોય છે. નેશલન બિલ્ડિંગ કોડ હેઠળ ઉંચી ઈમારતોમાં સ્પ્રિંકલર સિસ્ટમ, ફાયર એલાર્મ, સ્મોક પ્રૂફ સીડીઓ વગેરે નિયમો બનાવાયેલા છે પણ મોટાભાગની ઈમારતોમાં તેનું પાલન થતું જ નથી. કદાચ કરવામાં આવે તો શરૂઆતના બે-ચાર વર્ષ થાય છે પછી સમગ્ર સિસ્ટમ પડી ભાંગી હોય છે. જાણકારો માને છે કે, ભારતમાં ફાયર સેફ્ટિની ચકાસણી માત્ર મકાન બનવા સમયે એક જ વખત થતી હોય છે. ત્યારબાદ લેતીદેતીના આધારે રિન્યૂઅલ સિસ્ટમ ચાલતી હોય છે. મોટાભાગે ઈમારતોમાં ફાયર ડ્રીલ થતી જ નથી અને જ્યાં થાય છે ત્યાં માત્ર મનોરંજનનું સાધન બનાવીને તેને ગંભીરતાથી લેવાતી નથી. લોકોને ઈમર્જન્સીમાં કેવી રીતે રિએક્ટ કરવું, ક્યાં જવું, ક્યાં ભેગા થવું તેની કોઈ માહિતી કે માર્ગદર્શન હોતા જ નથી.

મહત્ત્વની વાત એ છે કે, આ સ્થિતિમાં અને સિસ્ટમમાં ફેરફાર કરવાની તાતી જરૂરિયાત છે. જાણકારો માને છે કે, જ્યારે મોટી મોટી ઈમારતોનું રિપેરિંગ કરવામાં આવે ત્યારે એવી સામગ્રીનો ઉપયોગ કરવા ઉપર ભાર મુકવો જોઈએ જે આગ વિરોધી હોય અથવા તો આગ માટે તે ઈંધણનું કામ ન કરે. ઉંચી ઉંચી ઈમારતો ઉપર જે પ્લાસ્કિટની શીટ્સ અને પ્લાસ્ટિકની લીલી નેટ્સ નાખવામાં આવે છે તેના ઉપર પ્રતિબંધ મુકવામાં આવે. આગ વિરોધી મટિરિયલથી બનેલી શીટ્સ અથવા નેટનો ઉપયોગ કરવાને પ્રાધાન્ય આપવું જોઈએ. દર વર્ષે ફારય ડ્રીલ કરવી, સેફ્ટિ ઓડિટ કરવા ફરજિયાત કરવા જોઈએ. દરેક સોસાયટી, ઈમારત કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ માટે તે ફરજિયાત બનાવવું જોઈએ. બીજી તરફ ફાયર વિભાગે પણ સતત તેના ચકાસણી અને માર્ગદર્શન પૂરા પાડતા રહેવું જોઈએ. લોકો સજાગ નહીં થાય અને તંત્ર ભ્રષ્ટાચાર મુક્ત નહીં થાય ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે. ભારત જેવા શહેરમાં જ્યાં તમામ નિયમોને ભ્રષ્ટાચારના પડદા પાછળ ઢાંકી દેવાય છે ત્યાં આવી ઘટનાઓ ભયાનક અને મોટી જાનહાની પેદા કરનારી બની શકે છે. જો મોટી મોટી ઈમારતો બનાવવી હશે તો તેની સુરક્ષાના નિયમો અને સંસાધનો પણ મજબૂત રાખવા પડશે નહીંતર હજારો જિંદગીઓ જોખમમાં મુકાશે. 

- વાંસનો ઉપયોગ સદીઓથી થાય છે પણ તેના જોખમોને અવગણવા ન જોઈએ 

જાણકારો માને છે કે, વાંસ એક એવું સંસાધન છે જે ઈમારતોના બાંધકામમાં, રિપેરિંગમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એન્જિનિયરિંગ અને ઈકોનોમિક્સ મામલે પણ તેનો ઈતિહાસ રસપ્રદ છે. મૂળ વાત એવી છે કે, સસ્તુ પડે, ટકાઉ છે બધી જ વાત બરોબર પણ જ્યારે આગ જેવી ઘટનાની વાત આવે ત્યારે તેના ઉપર ધ્યાન કેન્દ્રીત કરવું જ પડે. મોટાભાગના શહેરોમાં કે ગામડામાં મકાન બનાવવા કે રિપેરિંગ દરમિયાન વાંસના માંચડા જ બાંધવામાં આવે છે. વાંસ એક એવું ઘાસ છે જે અંદરથી ખોખલું, નળી જેવું ખૂબ જ લચકદાર હોય છે. તેને યોગ્ય રીતે બાંધવામાં આવે તો તે અત્યંત મજબૂત માળખું બનાવી શકે છે. ઈમારતોમાં તેનો જ ઉપયોગ થાય છે. આ વાંસના માંચડાના મુખ્ય બે જોખમો રહેલા છે. તેમાં સૌથી પહેલાં તો આગ લાગવાનું જોખમ છે. હોંગકોંગ જેવી ઘટના કે તેના સૌથી મોટા જોખમને રજૂ કરે છે. સુકા વાંસ અત્યંત જ્વલનશીલ હોય છે. આવા વાંસને મોટાભાગે કાથીની દોરીથી બાંધવામાં આવે છે અને તેની ઉપર પ્લાસ્ટિકની શીટ્સ પાથવામાં આવતી હોય છે. તેના કારણે સમગ્ર માળખું જ્વલનશીલ સાબિત થઈ જાય છે. હોંગકોંગની ઘટનાની વીડિયો સામે આવ્યા તેમાં સ્પષ્ટ જણાયું કે, આગ કેટલી ઝડપથી ઉપરની તરફ ગતિ કરી ગઈ હતી. જો આ વાંસના ઉપયોગ દરમિયાન જ્વલનશીલ ન હોય અથવા તો આગ વિરોધી હોય તેવા સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો કદાચ આટલી મોટી દુર્ઘટના ન બની હોત. બીજી ભુલ એ થાય કે, વાંસના માંચડા સળંગ ઉપર સુધી ખેંચી જવામાં આવે છે. તેની ડિઝાઈન થોડી સુધારીને થોડા થોડા અંતર માંચડા બનાવાય તો બધા આગની ઝપેટથી કદાચ બચી જાય. એકની આગ બીજા સુધી ન ફેલાય અને સમગ્ર માળખું આગની જ્વાળામાં ન લપેટાઈ જાય. આ એવી બાબતો છે જેનું કડકાઈથી અમલીકરણ કરવામાં આવે અને તેના વિશે પૂરતું માર્ગદર્શન આપવામાં આવે તો જ શક્ય બનશે. બાકી ભારત જેવા દેશમાં માત્ર કહેવાતા નિયમો જારી કરી દેવાથી કોઈ લાભ થવાનો નથી. 

- ભારતમાં ઉંચી ઈમારતો સુધી ફાયરબ્રિગેડ પહોંચી શકતું જ નથી 

ભારતમાં આગ લાગવાની ઘટનાઓ તો અવારનવાર બનતી જ રહે છે. મોટાભાગના કિસ્સામાં એવું બને છે કે, ફાયરબ્રિગેડ જ્યાં આગ લાગી છે ત્યાં પહોંચી જાય છે પણ બચાવકાર્ય યોગ્ય રીતે કરી શકતી નથી. કેટલાક કિસ્સામાં ઈમારતોની ઉંચાઈ એટલી હોય છે કે, ફાયરબ્રિગેડ ત્યાં સુધી પહોંચી શકતી જ નથી. ૨૦ માળની ઈમારતમાં આગ લાગે ત્યારે ફાયર વિભાગના સંસાધનો અને સાધનો ટાંચા સાબિત થાય છે. આ સંજોગોમાં ઈમરતાની પોતાની ફાયર સેફ્ટિ સિસ્ટમ ઉપર પણ સવાલો ઊભા થાય છે. સુરક્ષા જાણકારો માને છે કે, આપણી ઈમારતોમાં એવી ઘણી વસ્તુઓ પડી હોય છે જે આગને વધુ પ્રજ્વલિત થવાનો અવરસ અને સાથ પૂરા પાડે છે. મોટાભાગે મકાનનું રિપેરિંગ ચાલતું હોય ત્યારે વાંસના માંચડા, લીલી નેટ, પ્લાસ્ટિકની શિટ્સ, આ બધું જ અત્યંત જ્વલનશીલ હોય છે જે આગને ઝપડથી ઉપર તરફ જવા મદદ કરે છે. આ ઉપરાંત ઈમારતોની બહાર લાગેલા એસી કોમ્પ્રેસરમાંથી આવતી અને જતી પ્લાસ્ટિકની પાઈપો, બાલ્કનીઓ અને અન્ય ખાલી જગ્યાઓમાં પડી રહેલી વસ્તુઓ, ભંગાર, જૂના ફર્નિચર, કાર્ડબોર્ડ, ડબ્બા, પ્લાસ્ટિકનો સામાન વગેરે પણ ઈંધણનું કામ કરે છે. જેને આપણે ચિમની ઈફેક્ટ કહીએ છીએ તે પણ મોટી ઈમારતોમાં લાગુ પડે છે. સીડીઓ, લિફ્ટ શાફ્ટ અને વેન્ટિલેશન માટેની જગ્યાઓ ધુમાડા અને આગને ઝડપથી ઉપરની તરફ લઈ જાય છે. તેથી જ ગણતરીની મિનિટોમાં સમગ્ર ઈમારત આગની જ્વાળામાં લપેટાઈ જાય છે. તે ઉપરાંત મોટાભાગની ઈમારતોમાં ફાયર એક્ઝિટ માત્ર નામનું જ હોય છે. ઈમારતોમાં જવા-આવવાના એક જ રસ્તા હોય છે જેથી લોકો બહાર નીકળી શકતા જ નથી. ઘણી સોસાયટીઓમાં ઈમર્જન્સી એક્ઝિટ હોય છે પણ સુરક્ષાના નામે તે બધા દરવાજા અને વ્યવસ્થા બંધ કરી દેવાયા હોય છે તેના કારણે પણ આગ લાગવાની ઘટનાઓમાં મોટી જાનહાની અને નુકસાન ભોગવવાના આવે છે.


Tags :