Get The App

સાઉદીએ અમેરિકા કરતા બમણા ભારતીયોને ડિપોર્ટ કર્યા

Updated: Feb 8th, 2026

GS TEAM

Google News
Google News
સાઉદીએ અમેરિકા કરતા બમણા ભારતીયોને ડિપોર્ટ કર્યા 1 - image

- વાહવાહીની દાંડી પીટતા વિદેશમંત્રીનું કંઈ ઉપજતું નથી : સાઉદીએ ગત વર્ષે 13,000 ભારતીયોને ડિપોર્ટ કર્યા

- સાઉદી દ્વારા ગત વર્ષે 13,256 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં રિયાધ ખાતેથી 4,335 ભારતીયોને તથા જેદ્દાહથી 8,921 ભારતીયોને ડિપોર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. યુએઆઈ દ્વારા અબુધાબી ખાતેથી 1,662 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત દુબઈ ખાતેથી 7,896 ભારતીયોને પરત મોકલવામાં આવ્યા હતા : 3,800 ગેરકાયદે ભારતીયોને અમેરિકા દ્વારા 2025માં ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. ગત ડિસેમ્બરમાં વોશિંગ્ટન દ્વારા ગેરકાયદે રહેતા 3,414 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા તેમનો પણ ઉપરોક્ત આંકડામાં સમાવેશ થતો હતો. તેમાં હ્યુસ્ટન દ્વારા 234, સાન ફ્રાન્સિસ્કો દ્વારા 49, ન્યૂયોર્ક દ્વારા 47, એટલાન્ટા દ્વારા 31 અને સીએટલ દ્વારા 31 ભારતીયોને પાછા કાઢવામાં આવ્યા હતા : ગત વર્ષે 1993 ભારતીયોની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી. મહત્ત્વની વાત એ છે કે, આ રીતે પકડાયેલા અંદાજે 2000 લોકોમાંથી 1,669 લોકો સામે કોઈ ક્રિમિનલ કેસ બનતો નહોતો

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળી ત્યારે કહ્યું હતું કે, ટૂંક સમયમાં ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ ઉપર પસ્તાળ પાડવામાં આવશે. તેમની સામે આકરા પગલાં લેવામાં આવશે. આ વાતનો તેમણે સાર્થક કરતા ગત વર્ષે ઘણા ભારતીયોને ડિપોર્ટ કર્યા હતા. અમેરિકા દ્વારા જે ભારતીયોને પરત મોકલવામાં આવ્યા હતા તેનો આંકડો ખૂબ જ નાનો છે. દુનિયાને એવા નાના દેશો છે જ્યાં મોટી સંખ્યામાં ભારતીયોને તગેડી મુકવામાં આવ્યા છે, ડિપોર્ટ કરવામાં આવ્યા છે. અમેરિકા દ્વારા ભારતીયોને બેડીઓ પહેરાવીને, સાંકળોમાં બાંધીને જાણે કે આતંકવાદી હોય તે રીતે ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. તેના કારણે વિશ્વભરમાં હોબાળો મચ્યો હતો. આંચકાજનક વાત એવી છે કે, સમગ્ર વિશ્વમાં વિશ્વગુરુ હોવાની વાતો લઈને ફરતા વિદેશમંત્રાલયનું કશું જ ઉપજ્યું નહોતું. ટ્રમ્પ અને અમેરિકા દ્વારા છડેચોક ભારતીયોનું અપમાન કરવામાં આવ્યા છતાં વિદેશમંત્રાલયે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. બીજી આંચકાજનક અને ચિંતાજનક વાત એવી છે કે, તાજેતરમાં સરકારે જ સ્વીકાર્યું છે કે, ગત વર્ષે હજારોની સંખ્યામાં ભારતીયોને વિવિધ દેશો દ્વારા ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. તેમાં અમેરિકાનો આંકડો નાનો છે. અમેરિકા દ્વારા જે ભારતીયોને ડિપોર્ટ કરાયા તેના કરતા બમણી સંખ્યામાં સાઉદી દ્વારા ભારતીયોને હાંકી કાઢવામાં આવ્યા હતા.

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ રાજ્યસભામાં આ અંગે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં જણાવાયું હતું કે, અમેરિકા દ્વારા ૨૦૨૫માં ૩૮૦૦ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસી સાંસદ રણદીપસિંહે સુરજેવાલા દ્વારા કરવામાં આવેલા સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, અમેરિકામાંથી અંદાજે ચાર હજારની આસપાસ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત સરકારે એવું પણ જણાવ્યું કે, સાઉદી અને યુએઈમાંથી ડિપોર્ટ થનારા ભારતીયોનો આંકડો અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો કરતા ઘણો મોટો અને વધારે છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના સાંસદ રણદીપસિંહ સુરજેવાલાએ સવાલ કર્યો હતો કે, છેલ્લાં પાંચ વર્ષમાં કેટલા ભારતીયોને અમેરિકા તથા અન્ય દેશો દ્વારા ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. ભારત દ્વારા ગેરકાયદે રસ્તે ભારતીયોને વિદેશ જતા રોકવા માટે કેવા પગલાં લેવામાં આવ્યા છે. ખાસ કરીને ઉત્તર અમેરિકામાં ઘુસણખોરી કરવા માટે ડંકી રૂટનો ઉપયોગ કરનારા કેટલા ભારતીયોને અટકાવવામાં આવ્યા છે અથવા તો આ રૂટ ઓપરેટ કરતા ઓપરેટર્સને અકાયતમાં લેવામાં આવ્યા છે. ગેરકાયદે ઈમિગ્રેશન વિશે ભારત સરકારે શું પગલા લીધા છે.

વિદેશી બાબતોના રાજ્યકક્ષાના મંત્રી કિર્તી વર્ધનસિંહે આ અંગે જવાબ આપતા વિગતો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે, ૩,૮૦૦ ગેરકાયદે ભારતીયોને અમેરિકા દ્વારા ૨૦૨૫માં ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. ગત ડિસેમ્બરમાં વોશિંગ્ટન દ્વારા ગેરકાયદે રહેતા ૩,૪૧૪ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા તેમનો પણ ઉપરોક્ત આંકડામાં સમાવેશ થતો હતો. તેમાં વધુમાં જણાવાયું હતું કે, હ્યુસ્ટન દ્વારા ૨૩૪, સાન ફ્રાન્સિસ્કો દ્વારા ૪૯, ન્યૂયોર્ક દ્વારા ૪૭, એટલાન્ટા દ્વારા ૩૧ અને સીએટલ દ્વારા ૩૧ ભારતીયોને પાછા કાઢવામાં આવ્યા હતા. આ સિવાયના રાજ્યો અને શહેરોમાંથી છુટાછવાયા લોકોને શોધીને તેમને ભારત રવાના કરાયા હતા.ઉલ્લેખનીય છે કે, ૨૦૨૫માં ભારતીયોને ડિપોર્ટ કરવાનો અમેરિકાનો આ આંકડો નાનો છે. ગત વર્ષે સાઉદી અરેબિયા અને યુએઈ દ્વારા સૌથી વધારે ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. તેમાં પણ સાઉદી દ્વારા સૌથી વધારે ભારતીયોને પરત મોકલાયા હતા. સાઉદી દ્વારા ગત વર્ષે ૧૩,૨૫૬ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. બીજી તરફ રિયાધ ખાતેથી ૪,૩૩૫ ભારતીયોને વતનની વાટ પકડાવવામાં આવી હતી. એક અહેવાલ પ્રમાણે જેદ્દાહમાં આવેલા ભારતીય દૂતાવાસ થકી જ ૮,૯૨૧ ભારતીયોને ડિપોર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સિવાય યુએઆઈ દ્વારા અબુધાબી ખાતેથી ૧,૬૬૨ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત દુબઈ ખાતેથી ૭,૮૯૬ ભારતીયોને પરત મોકલવામાં આવ્યા હતા. આ સિવાય મલેશિયા, મ્યાંમાર અને પાડોશી દેશ ચીન દ્વારા પણ ઘણા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.સરકારી અહવાલો જણાવે છે કે, ભારત સરકારના વિદેશમંત્રાલય દ્વારા અમેરિકા સહિતના તમામ દેશો સાથે ભારતીયોના ડિપોર્ટેશન અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. ખાસ કરીને અમેરિકા દ્વારા જે રીતે ભારતીયોને પરત મોકલવામાં આવ્યા તે વિશે વાટાઘોટ કરાઈ રહી છે. વાસ્તવિકતા એ છે કે, અમેરિકાએ છડેચોક ભારતીયોનું અપમાન કરીને તેમને ડિપોર્ટ કર્યા હતા. તે સમયે વિદેશમંત્રી કે વિદેશ મંત્રાલય અથવા તો ત્યાં રહેલા ભારતીય દૂતાવાસ દ્વારા કોઈ પગલાં લેવાયા નહોતા કે વાંધો ઉઠાવવામાં આવ્યો નહોતો. અમેરિકાએ આડોડાઈ સાથે બાળકો અને મહિલાઓને પણ સાંકળોથી બાંધીને ડિપોર્ટ કર્યા હતા અને વાતોના ઢોલ પિટતા વિદેશ મંત્રાલય દ્વારા કશું જ થયું નહોતું.

ચિંતાજનક આંકડા બીજા એ પણ છે કે, અમેરિકામાં ભારતીયોની ધરપકડ પણ મોટાપાયે કરવામાં આવે છે. ગત વર્ષે ૧૯૯૩ ભારતીયોની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી. ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઈસીઈ) દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. મહત્ત્વની વાત એ છે કે, આ રીતે પકડાયેલા અંદાજે ૨૦૦૦ લોકોમાંથી ૧,૬૬૯ લોકો સામે કોઈ ક્રિમિનલ કેસ બનતો નહોતો કે તેઓ ગુનેગાર પણ સાબિત થયા નહોતા. આ દિશામાં તપાસ કરવામાં આવે તો કેલિફોર્નિયા દ્વારા સૌથી વધારે ૬૪૩ ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ટેક્સાસ દ્વારા ૨૩૭ અને ન્યૂયોર્ક દ્વારા ૧૧૫ ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકામાં જેટલા ભારતીયોની આઈસીઈ દ્વારા ધરપકડ કરાઈ તેમાંથી અડધા લોકોની આ ત્રણ જ રાજ્યો દ્વારા કરવામાં આવી હતી. બીજી વાત એ છે કે, ગત વર્ષે નવેમ્બરમાં ૩,૨૫૮ ભારતીયોની અટકાયત કરવામાં આવી હતી. ૨૦૨૪ના નવેમ્બરમાં થયેલી અટકાયત કરતા આ આંકડો ૧૪૦૦ જેટલો વધારે હતો. જાણકારોના મતે માર્ચ ૨૦૨૫ દરમિયાન આઈસીઈ દ્વારા હજારોની સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓના વીઝા પણ રદ કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત હજારો વિદ્યાર્થીઓના વીઝા ટર્મિનેટ પણ કરવામાં આવ્યા હતા.

બીજી તરફ કેટલાક અહેવાલો જણાવે છે કે, દેશમાં ગેરકાયદે કામ કરતા એજન્ટોને શોધવાની પ્રક્રિયાને વેગ અપાયો છે. જાણકારોના મતે સરકાર દ્વારા શરૂ કરાયેલા ઈમાઈગ્રેટ પોર્ટલ થકી વિદેશ લઈ જવાની કામગીરી કરતી એજન્સીઓ અને સંસ્થાઓ તથા એજન્ટોની તપાસ કરવામાં આવી રહી છે. તેના દ્વારા ગત ડિસેમ્બર સુધીમાં ૩,૫૦૫ એજન્ટોને શોધવામાં આવ્યા છે જેમની નોંધણી થયેલી નથી અને લાઈસન્સ વગર કામગીરી કરી રહ્યા છે. સરકાર દ્વારા તેમની સામે પગલાં લેવામાં આવશે અને આગામી સમયમાં જો તેમના થકી મોકલાયેલા ભારતીયો ડિપોર્ટ થશે તો ભારતીયોને ખોટી રીતે વિદેશો મોકલનારા નેટવર્ક વિશે વધુ માહિતી બહાર આવે તેવી શક્યતાઓ દેખાય છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકા દ્વારા સૌથી વધારે અન્ય દેશોના લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. જાન્યુઆરી ૨૦૨૬ના આંકડા જોઈએ તો આઈસીઈ દ્વારા દર મહિને વેનેઝુએલાના ૯૨૦ લોકોને ડિપોર્ટ કરાયા હતા. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા ૫૬૦ નિકારાગુઆના લોકોને, ૧૩૦ તુર્કીના લોકોને, ૮૪૦ કોલમ્બિયાના લોકોને, ૨૬૦૦ હોન્ડુરાઝના લોકોને, તથા ગ્વાટેમાલાના ૩૧૦૦ લોકોને અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. ગત વર્ષે જૂનમાં ૧૨૨ ચીની નાગરિકોને પણ ગુનાઈત પ્રવૃત્તિઓમાં સક્રિય હોવાના પગલે પકડીને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.

ગેરકાયદે ભરતી કરીને વિદેશમાં લઈ જવાતા હજારો ભારતીયોને બચાવાયા

સરકાર દ્વારા ભારતીયોને વિદેશમાંથી બચાવી લાવવા અંગે પણ ઘણી માહિતી અપાઈ હતી. બનાવટી કંપનીઓ અને વિદેશી કંપનીઓ દ્વારા ખોટી રીતે ભારતીયોની ભરતી કરવામાં આવી હતી અને તેમને ખોટા કામની આશા અને લાલચ આપીને વિદેશ લઈ જવામાં આવ્યા હતા. જાણકારોના મતે લોકોને સોશિયલ મીડિયાની આકર્ષક અને છેતરામણી જાહેરાતો દ્વારા કમ્બોડિયા, મ્યાંમારા અને લાઓ પીડીઆર તથા સાઉથ ઈસ્ટ એશિયાના અન્ય દેશોમાં લઈ જઈને બંધક બનાવી દેવાયા હતા. તેમને બીજા કોઈ કામની લાલચ આપીને અન્ય કામમાં રોકી લેવાયા હતા અને તેમની પાસે ગેરકાયદે કામ પણ કરાવવામાં આવતા હતા. અહેવાલો પ્રમાણે ૨૦૨૫માં ૧૩૦૦ ભારતીયોને કમ્બોડિયાથી બચાવીને સ્વદેશ પરત લાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત લાઓ પીડીઆર ખાતેથી ૧,૪૨૧ અને મ્યાંમાર ખાતેથી ૧,૫૯૪ ભારતીયોને બચાવીને પરત લાવવામાં આવ્યા હતા. આ લોકો પાસેથી ત્યાં સાઈબરક્રાઈમ કરાવવામાં આવતા હતા. તેમને ફ્રોડના કામ સોમપવામાં આવતા હતા. તે ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોને છેતરતા કોલ સેન્ટરોમાં કામ કરાવવામાં આવતું હતું. આ ઉપરાંત અન્ય દેશોમાં પણ ગેરકાયદે રોકી રખાયેલા અને ગોંધી રખાયેલા ભારતીયોને શોધીને વતન પરત લાવવાની કામગીરી ચાલી રહી છે. ખાડી દેશોમાં પણ ફસાયેલા ભારતીયોને પતર લાવવાના પ્રાયસ ચાલી રહ્યા છે. આ સિવાય ભારતીયોને ડિપોર્ટેશનથી બચાવવા માટે પણ મહત્ત્વના પગલાં લેવાતા હોવાના અહેવાલો છે. હાલમાં ગેરકાયદે રીતે વિદેશ લઈ જનારા એજન્ટો, ક્રિમિનલ ફેસિલિટી આપતા લોકો તથા હ્યુમન ટ્રાફિકિંગ સાથે સંકળાયેલા લોકોને શોધીને તેમને દબોચવામાં આવી રહ્યા છે. તેમનું નેટવર્ક તોડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. લોકોને વિદેશ લઈ જવા માટે ઉપયોગમાં લેવાતા ગેરકાયદે રસ્તાઓ, વિદેશોના નેટવર્ક અને ખોટા રિક્રૂટમેન્ટ દસ્તાવેજો આપનારા એજન્ટોને શોધવામાં આવી રહ્યા છે. જે લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે તેમના દસ્તાવેજો તપાસવામાં આવી રહ્યા છે. કેન્દ્ર અને સંબંધીત રાજ્યો સરકારો દ્વારા, એન્ફોર્સમેન્ટ એજન્સીઓ અને ઈકોનોમિક ઓફેન્સ એજન્સીઓ દ્વારા વિવિધ સ્તરે આથક લેવડદેવડ, દસ્તાવેજોની ગોઠવણ અને અન્ય ફ્રોડ તથા માનવ તસ્કરીની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આ તમામ કામગીરીમાં પ્રવૃત્ત રહેલા નેટવર્કને શોધવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઈમિગ્રેશન એક્ટ ૧૯૮૩ હેઠળ કોઈપણ એજન્સી કે સંસ્થા દ્વારા માન્ય લાઈસન્સ લેવાયું હોય તો જ તેઓ વિદેશમાં ઓપરેટ કરી શકે છે. તે સિવાયની તમામ સંસ્થાઓ અને એજન્સીઓ સામે પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે.