Get The App

ચીનનો સંકેત : દુનિયાને હવે નવા જગતજમાદારની જરૂર

Updated: Sep 7th, 2025

GS TEAM

Google News
Google News
ચીનનો સંકેત : દુનિયાને હવે નવા જગતજમાદારની જરૂર 1 - image


- વૈશ્વિક નેતાઓ જોડે એસસીઓ સમિટ બાદ પુતિન અને કિમ જોંગ ઉન સાથે શિ જિનપિંગનું વિક્ટરી ડે ઉપર શક્તિ પ્રદર્શન

- ચીને વિક્ટરી પરેડના દિવસે પોતાના આંગણે વિવિધ દેશોના નેતાઓને એક જ મંચ ઉપર રાખીને તથા વિશાળ સૈન્ય પરેડ કરાવીને સમગ્ર દુનિયાને સંકેત આપી દીધો છે કે, હવે તે જગતની ધુરા સંભાળના સક્ષમ છે : યુક્રેન યુદ્ધના કારણે પશ્ચિમી દેશો અને અમેરિકા દ્વારા રશિયાને પરેશાન કરવામાં આવી રહ્યં  છે. આ પરેડમાં ચીને સંકેત આપી દીધા છે કે, રશિયા એકલું નથી. તેની સાથે ઈકોનોમિકલ અને ડિફેન્સ સપોર્ટ માટે ચીન સજ્જ છે : એસસીઓ સમીટ દરમિયાન પણ ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન પ્રમુખ વ્લાદિમિર સાથે વાતો કરવી, તસવીરો ખેંચાવવી અને ફરતી કરવી તે એશિયાના નવા ધ્રુવિકરણ અને જોડાણનો સંકેત આપતી હતી

ચીને ગત અઠવાડિયે વિક્ટરી ડેની પરેડનું આયોજન કર્યું હતું. ગત બુધવારે વહેલી સવારે બેઈજિંગના રસ્તાઓ ઉપર ચીન દ્વારા વિશેષ શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બીજા વિશ્વ યુદ્ધમાં જાપાને શરણાગતિ સ્વીકારીને યુદ્ધ પૂરું કર્યાની ૮૦મી વર્ષગાંઠની ઉજવણીનું આ વિશેષ આયોજન હતું. બેઈજિંગના રસ્તાઓ લાખો સૈનિકોની પરેડ અને અત્યાધુનિક હથિયારોના પ્રદર્શનના સાક્ષી બન્યા હતા. ચીને આ ઉજવણી કરીને વિશેષ કંઈક સાબિત પણ કર્યું હતું. આમ જોવા જઈએ તો ચીન દર વર્ષે આ પ્રકારનો વિક્ટરી ડે ઉજવે જ છે પણ આ વખતે તેણે વિશ્વને સંદેશ આપ્યો છે. આ વખતે ચીનના વિક્ટરી ડેના ઉત્સવમાં ચીની પ્રમુખ શી જિનપિંની સાથે સાથે રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન તથા ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉન પણ જોડાયા હતા. આ ત્રણેય નેતાઓ એકસાથે જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેમની સાથે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ અને અન્ય દેશોના પણ વડાઓ હાજર હતા. ચીને આ તમામ નેતાઓને એક જ મંચ ઉપર રાખીને તથા વિશાળ સૈન્ય પરેડ કરાવીને સમગ્ર દુનિયાને સંકેત આપી દીધો છે કે, હવે તે જગતની ધુરા સંભાળના સક્ષમ છે. તે નવા સમીકરણો થકી પોતાનું એક જૂથ ઊભું કરી શકે છે. અમેરિકા અને પશ્ચિમી દેશોના જોડાણની હવે નવા વિશ્વને જરૂર નથી. દુનિયાને હવે નવા જગતજમાદારની જરૂર છે.

ચીન દ્વારા જે વિક્ટરી ડે ઉજવવામાં આવે છે તે માત્ર યુદ્ધ વિજય નથી, તે ચીન માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. બીજા વિશ્વ યુદ્ધમાં જાપાનનો પરાજય થયો અને એશિયામાં યુદ્ધનો અંત આવ્યો હતો.

 ૩ ડિસેમ્બર ૧૯૪૫ના રોજ જાપાને આત્મસમર્પણ કર્યું હતું. ચીન ત્યારથી વિક્ટરી ઓવર જાપાન ડે અથવા તો વિક્ટરી ડે તરીકે આ દિવસ ઉજવે છે. ચીન હવે તેને માત્ર ઈતિહાસ નહીં પણ રાષ્ટ્રીય ગર્વ અને છેલ્લાં કેટલાક સમયથી રાજકીય સંદેશ તરીકે ઉજવે છે. તે દર વર્ષે આ ઉજવણીમાં પોતાનું સૈન્ય પ્રદર્શન કરે છે. તેમાંય આ વખતે ૮૦મી ઉજવણી હતી તેથી તેણે સવિશેષ સૈન્ય પ્રદર્શન, હથિયાર પ્રદર્શન અને પોતાના જોડાણું પણ પ્રદર્શન કરીને વૈશ્વિક સંદેશ આપ્યો હતો.

જાણકારો એવું માને છે કે, યુક્રેન યુદ્ધના કારણે પશ્ચિમી દેશો અને અમેરિકા દ્વારા રશિયાને પરેશાન કરવામાં આવી રહ્યું છે. આ પરેડમાં ચીને સંકેત આપી દીધા છે કે, રશિયા એકલું નથી. તેની સાથે ઈકોનોમિકલ અને ડિફેન્સ સપોર્ટ માટે ચીન સજ્જ છે. તેવી જ રીતે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનની હાજરી પણ આવો જ કંઈક સંદેશ છે. ઉત્તર કોરિયા ઉપર પશ્ચિમી દેશોએ ઘણા પ્રતિબંધો મુકેલા છે. ચીન હવે રશિયા બાદ ઉત્તર કોરિયાને પોતાની સાથે રાખીને પશ્ચિમને ડરાવી રહ્યું છે અને અમેરિકાને પણ આડકતરી રીતે પડકારી રહ્યું છે. ઈરાન ઉપર ઈઝરાયેલે હુમલો કર્યો અને ત્યારબાદ અમેરિકાએ હુમલો કર્યો ત્યારે તેની મદદ માટે ચીન પહોંચી ગયું હતું. આ વિક્ટરી પરેડ અને એસસીઓ સમીટમાં ઈરાનને હાજરી અપાવીને ચીને તેની સાથેના પણ પોતના જોડાણોનો પરિચય આપી દીધો છે. તે એક નવા વૈશ્વિક સમીકરણને જન્મ આપી રહ્યું હોવાના સંકેત મળી રહ્યા છે.

આ જોડાણ વિશે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, અમેરિકા અને યુરોપ દ્વારા દાયકાઓથી પુતિન અને રશિયા ઉપર દબાણ બનાવવામાં આવે છે. આ ઉપરાંત ઘણા વખતથી પશ્ચિમી દેશો પોતાના પાવર થકી રશિયાને દબાવે છે કે તે તાકીદે યુક્રેન સાથે યુદ્ધ બંધ કરી દે. આ સંજોગોમાં બેઈજિંગના મુખ્ય માર્ગો ઉપર પુતિન, જિપિંગ અને કિમ જોંગ ઉન તથા ઈરાનના નેતા સાથે જોડવા પડે તેનાથી જ પશ્ચિમના દેશોને ચિંતા વધે તે સ્વાભાવિક છે. પશ્ચિમી દેશો અને અમેરિકા દ્વારા આ જોડાણ અને મિત્રતાને અશાંતિનું ગઠબંધન કહેવામાં આવે છે. વાત એવી છે કે, ઈરાન અને નોર્થ કોરિયા દ્વારા રશિયાને હથિયારો અને સૈનિકોની સપ્લાય કરાતી હોવાના અહેવાલો છે. આ ઉપરાંત ચીને હાલમાં રશિયાની ઈકોનોમી બચાવવામાં મદદ કરી છે. તેના કારણે જ હાલમાં આ તમામ દેશો એક જ મંચ ઉપર જોવા મળ્યા હતા. તેઓ સ્પષ્ટ સંદેશ આપવા માગે છે કે, ચીન પોતાના સાથી દેશોની પડખે છે અને જો તેમને કોઈ નુકસાન થયું હતું પશ્ચિમી દેશોએ તેનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.

જાણકારો કહે છે કે, ચીને પોતાના વિક્ટરી ડેની આસપાસ તમામ મોટી ઈવેન્ટ રાખીને વિવિધ દેશોના નેતાઓને બોલાવ્યા હતા. તે ઈમેજ બિલ્ડિંગ કરવા પ્રયાસરત હોય તેમ જણાય છે. જાણકારોના મતે ચીને પહેલાં એસસીઓ સમિટની તસવીરો ફરતી કરીને એશિયાનું પોતાનું પ્રભુત્વ સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન પ્રમુખ વ્લાદિમિર સાથે વાતો કરવી, તસવીરો ખેંચાવવી અને ફરતી કરવી તે નવા ધ્રુવિકરણ અને જોડાણનો સંકેત આપતી હતી. તેવી જ રીતે બુધવારે જે રીતે રશિયાના પ્રમુખ, ઉત્તર કોરિયાના પ્રમુખ અને ઈરાનના વડા સાથે શક્તિ પ્રદર્શન કર્યું તે પણ અમેરિકા અને પશ્ચિમી દેશોને ડારવા માટેનું અને આડકતરી રીતે પડકારવાનું પણ વલણ હતું. કદાચ તેના કારણે જ અમેરિકી પ્રમુખ અકળાયા હતા. તેમણે ટ્રુથ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી હતી કે, પુતિન, કિમ જોંગ ઉનને લઈને અમેરિકાની સામે કાવતરું કરવામાં આવી રહ્યું છે. 

ચીન દ્વારા વીસ દેશોના નેતાઓને બોલાવીને જે રીતે પોતાના વિક્ટરી ડે પરેડમાં લઈ જવાયા તે અનોખું હતું. જિનપિંગે આગળની હરોળમાં પુતિન અને કિમ જોંગ ઉનને રાખ્યા તથા બાકીના નેતાઓને પાછળ રાખ્યા અને ત્યારબાદ બોડિગાર્ડ અને સૈનિકો ગોઠવીને શક્તિપ્રદર્શન કર્યું હતું. આ તસવીરો માત્ર શરૂઆત હતી. ત્યારબાદ શી જિનપિંગ દ્વારા સ્ટેજ ઉપરથી જે ભાષણ આપવામાં આવ્યું તેણે આગમાં ઘી ઉમેરવાનું શરૂ કર્યું. 

તેમણે સૌથી પહેલાં ઈતિહાસને યાદ કર્યો અને ભવિષ્યમાં આગળ વધવાની કામના કરી. તેમણે યુદ્ધમાં શહીદ થયેલા વેટરન્સને યાદ કર્યા અને શહીદોને શ્રદ્ધાંજલી આપ્યા બાદ વર્તમાન વિશ્વની સ્થિતિ વિશે જણાવતા કહ્યું કે, હાલમાં માનવજાત ખૂબ જ વિચિત્ર સ્થિતિમાં જીવન પસાર કરી રહી છે. તેમની પાસે એક તરફ યુદ્ધની સ્થિતિ છે અને એક તરફ શાંતિ જાળવવી પડે તેમ છે. 

હાલમાં ક્યાં માનવજાત શાંતિ જાળવવા સામ સામે આવે અથવા તો ચર્ચા-વિચારણા અને સંવાદ દ્વારા ઉકેલ લાવે. તેમણે એમ પણ જણાવ્યું કે, ચીનને ક્યારેય કોઈ રોકી શક્યું નથી અને દબાવી શક્યું નથી. દુનિયાના દેશોએ યુદ્ધને જડમૂળથી નાશ કરવા માટે એક થવું જોઈએ અને ઈતિહાસના જખમો અને કરુણ ઘટનાઓ વિશે વિચાર કરીને ભવિષ્યનું નિર્માણ કરવું જોઈએ. આ ઉપરાંત તેમણે અમેરિકાનું નામ લીધા વગર જણાવ્યું કે, ચીન ક્યારેય કોઈના દબાણમાં આવ્યું નથી અને આવવાનું પણ નથી. 

જાણકારો માને છે કે, ચીન હવે વિશ્વને એક નવા ભવિષ્ય તરફ લઈ જવા માગે છે. તેઓ પોતાના મજબૂત દેશ તરીકે રજૂ કરી રહ્યા છે અને હાલમાં વિશ્વ જે પરિઘમાં ફરી રહ્યું છે તેને પોતાની તરફ ફેરવવા માગે છે અને ઈન્ફ્લ્યુઅન્સ કરવા માગે છે. ચીની પ્રમુખે એસસીઓ સમીટમાં પણ આવું જ સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો. ચીનમાં જે રીતે રશિયાના પ્રમુખ અને ઉત્તર કોરિયાના પ્રમુખને આવકાર અપાયો અને મંચ ઉપર સ્થાન અપાયું તે ખાસ હતું. અમેરિકી પ્રમુખે જે રીતે સમગ્ર વિશ્વને ડારવાનો પ્રયાસ કર્યો હતો તેની સામે ચીને પોતાના સંબંધો અને સાથીઓને મૂકી દીધા છે. ચીન સ્પષ્ટ જણાવવા માગતા હતા કે, તે કેવી મિત્રો રાખે છે અને તેમની સાથે કેવી રીતે ડીલ કરે છે. તે પોતાના મિત્રો માટે ઊભો રહે છે અને પોતાની સાથે મિત્રોને રાખી પણ શકે છે. કેટલાક જાણકારોનું માનવું છે કે, ચીને પશ્ચિમી ડિપ્લોમસી ઉપર મોટો ઘાત કર્યો છે. 

ખાસ કરીને અમેરિકા દ્વારા છેલ્લાં કેટલાક સમયથી જે વિવાદ અને ડર ઊભો કરીને વિશ્વમાં નેતૃત્વની જગ્યા ખાલી કરી હતી તે ભરવાનો પણ ચીને પ્રયાસ કર્યો છે. ચીન, રશિયા અને કોરિયાનું આ જોડાણ નવી ધરી બની શકે છે જે કોઈપણ યુદ્ધકીય સ્થિતિનો સામનો કરી શકે છે અને તેનું સર્જન પણ કરી શકે છે.

ટ્રમ્પના તરકટો ઉપર કાબુ લાવવાની કવાયત : વર્લ્ડ મીડિયાનો દાવો

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ દ્વારા છેલ્લાં છ મહિનાથી જે ઉધામા કરવામાં આવી રહ્યા છે અને દુનિયાના દેશોને ડરાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે તેને વૈશ્વિક મીડિયા વખોડી રહ્યું છે. તેમાંય ચીનમાં છેલ્લાં ત્રણ દિવસમાં જ જે ઘટનાક્રમ થઈ ગયો તેને વર્લ્ડ મીડિયાએ ખૂબ જ વ્યાપક રીતે રજૂ કર્યો છે. ચીનમાં એસસીઓ મીટિંગ અને વિક્ટરી પરેડ વિશે એક અખબારે જણાવ્યું કે, ટ્રમ્પ દ્વારા જે આડોડાઈ કરવામાં આવી રહી છે, અમેરિકા ફર્સ્ટના જે નારા લગાવવામાં આવી રહ્યા છે તે જ બેકફાયર થયા છે. ચીન દ્વારા આ બધું બંધ કરવા અને ખોટા દબાણ ન ઊભા કરવાની આડકતરી ચેતવણી અપાઈ છે. ઘણા અખબારોએ કહ્યું છે કે, છેલ્લાં કેટલાક દિવસમાં ચીનમાંથી જે તસવીરો ફરતી થઈ છે તે પશ્ચિમના દબાણ અને દબાદબાને ખતમ કરવાની તૈયારીઓ જેવી લાગી રહી છે. 

આગામી સમયમાં જો સહકાર દાખવીને કામ નહીં કરવામાં આવે તો નવા સમીકરણો રચાશે અને એક નવું ધ્રુવીકરણ રચાશે જે અમેરિકાને ક્યાંય હડસેલી કાઢશે. આ ઉપરાંત મોદી, પુતિન અને જિનપિંગની તસવીરોએ પણ ટેરિફ વોરની ચર્ચા જગાવી હતી. ઘણા અખબારોએ લખ્યું કે, અમેરિકાના આડેધડ ટેરિફથી ભારત અને ચીન નારાજ છે. જો આ બંને એકબીજાને સહકાર કરવા લાગશે તો અમેરિકા માટે મોટું જોખમ ઊભું થશે. એક અખબારે જણાવ્યું કે, અમેરિકાએ ઊભા કરેલા દબાણે જ ભારત, રશિયા અને ચીનને વધારે નજીક લાવી દીધા છે. ટ્રમ્પના રાજકીય દાવ ઉંધા ન પડી જાય તે જોવાનું રહ્યું. સૌથી મોટી વાત એ રહી કે, અમેરિકાના જ અખબાર ધ ન્યૂયોર્ક ટાઈમ્સે ચીનમાં થયેલી એસસીઓ સમીટ અને તેની વચ્ચે મોદી, પુતિન અને જિનપિંગની બેઠકને અમેરિકાની સામે નવા વૈશ્વિક નેતૃત્વના વિકલ્પ તરીકે રજૂ કરી છે. આ બેઠક જણાવે છે કે, દુનિયાને અમેરિકાના સ્થાને નવા જગતજમાદારની જરૂર છે અને એશિયા તે આપી શકે તેમ છે.

Tags :