ભારત, રશિયા અને ચીનની ત્રિપૂટીનો દબદબો ચર્ચામાં
- એસસીઓ સમિટની વચ્ચે ત્રણેય દેશોના વડાએ એશિયાનો પાવર બતાવ્યો
- ચીની પ્રમુખ જિનપિંગે રશિયન પ્રમુખ અને ભારતીય વડા પ્રધાન સાથે સમય પસાર કર્યો અને મહત્ત્વની ચર્ચા પણ કરી. તેમનું જે રીતે એકબીજાને મળવું, હાથ મિલાવવા, ભેટવું ખૂબ જ અસરકારક બની રહ્યું છે. વિશ્વભરના મીડિયામાં અને રાજકારણમાં આ મુલાકાતની નોંધ લેવામાં આવી છે ઃ આ ત્રિપક્ષીય જોડાણનો પાયો રશિયાના પૂર્વ વડા પ્રધાન યેવગેની પ્રિમાકોવ દ્વારા નાખવામાં આવ્યો હતો. પશ્ચિમી દેશોનું પ્રભુત્વ અને ખાસ કરીને અમેરિકા દ્વારા કરવામાં આવતી દાદાગીરી અને ભેદભાવ તથા પશ્ચિમી જૂથવાદ સામે એક એવું જૂથ ઊભું કરવું જે વૈશ્વિક સ્તરે સમાનતા અને પ્રાદેશિક જોડાણને વેગ આપે : મહત્ત્વની વાત એ છે કે, 2020માં વિશ્વમાં કોરોના મહામારી ફેલાઈ અને આરઆઈસીની કામગીરી તથા જોડાણો અટકી ગયા. આ ઉપરાંત ભારત અને ચીનના સૈન્ય વચ્ચે પૂર્વ લદાખમાં જે સંઘર્ષ થયો, ગલવાન ઘાટીમાં સંઘર્ષ થયો તેના કારણે બંને દેશોના સંબંધો એક દાયકાના તળીયે આવી ગયા
ચીનના તિયાનજિનમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન સમિટ (એસસીઓ)માં જે ચર્ચા થઈ કે જે નિર્ણય લેવાયા તે દુનિયા માટે હાલ પૂરતા ખાસ મહત્ત્વના નથી પણ આ એસસીઓ સમિટમાં જે જોવા મળ્યું તેણે સમગ્ર વિશ્વ ઉપર અસર જન્માવી છે. આ મિટિંગ દરમિયાન દુનિયાના ત્રણ મોટા અને પાવરફુલ દેશોના ત્રણ વડાઓ, વડા પ્રધાન નરન્દ્ર મોદી, ચીનના પ્રમુખ શિ જિનપિંગ અને રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન એક સાથે દેખા દેતાં પશ્ચિમી દેશોના પેટમાં તેલ રેડાયું છે. મહત્ત્વની વાત એ છે કે, શિ જિનપિંગ દ્વારા તમામ દેશના નેતાઓ માટે લાલ જાજમ પાથરવામાં આવી હતી. તેનાથી પણ વિશેષ તેમણે રશિયન પ્રમુખ અને ભારતીય વડા પ્રધાન સાથે સમય પસાર કર્યો અને મહત્ત્વની ચર્ચા પણ કરી. તેમનું જે રીતે એકબીજાને મળવું, હાથ મિલાવવા, ભેટવું ખૂબ જ અસરકારક બની રહ્યું છે. વિશ્વભરના મીડિયામાં અને રાજકારણમાં આ મુલાકાતની નોંધ લેવામાં આવી છે. ખાસ કરીને અમેરિકા અને અમેરિકી પ્રમુખ દ્વારા પોતાના સાથી દેશો અને વિરોધી દેશો તથા નારાજગી ભોગવી રહેલા દેશો ઉપર જે પ્રમાણે ટેરિફ લગાવવામાં આવ્યો છે તેના કારણે ઊભી થયેલા વૈશ્વિક પરિસ્થિતિમાં આ ઘટના ખૂબ જ મોટી અને નવા સમીકરણોનો સંકેત આપનારી હતી. હાલમાં એક જ ચર્ચાએ જોર પકડયું છે કે, શું આ મુલાકાત અને બેઠક પછી રશિયા, ઈન્ડિયા અને ચીન વચ્ચે ત્રિપક્ષીય જોડાણ થશે. આ ત્રણે દેશો ભેગા થઈને એશિયાના એક નવા જ ધુ્રવનું સર્જન કરી શકે છે તેવી વાત વહેતી થતાં પશ્ચિમી રાજકારણ ગરમાયું છે. ઉલ્લેખનીય છે કે, રશિયા, ભારત અને ચીન(આરઆઈસી)નું આ ત્રિપક્ષીય જોડાણનું સપનું માત્ર અત્યારની વાત નથી. આ ત્રિપક્ષીય જોડાણનો પાયો રશિયાના પૂર્વ વડા પ્રધાન યેવગેની પ્રિમાકોવ દ્વારા નાખવામાં આવ્યો હતો. પશ્ચિમી દેશોનું પ્રભુત્વ અને ખાસ કરીને અમેરિકા દ્વારા કરવામાં આવતી દાદાગીરી અને ભેદભાવ તથા પશ્ચિમી જૂથવાદ સામે એક એવું જૂથ ઊભું કરવું જે વૈશ્વિક સ્તરે સમાનતા અને પ્રાદેશિક જોડાણને વેગ આપે. પ્રિમાકોવની ઈચ્છા અને મહેનતે આ દિશામાં ઘણું કામ કર્યું હતું. છેલ્લાં બે દાયકામાં જોઈએ તો ૨૦૦૨થી ૨૦૨૦ સુધીમાં આરઆઈસીની ૨૦થી વધુ મિનિસ્ટર લેવલની બેઠકો યોજાઈ હતી. આ બેઠકોમાં સૌથી મહત્ત્વનો તબક્કો ૨૦૦૭માં આવ્યો હતો. ૨૦૦૭માં દિલ્હી સિક્યોરિટી સમિટ દરમિયાન ચીનના વિદેશ મંત્રી લિ ઝાઓશિંગ, ભારતના પ્રણવ મુખરજી તથા રશિયાના સર્ગેઈ લાવરોવ હાજર રહ્યા હતા. તેમણે ક્રોસબોર્ડર સિક્યોરિટી, એશિયા ઉપર વૈશ્વિક અસરો, પ્રાદેશિક પડકારો અને વૈશ્વિક સુધારા ઉપર મોટાપાયે ચર્ચા કરી હતી.
આ ત્રિપક્ષીય જોડાણ અને ચર્ચાઓ ૨૦૦૮થી ૨૦૧૦ વચ્ચે ખૂબ જ વધી હતી અને વિવિધ જૂથમાં કામ પણ શરૂ કરવામાં આવ્યું હતું. કૃષિ, પબ્લિક હેલ્થ, ઈનોવેશન, એનર્જી, ઈમર્જન્સી રિસ્પોન્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં એક્સપર્ટ લેવલની મિટિંગ થવા લાગી હતી, કોઓપરેશન કરવા માટે યોજનાઓ બનવા લાગી હતી. બેંગ્લુરૂ, મોસ્કો, સમારા અને અન્ય ચીની શહેરોમાં આ મુદ્દે બેઠકો પણ યોજવામાં આવી હતી. મહત્ત્વની વાત એ છે કે, આ જે ઉત્સાહ સાથે અને આયોજન સાથે શરૂ કરવામાં આવ્યું હતું કે, ખાસ ટક્યું નહીં. મહત્ત્વની વાત એ છે કે, ૨૦૨૦માં આરઆઈસીની કામગીરી અને જોડાણો અટકી ગયા. ખાસ કરીને સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફેલાઈ અને તમામ સ્તરે ડિપ્લોમેટિક એક્ટિવિટી બંધ થઈ ગઈ અને આંતરરાષ્ટ્રીય મેળવડા પણ અટકી ગયા. આ ઉપરાંત ભારત અને ચીનના સૈન્ય વચ્ચે પૂર્વ લદાખમાં જે સંઘર્ષ થયો, ગલવાન ઘાટીમાં સંઘર્ષ થયો તેના કારણે બંને દેશોના સંબંધો એક દાયકાના તળીયે આવી ગયા.
વર્તમાન સમયમાં આરઆઈસીનું જે સપનું ઊભું થયું છે અને એક્ટિવિટી શરૂ કરવા પ્રયાસ થઈ રહ્યો છે. તેમાં બેઈજિંગ અને મોસ્કોની ભૂમિકા વધારે મહત્ત્વની છે. થોડા દિવસ પહેલાં જ રશિયાના ડેપ્યુટિ ફોરેન મિનિસ્ટર આન્દ્રેઈ રુડેન્કોએ જણાવ્યું હતું કે, રશિયા દ્વારા ચીન અને ભારત સાથે આ મુદ્દે સતત વાતચીત કરવામાં આવી રહી છે. રશિયા દ્વારા કોઈપણ રીતે આ મુદ્દે વાતચીત અને જોડાણ શરૂ કરવા પ્રયાસ થઈ રહ્યા છે.
અમે આ વિશે ચોક્કસ જોડાણ કરવાની તૈયારીઓ શરૂ કરી રહ્યા છીએ અને બંને દેશોને સાથે રાખવા પ્રયાસ કરીએ છીએ.
બીજી ખાસ વાત એ છે કે, આ જોડાણ જો ફરી શરૂ થયા તો વૈશ્વિક સ્તરે તેની મોટી અસર પડશે. તેનું કારણ એવું પણ છે કે, આ દેશો બ્રિક્સ જોડાણના પણ સ્થાપક દેશો છે. બીજી વાત એવી છેકે, હવે માત્ર ચર્ચાઓ કે આયોજનો થકી કશું થાય તેમ નથી. હવે આરઆઈસી દેશોએ સંબંધો તાકીદે સુધારીને કામ કરવું પડશે જેથી તેઓ ત્રિપક્ષીય જોડાણ મજબૂત બનાવીને આયોજનોને પૂરા કરી શકે.
એસસીઓ અને બ્રિક્સ જેટલું જ મહત્ત્વનું બની રહેશે આરઆઈસી
જાણકારોના મતે આરઆઈસીનું ફોર્મેટ અને તેની ડિપ્લોમેટિક એક્ટિવિટી જે રીતે કરવામાં આવી રહી છે તે જોતાં લાગી રહ્યું છે કે, હાલમાં એસસીઓ અને બ્રિક્સનું જે મહત્ત્વ છે તેટલું જ મહત્ત્વ આગામી સમયમાં આરઆઈસીનું હશે. આ એક એવું જોડાણ અને માળખું હશે જેમાં તમામ ભાગીદારો સમાંતર રીતે એકબીજાને માન આપતા હશે. તેમાં કોઈ સુપરપાવર કે મોટો દેશ હશે નહીં જેવું વર્ચસ્વ હોય અને બાકીના દબાઈ જાય. આ જોડાણમાં તો રશિયા, ભારત અને ચીન ત્રણેય એવા દેશો છે જે ઈકોનોમિકલી, પોલિટિકલી, જિયોગ્રોફિકલી વૈશ્વિક સ્તરે મોટી અસર કરી શકે તેમ છે. તેઓ જ્યારે સંયુક્ત રીતે પોતાના હિતોની સાચવણી માટે જોડાણ કરતા હોય ત્યારે એશિયાના વિકાસને અને તેના મહત્ત્વને પ્રાધાન્ય આપ્યા વગર રહી શકાય જ નહીં. જાણકારોનું માનવું છે કે, જેમ બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા, ચીન અને બાદમાં સાઉથ આફ્રિકા દ્વારા બ્રિક્સની શરૂઆત કરાઈ હતી.
ત્યારબાદ તેમાં ઈજિપ્ત, ઈરાન, ઈન્ડોનેશિયા, ઈથોપિયા અને યુએઈ જોડાયા હતા. તેવી જ રીતે આરઆઈસી ભલે હાલમાં ત્રણ મોટા દેશો દ્વારા શરૂ કરાય પણ બાદમાં એશિયાના અન્ય દેશો તેમાં જોડાઈ શકે છે. આ શક્યતાઓને નકારી શકાય નહીં. જાણકારો એવું પણ માને છે કે, જો આરઆઈસી જોડાણ કરવામાં આવે તો ભારત અને ચીન વચ્ચે જે સમયાંતરે વિવાદ થતા રહે છે તે કાબુમાં આવી જશે. બીજી તરફ ચીન દ્વારા અન્ય જોડાણોમાં ભારતની વિરુદ્ધ જઈને પાકિસ્તાનને સાથ આપવામાં આવે છે તે હજી પણ વિવાદિત જ વલણ છે. ભારત તેની અસરોને ભુલાવી શકે તેમ નથી. તેના પગલે જ ભારતને હજી વિશ્વાસ આવતો નથી. બીજી તરફ અમેરિકા, જાપાન અને ઓસ્ટટ્રેલિયા સાથે ભારતે જોડાઈને જે ક્વાડ જૂથ બનાવ્યું છે તેનાથી પણ ચીન નારાજ છે. આ બંને વચ્ચે રશિયા પોતાને સ્થિર અને સંતુલિત રીતે જોઈ રહ્યું છે. આ ઉપરાંત યુક્રેન સાથેના યુદ્ધને કારણે પશ્ચિમી દેશો દ્વારા જે રીતે રશિયાને એકલું પાડી દેવાયું છે તેના કારણે ભારત અને ચીન સાથે તે સંબંધ વધારે મજબૂત બનાવે તેની તાકીદે જરૂરિયાત છે. રશિયન જાણકારો માને છે કે, આ જૂથ બને તો ભારતનો ઉપયોગ અમેરિકા અને બીજા યુરોપિયન દેશોને દબાવવા માટે થઈ શકે છે. આ તમામ હિતોને ધ્યાનમાં રાખવામાં આવે તો આરઆઈસી જોડાણ ખોટું નથી પણ ભૂતકાળની જેમ સ્થિતિઓ બદલાય તો તેના પરિણામો અને અસરો પણ બદલાઈ શકે છે.
ભારત હજી પણ થોભો અને રાહ જૂઓની નીતિ અપનાવી રહ્યું છે
આરઆઈસી માટે રશિયા અને ચીન દ્વારા પોતાનું વલણ અને આયોજનો સ્પષ્ટ કરવામાં આવ્યા છે છતાં ભારતનું આ અંગે સુચક મૌન છે. ભારતે હાલમાં આ ત્રિપક્ષીય જોડાણ અંગે થોભો અને રાહ જૂઓની નીતિ અપનાવવામાં આવી છે. તેણે આ વિશે તાત્કાલિક કોઈપણ સ્થિતિ જાહેર કરી નથી. આ અંગે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રાણધીર જૈસ્વાલે જણાવ્યું હતું કે, આ એક એવું ફોર્મેટ અને યોજના છે જેમાં ત્રણ દેશો ભેગા થઈને વૈશ્વિક સ્થિતિની ચર્ચા કરશે, પ્રાદેશિક સ્થિતિ અને હિતોની ચર્ચા કરશે અને તેના આધારે વૈશ્વિક ભાગીદારી વિશે નિર્ણય લેવામાં આવશે. કોઈપણ દેશમાં જ્યારે જ્યારે આ ત્રણ દેશોની બેઠક યોજવામાં આવશે ત્યારે ત્રણેયના હિતોને ધ્યાનમાં રાખીને કોઈ નિર્ણય કરવામાં આવશે. આ મુદ્દે મિટિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે પણ હાલમાં જે બેઠક થઈ તેના આધારા આરઆઈસીની નવી બેઠક કરવાનું હાલમાં કોઈ પ્રયોજન નથી. સૂત્રોમાં ગણગણાટ છે કે, જ્યાં સુધી ચીન દ્વારા સરહદે આડોડાઈ રોકવામાં નહીં આવે અને ભારત સાથે સરહદી સંબંધો સુધરશે નહીં ત્યાં સુધી ભારત આ જોડાણમાં સક્રિય રીતે આગળ વધે તેમ લાગતું નથી. ગત વર્ષે બ્રિક્સ સમિટમાં ભારતીય પીએમ મોદી અને ચીની પ્રમુખ જિનપિંગ મળ્યા હતા અને બંને દેશોના સંબંધો સુધારવા જે ચર્ચા થઈ હતી તેનું નક્કર પરિણામ મળ્યું નથી છતાં આ વખતે તેને સુધારવા પ્રયાસ કરાશે તેવું દેખાઈ રહ્યું છે. તે ઉપરાંત અજિત ડોવાલ, રાજનાથ સિંહ દ્વારા જે રીતે ડિપ્લોમેટિક પ્રવાસ કરાયો અને ચીની કાઉન્ટરપાર્ટ સાથે બેઠક કરાઈ તે ભવિષ્યના આયોજનોની ચાડી ખાય છે. આગામી સમયમાં સંબંધ સુધરે તેવા સંકેત પણ આપે છે.