- પઢેગા ઈન્ડિયા તો બઢેગા ઈન્ડિયા ! : શિક્ષણની દુર્દશા, અનેક સ્કુલોમાં શિક્ષકો નથી અને બાકીના વસતી ગણવામાં, અભ્યાસ સિવાયના કામમાં વ્યસ્ત
- દેશમાં 2015માં સતત વિકાસ એજન્ડા 2030ની જાહેરાત કરાઈ હતી. તેના હેઠળ સંપૂર્ણ અને સમાન ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો, નવા અવસરો આપવાનો અને વિકસાવાના અવસરો આપવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. નવી શિક્ષણ નીતિ પણ લાગુ કરવાને પ્રાથમિકતા આપવામાં આવી હતી. વિડંબણા જ એવી છે કે, 2030 તો નજીક આવી રહ્યું છે શિક્ષણમાં ક્યાંય સંપૂર્ણતા, ગુણવત્તા દેખાતા નથી : પ્રાથમિક શાળાઓમાં અંદાજે પાંચ કરોડ કરતા વધારે બાળકો છે જેમણે સામાન્ય લખતા વાંચતા કે ગણતરી કરતા આવડતું નથી. આ આંકડા ઉપરથી જ ખ્યાલ આવે છે કે, દેશમાં પ્રાથમિક શિક્ષણની કેવી અવદશા થયેલી છે. સાતમા ધોરણ સુધી પહોંચી જનારા વિદ્યાર્થીઓ પાસે સામાન્ય શબ્દો વાંચવાની, જોડાક્ષરો ઓળખવાની, ગુણાકાર, ભાગાકાર, સરવાળા અને બાદબાકી કરવાનું જ્ઞાન નથી : સ્કુલના મકાનો તૂટેલા છે, ગમે ત્યારે છતના કાંગરા ખરે છે, શહેરી વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણ આપતી શાળાઓમાં બહાર અનુપમ શાળાના કેસરીયા બોર્ડ મારી દેવાયા છે પણ અંદર બધે જ અંધારું છે. ઘણી સ્કુલોમાં લાઈબ્રેરી નથી, સાયન્સ લેબ અને કમ્પ્યુટર લેબ છે પણ તે બધી જ ચોપડે છે.
ભારતમાં શિક્ષણની પરિસ્થિતિ અત્યંત કફોડી થઈ ગઈ છે. પાયાગત શિક્ષણ તો સાવ ખાડે ગયું છે. વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જોઈએ તો ભારતમાં પાયાગત પ્રાથમિક શિક્ષણની સૌથી વધારે દુર્દશા થયેલી છે. દરેક જગ્યાએ શિક્ષણ મફત અને ફરજિયાત કરવામાં આવ્યું છે પણ બાળકો શાળા સુધી પહોંચે છે કે નહીં અથવા તો બાળકો શાળા છોડીને જતા રહે છે તેનો વિચાર કોઈ કરતું નથી. સ્કુલ ડ્રોપઆઉટનો દર હોય કે શિક્ષકોના અભાવનો રેશિયો હોય ભારતમાં ચારે તરફ આવું જ ચાલે છે. તેમાંય દેશ માટે કથિત મોડલ બનેલા ગુજરાતનું શિક્ષણ તો સાવ રસાતાળ થઈ ગયું છે.
એક તરફ મજબૂત ભવિષ્યનો પાયો નાખવાની વાત થાય છે અને પરીક્ષા પદ્ધતિ કે નોકરીઓ આપવામાં બેફામ ભ્રષ્ટાચાર અને ચોરીઓ થાય છે. ગમે તે જાહરે પરીક્ષા હોય તેના પેપર ફુટી જાય છે, લોકો લાચારીથી જોયા કરે છે અને ભ્રષ્ટાચારીઓ મજા કરે છે. તપાસના નામે થોડા સમય તીકડમ ચાલે છે પછી ફરી એવી જ સ્થિતિમાં પ્રજા જીવ્યા કરે છે. દેશમાં ૨૦૧૫માં સતત વિકાસ એજન્ડા ૨૦૩૦ની જાહેરાત કરાઈ હતી. તેના હેઠળ સંપૂર્ણ અને સમાન ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો, નવા અવસરો આપવાનો અને વિકસાવાના અવસરો આપવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નવી શિક્ષણ નીતિ પણ લાગુ કરવાને પ્રાથમિકતા આપવામાં આવી હતી. તેના દ્વારા શિક્ષણ પ્રભાવક અને અસરકારક બનાવવાની વાતો કરાઈ હતી.
વિડંબણા જ એવી છે કે, ૨૦૩૦ તો નજીક આવી રહ્યું છે શિક્ષણમાં ક્યાંય સંપૂર્ણતા, ગુણવત્તા દેખાતા નથી. પ્રાથમિક શિક્ષણ પણ વ્યવસ્થાઓ અને સુવિધાઓની ગોઠવણો થકી મળતીયાઓને લાભ કરાવવાનો જ ધંધો બની ગયું છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફળવાય છે પણ તે ક્યાં વપરાય છે, કેવી રીતે વપરાય છે તેને કોઈ જોનાર કે પુછનાર જ નથી. બાળકો સુધી સુવિધાઓ પહોંચી કે નહીં તેની કોઈ ગણતરી જ નથી. માત્ર કાગળો ઉપર અને ડેટા સેન્ટરોમાં ડેટા ભરાયા કરે છે અને તેના આધારે વિકાસનું વર્ચ્યુઅલ ચિત્ર બનતું જાય છે.
બીજી તરફ શિક્ષણ ક્ષેત્ર ઉપર નજર કરીએ તો ૨૦૨૦માં નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી હતી. આજે વર્ષ ૨૦૨૬ના પણ છ મહિના થવા આવ્યા ત્યાં સુધી તેને સંપૂર્ણ લાગુ કરી શકાઈ નથી. દરેક વિદ્યાર્થીને તેના ઘર પાસે જ ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં આવશે. સમાજથી વંચિત રહેલા સમુદાયો અને લોકોને કે પછી લઘુમતીઓમાં આવતા લોકોને પણ ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણ મળે તેના માટે પ્રયાસ કરવામાં આવશે. પ્રાથમિક શિક્ષણ અંગે સરકારે પ્રયાસો કર્યા છે તો તેમાંથી મોટભાગના તો તસવીરો ખેંચાવાના અને વાહવાહી લુંટવાના પ્રયાસો જેવા જ છે.
સરકાર દ્વારા મોટાભાગે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ ઉપર ફોકસ કરવામાં આવે છે કારણ કે તેમાં ખાનગીકરણ સારી રીતે થયું છે અને હજી થઈ રહ્યું છે. મેડિકલ, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, લિટરેચર અને અન્ય સેક્ટરમાં સતત નવી ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓ ખુલતી રહે છે. સરકારી બેઠકો લિમિટેડ છે અને નવી ખાનગી બેઠકો વધતી જ રહે છે. તેના કારણે મળતીયાઓના ઘર ભરાતા રહે છે અને સરકારનું પણ પેટ ભરેલું રહે છે. બીજી તરફ ગરીબ બાળકોને શિક્ષણના નામે મધ્યાન ભોજન આપીને ખુશ કરી દેવાય છે.
વિશ્વના સૌથી યુવાન દેશ હોવાની વાતો કરતી સરકાર આ યુવાનોને જ પૂરતું શિક્ષણ આપી શકતી નથી. તેમને યોગ્ય અવસરો આપી શકતી નથી. પ્રાથમિક શિક્ષણ જ નબળું હશે તો તેના ઉપર ઈમારત પણ કેટલી નબળી ચણાશે તેની કોઈને ચિંતા જ નથી. ગામડાઓમાં, અંતરિયાળા વિસ્તારોમાં બાળકો અભ્યાસ છોડી રહ્યા છે. છોકરીઓને શારીરિક અને અન્ય સમસ્યાઓના કારણે અભ્યાસ છોડાવી દેવાય છે. સ્કૂલોમાં ડ્રોપઆઉટ રેટ વધ્યો છે તો સરકારે તેનો ઉકેલ લાવવાના બદલે તેની વ્યાખ્યા જ ફેરવી નાખી અને સબ સલામતના ઢોલ પીટવાનું શરૂ કરી દીધું છે.
તાજેતરમાં એક આંકડો આવ્યો છે જે આ પોલા ઢોલની પોલ ખોલી કાઢી છે. હાલમાં પ્રાથમિક શાળાઓમાં અંદાજે પાંચ કરોડ કરતા વધારે બાળકો છે જેમણે સામાન્ય લખતા વાંચતા કે ગણતરી કરતા આવડતું નથી. આ આંકડા ઉપરથી જ ખ્યાલ આવે છે કે, દેશમાં પ્રાથમિક શિક્ષણની કેવી અવદશા થયેલી છે. સાતમા ધોરણ સુધી પહોંચી જનારા વિદ્યાર્થીઓ પાસે સામાન્ય શબ્દો વાંચવાની, જોડાક્ષરો ઓળખવાની, ગુણાકાર, ભાગાકાર, સરવાળા અને બાદબાકી કરવાનું જ્ઞાન નથી. તેઓ પોતાની પ્રાદેશિક ભાષામાં એક ફકરો સાચી રીતે અને સારી રીતે વાંચી શકતા નથી.
શિક્ષણની આવી દશા પાછળ ઘણા કારણો જવાબદાર છે. એક તરફ શિક્ષકોનો અભાવ તો સૌથી મોટું કારણ છે. તેના કરતા પણ વધારે ભ્રષ્ટાચાર, મળતીયાવૃત્તિ અને સરકારની અવગણના અને અનિચ્છા પણ વધારે જવાબદાર છે. યોજનાઓને ભવ્ય નામ આપીને, વિકાસના ઉજળા લુગડા પહેરાવીને મોટા મોટા પોસ્ટરોમાં લોન્ચ કરવામાં આવે છે પણ તેનું અમલીકરણ થતું નથી. બાળકોને યોગ્ય રીતે ભણાવી શકે તેવા શિક્ષકો જ નથી. દેશમાં હજારો સ્કુલો એવી છે જે એકાદ શિક્ષકના આધારે ચાલે છે. હજારો સ્કુલો એવી છે જ્યાં નદી ઓળંગીને કે કલાકો સુધી ચાલીને કે પછી અન્ય મુશ્કેલીઓનો સામનો કરીને વિદ્યાર્થીઓ અને શિક્ષકો સ્કુલ સુધી પહોંચે છે. તેમને સુવિધા આપવામાં કોઈને રસ નથી. જ્યાં શિક્ષકો છે તેવા શહેરી વિસ્તારોમાં મોટાભાગે ચૂંટણીની કામગીરી, ઓફિસના કામ, પત્રકો ભરવાના, હાજરીઓ ભરવાની, મધ્યાન ભોજન કરાવવાનું, વસતી ગણતરી કરવાની અને બીજા બધા જ કામ કરાવવામાં આવે છે. આવી શાળાઓ પણ બે-ચાર શિક્ષકોના આધારે ચાલતી હોય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ૨૦૨૫ સુધીમાં પ્રાથમિક શાળાઓમાં મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન આવે તેવું લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું. ૨૦૨૬નું વર્ષ અડધું થવા આવ્યું છતાં હજારો સ્કુલોમાં સ્થિતિ કફોડી છે. વિદ્યાર્થીઓને શિખવા માટેની પાયાગત સુવિધાઓ જ આપવામાં આવતી નથી ત્યાં વિદ્યાર્થીઓ કેવી રીતે ભણી શકશે. સ્કુલના મકાનો તૂટેલા છે, ગમે ત્યારે છતના કાંગરા ખરે છે, શહેરી વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણ આપતી શાળાઓમાં બહાર અનુપમ શાળાના કેસરીયા બોર્ડ મારી દેવાયા છે પણ અંદર બધે જ અંધારું છે. ઘણી સ્કુલોમાં લાઈબ્રેરી નથી, સાયન્સ લેબ અને કમ્પ્યુટર લેબ છે પણ તે બધી જ ચોપડે છે. સરકારી કાગળોમાં, પત્રકોમાં, ડેટા સેન્ટરોમાં વિદ્યાર્થીઓનો અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે પણ વાસ્તવિકતામાં સરવાળે બધું જ શૂન્ય છે.
મોડલ સ્ટેટ ગુજરાતમાં તો જે સ્થિતિ છે તે જોઈને દુનિયાભરના શિક્ષણશાસ્ત્રીઓ હતપ્રભ છે. તાજેતરમાં આવેલા નીતિ આયોગના અહેવાલે સરકારના ચમકતા 'શિક્ષણ મોડલ'ના એવા લીરેલીરા ઉડાડયા છે. તેમાં જણાવાયું છે કે, રાજ્યની ૨૯૩૬ શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે. આ જ શિક્ષક ધોરણ ૧થી ૮ના તમામ વિષયોના જ્ઞાની પણ છે! જ્યારે બીજી તરફ, સરકારની સખાવતના દર્શન એવા થાય છે કે ૬૩ શાળાઓમાં ભણવા માટે એક પણ વિદ્યાર્થી નથી, છતાં ત્યાં ૭૮ શિક્ષકો રોજ હાજરી પૂરીને પગાર લઈ રહ્યા છે!
લોકમુખે બળાપો કાઢતા ચર્ચા ચાલી છે કે, શિક્ષણને વેપાર બનાવીને ખાનગી શાળાઓના માલિકોને કમાણી કરી આપવાનું આ એક સુઆયોજિત સરકારી મોડલ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ભાજપના રાજમાં ગુજરાતમાં ૫૬૧૨ શાળાઓને તાળા વાગ્યા જેથી ગ્રામીણ વિસ્તારોના બાળકોનો શિક્ષણનો મૂળભૂત અધિકાર છીનવાઈ રહ્યો છે.
શિક્ષણ અને શિષ્ટાચાર નહીં ભ્રષ્ટાચારના પાઠ ભણાવવામાં તંત્ર અવ્વલ
નીતિ આયોગના 'સ્કુલ એજ્યુકેશન સીસ્ટમ ઇન ઇન્ડિયા ટેમ્પરલ એનાલિસિસ એન્ડ પોલીસી રોડમેપ ફોર ક્વોલિટી એન્હાન્સમેન્ટ' અહેવાલે ગુજરાત સહિત દેશના સતત કથળતા શિક્ષણ અંગે સરકારની દિશાવિહીન અને ભ્રષ્ટાચારી વૃત્તિ વકરી હોવાનો અરિસો બતાવ્યો છે. હાલમાં દેશમાં એવી સ્થિતિ થઈ ગઈ છે કે, ગમે ત્યારે ગમે તે કોમ્પિટિટિવ પરીક્ષા થાય તેનું પેપર લીક થઈ જ જાય છે. નીટનું પેપર તાજેતરમાં લીક થયું, તેનો હોબોળો હાલ ચાલે છે પછી થોડા દિવસમાં શમી જશે. બે વર્ષ પહેલાં આવું જ થતું હતું. ત્યાર પછી શું થયું તે લોકોને ખબર નથી અને સરકારને ખબર પાડવી નથી. કોઈપણ ભોગે ખાનગી શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓને માન્યતા આપતા રહો, સરકારી તિજોરીઓ ભરતા રહો અને પ્રજાને ખંખેરતા રહો. વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળશે, તેઓ સક્ષમ થશે તો રોજગાર માગશે અને તેની પણ સરકાર પાસે વ્યવસ્થા નથી. તેના કરતા નેતાઓ અને મળતીયાઓની ઓપન યુનિવર્સિટીમાં જોડઓ, ભ્રષ્ટાચાર કરતા શીખો, નેતાઓ થકી વહિવટો મેળવતા શીખો, પેપર લખતા નહીં પેપર લીક કરતા શીખો, કરોડો કમાઓ, થોડા સમય જેલવાસ કરો અને ફરી ભ્રષ્ટાચાર કરીને છુટી જાઓ અને કંઈક નવો કાંડ કરો. સરકાર અને તંત્ર એક જ સૂત્ર ઉપર ચાલી રહ્યું છે કે, પઢેગા ઈન્ડિયા તભી.. બઢેગા ઈન્ડિયા... સરકાર તો ઈચ્છતી જ નથી કે પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધી વિદ્યાથીઓ ભણે કે તેમને સુવિધાઓ મળે. વિકસિત ભારતમાં ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચારનું શિક્ષણ આપો અને શિક્ષણ, દેશ અને પ્રજાનું ધનોતપનોત કાઢો.


