- વાહનોના ધુમાડા, ફેક્ટરીઓના ધુમાડા અને ફટાકડા ફોડવાથી થતા પ્રદુષણ અંગે ઢોલ પીટતી સંસ્થાઓ યુદ્ધ વખતે ગ્લોબલ વોર્મિંગને અભેરાઈએ ચડાવી દે છે
- મોટા મોટા સંમેલનોમાં પર્યાવરણ બચાવવાની વાતો કરવામાં આવતી, પૃથ્વીને બચાવવાના સોગંધ ખાવામાં આવતા હતા, ભવિષ્યની પેઢી માટે એક સુરક્ષિત ગ્રહની કલ્પના કરવામાં આવતી કે પછી તેની સાચવણી વિશે વાતો કરવામાં આવતી હતી. આવા તમામ સંમેલનો યુદ્ધના જ્વર વચ્ચે ક્યાંય ખોવાઈ ગયા છે : હાલમાં ક્યાંય કોઈને દારૂગોળાની વાસ આવતી નથી. દિવાળીમાં ફટાકડા ફોડવા સામે દેકારા કરનારી પ્રજાને હાલમાં યુદ્ધના તોપગોળાથી થતી તારાજી અને પર્યાવરણીય નકસાન દેખાતું નથી. શાંતિ, સમજૂતી, વિકાસની વાતો કરનારી પ્રજાને હાલમાં શક્તિ, પ્રભુત્વ અને જિયોપોલિટિકલ લાભ લેવાની તત્પરતા ક્યાંય દેખાતી નથી : એક તરફ ગ્લોબલ વોર્મિંગ અટકાવવાની વાતો થાય છે અને બીજી તરફ હથિયારો બનાવવાની હોડ જામેલી છે. માણસજાતે નક્કી એ કરવાનું છે કે, ખરેખર તે પર્યાવરણ બચાવવા માગે છે કે પછી પોતાના અહંકારને પોષવા માગે છે. યુદ્ધ થકી મહાસત્તાઓ અને મોટા દેશો પોતાના અહંકારને સંતોષી રહ્યા છે અને નાના દેશોને દબાવી રહ્યા છે. મહાસત્તાઓના યુદ્ધ દ્વારા જે ખુવારી થાય છે તેના તરફ કોઈનું ધ્યાન નથી
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે દુનિયાભરની આર્થિક, સામજિક, વ્યાપારિક અને અન્ય પરિસ્થિતિઓ બદલાયેલી છે. ચારેકોર હાહાકાર અને ચિંતાની સ્થિતિ છે. આ બધા વચ્ચે યુદ્ધગ્રસ્ત દેશોમાં પર્યાવરણની શું સ્થિતિ છે અને તેના કારણે વિશ્વના પર્યાવરણ ઉપર શું અસર થઈ રહી છે તેના તરફ કોઈનું ધ્યાન નથી. સામાન્ય સ્થિતિમાં ક્લાઈમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, કાર્બન ઉસ્તર્જન, જૈવ વિવિધતા જેવા મુદ્દે દેકારા કરનારા અને ઢોલ પીટરનારા જાણકારો અને પર્યાવલણ પ્રેમીઓ હાલમાં ક્યાં દેખાતા નથી. મોટા મોટા સંમેલનોમાં પર્યાવરણ બચાવવાની વાતો કરવામાં આવતી, પૃથ્વીને બચાવવાના સોગંધ ખાવામાં આવતા હતા, ભવિષ્યની પેઢી માટે એક સુરક્ષિત ગ્રહની કલ્પના કરવામાં આવતી કે પછી તેની સાચવણી વિશે વાતો કરવામાં આવતી હતી. આવા તમામ સંમેલનો ક્યાંય ખોવાઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાક સમયથી વાગી રહેલા યુદ્ધના નગારા વચ્ચે આ સંમેલનો ક્યાંય ખોવાઈ ગયા છે. પૃથ્વી અને તેના વાતાવરણનું રક્ષણ, પર્યાવરણનું જતન, ક્લાઈમેટ ચેન્જને કાબુ કરવાની નૈતિકતા, કાર્બન ઉત્સર્જન ઘટાડવાની તત્પરતા બધું જ ક્યાંક અલોપ થઈ ગયું હોય તેમ લાગે છે. વાહનોના ધુમાડા ઉપર કાબુ લાવવો, ફેક્ટરીઓ અને ઈન્ડસ્ટ્રી દ્વારા ઉત્સર્જિત કરાતા ધુમાડા ઉપર કાબુ લાવવો, નદીઓમાં પ્રદુષણ અટકાવવું, જમીનનું પ્રદુષણ અટકાવવું વગેરે વાતો કરનારી નૈતિકતાવાદી પ્રજા હાલમાં ગાયબ છે. યુદ્ધના ભયાનક વિસ્ફોટો વચ્ચે, મિસાઈલમારા વચ્ચે, તોપમારા વચ્ચે કે ગોળીબાર વચ્ચે આ પ્રકૃતિ પ્રેમીઓ ખોવાઈ ગયા છે. હાલમાં ક્યાંય કોઈને દારૂગોળાની વાસ આવતી નથી.
દિવાળીમાં ફટાકડા ફોડવા સામે દેકારા કરનારી પ્રજાને હાલમાં યુદ્ધના તોપગોળાથી થતી તારાજી અને પર્યાવરણીય નુકસાન દેખાતું નથી. શાંતિ, સમજૂતી, વિકાસની વાતો કરનારી પ્રજાને હાલમાં શક્તિ, પ્રભુત્વ અને જિયોપોલિટિકલ લાભ લેવાની તત્પરતા ક્યાંય દેખાતી નથી. હાલમાં ચાલી રહેલા રાજકીય પ્રભુત્વના જંગમાં પર્યાવરણ અને તેની સુરક્ષા ક્યાંય નેવે મુકાઈ ગયા છે.
આશ્ચર્યજનક બાબત એ છે કે, દુનિયામાં એક તરફ પર્યાવરણને બચાવવા માટે કામ કરવા અને નક્કર પગલાં લેવા આહ્વાન કરવામાં આવે છે અને બીજી તરફ વિવિધ દેશો તોપગોળા, દારૂગોળા અને મિસાઈલો તથા અન્ય હથિયારોના વિસ્ફોટોથી ભરાઈ ગયા છે. તેમના આ યુદ્ધમાં પર્યાવરણની સુરક્ષા ક્યાંય વિસરાઈ ગઈ છે. એક અહેવાલ પ્રમાણે હાલમાં દુનિયામાં ૧૦૦થી વધારે દેશોમાં યુદ્ધ ચાલે છે, સંઘર્ષ ચાલે છે, યુદ્ધ જેવી સ્થિતિ છે, ગૃહયુદ્ધ અને આંતરિક સંઘર્ષ ચાલી રહ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લાં ચાર વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. તેમાં માનવ ખુવારીને એક સમયે કદાચ સાઈડમાં રાખીએ તેમ છતાં મિસાઈલમારા, ક્રૂડના ભંડારો તુટવા, ઊર્જા ઈન્ડસ્ટ્રીમાં તોડફોડ અને રાસાયણિક કારખાનાઓ ઉપર થયેલા હુમલાના કારણે માત્ર ઈમારતો તૂટી નથી પણ હવામાં ઝેર ફેલાયેલું છે. તેની સામે કોઈની નજર જતી જ નથી અને તેના વિશે કોઈ ચર્ચા કરતું જ નથી. વૈશ્વિક સંસ્થાઓ પણ તેના વિશે ચુપ્પી સાધીને બેઠી છે.
ચિંતાજનક બાબત એ છે કે, મોટાભાગે વૈશ્વિક સ્તરે જે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે કે સંઘર્ષ ચાલી રહ્યા છે તેમાં ક્યાંકને ક્યાંક મોટા દેશો અને મહાસત્તાઓ સંકળાયેલી છે. સૈન્ય સહયોગ હોય કે, હથિયારોનો સપ્લાય કે પણ રણનીતિક સમર્થન હોય તેમાં મોટી સ્તાઓની સંડોવણીના કારણે સ્થિતિ વધારે વણસી છે. આ તમામ એવા દેશો છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ બચાવવા માટે બાંગો પોકારતા હોય છે. હાલની સ્થિતિ જોઈએ તો ઈઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ભયાનક જંગ ચાલી રહ્યો છે. તેના પગલે ખાડી દેશો અને મીડલ ઈસ્ટ દારૂગોળાના ધુમાડા, ક્રૂડના ધુમાડા અને તોપગોળાની દુર્ગંધથી તરબોળ થઈ ગયા છે. તેવી જ રીતે ગાઝા પટ્ટી અને ઈઝરાયેલ વચ્ચેની સળગતી સરહદો જોવા મળી રહી છે. આ તમામ વચ્ચે પર્યાવરણના વિનાશ વિશે કોઈ વાત કરતું જ નથી. અહીંયા દરરોજ છોડવામાં આવી રહેલી મિસાઈલો, ડ્રોન અને રોકેટ્સના કારણે ઈમારતો તુટી રહી છે, રિફાઈનરીઓ સળગી રહી છે. આકાશમાં કાળા ધૂમાડા, ધૂળ, રસાયણો ફેલાઈ રહ્યા છે, સમુદ્રના કિનારા અને પાણીના સ્ત્રોત ઉપર ઓઈલ ફેલાવા લાગ્યું છે. તેના તરફ કોઈની નજર જતી નથી અથવા તો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તેના તરફ નજર નાખતી નથી.
ભૂતકાળના યુદ્ધો ઉપર નજર કરીએ તો પણ ખ્યાલ આવશે કે કેવી રીતે કુદરતનું નિકંદન કાઢવામાં આવ્યું હતું. વિયેતનામ યુદ્ધ વખતે જંગલોનો ખાતમો બોલાવવા માટે એજન્ટ ઓરેન્જ જેવા રસાયણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેના કારણે લાખો હેક્ટરમાં ફલાયેલા જંગલો અને વૃક્ષો નાશ પામ્યા હતા. તે ઉપરાંત જમીન, હવા અને પાણી પણ ઝેરી થઈ ગયા હતા.
તેના કારણે પર્યાવરણને વ્યાપક નુકસાન થયું હતું. તેવી જ રીતે ૧૯૯૧ના ખાડી યુદ્ધમાં કુવૈતના તેલના કુવામાં આગ લગાડવામાં આવી હતી. તેના પગલે મહિનાઓ સુધી આકાશમાં કાળા ધુમાડા દેખાતા હતા. આ ધુમાડા માત્ર યુદ્ધની નિશાની નહીં પણ પર્યાવરણને થયેલા નુકસાનનો મોટો પુરાવો હતા. તેના કારણે પણ દરિયાના પાણીને, હવાને ખૂબ જ નુકસાન થયું હતું.
ચિંતાજનક બાબત એ છે કે, આ યુદ્ધો અને સંઘર્ષ થકી હજારો ટન કાર્બન વાતાવરણમાં ફેલાઈ રહ્યો છે. આ સિવાય ફાઈટર પ્લેન્સ, ડ્રોન્સના સતત અને વ્યાપક ઉપયોગના કારણે લાખો ટન ઈંધણ વપરાશ થઈ રહ્યો છે. તેના કારણે ઈંધણનો તો વપરાશ થઈ જ રહ્યો છે પણ સાથે સાથે ધુમાડાના કારણે હવા પ્રદુષણ પણ થઈ રહ્યું છે. જાણકારો માને છે કે જે દેશોમાં મોટા યુદ્ધ થઈ રહ્યા છે ત્યાં કાર્બન ઉત્સર્જન અને પ્રદુષણની ગણતરી કરવામાં આવે, તેના ઉપર ધ્યાન આપવામાં આવે તો ખ્યાલ આવશે કે, છેલ્લાં એક મહિનામાં જ પર્યાવરણને ભયાનક નુકસાન થયું છે પણ તેની ચર્ચા કરનાર કોઈ નથી. અહીંયા જે કાર્બન ઉત્સર્જન થયું છે તે નાના દેશોના સંયુક્ત કુલ વાર્ષિક કાર્બન ઉત્સર્જન કરતા વધારે છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આવા પ્રદુષણ તરફ નજર નાખતી જ નથી. તેઓ માત્ર નૈતિકતાની અને રાષ્ટ્રવાદની કે પછી જિયોપોલિટિક્સની વાતો કરીને તેના ઉપર પડદો પાડવાના નાહક પ્રયાસ કરે છે.
ચિંતાજનક બાબત એ છે કે, યુદ્ધ દરમિયાન જે સ્થતિ ઊભી થાય છે તે માત્ર પર્યાવરણને નુકસાન કરે છે તેવું નથી. તેના કારણે પર્યાવરણને વ્યાપક નુકસાન થાય છે. તેમાં કુદરતી સંસાધનોને ભયાનક નુકસાન ભોગવવાનું આવે છે. જંગલો કાપી નાખવામાં આવે છે, પાણીના વિવિધ સ્ત્રોતને નુકસાન થાય છે અથવા જાણી જોઈને તેને પ્રદુષિત કરી દેવામાં આવે છે, ખનીજ સંસાધનોને નુકસાન થાય છે. યુદ્ધ અને પર્યાવરણને થતું નુકસાન પણ એટલું જ ચિંતાનજક છે જેટલું ઉદ્યોગો દ્વારા થઈ રહ્યું છે કે થતું હોય છે.
નાના દેશોને કાર્બન ઉત્સર્જન ઘટાડવાનું કહેતા મોટા દેશો યુદ્ધથી વધારે નુકસાન કરે છે
પર્યાવરણના રક્ષણ અને સાચવણી મુદ્દે સૌથી મોટો વિરોધાભાસ જ એ છે કે, મોટા દેશો, શક્તિશાળી દેશો, મહાસત્તાઓ દુનિયાભરને નૈતિકતાના ઉપદેશ આપતા હોય છે પણ પોતે તેનું અમલીકરણ કરતા નથી. તેમની પાસે સૈન્ય શક્તિ વધારે હોય છે અને અર્થતંત્ર પણ મજબૂત હોય છે તેથી તેઓ મનમાની ચલાવતા હોય છે. તેઓ વિકાસશીલ દેશોને, નાના દેશોને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે સલાહ આપતા હોય છે પણ પોતાના ઉદ્યોગો અને સૈન્ય ઉદ્યોગો ઉપર લગામ લગાવવા માટે કામ કરતા નથી. જાણકારો માને છે કે, વર્તમાન સમયમાં મોટા દેશો દ્વારા પર્યાવરણની સુરક્ષાનો મુદ્દો એક રાજકીય હથિયાર જેવો બનાવી દેવાયો છે. મોટા દેશો અને તેના ભંડોળથી ચાલતી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ માત્ર વિકાસશીલ દેશોને પ્રદુષણ ફેલાવતા હોવાનું માને છે અને તેમને પ્રદુષણ ઘટાડવા દબાણ કરે છે. બીજી તરફ પૃથ્વીનો બીજો ભાગ છે અને ત્યાં પણ પ્રદુષણ ફેલાઈ રહ્યું છે તેના ઉપર તેમની નજર નથી. અહીંયા આવેલા હવા, પાણી, જમીન અને જંગલો ઉપર સમગ્ર માનવજાતનો અધિકાર છે.
તેને સાચવવાની જવાબદારી પણ સમગ્ર માનવજાતની છે. ક્રૂડની ફેક્ટરીઓ ભડકે બળે છે અથવા તો તેમાંથી ક્રૂડ નીકળે છે ત્યારે જે હવા અને પાણીનું પ્રદુષણ થાય છે તેનાથી વ્યાપક નુકસાન થાય છે. દુનિયામાં યુદ્ધ અને પર્યાવરણ ઉપર જે ચર્ચાઓ ચાલે છે તે સમાંતર રીતે ચાલે છે પણ તેનો તાલમેલ કોઈ નથી. આ તમામ બાબતો ઉપર વાસ્તવિકતા સાથે સંવાદ ક્યાંય થતો નથી. એક તરફ ગ્લોબલ વોર્મિંગ અટકાવવાની વાતો થાય છે અને બીજી તરફ હથિયારો બનાવવાની હોડ જામેલી છે. માણસજાતે નક્કી એ કરવાનું છે કે, ખરેખર તે પર્યાવરણ બચાવવા માગે છે કે પછી પોતાના અહંકારને પોષવા માગે છે. યુદ્ધ થકી મહાસત્તાઓ અને મોટા દેશો પોતાના અહંકારને સંતોષી રહ્યા છે અને નાના દેશોને દબાવી રહ્યા છે.
વાહનો, ફેક્ટરીઓ કે અન્ય માનવીય પ્રવૃત્તિઓ દ્વારા પ્રદુષણ થાય છે અને તેના તરફ બધાની નજર છે. યુદ્ધ દ્વારા જે ખુવારી થાય છે તેના તરફ કોઈનું ધ્યાન નથી. તેનાથી પર્યાવરણને જે ભયંકર અસર થાય છે તેના તરફ આપણે ધ્યાન આપતા નથી. યુદ્ધ દ્વારા પૃથ્વીનું લાખો વર્ષોથી રચાયેલું અને સચવાયેલું સંતુલન ખરાબ થાય છે અને તે વધારે જોખમી અને જીવલેણ તથા દૂરોગામી નુકસાન કરનારું છે.


