For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મધ્ય પ્રદેશના પૂર્વ CMના પરિવારની અબજોની સંપત્તિ, કારમાં નહીં હેલિકોપ્ટરમાં જવાનું જ પસંદ

Updated: Mar 31st, 2024

Article Content Image

Kamalnath Family Wealth : લોકસભાની ચૂંટણીમાં 19 એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન છે એ બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરાઈ ગયાં. પહેલા તબક્કામાં 102 લોકસભા બેઠકો માટે ત્રણ હજારથી વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે પણ સૌથી વધારે ચર્ચા નકુલનાથની છે કેમ કે નકુલનાથે એફિડેવિટમાં પોતાની પાસે 700 કરોડની સંપત્તિ હોવાનું જાહેર કર્યું છે. મધ્ય પ્રદેશની છિંદવાડા બેઠકના વર્તમાન સાંસદ અને કોંગ્રેેસના ઉમેદવાર નકુલનાથે 2019માં ફોર્મ ભર્યું ત્યારે 640 કરોડની સંપત્તિ હોવાનું જાહેર કરેલું એ જોતાં પાંચ વર્ષમાં તેમની સંપત્તિ 40 કરોડ જ વધી છે પણ 700 કરોડની સંપત્તિની વાત જ સામાન્ય માણસનું હદય બેસાડી દેવા માટે પૂરતી છે. 

કમલનાથ અને તેની પત્ની અલકાનાથની સંપત્તિ 134 કરોડ

નકુલનાથ મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર છે. મધ્ય પ્રદેશમાં ચાર મહિના પહેલાં વિધાનસભાની ચૂંટણી થઈ તેમાં કમલનાથ બેઠક પરથી જીતેલા. કમલનાથે ફોર્મની સાથે આપેલી એફિડેવિટમાં પોતાની અને પત્ની અલકાનાથની 134 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું જાહેર કરેલું એ જોતાં બાપ-બેટા પાસે મળીને જ 834 કરોડની સંપત્તિ છે. 

કમલનાથના બંને પુત્રોની 700-700 કરોડ

કમલનાથને બકુલનાથ નામે બીજો દીકરો પણ છે. તેની પાસે પણ નકુલનાથ જેટલી જ 700 કરોડ રૂપિયાની આસપાસની સંપત્તિ હોવાનું કહેવાય છે એ જોતાં કમલનાથનો પરિવાર સત્તાવાર રીતે જ 1500 કરોડ રૂપિયાનો આસામી છે. ભારતના રાજકારણમાં ધનિક પરિવારોની કમી નથી પણ સત્તાવાર રીતે કમલનાથના પરિવાર જેટલી સંપત્તિ કોઈની પાસે નહીં હોય એ જોતાં નાથ પરિવાર ભારતનો સૌથી ધનિક રાજકીય પરિવાર હશે. 

કમલનાથ પાંચ દાયકા કરતાં વધારે સમયથી રાજકારણમાં છે તેથી કોઈને પણ ભ્રષ્ટાચાર કરીને આટલી સંપત્તિ ભેગી કરી હશે એવી શંકા જાગે પણ આ સંપત્તિ ભ્રષ્ટાચાર કરીને ભેગી કરેલી નથી. કમલનાથ અને તેમના પુત્રે સત્તાવાર રીતે જાહેર કરેલી સંપત્તિ છે તેથી તેનો હિસાબ હોય જ પણ સવાલ એ છે કે, કમલનાથ અને તેના પરિવાર પાસે આટલી બધી સંપત્તિ ક્યાંથી આવી ? 

કમલનાથ બિઝનેસમેન છે અને મોમાં ચાંદીના ચમચા સાથે જ પેદા થયેલા એવું વરસોથી આપણે સાંભળીએ છીએ પણ રાજકારણની સાથે સાથે કમલનાથ અને તેમનો પરિવાર શું બિઝનેસ કરે છે એ મોટા ભાગનાં લોકોને ખબર જ નથી. કમલનાથનો બિઝનેસ રીયલ એસ્ટેટથી માંડીને એગ્રીકલ્ચર પ્રોડક્ટ સુધીનાં સંખ્યાબંધ ક્ષેત્રોમાં ફેલાયેલો છે.

નાથ પરિવારની માલિકીની હોય એવી કંપનીઓની સંખ્યા 23 છે જ્યારે ક્રોસ શેર હોલ્ડિંગ હોય એવી 20 જેટલી કંપનીઓ છે. નાથ પરિવાર મૂળ પંજાબનો ખત્રી પરિવાર છે પણ ઉત્તર પ્રદેશમાં આવીને વસેલો. કમલનાથને બિઝનેસનો વારસો તેમના પિતા મહેન્દ્રનાથ પાસેથી મળ્યો છે. મહેન્દ્રનાથે મેરઠમાં ઈન્સ્યોરન્સ એજન્ટ તરીકે કામ શરૂ કરેલું ને ધીરે ધીરે પ્રગતિ કરીને આગળ વધતા ગયા. 

મહેન્દ્રનાથ પાસે થોડો પૈસો આવ્યો એટલે ફિલ્મ ડિસ્ટ્રિબ્યુશનમાં પડયા. 1950 અને 1960ના દાયકામાં ફિલ્મ જ મનોરંજનનું સાધન હતું તેથી મહેન્દ્રનાથ કમાતા ગયા ને કમાણી બિઝનેસમાં નાંખતા ગયા. પબ્લિશિંગ, મોટાં એક્ઝિબિશન, પાવર ટ્રાન્સમિશન વગેરે બિઝનેસમાં કરેલું રોકાણ ફળ્યું તેથી નાથ પરિવાર 1950ના દાયકામાં જ પૈસેટકે સુખી થઈ ગયેલો. મહેન્દ્રનાથે વરસો પહેલા ગાઝિયાબાદમાં ઈન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ ટેકનોલોજી દ્વારા એજ્યુકેશનના સેક્ટરમાં ઝંપલાવેલું. એ પણ અત્યારે બહુ મોટી સંસ્થા બની ચૂકી છે.  

કમલનાથ અને સંજય ગાંધી એક જ સ્કૂલમાં ભણતા હતા, બંનેની દોસ્તી રાજકારણમાં કામ લાગી

મહેન્દ્રનાથે મહેનત કરી કર્યો કમલનાથે પિતાના બિઝનેસને મોટો કર્યો તેમાં તેમની રાજકીય કારકિર્દીનો ફાળો મોટો છે. કમલનાથ દૂન સ્કૂલમાં ઈન્દિરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધી સાથે ભણ્યા તેના કારણે થયેલી દોસ્તીએ કમલનાથની જીંદગી બદલી નાંખી. 1971ની લોકસભા ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીની ભવ્ય જીત પછી સંજય રાજકારણમાં સક્રિય થયો ત્યારે તેણે પોતાના જે દોસ્તારોને મદદ કરવા બોલાવ્યા તેમાં  કમલનાથ એક હતા. સંજય ગાંધીના કારણે કમલનાથના બેઉ હાથમાં લાડુ આવી ગયા.

એક તરફ નહેરૂ-ગાંધી પરિવારની ખાસ બની ગયા તેથી કમલનાથ રાજકીય રીતે સત્તાના કેન્દ્રમાં આવી ગયા. સત્તાના કેન્દ્રમાં હતા તેથી બિઝનેસ પણ જબરદસ્ત વધ્યો. સંજય સાથેની નિકટતાના કારણે 1970 અને 1990ના દાયકામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેલલપમેન્ટના મોટા મોટા કોન્ટ્રાક્ટ કમલનાથની કંપનીને મળતા તેથી સરકારી રાહે જ અંધાધૂંધ કમાણી થઈ. આ કમાણીથી કમલનાથે  શિમલા, મનાલી, શ્રીનગર સહિતનાં ટુરિસ્ટ પ્લેસ પર શાનદાર હોટલોથી માંડીને રીયલ એસ્ટેટ સુધીના બિઝનેસમાં પગપેસારો કરી નાંખ્યો. આજે કમલનાથનો મધ્ય પ્રદેશ અને દિલ્હીમાં રીયલ એસ્ટેટનો મોટો બિઝનેસ છે. આ સિવાય આઈટી, હોટલ્સ, શેર-સીક્યુરિટીઝ, ફાયનાન્સ, એગ્રો પ્રોડક્ટ્સ, મોટલ્સ, પ્લાન્ટેશન એમ જાત જાતના બિઝનેસ સાથે નાથ પરિવાર સંકળાયેલો છે. 

રસપ્રદ વાત એ છે કે, કમલનાથના પરિવારનો બિઝનેસનો પથારો બહુ મોટો હોવા છતાં આજ સુધી કોઈ કેન્દ્રીય એજન્સીની ઝપટે ચડયા નથી. કોંગ્રેસના શાસન વખતે તો કોઈ કમલનાથ પર હાથ નાંખે એવી કલ્પના પણ ના થઈ શકે પણ ભાજપના શાસનમાં પણ કમલનાથના બિઝનેસ સામ્રાજ્યને કશું થયું નથી. કોંગ્રેસના ભલભલા નેતા અને તેમની સાથે સંકળાયેલા બિઝનેસ સામ્રાજ્યો ઈડી અને સીબીઆઈ સહિતની કેન્દ્રીય એજન્સીઓની ઝપટે ચડી ગયાં પણ કમલનાથ અનટચ્ડ છે. 

ઈન્કમટેક્સ વિભાગે 2019માં કમલનાથની કંપનીઓ પર સર્વે કર્યો ત્યારે 280 કરોડ રૂપિયાની રોકડ મળી હોવાનો દાવો કરેલો પણ પછી રહસ્યમય રીતે બધું શાંત પડી ગયું. કમલનાથે કઈ રીતે સંપત્તિ જમાવી તેનું રહસ્ય આ ઘટનામાં છે. શું છે આ રહસ્ય ? એ જ કે, કમલનાથને બધાંને સાચવતાં આવડે છે.

કમલનાથનો ભાણિયો 8000 કરોડના કૌભાંડનો આરોપી

કમલનાથના દીકરા લો પ્રોફાઈલ છે અને અત્યાર સુધી કોઈ વિવાદમાં સપડાયા નથી પણ કમલનાથનો ભાણિયો રતુલ પુરી છાપેલું કાટલું છે. કમલનાથને અનિતા પુરી અને રીતા જોલ્લી એમ બે બહેનો છે. રતુલ અનિતાનો દીકરો છે. 

કોંગ્રેસના શાસનમાં થયેલા અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ખરીદી કૌભાંડમાં રતુલ પુરી મુખ્ય આરોપી છે. કમલનાથની વગનો ફાયદો ઉઠાવીને પુરીએ કટકી ખાધી હોવાનું કહેવાય છે. ઈડી 8000 કરોડ રૂપિયાની મની લોન્ડરિંગ કેસમાં રતુલ પુરી ધરપકડ પણ કરી ચૂકી છે. દુબઈના હવાલા ઓપરેટર રાકેશ સક્સેના સાથે રતુલની નિકટતા છે. રતુલે બેંકો પાસેથી લીધેલાં નાણાં રાકેશની મદદથી વિદેશોમાં ટ્રાન્સફર કરીને જંગી સંપત્તિ જમાવી હોવાનું કહેવાય છે. 

રતુલ કોમ્પેક્ટ ડિસ્ક (સીડી) અને પેમ ડ્રાઈવ સહિતની કોમ્પ્યુટર પ્રોડક્ટ્સ બનાવતી મોઝર બેયર કંપનીનો માલિક હતો. મોઝર બેયરે બેંક પાસેથી 355 કરોડ રૂપિયાની લોન લઈને ચૂનો લગાડી દીધો તેનો કેસ પણ થયો છે. આ કેસમાં રતુલ સિવાય તેની માતા અનિતા પુરી અને પિતા દીપક પુરી પણ આરોપી છે. બંને મોઝર બેયર કંપનીમાં ડિરેક્ટર હતાં. 

રતુલ પુરીએ એક જ નાઈટમાં ક્લબમાં 8 કરોડ ઉડાવેલા

રતુલ પોતાની અય્યાશીઓના કારણે પણ લગોવાયેલો છે. રતુલ તેને મળવા પ્રાઈવેટ પ્લેનમાં દુબઈ જતો ને પછી બંને પ્રાઈવેટ પ્લેનમાં અમેરિકા અય્યાશીઓ માટે જતા. ઈડીની તપાસમાં બહાર આવેલું કે, રાકેશ સક્સેનાએ રતુલને અમેરિકન એક્સપ્રેસનું ક્રેડિટ કાર્ડ આપેલું. આ કાર્ડપર રતુલે 32 કરોડ રૂપિયા ખર્ચેલા. અમેરિકાની એક ક્લબમાં એક જ નાઈટમાં રતુલે 11.50 લાખ ડોલર એટલે કે લગભગ 8 કરોડ રૂપિયા ઉડાવી દીધેલા. 

કમલનાથના માત્ર હેલિકોપ્ટરમાં જ જાય છે!

કમલનાથ પોતાના રજવાડી ઠાઠ માટે જાણીતા છે. કમલનાથ માટે કહેવાય છે કે, કારમાં એ ક્યાંય જતા જ નથી, માત્ર હેલિકોપ્ટરમાં જ જાય છે. છિંદવાડામાં કમલનાથના ઘરે બે હેલિકોપ્ટર હંમેશાં હાજર જ હોય છે. મતવિસ્તારમાં જનસંપર્ક વખતે કમલનાથનો પરિવાર કારમાં નિકળે છે, બાકી પરિવારના કોઈ સભ્યે બહાર જવું હોય તો હેલિકોપ્ટરનો જ ઉપયોગ કરાય છે. 

કમલનાથે પોતાની સંપત્તિનો ઉપયોગ છિંદવાડામાં પોતાનો રાજકીય પ્રભાવ ઉભો કરવા કર્યો છે. છિંદવાડામાં કોઈ પણ પરિવારને મદદની જરૂર હોય તો નાથ પરિવારને ત્યાંથી ખાલી હાથે પાછો આવે જ નહીં એવું કહેવાય છે. આ કારણે છિંદવાડા લોકસભા મતવિસ્તાર 1980થી કમલનાથનો ગઢ છે. કમલનાથ ઉત્તર પ્રદેશના હોવા છતાં 1980મા પહેલી વાર છિંદવાડા બેઠક પરથી લડીને જીત્યા હતા. એ પછી અત્યાર સુધીની ચૂંટણીમા માત્ર એક વાર 1997ની પેટા ચૂંટણીમાં ભાજપના સુંદરલાલ પટવા સામે એ હાર્યા, બાકી છિંદવાડામાં કદી હાર્યા નથી. 1996માં હવાલા કૌભાંડમાં નામ આવતાં કમલનાથે તેમનાં પત્ની અલકા નાથને ઉભાં રાખેલાં તો એ પણ જીતી ગયેલાં. હવાલા કૌભાંડમાં ક્લીન ચીટના પગલે કમલનાથે અલકાને રાજીનામું અપાવતાં થયેલી પેટાચૂંટણીમાં હારી ગયેલા પણ 1998મા જીત સાથે પુનરાગમન કરીને 2019 સુધી સાંસદ રહ્યા, 2019માં દીકરા નકુલને બેઠક આપી તો એ પણ જીતી ગયો.

Gujarat