અત્યાધુનિક સેન્સર થકી જાપાન બચે છે ભૂકંપ-સુનામીથી
- જાપાને જમીનમાં અને દરિયામાં સેન્સરનું નેટવર્ક ગોઠવ્યું છે જે આંખના પલકારામાં ભૂકંપનું એલર્ટ જારી કરીને સમગ્ર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરી દે છે
- જાપાનમાં વર્ષે 1500થી 2000 જેટલા નાની મોટી તિવ્રતાના ભૂકંપો આવે છે પણ ખાસ જાનહાની થતી નથી : સિસ્મોલોજિક ટેક્નોલોજી દ્વારા સેકંડોમાં જાપાનમાં લોકો સુધી એલર્ટ પહોંચી જાય છે, કામગીરી અટકી જાય છે, લોકો સુરક્ષિત સ્થળે ખસવા લાગે છે : ટ્રેનો, બસો, લિફ્ટ, ઓદ્યોગિક મશિનો, ઓદ્યોગિક લિફ્ટો, કન્સ્ટ્રક્શન લિફ્ટ અને ક્રેન બધું જ જાતે અટકી જાય છે, બુલેટ ટ્રેનમાં પણ સેન્સર કનેક્ટેડ બ્રેક હોય છે જે એક્ટિવ થઈને ટ્રેનને રસ્તામાં જ રોકી દે છે અને જાનહાની ટળે છે : જાપાન દ્વારા ભૂકંપ અને સુનામીનો અભ્યાસ કરવાના પ્રોજેક્ટમાં મોટાપાયે રોકાણ કરવામાં આવે છે. સંશોધકો દ્વારા સતત ભૂકંપની પેટર્ન, ટેક્ટોનિક પ્લેટ્સની ગતિવિધિનો અભ્યાસ વગેરે કરવામાં આવે છે
રશિયાના કામચાટકા ખાતે બુધવારે વહેલી સવારે ૮.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે, તેના પગલે અમેરિકા, રશિયા, ચીન, જાપાન, હવાઈ આઈલેન્ડ સુધી સુનામી અને ટ્રેમરની ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી. રશિયામાં ૧૯૫૨ પછી આટલી મોટી તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેના કારણે રશિયામાં તો ચિંતા વ્યાપી જ છે પણ બાકીના દેશો પણ ચિતિંત છે. આ બધા વચ્ચે જાપાન એક એવું છે જેણે બચવા માટે તમામ ઉપાય કરી લીધા હોવાના અહેવાલો છે.
કહેવાય છે કે, અત્યંત સંવેદનશિલ ભૂભાગ ઉપર આવેલો જાપાન ભૂકંપ મુદ્દે સૌથી જોખમી દેશ ગણાય છે. દુનિયાના સૌથી વધારે ભૂકંપ જાપાનમાં જ આવે છે. અહીંયા નાના-મોટા ભૂકંપો આવતા જ રહે છે. દર વર્ષે અહીંયા ૧૫૦૦-૨૦૦૦ જેટલા ભૂકંપો આવતા રહે છે. રિંગ ઓફ ફાયર ગણાતી સંવેદનશિલ જમીન ઉપર આ દેશ વસેલો છે. અહીંયા ઘણી ટેક્ટોનિક પ્લેટો ભેગી થાય છે અને સતત ભૂકંપનું સર્જન કરતી રહે છે. નવાઈની વાત એ છે કે, દર વર્ષે આટલા બધા ભૂકંપો આવવા છતાં આ દેશ ટકેલો છે અને અત્યાધુનિક વ્યવસ્થા સાથે વર્ચસ્વ ટકાવીને રહ્યો છે.
જાપાનના હવામાન વિભાગ અને સિસ્મોલોજિકલ વિભાગે જણાવ્યું કે, અહીંયા જે ૨૦૦૦ની આસપાસ ભૂકંપો આવે છે તેની તીવ્રતા અલગ અલગ હોય છે. લોકોને સામાન્ય કંપનથી માંડીને મોટા ઝાટકા અનુભવાય છે. તેમાં મોટાભાગના ભૂકંપ ૩ થી ૫ રિક્ટર સ્કેલના હોય છે. ત્યારબાદ કેટલાક ૫ થી ૬ રિક્ટર સ્કેલના મધ્યમ ભૂકંપ હોય છે. ભાગ્યે જ ૭ કે તેનાથી વધારે રિક્ટર સ્કેલના ભૂકંપ આવે છે. જાપાને ઉત્તરોત્તર પોતાની કામગીરી, ટેક્નોલોજી, રણનીતિમાં એવો સુધારો કરી દીધો કે, ભૂકંપ અને સુનામીના પ્રભાવને સામાન્ય કરવામાં સફળતા મેળવી લીધી છે.
જાપાન દ્વારા સમયાંતરે અત્યાધુનિક ભૂકંપ ચેવતણીની સિસ્ટમ વિકસિત કરવામાં આવી છે. આ સિસ્ટમ ભૂકંપના શરૂઆતના કંપનોને ડિટેક્ટ કરે છે અને ગણતરીની સેકંડોમાં એલર્ટ જારી કરી દે છે. આ એલર્ટ ટીવી, રેડિયો, મોબાઈલ ફોન ઉપર અને સાઈરન સ્વરૂપે આપવામાં આવે છે. તેના કારણે વધુમાં વધુ લોકો સતર્ક બની જાય છે. લોકોને ઝડપી અને વહેલી ચેતવણી મળી જવાના કારણે તેઓ જાતે સુરક્ષિત સ્થળોએ જઈ શકે છે. આ ઉપરાંત ટ્રેનો, બસો, લિફ્ટ, ઔદ્યોગિક મશિનો, ઓદ્યોગિક લિફ્ટ અને ક્રેનો, ઓટોમેટિક સાધનો બધું જ જાતે જ બંધ થઈ જાય છે. તે ઉપરાંત શિંકાનસેન એટલે કે જાપાનની જાણીતી બુલેટ ટ્રેનોમાં પણ સેન્સર ડિટેક્ટ થાય છે અને ઓટોમેટિક બ્રેક વાગી જાય છે જેથી ટ્રેન ત્યાં જ અટકી જાય છે અને જાનહાની ટળે છે.
નવાઈની વાત એ છે કે, જમીનની જેમ દરિયામાં પણ જાપાન દ્વારા સેન્સરનું અને ટેક્નોલોજીનું વ્યાપક નેટવર્ક ઊભું કરવામાં આવેલું છે. તે સમુદ્રની ગતિવિધિનું સતત નિરિક્ષણ કરે છે અને સુનામીનું એલર્ટ જારી કરી દે છે. ભૂકંપ પછી તરત જ સૂનામીની ગણતરી કરીને તેની ચેતવણી જારી કરી દે છે. જાપાની હવામાન ખાતા દ્વારા સુનીની ઉચાંઈ, તેનો કિનારા સુધી પહોંચવાનો સમય, તેની તીવ્રતા વગેરે વિશે તાકીદે માહિતી ફરતી કરી દેવાય છે. ટીવી, રેડિયો, મોબાઈલ અને અન્ય માધ્યમોથી આ ચેતવણી લોકો સુધી પહોંચાડી દેવાય છે. દરિયા કિનારાના વિસ્તારોમાં લાઉડ સ્પીકરો અને સાઈરનો દ્વારા ચેવતણી જારી કરીને તેમને ઉંચી જગ્યાએ સ્થળાંતર કરવાની સુચના આપવામાં આવે છે. કિનારાના વિસ્તારોમાં કોંક્રિટની ૧૫ મીટર ઉંચી દીવાલો બનાવવામાં આવી છે જે સૂનામીને રોકવામાં મદદ કરે છે.
બીજી વાત એવી છે કે, જાપાનમાં ઈમારતોનું નિર્માણ પણ કડક નિયમોને આધારે જ કરવામાં આવે છે. ઈમારતોમાં લચકદાર સામગ્રી, ટેક્નોલોજીનો ઉયયોગ કરવામાં આવે છે જે ભૂકંપના કંપન અને ઝાટકાને શોષી લે છે અને ઈમારતોને મોટું નુકસાન થતું નથી. જૂની ઈમારતોને ભૂકંપ વિરોધી બનાવવા માટે તેમાં રેટ્રોફિટિંગ ટેક્નોલોજો ઉપયોગ કરવામાં આવે છે. જાપાનની મોટાભાગની ઈમારતો ૭ થી ૮ રિક્ટર સ્કેલના ભૂકંપને સહન કરી શકે અને સુરક્ષિત રહી શકે તે રીતે બનાવવામાં આવે છે.
જાપાનની સ્કૂલો, કાર્યાલયો અને સામાજિક સેન્ટરોમાં ભૂકંપ અને સુનામીથી બચવા માટે નિયમિત રીતે ડ્રિલનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે ૧ સપ્ટેમ્બરને આપત્તી રોકથામ દિવસ તરીકે ઉજવાય છે અને સમગ્ર દેશમાં કુદરતી આપત્તીથી બચવાના વિવિધ અભ્યાસ હાથ ધરવામાં આવે છે. જાપાનમાં વસતા લોકોના ઘરમાં ઈમર્જન્સી કીટ (સુકુ ભોજન, પાણી, આવશ્યક દવાઓ, ટોર્ચ, ફર્સ્ટ એઈડ કીટ) રાખવાની પરંપરા છે. સ્કૂલોમાં બાળકોને ભૂકંપ અને સુનામીથી બચવાની તાલિમ આપવામાં આવે છે. અહીંયા બાળકોને ડ્રોપ, કવર અને હોલ્ડ ટેક્નિક દ્વારા આત્મરક્ષણ શિખવવામાં આવે છે.
અહીંયાની ખાસીયત એવી પણ છે કે, જાપાન દ્વારા ભૂકંપ અને સુનામીનો અભ્યાસ કરવાના પ્રોજેક્ટમાં મોટાપાયે રોકાણ કરવામાં આવે છે. સંશોધકો દ્વારા સતત ભૂકંપની પેટર્ન, ટેક્ટોનિક પ્લેટ્સની ગતિવિધિનો અભ્યાસ વગેરે કરવામાં આવે છે. સુપર કમ્પ્યૂટરનો ઉપયોગ કરીને સુનામી અને ભૂકંપની અસર ઉપર નજર રાખવામાં આવે છે.
જાપાનની સરકારે સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની વિશેષ ટીમ બનાવેલી છે. ભૂકંપ બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી પુનવસન કરવા માટે અને પુર્ન:નિર્માણ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવે છે. તેમાં અસ્થાયી મકાનો અને પાયાની સુવિધાઓ ઊભી કરી દેવામાં આવે છે. રાહત કેમ્પો મોટાપાયે ધમધમતા કરવામાં આવે છે જેમાં હજારો લોકોને આશરો અને ભોજન મળી રહે છે.
જાપાની સમાજમાં કુદરતી આપત્તી કે કોઈપણ પ્રકારની સામુદાયિક મુશ્કેલી દરમિયાન એકબીજાને મદદ કરવાની મજબૂત સંસ્કૃતિ છે. લોકો ભેગા થઈને પડોશીને મદદ કરવા માટે સમાજને મદદ કરવા માટે સજ્જ થઈ જાય છે. ૨૦૧૧માં આવેલા ૯ની તીવ્રતાના ભૂકંપ અને સુનામી પછી જાપાને પોતાની પદ્ધતિઓ અને સંસ્કૃતિને વધારે મજબૂત અને વ્યાપક બનાવ્યા છે. આ આપતમાં લાખો લોકોને અસર થઈ હતી છતાં જાપાનની તૈયારીઓ, ઝડપી પ્રતિક્રિયાને પગલે મોટાપાયે જાનમાલનું નુકસાન બચી ગયું હતું.
તે ઉપરાંત લોકોએ એકબીજાને મદદ કરી અને પાછા ઊભા થવામાં સામાજિક સાહસનું માળખું કાર્યરત કરી દીધું.
ખાસ વાત એવી છે કે, તાજેતરમાં આવેલા ભૂકંપમાં પણ સુનામીની મોટી લહેરો ઉઠવાની ચેતવણી અપાઈ હતી પણ તેવી મોટી લહેરો આવી નહીં. દરિયાના મોટા ખાસ મોટી અસર જન્માવી શક્યા નહીં. જાપાને તેના માટે પણ તૈયારી કરી લીધી હતી. ઉલ્લેખીય છે કે, આ પહેલાંની ઘટનાઓ બાદ જાપાને કિનારાના વિસ્તારોમાં મોટી દીવાલો બાંધવી, લોકોનું સ્થળાંતર કરવું, ચેતવણીઓ આપતા રહેવું જેવી કામગીરી વધારી દીધી હતી જેથી વ્યાપક નુકસાન રોકી શકાય. ૨૦૧૧ના ભૂકંપને યાદ રાખીને ફુકુશિમા ન્યૂક્લિયર પ્લાન્ટમાં પણ સુરક્ષાના પગલાં વધારે મજબૂત કરવામાં આવ્યા છે. જાપાનની જનતા અને સરકારની તાત્કાલિક નિર્ણય લેવાની અને કામગીરી કરવાની આદતને પગલે સ્થિતિ કાબુમાં આવી જાય છે. આ વખતે પણ કોઈ મોટી જાનમાલને નુકસાન કે મોતના સમાચાર આવ્યા નથી. જાપાની પૂર્વ તૈયારી અને સતર્કતાએ નુકસાન ઘટાડી દીધું છે. આ ઘટના જાપાનના દાયકાઓથી વિકસિત થયેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટના આધુનિક અને મજબૂત મોડલને આભારી છે.
ચીલીમાં 1960માં 9.6ની તીવ્રતાનો સૌથી શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો
રશિયામાં આવેલા ૮.૮ની તિવ્રતાના ભૂકંપે દુનિયાભરમાં કંપની સર્જી કાઢયું છે. ચારેતરફ સુનામીની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. આ ભૂકંપની નોંધ દુનિયાના સૌથી શક્તિશાળી ભૂકંપોમાં લેવાઈ છે.
આમ જોવા જઈએ તો ભૂકંપ માપવાની શરૂઆત અને અને તેનો રેકોર્ડ રાખવાની શરૂઆત ૧૯૦૦ની સાલથી જ શરૂ કરાઈ હતી. તે પહેલાંનો ડેટા છે જ નહીં. યુએસજીએસ દ્વારા તેના રેકોર્ડ રાખવામાં આવે છે. અત્યાર સુધીમાં ૯ની તિવ્રતા અને તેનાથી વધારેની તિવ્રતાના પણ ઘણા ભૂકંપ આવી ગયા છે. માનવ આધુનિક ઈતિહાસની વાત કરીએ તો ૨૨ મે ૧૯૬૦ના રોજ ચીલીના વાલ્ડિવિયામાં સૌથી શક્તિશાવળી ભૂકંપ આવ્યો હતો. અહીંયા ૯.૪ થી ૯.૬ની તિવ્રતાનો ભૂકંપ ૧૦ મિનિટ સુધી ચાલ્યો હતો. તેની અસર પેસેફિક મહાસાગરના કિનારે આવેલા તમામ વિસ્તારોમાં થઈ હતી. તેનાથી હવાઈ, જાપાન, ફિલિપાઈન્સ, ન્યૂઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સુધી સુનામીની લહેરો ઉઠી હતી. તેનાથી અંદાજે ૬ હજાર લોકોનાં મોત થયા હતા. તે ઉપરાંત ૨૦ લાખ લોકો બેઘર થઈ ગયા હતા.
ચીલીના અનેક શહેરોમાં વ્યાપક નુકસાન થયું હતું. પ્યૂર્ટો મોંટમાં જમીન ધસી ગઈ હતી. ભૂકંપના કારણે વધારે મોત થયા નહોતા પણ તેની ૧૫ મિનિટ બાદ આવેલી સુનામીએ વ્યાપક કેર વર્તાવ્યો હતો. ચીલીના કિનારાઓ ઉપર ૨૫ મીટર ઉંચા મોજા ઉછળીને અથડાયા હતા. લેબૂ અને પ્યૂર્ટો એસેન જેવા શહેરોને તબાહ કરી નાખ્યા હતા. લોકોના મકાનોના અવશેષો પાંચ પાંચ કિ.મી. દૂર સુધી ઢસડાયા હતા. તેના કારણે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીએ તો તે સમયે ૪.૮ અબજ ડોલરથી વધારેનું નુકસાન થયું હતું.
કિનારે બનેલા મકાનો અને ઈમારતો સંપૂર્ણ તૂટી ગયા હતા. નવાઈની વાત એ હતી કે, લાકડામાંથી બનેલા મકાનોને સરખામણીએ ઘણું ઓછું નુકસાન થયું હતું. ઉંચા વિસ્તારોમાં બનેલા મકાનો બચી ગયા હતા. ભૂકંપના કારણે ચિલીના કિનારાના ઘણા વિસ્તારોમાં જમીન બે મીટર સુધી નીચે ધસી ગઈ હતી.