- પ્રજાનું આર્થિક સરવૈયું : રોકેટ ગતિએ વિકસી રહેલા ભારતીય અર્થતંત્રમાં એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ અને હાઈસ્કિલ ડિગ્રી લેનારા લાખો લોકો બેરોજગાર
- શહેરી બેરોજગારીનો દર અંદાજે સાત ટકા પહોંચી ગયો હતો. બીજી તરફ અઢાર વર્ષથી ત્રીસ વર્ષની ઉંમરના વયજુથના યુવાનોમાં બેરોજગારીનો દર 12 ટકા જેટલો હતો. સંશોધકોએ નોંધ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણ મેળવેલા યુવાનોમાં બેજરોજગારીનો દર તો તેના કરતા પણ વધારે હતો : ખરેખર વિકાસ થઈ રહ્યો છે તો ભારત કઈ દિશામાં આગળ વધી રહ્યો છે. માત્ર ગણતરીના સેક્ટરમાં વિકાસ થયો છે અને જીડીપીની આંકડા મોટા થઈ રહ્યા છે પણ તેની સામે બેરોજગારી અને અસમાનતામાં વધારો થઈ રહ્યો છે તેના તરફ કોઈનું ધ્યાન જતું નથી અને કદાચ જેવા દેવામાં પણ આવતું નથી : રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમનો જ અહેવાલ જણાવે છે કે, ભારતની મોટાભાગની નોકરિયાત વસતી તેમના ક્ષેત્રના પાયાગત શિક્ષણ અને તાલિમથી વંચિત હોય છે. તેનું પરિણામ એ આવે છે કે, કંપનીઓ કુશળ ઉમેદવારોની અછતની બુમરાણ મચાવે છે અને બીજી તરફ યુવાનો બેરોજગારીનો માર ઝીલી રહ્યા હોય છે
ભારતના વિકાસની, તેની આર્થિક ગતિની કે પછી વૈશ્વિક ધોરણે સૌથી મજબૂત ઈકોનોમી બનવા તરફની જે આગેકૂચની વાતો અને વાયદા થઈ રહ્યા છે તેની સામે તાજેતરમાં કેટલીક વાસ્તવિકતા આવી છે જે આશ્ચર્યજનક અને આંચકાજનક છે. મોટા મોટા રોકાણો, વિકાસદર અને મોટા આયોજનોના આવરણો ચડાવીને વધતી જતી રોજગારીને વર્ચ્યુઅલ વિકાસના વાયદા તરીકે રજૂ કરવામાં આવી છે. એક તરફ ભારતને સૌથી ઝડપથી વધી રહેલી ઈકોનોમી તરીકે રજૂ કરવાના કાગળ ઉપરના અને પોસ્ટરો પરના ભરચક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યાં બીજી તરફ જમીની વાસ્તવિકતા એવી છે કે, શિક્ષિત યુવાનોમાં રોજગારીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ ઉપરાંત અસ્થિર રોજગાર અને ઘટતી આવક પણ યુવાનોના ભાવી અંગે મોટો સવાલ ઊભો કરી રહી છે.
શ્રમ મંત્રાલય અને નેશનલ સ્ટેસ્ટિકલ ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા જણાવે છે કે, દેશના શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર સતત વધી રહ્યો છે. તેના કારણે યુવાનો અને ખાસ કરીને શિક્ષિત યુવાનો માટે નવા જ પડકારો સર્જાઈ રહ્યા છે. આ આંકડાનો વિરોધાભાસ એવી વાસ્તવિકતા છે જે છેલ્લાં ઘણા સમયથી વિકાસના આવરણ હેઠળ રજૂ કરવામાં આવી રહી છે. જાણકારોના મતે હાલમાં દેશની ૬૫ ટકાથી વધારે વસતી ૪૫ વર્ષ કે તેનાથી ઓછી ઉંમરની છે. બીજી તરફ દર વર્ષે એક કરોડ કરતા વધારે યુવાનો રોજગારીની શોધમાં માર્કેટમાં ફરતા હોય છે. દર વર્ષે એક કરોડ લોકોને રોજગાર આપવો ત્યારે જ શક્ય બને જ્યારે અર્થતંત્ર યોગ્ય અને ગુણવત્તાસભર રીતે આગળ વધતું હોય અને રોજગારના અવસરોનું સર્જન કરી શકતું હોય. તેની સામે વાસ્તવિકતા એવી છે કે, સંગઠિત ક્ષેત્રમાં નવી નોકરીઓની સંખ્યા અત્યંત સિમિત છે અને તેના કારણે લાખો યુવાનોને રોજગારી મળતી નથી.
બે વર્ષ પહેલાની જ વાત કરીએ તો ૨૦૨૪માં આવેલા પિરિયોડિક લેબર સર્વેના તારણોમાં સ્પષ્ટ થતું હતું કે, તે સમયે પણ શહેરી બેરોજગારીનો દર અંદાજે સાત ટકા પહોંચી ગયો હતો. બીજી તરફ અઢાર વર્ષથી ત્રીસ વર્ષની ઉંમરના વયજુથના યુવાનોમાં બેરોજગારીનો દર ૧૨ ટકા જેટલો હતો. સંશોધકોએ નોંધ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણ મેળવેલા યુવાનોમાં બેજરોજગારીનો દર તો તેના કરતા પણ વધારે હતો. એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ અને ગ્રેજ્યુએશન જેવી ડિગ્રી લેનારા લાખો લોકો કામની શોધમાં ભટકતા હતા અને હાલમાં પણ ભટકે છે. આ ઉપરાંત તેમણે પોતાની યોગ્યતા કરતા ઓછા પગારમાં અને અસ્થાયી અને આકરી શરતોએ નોકરી કરવા મજબૂર થવું પડે છે. તેના કારણે આર્થિક અસુરક્ષા ઊભી થઈ રહી છે અને તેને પગલે સામાજિક અસંતોષ અને માનસિક દબાણ પણ વધી રહ્યા છે.
શહરોમાં જ રોજગારીની સમસ્યા છે તેવું નથી. ગ્રામીણ ભારતમાં પણ રોજગારીની વરવી સમસ્યાઓ જ છે. ખેતી ઉપર આધારિત વસ્તીની સરેરાશ આજે પણ અંદાજે ૪૫ ટકા છે જ્યારે ખેતીનું જીડીપીમાં યોગદાન ૧૫ ટકાથી પણ ઓછું થઈ ગયું છે. ખેતી દ્વારા આવક વધારવાની સરકારની તમામ જાહેરાતો અને વાયદા પોકળ જ સાબિત થયા છે. ખેડૂતોની આવકમાં વધારો થયો જ નથી અને મોટાભાગના લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ઓછી ઉત્પાદકતા ધરાવતા અન્ય વ્યવસાયો તરફ ફંટાવા લાગ્યા છે. જાણકારો માને છે કે, દેશના મોટાભાગના ખેડૂતો અને તેમના પરિવારની માસિક આવક આજે પણ એટલી નથી હોતી કે તેઓ સન્માનજનક રીતે અથવા તો સુવિધાસભર જીવન જીવી શકે. તેના પરિણામે યુવાનો દ્વારા ગામડા છોડીને શહેરો તરફ પલાયન કરવામાં આવી રહ્યું છે.
સરકાર દ્વારા છેલ્લાં એક દાયકામાં રોજગારી વધારવા અને બેરોજગારી ઘટાડવા માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. કૌશલ વિકાસ મિશન, આત્મનિર્ભર ભારત જેવી યોજનાઓ અને કાર્યક્રમો દેશભરમાં કરવામાં આવ્યા. તેના દ્વારા નવી નોકરીઓ, રોજગારોનું સર્જન થયું અને એન્ટરપ્રિન્યોરશિપમાં વધારો થયો હોવાના આંકડા ફરતા કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સ્ટાર્ટઅપ ઈન્ડિયા હેઠળ બે લાખથી વધારે નવા ઉદ્યોગો અને બિઝનેસનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને તેના દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લાખો રોજગારોનું સર્જન થયાના દાવા કરવામાં આવ્યા હતા. વાસ્તવિકતા એવી છે કે, આ રોજગારીનો મોટો ભાગ અસ્થાયી, માત્ર યોજના આધારિત અને ડિજિટલ માધ્યમો સાથે જોડાયેલો છે. બીજી તરફ તેમાં સામાજિક સુરક્ષા, લાંબાગાળાની સ્થિરતા અને નક્કરતાનો પણ અભાવ છે. તે ઉપરાંત ઘણા સ્ટાર્ટઅપનું બાળમરણ થઈ ગયું છે જેના વિશે ચર્ચા જ થતી નથી કે તેની કોઈ માહિતી અપાતી જ નથી.
આ ઉપરાંત આંચકાજનક બાબત એવી છે કે, ભારતમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ ધારીએ તેવો અને આંકડાઓમાં બતાવાયેલો વિકાસ થયો નથી. મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ઈકોનોમી અને રોજગાર સર્જનનું એન્જિન માનવામાં આવે છે પણ ભારતમાં આ સેક્ટરનું જીડીપીમાં કુલ યોગદાન ૧૬ ટકાની આસપાસ છે. ચીન, વિયેતનામ અને બાંગ્લાદેશ જેવા દેશોની સરખામણીએ ભારતમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર ખૂબ જ પાછળ અને પછાત હોવાનું દેખાઈ રહ્યું છે. ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકો માને છે કે, ભારતમાં શ્રમ કાયદાની જટિલતા, ભૂમિ અધિગ્રહણની મુશ્કેલીઓ, માળખાગત સંશાધનોનો અભાવ, ભ્રષ્ટાચાર, વૈશ્વિક સ્પર્ધા વચ્ચે સરકારની મદદ અને સાથનો અભાવ આ સેક્ટરમાં દબાણ ઊભું કરી રહ્યો છે. તેની સીધી અસર રોજગાર સર્જન ઉપર જોવા મળી રહી છે. તેના પગલે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોજગારી ઘટી રહી છે.
બીજી ચિંતાજનક બાબત એવી છે કે, મહિલાઓની પણ બેરોજગારીની સમસ્યા તરફ કોઈનું ધ્યાન નથી. શિક્ષિત હોવા છતાં, યોગ્યતા હોવા છતાં મહિલાઓને આર્થિક, પારિવારિક અને સામાજિક કારણોને લીધે યોગ્ય કામગીરીથી દૂર રખાય છે અથવા તો તેમને રોજગારી જ આપવામાં આવતી નથી. જાણકારો માને છે કે, મહિલાઓને પણ યોગ્ય રીતે રોજગાર પૂરો પાડવામાં આવે તો રોજગારીની પરિભાષા વિસ્તૃત થશે અને આર્થિક વિકાસમાં તેમનું પણ યોગદાન વધશે.
ચિંતાજનક બાબત એવી છે કે, સરકારી જાહેરાતોમાં વારંવાર રોજગારીને પ્રાથમિકતા આપવાની વાતો આવતી હોય છે પણ જ્યારે વાસ્તવિકતા જોઈએ ત્યારે બજેટની ફાળવણી, સંશાધનોની ફાળવણી અને તેના અમલીકરણમાં ક્યાંય પ્રાથમિકતા કે મહત્ત્વ દેખાતા નથી. શિક્ષણ, સ્વાસ્થ્ય, કૌશલ વિકાસ જેવા સેક્ટરમાં થતો ખર્ચ આજે પણ જીડીપીની સરખામણીએ ખૂબ જ ઓછો છે. જાણકારો માને છે કે, જો આ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સરખામણી કરવામાં આવે તો ભારતમાં આ સેક્ટરમાં ખૂબ જ ઓછું રોકાણ કરવામાં આવે છે. જો માનવ શ્રમમાં યોગ્ય રીતે રોકાણ કરવામાં નહીં આવે તો રોજગાર સર્જન કોઈપણ સંજોગોમાં થશે નહીં અને તેના પગલે જે પણ યોજનાઓ જાહેર કરવામાં આવે છે તેની સફળતા પણ જોખમાશે. ભારતમાં રોજગારની સ્થિતિ જોતા સૌથી મોટો સવાલ જ એ થાય છે કે, ખરેખર ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી ઈકોનોમી છે. જો ખરેખર વિકાસ થઈ રહ્યો છે તો ભારત કઈ દિશામાં આગળ વધી રહ્યો છે.
માત્ર ગણતરીના સેક્ટરમાં વિકાસ થયો છે અને જીડીપીની આંકડા મોટા થઈ રહ્યા છે પણ તેની સામે બેરોજગારી અને અસમાનતામાં વધારો થઈ રહ્યો છે તેના તરફ કોઈનું ધ્યાન જતું નથી અને કદાચ જેવા દેવામાં પણ આવતું નથી.
બેરોજગારીની અસર માત્ર આર્થિક નહીં પણ સામાજિક અને રાજકીય હોય છે
ખાસ વાત એ છે કે, બેરોજગારી માત્ર આર્થિક હોતી નથી. તેની અસર અને કારણો સામાજિક અને રાજકીય પણ હોય છે. બેરોજગારી અને અસુરક્ષિત રોજગારમાં લાખો યુવાનો અટવાયેલા છે અને તેઓ પોતાના ભવિષ્ય અંગે અત્યંત ચિંતિત છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભીડ વધી રહી છે. બીજી તરફ સતત પેપર ફુટવાની ઘટનાઓ, વારંવાર પરીક્ષાઓ રદ થવી અને ભરતી પ્રક્રિયાઓમાં ખૂબ જ મોડું થવું અથવા તો લાંબી પ્રક્રિયાઓના કારણે બેરોજગારીની સમસ્યા વધારે વકરતી જાય છે. ઘણા રાજ્યોમાં તો હવે બેરોજગારીને પગલે હિંસક પ્રદર્શનો અને દેખાવો થવા લાગ્યા છે. લાખો યુવાનો રસ્તા ઉપર ઉતરી રહ્યા છે તે જણાવે છે કે, રોજગારી હવે માત્ર આંકડા પૂરતી સિમિત નથી રહી પણ સામાજિક અને રાજકિય રીતે પણ ગંભીર અસર ઊભી કરી રહી છે. કેટલાક લોકો માને છે કે, સર્વિસ સેક્ટર દ્વારા અર્થતંત્રને ટેકો પૂરો પાડવામાં આવ્યો છે પણ તેના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો રોજગારીનું સ્વરૂપ બદલાઈ ગયું છે. આઈટી સેક્ટર અને આધુનિક સેવાઓ તથા હાઈ સ્કિલ સેક્ટરમાં લોકોને રોજગાર મળે છે પણ તેનું કદ મર્યાદિત છે. હાલમાં દેશની ઈકોનોમી એક એવા સર્વિસ સેક્ટરના ભરોસે ચાલી રહી છે જેમાં લોકો કોમ્યુનિકેશન, ડિજિટલ સેવાઓ, આઈટી, એઆઈ, ટ્રાન્સપોર્ર્ટેશન અને અન્ય સેક્ટરમાં નાના-મોટા કામ કરી રહ્યા છે. બીજી ચિંતાજનક બાબત એવી છે કે, શિક્ષણનું સ્તર, શિક્ષણની વ્યવસ્થા અને રોજગાર વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે. દર વર્ષે લાખો લોકો સ્નાતક, અનુસ્નાતક કે પછી પ્રોફેશનલ સેક્ટરની ડિગ્રીઓ લઈને બજારમાં આવે છે. આ લાખો યુવાનોમાંથી મોટાભાગના લોકો ઈન્ડસ્ટ્રી પ્રમાણે યોગ્ય રીતે તાલિમબદ્ધ હોતા નથી અથવા તો તેમની પાસે ઈન્ડસ્ટ્રીનું પ્રેક્ટિકલ નોલેજ હોતું નથી અને તેથી તેમને રોજગાર મળતો નથી અથવા તો મર્યાદિત રોજગાર મળે છે. રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમનો જ અહેવાલ જણાવે છે કે, ભારતની મોટાભાગની નોકરિયાત વસતી તેમના ક્ષેત્રના પાયાગત શિક્ષણ અને તાલિમથી વંચિત હોય છે. તેનું પરિણામ એ આવે છે કે, કંપનીઓ કુશળ ઉમેદવારોની અછતની બુમરાણ મચાવે છે અને બીજી તરફ યુવાનો બેરોજગારીનો માર ઝીલી રહ્યા હોય છે.


