Get The App

AI : પરમાણુ હથિયારોની રેસને વધુ ઘાતક બનાવશે

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
AI : પરમાણુ હથિયારોની રેસને વધુ ઘાતક બનાવશે 1 - image

- સમગ્ર પૃથ્વીને નષ્ટ કરી નાખવા સક્ષમ હથિયારો ખરેખર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના આધારે છોડવા કે નહીં તે નક્કી કરવું પડશે 

- રશિયા અને ચીન ન્યૂક્લિયર વેપન્સ બનાવતા હોવાની બાંગો પોકારીને ટ્રમ્પે પણ અમેરિકાને પરમાણુ હથિયારો બનાવવાની લીલી ઝંડી આપી હતી. મહાસત્તાઓના આ અવિચારી અને આત્યાંતિક પગલાના કારણે વિશ્વમાં ફરીથી પરમાણુ હથિયારોની રેસ શરૂ થઈ ગઈ છે : હાલમાં પણ પૃથ્વી ઉપર એટલા પરમાણુ હથિયારો છે કે અનેક વખત પૃથ્વી નષ્ટ થઈ જાય. તેમાંય હવે ન્યૂક્લિયર હથિયારોની સાથે એઆઈનું સાયુજ્ય સધાયા બાદ સમગ્ર વિશ્વમાં તાંડવ થવાની ભીતી સેવાઈ રહી છે. જાણકારો માને છે કે, દુનિયા એક નવા યુગમાં પ્રવેશી રહી છે જેમાં ન્યૂક્લિયર પાવર ફરી એક વખત મહત્ત્વની ભૂમિકા ભજવશે : તંગ પરિસ્થિતિમાં પણ માણસ ભવિષ્યની પરિસ્થિતિનો વિચાર કરીને નિર્ણય લેતો હોય છે જ્યારે બધું જ એઆઈને ભરોસે છોડી દેવામાં આવશે તો તે પોતાના અલગોરિધમના આધારે નિર્ણયો લેવા લગાશે. વિકટ સ્થિતિમાં અકસ્માતે અણુ મિસાઈલ છોડી દેવાની ઘટનાઓ પણ બની શકે છે જેને નકારી શકાય નહીં.

રશિયા દ્વારા થોડા સમય પહેલાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તેણે એક મિસાઈલ વિકસાવી છે જે સમગ્ર પૃથ્વીના કોઈપણ ખુણાને ટાર્ગેટ કરી શકે છે. રશિયાએ વિકસાવેલી આ ન્યુક્લિયર મિસાઈલનું નામ બર્વેસ્નિક છે. આ મિસાઈલ સિસ્ટમની રેન્જ ૧૫,૦૦૦ કિલોમીટરની જણાવવામાં આવી છે. તે સતત ૧૫ કલાક સુધી ઉડીને ટાર્ગેટ સુધી પહોંચી શકે છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે, આ મિસાઈલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સિસ્ટમ થકી સંચાલિત છે. જાણકારો માને છે કે, જો રશિયાની આ મિસાઈલ ખરેખર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સંચાલિત હશે તો ભવિષ્યમાં તે માનવજાત માટે સૌથી મોટો ખતરો બની શકે છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ રશિયા અને ચીન ન્યૂક્લિયર વેપન્સ બનાવતા હોવાની બાંગો પોકારીને ટ્રમ્પે પણ અમેરિકાને પરમાણુ હથિયારો બનાવવાની લીલી ઝંડી આપી હતી. મહાસત્તાઓના આ અવિચારી અને આત્યાંતિક પગલાના કારણે વિશ્વમાં ફરીથી પરમાણુ હથિયારોની રેસ શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ન્યૂક્લિયર હથિયારોના નિર્માણ અને સંચાલનમાં જો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો પગપેસારો થઈ ગયો હોય તો આ હથિયારોની રેસ અટકાવવાનું જુનું માળખું પડી ભાંગશે. એઆઈની મદદથી જ હથિયાર તૈયાર કરવાનું, ડિપ્લોય કરવાનું, લોન્ચ કરવાનું અને ટાર્ગેટ સુધી પહોંચાડવાનું અને તેને કન્ટ્રોલ કરવાનું કામ થવા લાગશે. હાલમાં રશિયા, અમેરિકા અને ચીન વચ્ચે પરમાણુ હથિયારો વિકાસવવાનો ત્રિપાંખીયો જંગ તો શરૂ થઈ જ ગયો છે તેમાં એઆઈની એન્ટ્રી થવાથી સ્થિતિ વધારે ગંભીર બનશે. રશિયાએ તો બર્વેસ્નિક અને પોસાઈડોન જેવી મિસાઈલ વિકાસવી પણ લીધી છે. હવે અમેરિકા અને ચીન પણ આવી મિસાઈલો બનાવી લેશે તો વિશ્વમાં કોલ્ડ વોર કરતા પણ વધારે ગંભીર સ્થિતિ ઊભી થવાના અણસાર છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં પણ પૃથ્વી ઉપર એટલા પરમાણુ હથિયારો છે કે અનેક વખત પૃથ્વી નષ્ટ થઈ જાય. તેમાંય હવે ન્યૂક્લિયર હથિયારોની સાથે એઆઈનું સાયુજ્ય સધાયા બાદ સમગ્ર વિશ્વમાં તાંડવ થવાની ભીતી સેવાઈ રહી છે. જાણકારો માને છે કે, દુનિયા એક નવા યુગમાં પ્રવેશી રહી છે જેમાં ન્યૂક્લિયર પાવર ફરી એક વખત મહત્ત્વની ભૂમિકા ભજવશે. તેમાંય એઆઈ દ્વારા તેનું સેન્સિંગ, પ્લાનિંગ, લોજિસ્ટિક અને કમાન્ડ નેટવર્ક ઓપરેટ થશે તે વધારે જોખમ ઊભું કરશે. સ્પિરિનો ૨૦૨૫નો અહેવાલ જણાવે છે કે, આગામી સમયમાં જો એઆઈની મદદથી મિસાઈલનું ઓપરેટિંગ, પ્લાનિંગ, કાઉન્ટર ડિટેક્શન, ટ્રેકિંગ અને ઈન્ટરસેપ્શન થશે તો સમગ્ર વિશ્વએ તેના ગંભીર પરિણામો માટે પણ તૈયાર રહેવું પડશે.

મહત્ત્વની વાત એ છે કે, ન્યૂક્લિયર હથિયારોના કમિશનિંગ માટે આર એન્ડ ડીમાં, મટિરિયલની પસંદગી અને વ્યવસ્થા, સિસ્ટમ ઈન્ટિગ્રેશન, મોડેલિંગ અને અન્ય પ્રોસેસિંગમાં એઆઈ આવી જવાથી કામ ખૂબ જ ચિવટ અને ઝડપથી થશે. તેમાંય અમેરિકા તો અત્યંત એડવાન્સ સિમ્યુલેશન અને સબક્રિટિકલ એક્સપિરિમેન્ટ કરી રહ્યું છે અને તેમાં એઆઈનો ઉપયોગ થવાથી તે વધારે ઘાતક બની જશે. હવે વારંવાર પરિક્ષણ ટાળીને, ડિઝાઈન અને ડેવલપમેન્ટ સાઈકલને ઘટાડીને તથા અનિશ્ચિતતાઓને ઓછી કરીને નવા અખતરા સાથે શાંતિ અને યુદ્ધ બંનેનો માહોલ તૈયાર થશે. એઆઈ દ્વારા વેરિફિકેશન અને વેલિડેશન પ્રોસેસ થશે તો ભુલો થવાની શક્યતાઓ ઘટી જશે અને મટિરિયલ કે સાધાનોને જો બગાડ થતો હતો તેમાં ઘટાડો આવશે. બીજી તરફ એવી પણ ભીતી સેવાઈ રહી છે કે, જો એઆઈના અલગોરિધમ યોગ્ય રીતે સેટ નહીં થયા હોય અથવા તો પૂર્વગ્રહયુક્ત હશે તો હથિયારો પણ તેને આધિન જ તૈયાર થશે. તેનો ઉપયોગ અને પરિણામ પણ તેવા જ આવશે.

ન્યૂક્લિયર હથિયારોના સેક્ટરમાં એઆઈના ઉપયોગથી ઘણી બધી બાબતો બદલાઈ જશે. ખાસ કરીને ન્યક્લિયર યુદ્ધની સ્થિતિમાં પ્રત્યુત્તર આપવાની પદ્ધતિ અને સ્થિતિ બંને બદલાશે. અવિચારી હથિયાર સર્જનની રેસ શરૂ થશે, અત્યાધુનિક હથિયારો બનવા લાગશે અને ખાસ કરીને પહેલા હુમલો નહીં કરવાની જે માણસની વૃત્તિ છે તે આમાં લાગુ નહીં પડે. તેના કારણે જોખમ વધી જશે. જાણકારો માને છે કે, તંગ પરિસ્થિતિમાં પણ માણસ ભવિષ્યની પરિસ્થિતિનો વિચાર કરીને નિર્ણય લેતો હોય છે જ્યારે બધું જ એઆઈને ભરોસે છોડી દેવામાં આવશે તો તે પોતાના અલગોરિધમના આધારે નિર્ણયો લેવા લગાશે અને તેના પગલે જોખમ અત્યંત વધી જશે. તંગ સ્થિતિમાં અકસ્માતે અણુ મિસાઈલ છોડી દેવાની ઘટનાઓ પણ બની શકે છે જેને નકારી શકાય નહીં. જેમ ૧૯૮૩માં સ્ટેનિસ્લેવ પેટ્રોવ ઘટના વખતે ખોટી રીતે ઓટોમેટિક એલાર્મ વાગી ગયું હતું અને સ્થિતિ તંગ થઈ ગઈ હતી તેવું એઆઈના કારણે પણ થઈ શકે છે. કદાચ એમ કહી શકાય કે તેના કરતા વધારે ભયાનક પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.

સૌથી પહેલા તો ટાર્ગેટ નક્કી કરવા, હુમલો કરવા માટેની સ્ટ્રેટેજી બનાવવી, તેની સૌથી ખરાબ અસરનું એક સરવૈયું કાઢવું જેવી બાબતો અટકી જશે અને કિલિંગ ચેઈન શરૂ થશે જે સેનાને ચોકસાઈની સામે ઝડપ આપશે જે વધારે જોખમી બની શકે. સામેના પક્ષે પણ આવી જ સિસ્ટમ ગોઠવાઈ હશે ત્યારે એઆઈ પોતાની રીતે સતત ગણતરીઓ કરીને સમયનો તાગ કાઢીને ફાયરિંગ કે કાઉન્ટર ફાયરિંગની એક્ટિવિટી ઓપરેટ કરવા લાગશે જેમાં માનવીય સંવેદના કે વિચારનો અભાવ આવી જશે. કમાન્ડર એમ વિચારે કે વિરોધી દેશ ગમે ત્યારે આઈએનો ઉપયોગ કરી શકે છે અને તેના કારણે તે પોતાની બચાવની સ્ટ્રેટેજી બનાવશે અને તેના કારણે એઆઈ કન્ટ્રોલ પોતાના હાથમાં લઈને ગમે ત્યારે હુમલા કરી શકે છે અથવા તો સ્વબચાવના નામે પણ મિસાઈલ દાગી શકે છે.

બીજી તરફ એક ચર્ચા એવી પણ છે કે, ક્યાંય હજી સુધી એવા અહેવાલ આવ્યા નથી કે, ન્યૂક્લિયર હથિયારો ધરાવતા દેશો દ્વારા મિસાઈલ લોન્ચિંગ માટે એઆઈ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. મિસાઈલ મેનેજમેન્ટ કે, પ્રિપેરેશનમાં પણ એઆઈના ઉપયોગની વાત આવી નથી. જો ખરેખર આવું શરૂ થઈ ગયું હોય અને બહાર ન આવ્યું હોય તો જોખમ વધારે છે. જાણકારોના મતે આકસ્મિક પ્રતિભાવમાં એઆઈ થકી ઓટોમેટિક કે સેમી ઓટોમેટિક સિસ્ટમ ડેવલપ કરવામાં આવે અને તેનું નેટવર્ક ઊભું કરવામાં આવે તો પણ જોખમ વધી જાય તેમ છે. આવી સિસ્ટમને ખરેખર સ્ટ્રેસ, તંગ સ્થિતિ કે પછી હુમલાની સ્થિતિનો માનવિય અભિગમ આવી શકે જ નહીં. તે માત્ર પ્રિલોડેડ ડેટાના આધારે કામ કરે અને પગલા લઈ લે જે વધારે જોખમી છે.સિપ્રીના ૨૦૨૫ના અહેવાલ પ્રમાણએ રશિયા પાસે હાલમાં ૫,૪૫૯ પરમાણુ હથિયારો છે જ્યારે અમેરિકા પાસે ૫,૧૭૭ હથિયારો છે અને ચીન પાસે ૬૦૦ની આસપાસ પરમાણુ હથિયારો છે. આ આંકડા પણ જૂના છે. કોઈપણ દેશ દ્વારા ગુપ્ત રીતે એઆઈની મદદથી બધું વિકાસવવામાં આવ્યું હશે તો કોઈને તેનો અંદાજ નથી. 

એઆઈનો વાસ્તવિક ઉપયોગ કરવામાં આવે તો ભયાનક નરસંહાર થાય 

રશિયાની બર્વેસ્નિક અને પોસાઈડોન જેવી મિસાઈલ્સ અત્યંત ઘાતક ગણાય છે અને તેમાંય એઆઈના ઉપયોગ દ્વારા જો આ મિસાઈલ્સને ઓપરેટ કરવામાં આવતી હશે તો તેના માઠા પરિણામો વધારે ભોગવવાના આવશે. બીજી તરફ અમેરિકા અને ચીન દ્વારા પણ આ મિસાઈલ્સને ખાળવા માટે એઆઈ ટેકનોલોજીમાં મોટાપાયે રોકાણ કરવામાં આવ્યું છે. તેમાંય અમેરિકાએ મેરિટાઈમ સિક્યોરિટી, એનોમલિ ડિટેક્શન, ઓટોનોમસ અન્ડર સી સિસ્ટમ દ્વારા સુરક્ષા અને પ્રત્યુત્તરની તૈયારીઓ કરી રહ્યું હોવાના અહેવાલો છે. જાણકારો માને છે કે, આ ત્રણેય મોટા દેશો દ્વારા એકબીજાની સામે એઆઈના ઉપયોગના આરોપ મુકીને પોતાના બચાવ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. અહેવાલો એવા છે કે, દરેક દેશ પોતાને ભય હોવાનું જણાવીને આ પાવર રેસમાં જોડાઈ રહ્યો છે. મહાસત્તાઓ દ્વારા જે સ્તરે એઆઈમાં કામ કરાઈ રહ્યું છે તે સમગ્ર દુનિયાને જોખમમાં મુકી રહી છે. હાલમાં કોઈપણ દેશ નવી શરૂઆત કરવા તૈયાર નથી. અમેરિકા એવો દાવો કરી રહ્યું છે કે, તે વિસ્ફોટકોના ઉપયોગ વગર માત્ર ડમી સાધનો દ્વારા એઆઈથી ચાલતા હથિયારોનું પરિક્ષણ કરી રહી છે. જાણકારો આ દાવાને ફગાવે છે. તેઓ માને છે કે, અમેરિકાના આ દાવા પ્રેક્ટિકલ જણાતા નથી. એક સમયે તેઓ વિસ્ફોટકો સિવાય પણ ટેસ્ટિંગ કરતા હોય છતાં રશિયા અને ચીન આવા કોઈ નિયમો પાળવાનું નથી. બહુ જ સ્પષ્ટ છે કે, એક વખત ટેસ્ટિંગ શરૂ થયા અથવા તો ટેસ્ટિંગ ચાલતા હોવાનું બહાર પડયું અને તેમાં એઆઈનો ઉપયોગ સામે આવ્યો તો આ રેસ ખૂબ જ ગંભીર થવાની છે. માત્ર એઆઈના નામે ટેકનોલોજીને એડવાન્સ બનાવવાની કામગીરી થઈ રહી છે કે પછી ખરેખર સત્તાની સાઠમારીને પગલે મહાસત્તાઓ ફરી એક વખત ન્યૂક્લિયર રેસમાં આવી ગઈ છે તેની હજી કોઈ સ્પષ્ટતા નથી. સ્વાભાવિક છે કે, એઆઈ જાતે જ કોઈ નિર્ણય લેવાનું નથી પણ એક વખત એઆઈને કમાન્ડ આપી દેવાયો ત્યારબાદ ટેસ્ટિંગ, મેકિંગ, કમિશનિંગ, ડિપ્લોયમેન્ટ અને લોન્ચ સાઈકલ સેટ કરવા સુધીની કામગીરી ઓટોનોમસ રીતે ચાલશે. 

અમેરિકા, ચીન અને રશિયા ત્રણેય દેશો કોઈપણ પ્રકારની સુરક્ષા, શાંતિ અને સલામતીની દરકાર કર્યા વગર સમગ્ર માનવજાતને સંકટમાં નાખવાની રેસમાં આગળ વધશે જે અન્ય દેશોને પણ ગેરમાર્ગે દોરશે. દુનિયાને અત્યારે જ નક્કી કરવું પડશે કે એઆઈની લિમિટ ક્યાં સુધી રાખવી છે. તેને હથિયારો બનાવવા, ચલાવવા જેવી મોટી જવાબદારી આપીને ખરેખર ભવિષ્યનો ખતરો ઊભો કરવો છે કે નહીં.