ઉદયનિધીનો ઉદય, દાદા કરૂણાનિધીની જેમ લાંબી ઈનિંગ રમશે
- કરૂણાનિધીએ ૧૯૪૨માં શરૂ કરેલા મુરાસોલી નામના અખબારમાં પંચાવન વરસ લગી દરરોજ ડીમકેના કાર્યકરોને સંબોધીને પત્ર લખેલો
- કરૂણાનિધીના રાજકીય વારસ બનવા માટે જોરદાર જંગ જામેલો. કોઈ વેબ સીરિઝનો વિષય બને એવા દાવપેચ ખેલાયેલા ને તેનું કારણ કરૂણાનિધીની રંગીન તબિયત હતી. કરૂણાનિધીએ કાયદેસર ત્રણ લગ્ન કરેલાં. તેનાથી થયેલાં સંતાનો વચ્ચે કરૂણાનિધીના સ્થાને ડીએમકેના સર્વેસર્વા બનવા લડાઈ ફાટી નિકળેલી. કરૂણાનિધીએ સ્ટાલિનને વારસ જાહેર કર્યો પછી પણ મોટા ભાઈ અલાગિરીએ તેને સ્વીકાર્યો નહોતો, કનિમોઝી પણ સામે પડેલી પણ સ્ટાલિને બધાંને બેસાડી દીધેલાં. ઉદયનિધી સામે કોઈ પડકાર નથી એ જોતાં તેના માટે મુખ્યમંત્રીપદનો માર્ગ સરળ છે.
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને પોતાના દીકરા ઉદયનિધી સ્ટાલિનને નાયબ મુખ્યમંત્રી બનાવીને ભવિષ્યમાં તેમનો રાજકીય વારસદાર કોણ બનશે એ સ્પષ્ટ કરી દીધું. બલ્કે રાજકીય વિશ્લેષકોના મતે તો સ્પષ્ટ સંકેત આપી દીધો કે, ૨૦૨૬ની તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં ડીએમકે ઉદયનિધીના નેતૃત્વમાં લડશે અને જીતશે તો ઉદયનિધી મુખ્યમંત્રી બનશે.
સ્ટાલિન પોતે ૭૧ વર્ષના છે અને વિધાનસભાની ચૂંટણી સુધીમાં ૭૩ વર્ષના થઈ ગયા હશે. સ્ટાલિનના પિતા કરૂણાનિધી ૨૦૧૮માં ગુજરી ગયા ત્યારે ૯૪ વર્ષના હતા અને ડીએમકેના પ્રમુખ હતા. ૨૦૧૧ની ચૂંટણીમાં જયલલિતા સામે ભૂંડી રીતે હાર્યા ત્યારે પણ કરૂણાનિધી ૮૭ વર્ષના હતા એ જોતાં સ્ટાલિનના પરિવારમાં ઝડપથી સત્તા છોડવાનું ચલણ નથી પણ કરૂણાનિધી જીવતા હતા ત્યારે પરિવારમાં આંતરિક ઝગડા અને ખેંચતાણ બહુ હતાં.
કરૂણાનિધીના રાજકીય વારસ બનવા માટે જોરદાર જંગ જામેલો. કોઈ વેબ સીરિઝનો વિષય બને એવા દાવપેચ ખેલાયેલા ને તેનું કારણ કરૂણાનિધીની રંગીન તબિયત હતી. કરૂણાનિધીએ કાયદેસર ત્રણ લગ્ન કરેલાં. સૌથી પહેલાં કરૂણાનિધી પદ્માવતીને પરણેલા. આ લગ્નથી થયેલા દીકરા એમ. કે. મુથુને તમિલ ફિલ્મોમાં એમજીઆર જેવા સુપરસ્ટાર બનવાના અભરખા હતા તેથી તેમની સાથે રહેવા માંડેલો.
કરૂણાનિધી અને એમજીઆર રાજકીય દુશ્મન બન્યા એ પહેલાં ખાસ મિત્રો હતા તેથી એમજીઆરએ મિત્રતાના દાવે તેને બ્રેક અપાવેલો. કરૂણાનિધી પણ તમિલ ફિલ્મોમાં લીજેન્ડ ગણાતા તેથી મુથુ થોડીક ફિલ્મોમાં હીરો પણ બની ગયેલો પણ બહુ ચાલ્યો નહીં. મુથુએ ૮ ફિલ્મો કરીને પછી પતી ગયો. હતાશ મુથુ પછી દારૂ ને ડ્રગ્સમાં ખૂંપી ગયો. એમજીઆર અને કરૂણાનિધી વચ્ચે રાજકીય દુશ્મનાવટ થઈ પછી એમજીઆરે તેનો ઉપયોગ કરૂણાનિધી સામે કરવા માંડયો.
એમજીઆર ચાવી મારે એટલે કરૂણાનિધીને ભરપેટ ગાળો ભાંડતા મુથુને કરૂણાનિધીએ થોડાક સમય સહન કર્યા પછી લાત મારીને તગેડી મૂકેલો. એમજીઆર હતા ત્યાં સુધી મુથુ તેમની પાર્ટીમા રહ્યો પછી ક્યાં ખોવાઈ ગયો તેની કોઈને ખબર નહોતી. ૨૦૦૯માં મુથુ પાછો કરૂણાનિધીના શરણે આવી ગયેલો. તેનો દીકરો અરૂવીનિધી તમિલ ફિલ્મો બનાવે છે પણ બહુ સફળ થયો નથી. બાપની જેમ એ પણ સ્ટાલિન માટે સમસ્યાઓ ઉભી કર્યા કરતો હતો. કરૂણાનિધીનાં બીજા લગ્ન દયાલુ અમ્મલ સાથે થયેલાં. અલાગિરી અને સ્ટાલિન તેમના દીકરા છે પણ બંનેને બનતું નથી. અલાગિરીને ડીએમકેના સર્વેસર્વા બનવાના અભરખા હોવાથી નાના ભાઈ સ્ટાલિનને કાપી નાંખવા ઉધામા કર્યા કરતો હતો. કરૂણાનિધીએ તેને ઠંડો કરવા લોકસભામાં મોકલીને પ્રધાન પણ બનાવડાવી દીધેલો. મદુરાઈ લોકસભા બેઠક પરથી ચૂંટાયેલો અલાગીરી મનમોહનસિંહ સરકારમાં કેમિકલ્સ પ્રધાન હતો. ડીએમકેએ તમિલોના મુદ્દે ૨૦૧૨માં ટેકો પાછો ખેંચ્યો પછી એ નવરો થઈ ગયેલો.
અલાગિરીએ મદુરાઈમાં કાયમી ધામા નાંખીને સ્ટાલિન સામે મોરચો માંડી દીધેલો. કરૂણાનિધીએ તેને સમજાવ્યો પણ ના માન્યો એટલે લાત મારીને પાર્ટીમાંથી કાઢી મૂકેલો. કરૂણાનિધી બિમાર પડયા ત્યારે અલાગિરી પાછો આવીને સ્ટાલિન સામે ભિડાઈ ગયો હતો. કરૂણાનિધીએ ત્રીજાં લગ્ન રજતી અમ્મલ સાથે કરેલાં. હાલમાં થુથુક્કુડી લોકસભા બેઠકની સાંસદ કનિમોઝી તેમની દીકરી છે. કનિમોઝીને પણ કરૂણાનિધીના વારસ બનવાના અભરખા હતા પણ કરૂણાનિધીએ સ્ટાલિન પોતાનો રાજકીય વારસ હશે એવું સ્પષ્ટ શબ્દોમાં કહેતાં કનિમોઝી સમજીને ચૂપ બેસી ગઈ હતી.
જો કે અલાગિરીએ સ્ટાલિનને બદલે પોતે કરૂણાનિધીનો રાજકીય વારસ બને એ માટે પૂરી તાકાત લગાવી દીધી હતી પણ પરિવારનાં બીજાં લોકો સ્ટાલિન સાથે હતાં. રાજકારણમાં મની પાવર બહુ મહત્વનો હોય છે. ડીએમકેમાં મની પાવર કરૂણાનિધીના ભત્રીજા મુરાસોલી મારનના દીકરા કલાનિધી અને દયાનિધી પાસે છે. મારન બંધુઓ બિઝનેસ અને મીડિયા સામ્રાજ્ય જમાવીને બેઠા છે. સન ટીવી, દીનાકરન જેવાં ટોચનાં મીડિયા હાઉસની સાથે સાથે ટેલીકોમ્યુનિકેશન, ડીટીએચ બિઝનેસમાં પણ મારન બંધુઓનો દબદબો છે. કરૂણાનિધીના કહેવાથી બંને ભાઈ સ્ટાલિનની સાથે રહ્યા તેથી પરિવારના જંગમાં અંતે સ્ટાલિન જીતી ગયેલા.
સ્ટાલિનનાં નસીબ સારાં કે, જયલલિતાના મૃત્યુ પછી ડીએમકેનું સુકાન તેમના હાથમાં આવ્યું તેથી ડીએમકે સર્વોપરિ બની ગયો છે. એઆઈએડીએમકેની નેતાગીરીમાં દમ નથી. જયલલિતા પછી એઆઈએડીએમકે પતી ગયેલી પાર્ટી છે તેથી સ્ટાલિનના પરિવારને હમણાં કોઈ ખતરો નથી. સ્ટાલિને ૨૦૧૯ અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં તમિલનાડુની બધી બેઠકો જીતીને બીજા પક્ષોનો સફાયો કરી નાંખ્યો છે. ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં ડીએમકેનું બુલડોઝર ફરી વળેલું તેથી સ્ટાલિન સર્વસત્તાધીશ છે તેથી ઉદયનિધીની તાજપોશીનો રસ્તો સાફ છે.
રાજકીય વિશ્લેષકો ઉદયનિધીને સ્ટાલિન કરતાં વધારે સક્ષમ માને છે. તેમના મતે ઉદયનિધીમાં કરૂણાનિધીનો વારસો જાળવવાની તાકાત છે. કરૂણાનિધી સામાજિક ક્રાન્તિનો મેસેજ આપતાં શેરી નાટકો લખતા. પછી તમિલ ફિલ્મોના સુપરહીટ સ્ક્રીપ્ટ રાઈટર બનેલા. શિવાજી ગણેશનથી માંડી રજનીકાન્ત સુધીના તમિલ સુપરસ્ટાર આપવાનું શ્રેય કરૂણાનિધીને જાય છે. એમજીઆર અને જયલલિતાને પણ તેમણે સુપરસ્ટાર બનાવેલાં. તમિલનાડુમાં સાલેમનું મોડર્ન થીયેટર નાટકના રસિયાઓનો અડ્ડો ગણાય. કરૂણાનિધી તેની સાથે સંકળાયેલા હતા. તેમણે જ એમજીઆર તથા જયલલિતાને પહેલો બ્રેક આપેલો. ફિલ્મોમાં આ ત્રિપુટીએ જમાવટ કરી અને ઘણી સુપરહીટ ફિલ્મો આપી.
કરૂણાનિધીએ ૧૯૪૨માં શરૂ કરેલા મુરાસોલી નામના અખબારમાં પંચાવન વરસ લગી દરરોજ ડીમકેના કાર્યકરોને સંબોધીને પત્ર લખેલો. આ રીતે તેમણે કાર્યકરો સાથે જીવંત સંપર્ક રાખેલો. કરૂણાનિધીએ તમિલ ગૌરવનો જોરશોરથી પ્રચાર કરીને પોતાનો આગવો ચાહક વર્ગ ઉભો કર્યો.
ઉદયનિધી પણ કરૂણાનિધીની જેમ પોતાને નાસ્તિક ગણાવે છે અને સામાન્ય કાર્યકરોની વચ્ચે રહે છે. નરેન્દ્ર મોદીએ મદુરાઈમાં એઈમ્સ બાંધવાનું વચન આપેલું પણ પૂરું ના કર્યું એ મુદ્દાનો ઉદયનિધીએ ૨૦૨૧ની વિધાનસભામાં ખૂબીથી ઉપયોગ કરેલો. દરેક સભામાં ઈંટ લઈને જતા ઉદયનિધી એલાન કરતા કે, અત્યાર સુધીમાં એઈમ્સમાં આટલું જ કામ થયું છે, ખાલી ઈંટો આવીને પડી છે. ભાજપ અને એઆઈએડીએમકે પાસે તેનો જવાબ નહોતો.
ઉદયનિધી વંશવાદી રાજકારણની પેદાશ છે પણ સાથે સાથે પોતાની અલગ ઓળખ પણ બનાવી છે. આ સંજોગોમાં ઉદયનિધી તેના દાદાની જેમ લાંબી રાજકીય ઈનિંગ ખેલે એવી પૂરી શક્યતા છે.
- ઉદયનિધી તમિલ ફિલ્મોનો સફળ હીરો-નિર્માતા સામાન્ય પરિવારની છોકરીને પરણ્યો
ઉદયનિધી સ્ટાલિન તમિલ ફિલ્મોમાં સફળ નિર્માતા અને અભિનેતા છે. હળવી રોમેન્ટિક કોમેડી ફિલ્મો બનાવતા ઉદયનિધીનો તમિલ ફિલ્મોમાં આગવો વર્ગ છે. નયનતારા, હંસિકા મોટવાણી, ત્રિશા સહિતની ટોચની અભિનેત્રીઓ સાથે કામ કરી ચૂકેલા ઉદયનિધીને સારો એક્ટર ગણવામાં આવે છે.
ઉદયનિધીએ ૧૮ ફિલ્મોમાં કામ કર્યું છે અને ૮ ફિલ્મોનું નિર્માણ કર્યું છે. કરૂણાનિધીનો પરિવાર ફિલ્મ ડિસ્ટ્રિબ્યુશન સાથે લાંબા સમયથી સંકળાયેલો છે. ઉદયનિધી હવે આ બિઝનેસ સંભાળે છે. ઉદયનિધીએ રાજકારણ પર ધ્યાન આપવા માટે ૨૦૨૩માં એક્ટિંગ છોડી દીધી હતી. ઉદયનિધીએ ૨૦૦૨માં કિરૂથિગા સાથે લગ્ન કર્યાં કે જે ફિલ્મ ડિરેક્ટર અને લાઈફ સ્ટાઈલ મેગેઝિનની તંત્રી તરીકે કામ કરે છે. કિરૂથિગા સામાન્ય પરિવારની છે પણ ઉદયનિધી સાથે ચેન્નાઈની લોયોલા કોલેજમાં ભણતી વખતે પ્રેમમાં પડી ગયેલી. ઉદયનિધીએ કિરૂથિગાને પહેલી વાર પ્રપોઝ કર્યું ત્યારે કિરુથીગાએ ના પાડી હતી કેમ કે ઉદયનિધી વગદાર પરિવારનો હતો. ઉદયનિધી લગ્ન વિશે ગંભીર નહીં હોય એવું તેને લાગેલું પણ ઉદયનિધીએ તેને મનાવી લીધી હતી. બંનેનાં લગ્નને ૨૨ વર્ષ થઈ ગયાં. ઉદયનિધીનો દીકરો ઈન્બાનિધિ ૨૦ વર્ષનો છે જ્યારે દીકરી તન્મયા ૧૮ વર્ષની છે. ઈન્બાનિધી ફૂટબોલ ખેલાડી છે અને આઈ-લીગમાં રમે છે.
- ઉદયનિધીએ સનાતન ધર્મને કોરોના ગણાવેલો, જેટલી-સુષ્માના મોત માટે મોદીને દોષિત ગણાવેલા
ઉદયનિધિ સ્ટાલિનની ભારતમાં ઓળખ સનાતન ધર્મને ડેન્ગ્યુ, મેલેરિયા અને કોરોના જેવા રોગો સાથે સરખાવનારા હિંદુવિરોધી નેતા તરીકેની છે ૨૦૨૩ના સપ્ટેમ્બરમાં ચેન્નાઈમાં યોજાયેલી એક કોન્ફરન્સમાં ઉદયનિધિએ કહ્યું હતું, મચ્છર, ડેન્ગ્યુ, તાવ, મેલેરિયા અને કોરોના એવાં છે કે જેનો માત્ર વિરોધ જ ન કરી શકાય પણ તેને ખતમ કરવા જરૂરી છે. સનાતન ધર્મ પણ આવો છે. તેને સમાપ્ત કરવો એ આપણું પહેલું કાર્ય હોવું જોઈએ. સનાતન શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો છે અને સમાનતા અને સામાજિક ન્યાયની વિરુદ્ધ છે. સનાતનનો અર્થ છે, કાયમી એટલે કે બદલી ન શકાય તેવી વસ્તુ. જેના પર કોઈ સવાલ ઉઠાવી શકે નહીં.
સનાતન નિર્મૂલન કાર્યક્રમમાં સ્ટાલિને કહેલી આ વાતો સામે હિંદુઓમાં આક્રોશ ફાટી નિકળ્યો હતો. હિંદુવાદી સંગઠનોએ ઉદયનિધિ સસામે કાયદાકીય પગલાં લેવાની જાહેરાત કરતાં ઉદયનિધિએ જવાબ આપેલો કે, હું કોઈપણ કાયદાકીય પડકાર માટે તૈયાર છું. અમે ભગવા ધમકીઓથી ડરતા નથી.
ઉદયનિધીએ એ પહેલાં અરૂણ જેટલી અને સુષ્મા સ્વરાજના અકાળે મોત માટે નરેન્દ્ર મોદીને દોષિત ગણાવેલા. ઉદયનિધીએ ૨૦૨૧માં કહેલું કે, જેટલી અને સુષ્મા મોદીએ આપેલા વધારે પડતા સ્ટ્રેસના કારણે ગુજરી ગયાં હતાં.