Get The App

દુનિયાના ઘણા રાષ્ટ્રપ્રમુખોએ પત્નીઓનો માર સહન કર્યો છે

Updated: May 30th, 2025

GS TEAM


Google News
Google News
દુનિયાના ઘણા રાષ્ટ્રપ્રમુખોએ પત્નીઓનો માર સહન કર્યો છે 1 - image


- ફ્રાંસના પ્રમુખ મેક્રોંની પત્નીએ તેમને પ્લેનમાંથી ઉતરતા પહેલાં લાફો મારવાની ઘટનાએ સમગ્ર વિશ્વમાં હિંસક ફર્સ્ટ લેડી અંગે ચર્ચા જગાવી 

- મેક્રોંને તેમની પત્નીએ લાફો માર્યો કે બંને મજાક કરતા હતા તે ક્યારેય સ્પષ્ટ થવાનું નથી પણ આવા અણબનાવો થાય છે તે દેખીતું છે : ફ્રાંસના પૂર્વ પ્રમુખ નિકોલસ સરકોઝીની પત્ની પતિને પણ બેફામ ગાળો દેવા માટે પંકાયેલી હતી ઃ અમેરિકી પૂર્વ પ્રમુખો જ્હોન એફ કેનેડી હોય કે પછી ફ્રેકલિન રૂઝવેલ્ટ કે પછી બિલ ક્લિન્ટન તેમને પણ પત્નીના હાથનો મેથીપાક અને ગાળો ખાવા મળેલા જ છે, હિલેરીએ તો બિલ ક્લિન્ટનને પુસ્કત છુટ્ટું માર્યું હોવાના અહેવાલો છે 

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની વિયેતનામ મુલાકાત દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જેમાં તેઓ પ્લેનમાંથી ઉતરતા હતા તે પહેલા તેમના પત્ની તેમને લાફો મારતાં જોવા મળ્યા હતા. વાત એવી છે કે, તાજેતરમાં જ મેક્રોં પોતાની દક્ષિણ-પૂર્વ એશિયા ટૂરના ભાગરૂપે હનોઈમાં લેન્ડિંગ કરી રહ્યા હતાં. લેન્ડિંગ બાદ એરક્રાફ્ટનો દરવાજો જેવો ખૂલ્યો એવો જ મેક્રોંના પત્નીનો હાથ દેખાયો જે તેમને લાફો મારતા હોય તેમ દેખાતું હતું. આ ઘટના દરમિયાન દરવાજો અચાનક ખુલી જતાં મેક્રોં થોડા અસહજ થઈ ગયા હતા. કેમેરામાં કેદ થયેલી આ શોર્ટ મોમેન્ટ ઈન્ટરનેટ પર ચર્ચાનું કેન્દ્ર બની હતી. આ અંગે ફ્રાન્સના રાષ્ટ્રપતિભવનમાંથી સ્પષ્ટતાઓ અપાઈ પણ દુનિયાના મોઢે તો ઘટના જ વધારે ચર્ચામાં છે. 

નવાઈની વાત એ છે કે, મેક્રોં દુનિયાના પહેલા રાષ્ટ્ર પ્રમુખ નથી જેમને પત્નીએ માર માર્યો હોય અથવા તો તેમનું અપમાન કર્યું હોય. દુનિયાના એવા ઘણા પ્રમુખો છે જેમની પત્નીઓ અત્યંત ઝઘડાળુ અને કંકાસ કરનારી હતી. ઘણી ફર્સ્ટ લેડી એટલી હિંસક હતી કે પોતાના પતિ સાથે મારપીટ કરતી હતી અને જાહેરમાં અપમાન કરતી હતી. તેઓ પતિને કન્ટ્રોલ કરવા ઉપરાંત તેમના રાજકીય કાર્યો અને નિર્ણયો ઉપર પણ કાબુ કરવાનો પ્રયાસ કરતી હતી. ફ્રાન્સ જ નહીં અમેરિકાના પણ ઘણા પ્રમુખો એવા હતા જેમને પત્નીની ગાળો ખાવાથી માંડીને પત્નીના હાથનો લાફો ખાવાના પણ વારા આવ્યા હતા. 

ફ્રાન્સની જ વાત કરીએ તા ફ્રાન્સના પૂર્વ પ્રમુખ નિકોલસ સરકોઝી કે જેઓ ૨૦૦૭થી ૨૦૧૨ સુધી પ્રમુખપદે રહ્યા તેમનું લગ્નજીવન પણ જોખમી હતું. તેમની પત્ની સેસિલ સરકોઝી બેફામ બોલનારી, ઝઘડાખોર સ્વભાવ ધરાવતી અને પતિને સતત કન્ટ્રોલ કરવા મથતી સ્ત્રી તરીકે બદનામ હતી. અહેવાલો પ્રમાણે સરકોઝી પ્રમુખ બન્યાના થોડા મહિનામાં જ તેમના અને સેસિલના સંબંધોમાં તણાવ આવી ગયો હતો. સેસિલ ત્યારબાદ ઘણા દિવસો સુધી અલગ રહેવા લાગી હતી. ફ્રેન્ચ પ્રેસમાં તે સમયે છપાયેલા અહેવાલો જણાવે છે કે, એક મિટિંગમાં સેસિલ અને નિકોલસ વચ્ચે ઝઘડો થઈ ગયો અને ત્યાં સેસિલે જાહેરમાં નિકોલસને ચોપડાવી દીધું કે, તમારી સાથે લગ્ન કરવા તે મારી જિંદગીની સૌથી મોટી ભુલ છે. ઘણા અધિકારીઓ અને ડિપ્લોમેટે પણ નોંધ્યું હતું કે, સેસિલ કાયમ સરકોઝીના સરકારી કાર્યો અને નિર્ણયોમાં દખલ દેતી હતી. તે ઉપરાંત ઘણી વખત મિટિંગમાં એકાએક આવી જતી અથવા તો પહેલેથી જ હાજર રહેતી અને પોતાની વાત ન સ્વીકારવામાં આવે ત્યારે બરાડા પાડતી હતી. તેના કારણે જ ૨૦૦૭માં જ બંનેના છૂટાછેડા પણ થઈ ગયા હતા. ત્યારબાદ સરકોઝીએ જાણીતી સ્ટાર મોડલ કાર્લા બુ્રની સાથે લગ્ન કર્યા હતા. કાર્લા પણ એક દબંગ પત્ની હોવાના અહેવાલો જે-તે સમયના અધિકારીઓ અને લોકો પાસેથી જાણવા મળે છે.

તેની પહેલાંની વાત કરીએ તો ફ્રાન્સના અન્ય એક પ્રમુખ ફ્રાંસ્વા મિટરાંની પત્ની પણ માથાભારે હતી. ફ્રાંસ્વાની પત્ની ડેનિઅલ રાજકારણમાં ખૂબ જ એક્ટિવ હતી અને પતિને તથા તેમના કાર્યોને કન્ટ્રોલ કરતી હતી. તેણે ફ્રાંસ્વાના ઘણા રાજકીય નિર્ણયોમાં દખલ દીધી છે અને તેના માટે ઝઘડા પણ કર્યા છે. 

પતિના ઘણા નિર્ણયોનો તેણે છડેચોક વિરોધ પણ કર્યો છે. ફ્રાન્સના તત્કાલિન અધિકારીઓ અને ડિપ્લોમેટ્સે પણ જણાવ્યું હતું કે, ડેનિયલ ખૂબ જ માથાભારે હતી અને પતિના નિર્ણયોને જાહેરમાં વિરોધ કરતી અને પતિની ટીકા કરતી હતી. બંને વચ્ચે તેના કારણે ઘણી વખત જાહેરમાં ઝઘડા થતા હતા.

ફ્રાન્સના જ પ્રમુખો નહીં અમેરિકી પ્રમુખો પણ માથાભારે પત્નીઓથી પીડાતા હતા. અમેરિકી પૂર્વ પ્રમુખ જ્હોન એફ કેનેડીની વાત કરીએ તો તેમની પત્ની જેકલીન કેનેડી સાથેની તેમની જિંદગી તોફાની અને અનેક વિખવાદોથી ભરેલી હતી. કેનેડી પોતાના પ્રમુખ તરીકેના કાર્યકાળમાં અનેક યુવતીઓ સાથે અફેર કરતા હોવાની વાતો વહેતી થઈ હતી. 

તેમાં સૌથી વધારે ચર્ચિત અફેર મર્લિન મુનરો સાથેનું હતું. આ સ્કેન્ડલના કારણે જેકલિનને ખબર હતી કે કેનેડી ખૂબ જ રંગીન મિજાજી પુરુષ છે. તેના કારણે જ વ્હાઈટ હાઉસમાં ઘણી વખત ઝઘડા થતા હતા. બંને કેમેરાની સામે ખુશ અને શાંત દેખાતા હતા પણ તેમના સંબંધો ઝઘડા, અન્યાય, તણાવ અને વિશ્વાસઘાતનો માર સહન કરીને પરાણે ટકેલા હતા. 

કેનેડીની જેમ જ પ્રેસિડેન્ટ વુડરો વિલ્સન પણ રંગીન મિજાજી હોવાનું લોકો માનતા હતા. તેમની પત્ની એલન પોતાની જીદ અને ગુસ્સાના કારણે વ્હાઈટ હાઉસમાં પંકાયેલી હતી. વિલ્સન કોઈપણ મહિલા મિત્ર કે કર્મચારી સાથે વાતચીત કરે તો એલન તેમની સાથે ઝઘડી પડતી હતી. પ્રેસિડેન્ટના ેડ્રેસિંગ અને પબ્લિક એપિયરન્સ જેવી બાબતો પણ એલન દ્વારા જ નક્કી કરવામાં આવતી હતી. આ સિવાય ફ્રેકલિન રૂઝવેલ્ટ કે જેઓ ૧૯૩૩થી ૧૯૪૫ સુધી અમેરિકી પ્રમુખ રહ્યા અને ખાસ કરીને દબંગ પ્રમુખ તરીકે જાણીતા થયા તેમની સ્થિતિ પણ ઘરમાં તો ખરાબ જ હતી. તેમની પત્ની એલેનોર રૂઝવેલ્ટ ખૂબ જ ડોમિનેટિંગ અને માથાભારે ગણાતી હતી. પતિના અફેરના સમાચાર મળતાની સાથે જ તેમના સંબંધોમાં ઝઘડા ઘર કરી ગયા હતા. આ ઉપરાંત તે પોતાના પતિની કામગીરીમાં, વ્હાઈટ હાઉસના સ્ટાફની કામગીરીમાં અને કેબિનેટમાં પણ દખલ દેતી હતી. તેના કારણે પણ બંને વચ્ચે ઝઘડા થતા હતા. 

ફર્સ્ટ લેડીના આક્રમક સ્વભાવની વાત આવે તો તેમાં હિલેરી ક્લિન્ટનનું પણ નામ આવે છે. તેમને પણ દબંગ ફર્સ્ટ લેડી ગણવામાં આવતા હતા. ખાસ કરીને બિલ ક્લિન્ટન અને મોનિકા લેવિંસ્કીનું પ્રેમ પ્રકરણ અને સેક્સ સ્કેન્ડલ બહાર આવ્યું ત્યારબાદ બિલ અને હિલેરીના સંબંધો ઘણા વણસી ગયા હતા. એક અહેવાલ તો એવો છે કે, એક વખત વિવાદ દરમિયાન બિલને હિલેરીએ એક પુસ્તક છુટ્ટુ માર્યું હતું. આ ઉપરાંત તેઓ રાજકીય રીતે પણ બિલ ક્લિન્ટન ઉપર દબાણ કરતા હતા. એક પુસ્તકમાં પણ દાવો છે કે, તેમના રાજકીય દબાણ અને જોરના કારણે જ તેઓ અમેરિકાના વિદેશ મંત્રી અને ત્યારબાદ પ્રમુખપદના દાવેદાર બન્યા હતા. અમેરિકી પ્રમુખ રોનાલ્ડ રીગનની પત્ની નેન્સી રીગન પણ ઝઘડાખોર પત્ની હતી. તે જ્યોતિષિયો અને ગુપ્ત સલાહકારો દ્વારા સ્થિતિનો તાગ મેળવતી અને નિર્ણયો ઉપર પણ અસર ઉપજાવતી હતી. પ્રમુખના અંગત નિર્ણયો ઉપર પણ તેની વોચ રહેતી અને તેને ઘણી વખત બદલવા માટે દબાણ કરવામાં આવતું હતું. તે વ્હાઈટ હાઉસના સ્ટાફ ઉપર પણ ખૂબ જ ગુસ્સો કરતી અને બુમ-બરાડા પાડતી હતી.

અમેરિકાના મહાન પ્રમુખ અબ્રાહમ લિંકનને તો તેમની પત્ની માર મારતી હતી 

અમેરિકાના મહાન રાષ્ટ્રપતિઓમાં જેમનું નામ શીરમોર છે તેવા અબ્રાહમ લિંકન પણ પત્નીથી પીડિત હતા. તેમની પત્ની પણ ખૂબ જ ઉગ્ર સ્વભાવની અને ઝઘડાખોર હતી. તે ઘણી વખત લિંકન ઉપર હાથ ઉપાડતી હતી. લિંકનની જીવનકથાઓમાં આ વાતનો ઉલ્લેખ આવે છે. મેરી ટોડ નામની તેમની પત્ની ઘણી વખત ગુસ્સામાં એટલી ઉગ્ર થઈ જતી કે, તેમને ગાળો ભાંડતી અને હાથમાં જે વસ્તુ આવે તે ફેંકીને મારતી હતી. મેરી ટોડ ખૂબ જ પ્રભાવશાળી અને જિદ્દી મહિલા હતી. લિંકનની નબળાઈઓ અને સહજ સ્વભાવના કારણે તે ગુસ્સે થઈ જતી હતી. તે લિંકન ઉપર હાથ ઉઠાવતી હતી. લિંકનના વખાણ કરનારા વ્હાઈટ હાઉસના સ્ટાફને પણ નોકરીમાંથી હાંકી કાઢતી. એક વખત લિંકન એક પાર્ટીમાં મહિલા મિત્ર સાથે થોડો વધારે સમય વાતો કરતા દેખાયા તો તેણે પાર્ટીમાં જ ઝઘડો શરૂ કરી દીધો અને તેમને જાહેરમાં અભદ્ર શબ્દો કહ્યા. 

મેરી સાથે ઝઘડા ઘણી વખત ઉગ્ર થઈ જતા તો અડધી રાત્રે પણ લિંકન ઘરેથી બહાર નીકળી જતા. ઘણી વખત પડોશીઓ પાસે પણ આ મુદ્દે મદદ માગતા હોવાના અહેવાલો છે. 

એક અહેવાલ એવું જણાવે છે કે, મેરી મૂડ સ્વિંગ અને હિંસક ગુસ્સાનો શિકાર હતી. એક વખત લિંકન કોઈ મહિલા મિત્રને મળીને આવ્યા અને મેરીને ખબર પડી તો તેણે પાસે પડેલું ફાનસ ઉચકીને લિંકનને છુટ્ટું માર્યું હતું. 

રોબર્ટ મુગાબેની પત્નીએ તો તેમની વિરુદ્ધ ષડયંત્ર રચ્યા હતા 

અમેરિકી અને ફ્રાન્સના જ પ્રમુખ નહીં, આ યાદીમાં ઝિમ્બામ્વેના પ્રમુખનું પણ નામ આવે છે જે પોતાની પત્નીથી પરેશાન હતા. એવું કહેવાય છે કે, ઝિમ્બામ્વેના રાષ્ટ્રપ્રમુખ રાબર્ટ મુગાબેની બીજી પત્ની ગ્રેસ મુગાબે ખૂબ જ આક્રમક સ્વભાવની અને વિરોધીઓને સાઈડલાઈન કરવામાં હોશિયાર હતી. ગ્રેસ ઘણી રાજકીય કામગીરીના કારણે ચર્ચામાં પણ રહેલી હતી. અહેવાલો જણાવે છે કે, ૨૦૧૭માં મુગાબેને જ સત્તા ઉપરથી દૂર કરવા માટે ગ્રેેસે ષડયંત્ર કર્યું હતું. જાણકારોના મતે તેણે ઘણા કાવતરા કર્યા અને આખરે સ્થિતિ એવી જ આવી કે સત્તાના સંઘર્ષમાં ગ્રેસનો જ પરાજય થયો હતો. બીજી તરફ ફ્રાન્સના મહાન સૈન્યવડા અને સમ્રાટ નેપોલિયનનું નામ પણ આમાં આવે છે. તેમની પત્ની ખૂબજ લંપટ અને રંગીન મીજાજી સ્ત્રી હતી. તેના અનેક યુવાનો સાથે અફેર હતા. નેપોલિયન જ્યારે પણ જંગમાં જતો ત્યારે તે બેફામ ધન સંપત્તી ઉડાડવતી અને પોતાના પ્રેમીઓ સાથે મોજમજા કરતી. નેપોલિયન યુદ્ધમાંથી પાછો આવે ત્યારે તેને ખબર પડતી કે તેની પત્ની વધુ એક યુવાનના પ્રેમમાં પડી છે. તેના કારણે બંને વચ્ચે ખૂબ જ ઝઘડા પણ થતા હતા અને વિખવાદ ઘણો લાંબો ચાલ્યો હતો.

Tags :