- આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જે રીતે સક્ષમ થઈ રહ્યું છે તે એક દાયકામાં માણસથી પણ વધારે વિચારતી અને કામ કરતી સિસ્ટમ બની જશે
- મેડિકલ ક્ષેત્રમાં પણ એઆઈ પોતાની સત્તા જમાવતું જાય છે. માણસો કરતા વધારે ચોકસાઈ અને ઉંડાણપૂર્વક તે મેડિકલ કન્ડિશનની તપાસ કરે છે. તેના આધારે બિમારીનું કારણ અને તેની સારવાર વિશે વધુ ચોકસાઈથી માહિતી આપે છે. તેવી જ રીતે શિક્ષકોની સરખામણીએ એઆઈ દ્વારા જે વિગતો રજૂ કરાય છે તેમાં વિદ્યાર્થીઓને ભણવામાં વધારે રસ પડી રહ્યો છે : વિદ્યાર્થીઓ દ્વારા પણ પોતાના અભ્યાસ, પ્રોજેક્ટ અને અન્ય કામગીરી માટે ચેટજીપીટી અથવા તો બીજા એઆઈ ટુલ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવા ટુલ્સ ગણતરીના સેકન્ડોમાં જવાબ આપી દેતા હોવાથી વિદ્યાર્થીઓ જવાબ શોધવાનો પ્રયાસ પણ કરતા નથી. તેનાથી તેમની તર્કશક્તિ કુંઠિત થઈ રહી છે : માણસે સમજવું પડશે કે કુદરતી જે બુદ્ધિ આપી છે તેના દ્વારા કૃત્રિમ બુદ્ધિનો વિકાસ કરી શકાય તેમ છે પણ કૃત્રિમ બુદ્ધિ ક્યારેય કુદરતી બુદ્ધિનો વિકાસ કરી શકે તેમ નથી. તેના કારણે જ ગમે તેવી ટેક્નોલોજી હોય તેનો મર્યાદિત અને નિરિક્ષણ સાથે ઉપયોગ થાય તે જરૂરી છે
દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વપરાશ અતિશય વધ્યો છે. દરેક નાની નાની બાબતમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એવું કહેવાય છે કે, નાનકડી વસ્તુ બનાવવી છે કે, બાળકોને હોમવર્ક કરવું છે ત્યાંથી શરૂ કરીને યુદ્ધનું આયોજન, મિસાઈલ હુમલા અને અંતરીક્ષમાં કામગીરી માટે પણ એઆઈનો ઉપયોગ થવા લાગ્યો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે જે રીતે રોજિંદા જીવનમાં પગપેસારો કર્યો છે તેના કારણે કામ તો સરળ થઈ ગયા છે પણ બીજી તરફ માનવજાત માટે જ મુશ્કેલી ઊભી થઈ રહી છે. તેના કામની સચોટતા અને ઝડપ તથા અતિશય વિકસિત તર્કબુદ્ધિને પગલે માણસોના વિકલ્પ તરીકે તેનો ઉપયોગ થવા લાગ્યો છે જે ચિંતાનજક છે.
જાણકારો માને છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો અનિયંત્રીત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેને સતત વિકસિત કરવા માટે પણ પ્રયાસ કરાઈ રહ્યા છે. જે રીતે એઆઈ વિકસિત થઈ રહ્યું છે તે જોતાં લાગે છે કે, આગામી દાયકામાં એઆઈની વિચારક્ષમતા માણસો કરતા અનેકગણી વધારે થઈ જશે. એક તરફ તે માણસો માટે જોખમી અને જીવલેણ બિમારીઓની સારવાર શોધી આપશે જ્યારે બીજી તરફ તે માણસોને જ વિકલ્પ તરીકે દૂર કરવા લાગશે.
એક સમય હતો જ્યારે આપણે મશીનનો ઉપયોગ માણસના વિકલ્પ તરીકે શરૂ કર્યો હતો પણ ધીમે ધીમે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હવે માણસને વિકલ્પ બનાવીને મુકી દેશે.
માણસોએ મશીનનો વિકાસ જ પોતાનું કામ સરળ બનાવવા માટે અને ઓછા સમયમાં વધારે કામ પૂરું કરવા માટે કર્યો હતો. મશીનો દ્વારા ચોકસાઈથી કામ કરી શકાય તેના માટે તેનો વિકાસ કરાયો હતો. માણસોએ પોતાની જિંદગી સરળ અને આનંદિત કરવા માટે મશિન વિકસાવ્યા પણ ત્યારે ક્યારેય વિચાર્યું નહીં હોય કે આ જ મશીનોે હવે માણસનું સ્થાન લઈને તેની જિંદગી ખરાબ કરી શકે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માણસોના અસ્તિત્વ સામે જ સવાલ ઊભો કરી દેશે અને તેના અસ્તિત્વને જ પડકારશે. માણસ જ્યાં સુધી કુદરત સાથે સાયુજ્ય સાધીને કામ કરતો હતો ત્યાં સુધી જીવન ખુશીઓથી ભરેલું હતું. જેમ જેમ ટેક્નોલોજીનો વિકાસ થવા લાગ્યો તેમ તેમ પ્રકૃતિના નિયમો તોડતો ગયો અને હવે એક આભાસી વિશ્વમાં અટવાતો ગયો છે. તેના કારણે હવે સમાજ સામે નૈતિક, સામાજિક, આર્થિક જોખમો ઊભા થઈ ગયા છે.
તાજેતરમાં નોબલ પુરસ્કૃત એક વૈજ્ઞાાનિકે તર્ક આપ્યો હતો કે જેમ જેમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ વધ્યો છે અને વિકાસની શક્યતાઓ વધી છે તેની સાથે સાથે તેના જોખમો પણ એટલા જ વધ્યા છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વિકાસમાં ઘણા દેશો અને કંપનીઓ દ્વારા સુરક્ષાના નિયમો અને માપદંડોને નેવે મુકી દેવાયા છે. જાણકારો માને છે કે, તેના કારણે સ્થિતિ એવી આવી છે કે, હવે આ ટેક્નોલોજી માનવતાના વિનાશની દિશામાં આગળ વધી રહી છે અથવા તો તેના માટે કારણભૂત બની રહેશે. જ્યાં સુધી એઆઈ સિસ્ટમમાં નૈતિકતા અને માનવતાની વાતો નહીં આવે ત્યાં સુધી એઆઈ કૃત્રિમ રીતે જ વિચાર કરશે. હકિકતે હાલમાં એવા એઆઈની જરૂર છે જે વિકસિત હોય, બુદ્ધિમાન હોય, તર્ક કરી શકે અને સંવેદના સાથે જવાબદારી નિભાવી શકે.
સંશોધકો માને છે કે, આ દાયકાના અંત સુધીમાં જ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ચાલતા મશીનો અને અન્ય ટેક્નોલોજી એવી આવી જશે જેમાં માણસોની ક્ષમતા કરતા અત્યંત વધારે બુદ્ધિ, તર્ક ક્ષમતા અને કાર્યક્ષમતા હશે.
આ ટેક્નોલોજી એવી હશે જે આપણી આસપાસની દુનિયાને જોશે, જાણશે અને સમજશે. તે આપણા રોજિંદા જીવનનો ભાગ બનીને તેમાં હળીમળી જશે. આગામી એક દાયકામાં તે માણસોને થતી જીવલેણ બીમારીઓને પણ દૂર કરવાની પદ્ધતિઓ અને સારવાર લાવી દેશે. સૌથી પહેલાં વિચાર એ આવે કે ભૂતકાળમાં માણસ પાસે ટેક્નોલોજી નહોતી અને તે કુદરતના ખોળે હતો ત્યારે બિમારીઓ નહોતી. મશીનો અને ટેક્નોલોજીની શોધ અને અતિશય ઉપયોગ બાદ વિવિધ બિમારીઓ વધી છે. આ સંજોગોમાં ખરેખર આપણે બિમારીનું કારણ ઓછું કરવું જોઈએ કે તેને એડવાન્સ બનાવવું જોઈએ.
બીજી વાત એવી પણ છે કે, મશીનોનું પ્રભુત્વ હવે વધી રહ્યું છે. એક સમય હતો જ્યારે માણસો મુખ્ય ભૂમિકામાં હતા અને મશીનો તેમની મદદ માટે વિકસિત કરવામાં આવ્યા હતા. માણસો દ્વારા મશીનોનો ઉપયોગ કરાતો હતો. હવે સ્થિતિ એવી થઈ છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા બનાવાયેલા મશીનો મુખ્ય ભૂમિકામાં આવવા લાગ્યા છે. હવે માણસો માત્ર મદદગાર બની રહ્યા છે. તેની અસર એ થઈ રહી છે કે, માણસોના શરીર અને મગજ બંને શિથિલ થઈ રહ્યા છે. તેના કારણે લોકો જાતભાતની લાઈફસ્ટાઈલ બિમારીઓનો ભોગ બની રહ્યા છે.
એક અહેવાલ જણાવે છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું પ્રભુત્વ જે રીતે વધી રહ્યું છે તેના કારણે ૨૦૩૦ સુધીમાં ૧ કરોડ નોકરીઓ જતી રહેશે. એઆઈ હાલમાં માણસો કરતા વધારે કુશળતાથી કામ કરે છે તેથી આગામી સમયમાં તેનો વ્યાપક ઉપયોગ થશે. તેના કારણે સ્થિતિ એવી થશે કે સમાજમાં નવી સ્થિતિનું નિર્માણ થશે. જે લોકોને રોજગાર જોઈએ છે તેમને બૌદ્ધિકતા ખૂબ જ વ્યાપક રીતે વિકસાવવી પડશે. આગામી સમયમાં સમાજમાં શ્રેષ્ઠ બૌદ્ધિક ક્ષમતા ધરાવતા અને ઓછી બૌદ્ધિક ક્ષમતા ધરાવતા લોકો એવા બે ભાગ થઈ જશે. મશીનો વધારે ચોકસાઈથી કામ કરતી હોય છે કે જાણકારો માણસોના બદલે મશીનો ઉપર વધારે વિશ્વાસ કરે છે. તેના કારણે જ આગામી સમયમાં મશીનોને વધુ ચોકસાઈથી ચલાવવાનું કૌશલ્ય ધરાવતા લોકો પાસે જ યોગ્ય અવસરો હશે.
આ ઉપરાંત એવું કહેવામાં આવે છે કે, મેડિકલ ક્ષેત્રમાં પણ એઆઈ પોતાની સત્તા જમાવતું જાય છે. માણસો કરતા વધારે ચોકસાઈ અને ઉંડાણપૂર્વક તે મેડિકલ કન્ડિશનની તપાસ કરે છે, વિવિધ રિપોર્ટ્સ બનાવે છે અથવા તો તેની ચકાસણી કરે છે. તેના આધારે બીમારીનું કારણ અને તેની સારવાર વિશે વધુ ચોકસાઈથી માહિતી આપે છે. તેવી જ રીતે શિક્ષકોની સરખામણીએ એઆઈ દ્વારા જે વિગતો રજૂ કરાય છે તેમાં વિદ્યાર્થીઓને ભણવામાં વધારે રસ પડી રહ્યો છે. આ સિવાય ફિટનેસ, સ્પોર્ટ્સ ટ્રેનિંગ, ફેશન, કાઉન્સેલિંગ અને બીજા ઘણા ક્ષેત્રોમાં એઆઈ દ્વારા પ્રભુત્વ જમાવવામાં આવી રહ્યું છે. યુવાનોને એવું જ લાગી રહ્યું છે કે, તેમને માણસોની જરૂર જ નથી. એઆઈ દ્વારા તેમની તમામ ઈચ્છાઓ પૂરી થઈ રહી છે.
ચિંતાજનક બાબત એ છે કે, યુવા પેઢીની અલગ રીતે વિચારવાની અને ક્રિયેટિવ કામ કરવાની ક્ષમતાને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ખૂબ જ નુકસાન પહોંચાડી રહ્યું છે.
યુવાનો પોતાના કોઈપણ કામ વિચારીને કરવાના બદલે એઆઈની મદદથી કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. તેના કારણે લખવા, વાંચવા, સર્જન કરવા માટે જે વિચારવાની જરૂર પડે તે હવે થતી નથી. વિદ્યાર્થીઓ દ્વારા પણ પોતાના અભ્યાસ, પ્રોજેક્ટ અને અન્ય કામગીરી માટે ચેટજીપીટી અથવા તો બીજા એઆઈ ટુલ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવા ટુલ્સ ગણતરીના સેકન્ડોમાં જવાબ આપી દેતા હોવાથી વિદ્યાર્થીઓ પણ ખાસ વિચાર કરતા નથી કે જવાબ શોધવાનો પ્રયાસ પણ કરતા નથી.
આ ટુલ્સ જવાબ પસંદ ન આવે તો અન્ય વિકલ્પો પણ આપે છે. પ્રશ્ન એ થાય છે કે, કોઈપણ એઆઈ ટુલ્સ દ્વારા અપાતા જવાબો કે સલાહ-સુચનો ખરેખર સંપૂર્ણ સાચા અને વિશ્વાસપાત્ર હોય છે. આખરે તે એક મશીન છે અને તે પણ માણસો દ્વારા બનાવવામાં આવેલું. મશીનો ઉપર ખરેખર કેટલો વિશ્વાસ કરી શકાય અને કેટલો નહીં.
- એઆઈની કાર્યક્ષમતા નહીં પણ માણસની બદ્ધિક્ષમતાનો વિકાસ થવો જરૂરી
જાણકારો માને છે કે, આઈએનો ઉપયોગ વ્યાપક રીતે થઈ રહ્યો છે તે એક રીતે ફાયદો કરાવે છે પણ માનવ ઉત્ક્રાંતિના પરીપ્રેક્ષ્યમાં વિચારીએ તો તે વધારે નુકસાન કરી રહ્યું છે.
વિજ્ઞાાન કે ચિકિત્સા જગતમાં તેનો ઉપયોગ વધારે કારગર સાબિત થઈ રહ્યો હોય પણ અભ્યાસ અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં તેના દુષ્પ્રભાવ વધારે દેખાઈ રહ્યા છે.
અભ્યાસમાં તેનો સતત ઉપયોગ બાળકોને કેપ્ટિવ માઈન્ડમાં પરિવર્તિત કરી રહ્યા છે. તેવી જ રીતે કિશોરો અને યુવાનોની પણ સર્જન ક્ષમતા ધીમે ધીમે નષ્ટ થઈ રહી છે અથવા તો ઓછી થઈ રહી છે.
બાળકો દ્વારા કે કિશોરો અને યુવાનો દ્વારા પોતાના અભ્યાસ માટે, પ્રોજેક્ટ માટે, પરીક્ષાની તૈયારીઓ માટે, કોઈપણ લેખન કાર્ય માટે સીધો જ એઆઈનો ઉપયોગ કરવામાં આવે છે. તેના કારણે ઓછા સમયમાં વધારે કુશળતાથી કામગીરી પૂરી થઈ જાય છે.
એક રીતે જોઈએ તો તેમના સમયનો બચાવ થાય છે પણ સાથે સાથે તેમની વિશ્લેષણની ક્ષમતા અને તર્કશક્તિ ઘટી રહ્યા છે. બીજી બાબત એવી છે કે, તેઓ જે સમયનો બચાવ થાય છે તેનો ઉપયોગ નવી બાબત શીખવામાં કે કૌશલ્ય વિકાસ કરવાના બદલે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવામાં, રીલ્સ બનાવવામાં કે પછી ઓનલાઈન ગેમ્સ રમવામાં પસાર કરે છે. તેના કારણે ઘણા કિસ્સામાં તેઓ ગુનાખોરમાં પણ અટવાઈ જતા હોય છે. આ સિવાય તેઓ સતત સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના વળગણને પગલે શારીરિક અને માનસિક બીમારીઓનો ભોગ બનતા હોય છે.
બીજી તરફ એઆઈના કારણે લોકોની વ્યક્તિગત માહિતીઓ પણ સરળતાથી જાહેર થઈ જાય છે. તેના કારણે તેનો દૂરુપયોગ થવાના કિસ્સા અતિશય વધી ગયા છે. આ તમામ બાબતો વચ્ચે માણસે સમજવું પડશે કે કુદરતી જે બુદ્ધિ આપી છે તેના દ્વારા કૃત્રિમ બુદ્ધિનો વિકાસ કરી શકાય તેમ છે પણ કૃત્રિમ બુદ્ધિ ક્યારેય કુદરતી બુદ્ધિનો વિકાસ કરી શકે તેમ નથી. તેના કારણે જ ગમે તેવી ટેક્નોલોજી હોય તેનો મર્યાદિત અને નિરિક્ષણ સાથે ઉપયોગ થાય તે જરૂરી છે.


